મત્તવિલાસપ્રહસનમ્ : સંસ્કૃતમાં મહેન્દ્રવિક્રમે રચેલું પ્રહસન પ્રકારનું રૂપક. એમાં થયેલા ઉલ્લેખ મુજબ પલ્લવ વંશના રાજા સિંહવિષ્ણુવર્માના પુત્ર મહેન્દ્રવિક્રમવર્મા (પ્રથમ) આ પ્રહસનના લેખક છે. સિંહવિષ્ણુવર્મા સમય 575થી 6૦૦ સુધીનો મનાય છે. વિવિધ શિલાલેખોના પરીક્ષણથી મહેન્દ્રવિક્રમ રાજાનાં ‘ગુણભર’, ‘શત્રુમલ્લ’, ‘મત્તવિલાસ’, ‘અવનિભંજન’ વગેરે ઉપનામો મળી આવે છે; જેનો ઉલ્લેખ આ પ્રહસનમાં થયેલો છે. શ્રી ગણપતિ શાસ્ત્રીએ તેમનો સમય 6૦9 સ્વીકારીને તેમને ચાલુક્ય વંશના રાજા પુલકેશી(બીજા)ના સમકાલીન માન્યા છે. પુલકેશી(બીજા)નો સમય 6૦9થી 642 મનાય છે. તેથી તેમનો સમય 6૦૦થી 65૦ નિશ્ચિત કરી શકાય. વળી મહેન્દ્રવિક્રમવર્મા મૃત્યુ પછી તેમનો પુત્ર નરસિંહવર્મા (પ્રથમ) ઉત્તરાધિકારી બન્યો. તેણે 63૦થી 668 સુધી શાસન કર્યું, તેથી મહેન્દ્રવિક્રમવર્મા સમય 6૦૦થી 63૦ મનાય છે.
મહાકવિ મહેન્દ્રવિક્રમ સિંહવિષ્ણુના પુત્ર હતા. તેઓ શરૂઆતમાં જૈન હતા; પરંતુ થોડા સમય બાદ તેમણે શૈવ ધર્મનો સ્વીકાર કર્યો. તેમની રાજધાની કાંચીપુરી હતી. તેઓ સુયોગ્ય શાસક અને મંદિરોના નિર્માતા હતા. તેમણે શિવ તથા બ્રહ્માનાં મંદિરો બંધાવ્યાં હતાં. તેઓ પ્રભાવશાળી રાજા તથા ઉચ્ચ કોટિના વિદ્વાન હતા. તેઓ સંસ્કૃત સાહિત્યના મર્મજ્ઞ તથા સફળ કવિ હતા. તેઓ સંગીતજ્ઞ હતા. તેમણે એક સંગીતનો ગ્રંથ રચ્યો હતો; પણ તે ઉપલબ્ધ નથી. તેમનો એકમાત્ર ઉપલબ્ધ ગ્રંથ ‘મત્તવિલાસપ્રહસનમ્’ છે.
આ પ્રહસનનું કથાનક આ પ્રમાણે છે : દેવસોમા નામની યુવતીની સાથે કોઈ કાપાલિક શરાબના નશામાં મસ્ત થઈને ફરીથી કાંચીપુરીના સુરાલયમાં મદિરા પીવા જાય છે. તે વખતે પોતાનું કપાલ ક્યાંક ભૂલી જાય છે. માંસ ચોંટી રહેવાને લીધે કોઈ કૂતરો અથવા કોઈ બૌદ્ધ સંન્યાસી લઈ ગયાનું તે અનુમાન કરે છે. તેને શોધવા માટે આખા નગરમાં તે ફરે છે. એક શાક્યભિક્ષુ નામના ઢોંગી બૌદ્ધ સંન્યાસીના હાથમાં વસ્ત્રમાં લપેટેલું પાત્ર જુએ છે. તેને ચોર માનીને તેની સાથે ઝઘડો કરે છે. અન્ય કોઈ રસ્તો ન હોવાથી અંતે કાપાલિક પોતાના ઝઘડાનો નિર્ણય કરાવવા માટે પાશુપતની મદદ મેળવે છે. દરમિયાન કૂતરા પાસેથી કપાલ પડાવી લેનાર કોઈ ઉન્મત્તક કપાલ સાથે અનાયાસ આવી ચડે છે.
આ પ્રહસનમાં ફક્ત આટલા કથાનકને હાસ્યરસનો પુટ આપીને અત્યંત માર્મિક તેમજ મનોહર શૈલીમાં પ્રસ્તુત કર્યું છે. પ્રાચીન પરંપરા મુજબ એક જ અંકમાં તે રચાયેલું છે. એનું કલેવર નાનું છે, પણ તે પોતાની રીતે પરિપૂર્ણ છે.
મહેન્દ્રવિક્રમ પોતાની કલાપ્રિયતા, પ્રશાસનિક યોગ્યતા તથા વિદ્વત્તા માટે જાણીતા હતા. તેમના આ પ્રહસનમાં તત્કાલીન પ્રચલિત બૌદ્ધ, જૈન, કાપાલિક તથા પાશુપત (શૈવ) જેવા સાંપ્રદાયિકોના સાચા સ્વરૂપને પ્રગટ કરવામાં અત્યંત સફળ થયા છે. આ પ્રહસનમાં તે સમયની ધાર્મિક સ્થિતિનું સુંદર ચિત્રણ કરવામાં આવ્યું છે. તેમાં કવિએ અત્યંત રોચક તથા પ્રભાવોત્પાદક, સુસંગત અને શ્લિષ્ટ ભાષાનો પ્રયોગ કર્યો છે. એમાં જે પાત્રોનું આલેખન થયું છે તેઓ પોતપોતાની રીતે સજાગ અને ચુસ્ત છે. કાપાલિકના પાત્રમાં તે સમયના સમાજ અને ધર્મમાં વ્યાપેલી કટુતાની સાથે સાથે સુનિયોજિત શિષ્ટાચારનું પણ અદભુત સંમિશ્રણ પ્રાપ્ત થાય છે. શાક્યભિક્ષુના પાત્રમાં તત્કાલીન બૌદ્ધ સંન્યાસીઓના ચારિત્ર્યના દોષો વ્યક્ત થયા છે. હાસ્યના વાતાવરણને જીવંત બનાવતા ઉન્મત્તકનું પાત્ર સુંદર રીતે અભિવ્યક્ત થયું છે. દેવસોમાના પાત્રમાં નારીના આદર્શો પ્રસ્તુત થયા છે. આમ અહીં બધાં જ પાત્રો તત્કાલીન સમાજનું સુંદર પ્રતિનિધિત્વ કરે છે. પ્રહસનનાં સર્વ લક્ષણો અહીં ચરિતાર્થ થાય છે.
જયંતીલાલ શં. પટેલ