મત્સ્યન્યાય : રાજ્ય અથવા શાસક (રાજા) ન હોય ત્યારે જે પરિસ્થિતિ પ્રવર્તતી હોય તે દર્શાવવા માટે ભારતીય પ્રાચીન ચિંતનમાં થતો શબ્દપ્રયોગ. તેનો અર્થ છે, મોટી માછલી નાની માછલીને ગળી જાય એવી પરિસ્થિતિ. તેને મત્સ્યગલાગલ કહે છે. ‘બળિયાના બે ભાગ’ અથવા ‘મારે તેની તલવાર’ અથવા ‘શેરને માથે સવા શેર’ જેવી ગુજરાતી ભાષાની લોકોક્તિઓ પણ આવા પ્રકારની પરિસ્થિતિનું સૂચન કરે છે.

મહાભારતના ‘શાંતિપર્વ’માં આવી અરાજક અથવા ‘મત્સ્યન્યાય’ની પરિસ્થિતિનું વર્ણન કરવામાં આવ્યું છે :

‘‘પૂર્વે અરાજક પરિસ્થિતિમાં મોટાં માછલાં જેમ નાનાં માછલાંનું ભક્ષણ કરે તેમ બળવાન લોકોએ નિર્બળ લોકોનો નાશ કર્યો હતો. ત્યારપછી બધા લોકોએ ભેગા મળી એવા નિયમો ઘડ્યા કે આપણા માંહેનો જે માણસ કઠોર વાણી ઉચ્ચારે, બીજા લોકો સાથે મારામારી કરે, પરસ્ત્રીગમન કરે, અથવા બીજા લોકોના દ્રવ્યની ચોરી કરે તેને દેશનિકાલ કરવો. પણ આ નિયમોનું પાલન કરાવનાર કોઈ શક્તિશાળી, ચઢિયાતો સત્તાધારક નહિ હોવાથી લોકોએ નિયમોનું પાલન ન કર્યું. તેથી ‘મત્સ્યન્યાય’ જેવી દુ:ખદાયક પરિસ્થિતિ ચાલુ રહી. છેવટે આ અસહ્ય, દુ:ખદાયક સ્થિતિના નિવારણ માટે સૌ લોકો ભેગા થઈને બ્રહ્મા પાસે ગયા અને વિનંતી કરી કે, ‘રાજા વિના અમારો નાશ થાય છે; માટે અમને એક રાજા આપો, જે અમને આ સ્થિતિમાંથી ઉગારે અને અમારું રક્ષણ કરે.’ બ્રહ્માએ મનુને રાજા થવાની આજ્ઞા આપી. પણ મનુએ આનાકાની કરતાં જણાવ્યું કે ‘મનુષ્યો પર રાજ્ય કરવું એ અતિશય કપરું કાર્ય છે. ઉપરાંત, એમનાં દુષ્ટકૃત્યોના પાપનો મને ભય લાગે છે.’

લોકોએ મનુને ખાતરી આપી કે અમારા પૈકી જે પાપ કરશે, તેનું ફળ તેના કર્તાને જ ભોગવવું પડશે. ઉપરાંત અમે શાસનકાર્ય ચલાવવા માટે તમને કર પણ આપીશું. આમ, ‘મત્સ્યન્યાય’ની પરિસ્થિતિનો અંત આવ્યો અને મનુ મનુષ્યોના રાજા અથવા શાસક તરીકે સ્થાપિત થયા.’’

મહાભારતના ‘શાંતિપર્વ’માં જ મત્સ્યન્યાય જેવી પરિસ્થિતિનો જરા જુદી રીતે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એમાં રાજ્યની સ્થાપના પૂર્વે સત્યુગ પ્રવર્તતો હતો, એવી કલ્પના રજૂ કરવામાં આવી છે. તે સમયે સત્યુગમાં રાજ્ય ન હતું, રાજા ન હતો, દંડ ન હતો, દંડને પાત્ર કોઈ મનુષ્ય પણ ન હતો. સૌ પોતપોતાના ધર્મોનું પાલન કરીને એકબીજાનું રક્ષણ કરતા હતા, પણ એ રીતે રક્ષણ કરવામાં ઘણો પરિશ્રમ પડવા લાગ્યો. પછી લોકોમાં મોહ દાખલ થયો, એમાંથી જ્ઞાનલોપ થયો, તેનાથી ધર્મનો નાશ થયો. આ બધાંને પરિણામે ‘મત્સ્યન્યાય’ જેવી પરિસ્થિતિ ઊભી થઈ. છેવટે અહીં પણ એવો ઉલ્લેખ છે કે લોકો બ્રહ્મા પાસે ગયા અને બ્રહ્માએ પોતાની બુદ્ધિશક્તિથી એક લાખ શ્લોકોનું નીતિશાસ્ત્ર રચ્યું. બ્રહ્માએ જણાવ્યું કે આ નીતિશાસ્ત્ર દંડનો ઉપયોગ કરીને સર્વ લોકોનું રક્ષણ કરનારું હોવાથી તે ‘દંડનીતિ’ તરીકે ઓળખાશે.

પશ્ચિમી તત્વચિંતનમાં મહત્વનો ફાળો આપનારા સામાજિક કરારના સિદ્ધાંતકારો – ટૉમસ હૉબ્ઝ, જૉન લૉક અને ઝાં ઝાક રૂસોનાં લખાણોમાં પણ સાર્વભૌમ સત્તાધીશ અથવા રાજ્યની રચના થઈ એ પૂર્વેની પરિસ્થિતિ, જેને તેમણે ‘કુદરતી અવસ્થા’ (‘સ્ટેટ ઑવ્ નેચર’) તરીકે વર્ણવી છે, એના ઉલ્લેખો મળે છે. આ ત્રણેય ચિંતકો પૈકી ટૉમસ હૉબ્ઝે જે ‘કુદરતી અવસ્થા’નું વર્ણન કર્યું છે, તે મત્સ્યન્યાયની સ્થિતિને આબેહૂબ મળતું આવે છે. જ્યાં દરેકેદરેક માણસ પોતાનું રક્ષણ કરવા માટે વધુ ને વધુ પ્રમાણમાં શક્તિ અથવા બળ મેળવવાની સ્પર્ધા કરતો હોય; કારણ કે બળ કે શક્તિ વિના પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવું અશક્ય હોય, એવી પરિસ્થિતિમાં બધા જ ભય અને સતત અસલામતીના ઓથાર હેઠળ જીવતા હોવાના. જો સૌનું રક્ષણ કરી, સૌને સલામતી બક્ષી શકે એવી સર્વોપરી સત્તાનો કોઈ અંકુશ ન હોય તો લોકોનું જીવન કેવું હોય એનું તાર્દશ વર્ણન એણે રાજ્ય અથવા સમાજ અસ્તિત્વમાં આવ્યો એ પહેલાંની પરિસ્થિતિ – કુદરતી અવસ્થા- રજૂ કરીને કર્યું છે.

‘આ પરિસ્થિતિમાં કોઈ ઉદ્યમ કરશે જ નહિ, કારણ કે એનું શું ફળ આવશે એની કોઈને ખાતરી નહિ હોય. કોઈ જમીન ખેડશે નહિ, કોઈ વહાણવટું કરશે નહિ, દરિયાપારથી વસ્તુઓની આયાત થશે નહિ. સમયની કોઈ ગણતરી નહિ હોય, કળા-સાહિત્ય નહિ હોય, સમાજ નહિ હોય, હેરફેરનાં સાધનો નહિ હોય અને સૌથી ખરાબ તો, હિંસક મૃત્યુનો ભય હર પળે, સૌને માથે તોળાતો હશે અને માણસનું જીવન એકાકી, ગરીબડું, અત્યંત ત્રાસદાયક, પાશવી અને ટૂંકું હશે.’

‘મત્સ્યન્યાય’ અથવા ‘કુદરતી અવસ્થા’ જેવી પરિસ્થિતિ પ્રાચીન ભૂતકાળમાં ખરેખર ક્યારેય અસ્તિત્વ ધરાવતી હશે કે કેમ એ કહેવું શક્ય નથી. હકીકતમાં તો ઇતિહાસ અને માનવવંશશાસ્ત્ર જણાવે છે કે માણસ શરૂઆતથી જ કોઈ ને કોઈ પ્રકારનું સામૂહિક જીવન જીવતો આવ્યો છે. તો, સહેજે પ્રશ્ન થાય કે ‘મત્સ્યન્યાય’ જેવી સ્થિતિનાં વર્ણનોનું તાત્પર્ય શું ?

રાજકીય તત્વચિંતનના અભ્યાસીઓએ એનો ખુલાસો આપવાનો પ્રયાસ કર્યો છે :

એક તો, રાજા અથવા રાજ્યની અનિવાર્યતા સ્થાપિત કરવા માટે આવી તાર્કિક કલ્પના જરૂરી છે. જો રાજા અથવા કોઈ સર્વોપરી સત્તાનો અંકુશ ન હોય તો માણસોનું જીવન કેવું દુ:ખદ હોય એનો ખ્યાલ આપવા માટે આવું વર્ણન જરૂરી છે. બીજું રાજ્યની ઉત્પત્તિ સમજાવતા સિદ્ધાંતો બળનો સિદ્ધાંત, દૈવી ઉત્પત્તિનો સિદ્ધાંત અને સામાજિક કરારનો સિદ્ધાંત–આ ત્રણેના સિદ્ધાંતકારોએ રાજ્ય પૂર્વેની પરિસ્થિતિ કેવી હતી, એ દર્શાવવા માટે આવી કલ્પનાનો ઉપયોગ કર્યો છે. ત્રીજું, રાજકીય આજ્ઞાધીનતા(રાજ્યને શા માટે તાબે થવું જોઈએ)ના સિદ્ધાંતના પ્રતિપાદન માટે પણ આવી સ્થિતિનું વર્ણન જરૂરી છે.

‘મત્સ્યન્યાય’ અથવા ‘કુદરતી અવસ્થા’માં જે પરિસ્થિતિનું વર્ણન કરવામાં આવ્યું છે, તેનું રાજ્યની ઉત્પત્તિ સંબંધી સિદ્ધાંતોના પ્રતિપાદનમાં મહત્વ ઓછું નથી.

દિનેશ શુક્લ