મતિપ્રક્ષાલન (brainwashing) : વ્યક્તિને સહેતુક વિચારશૂન્ય કરી અન્ય મતનું આરોપણ કરવાની પદ્ધતિ. આ હેતુ માનસિક યાતના યા અન્ય માર્ગે સિદ્ધ કરવામાં આવે છે.

આ પદ્ધતિના મુખ્ય ત્રણ તબક્કાઓ છે : પ્રથમ તબક્કામાં સજા પામનાર વ્યક્તિને તેના અન્ય તમામ સાથીઓ કે સહકર્મચારીઓથી અલગ કે તદ્દન વિખૂટી પાડી દેવામાં આવે છે. વળી સામાન્ય જનજીવનની માહિતીના તમામ સ્રોત અટકાવી માહિતીના અભાવવાળો એક અંધારપટ ઊભો કરવામાં આવે છે.

બીજા તબક્કામાં તેને શારીરિક કે માનસિક યાતનાઓનો ભોગ બનાવવામાં આવે છે. આ માટે વ્યક્તિને સતત ભૂખી-તરસી રાખવી, તેને ઊંઘ ન લેવા દેવી તથા તેના સામાજિક સંપર્કોનો પૂરેપૂરો અંત લાવવો વગેરે પ્રકારની પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. સામાન્ય રીતે શારીરિક યાતનાઓ કરતાં માનસિક યાતનાઓ વધુ ભયંકર અને ક્રૂર હોય છે. જરૂર પડ્યે વ્યક્તિના સમગ્ર ચેતાતંત્રને બૂઠું બનાવી દે તેવી પદ્ધતિઓ પણ અજમાવવામાં આવે છે. જો વ્યક્તિ ગુનેગાર હોય તો તેની પાસે ગુનાની કબૂલાત કરાવવામાં આવે છે. વ્યક્તિમાં દોષભાવ ઊભો કરી તેને સંપૂર્ણ આજ્ઞાંકિત બનાવી દઈ તેની ધાર્મિક, સામાજિક અને રાજકીય માન્યતાઓ ખોટી છે એમ વારંવાર ઠસાવવામાં આવે છે. આમ, વ્યક્તિના આત્મવિશ્વાસને હચમચાવી દઈ વિચારશૂન્ય કરી દેવામાં આવે છે.

ત્રીજા તબક્કામાં તેની પર અપેક્ષિત કે ઇચ્છિત માન્યતાઓનું આરોપણ કરવામાં આવે છે. આ તબક્કે વ્યક્તિ એવી માનસિક અવસ્થામાં હોય છે કે આરોપિત વિચારો કે વિચારસરણી સહજતાપૂર્વક અને ઝડપથી સ્વીકારી લે. આ નવા વિચારો કે માન્યતાઓ પાકી, ઊંડી અને સ્થાયી બને તથા વ્યક્તિના માનસપટ પર સ્થિરતા પામે તે માટે સતત કોશિશ કરવામાં આવે છે. વળી જરૂરી જણાય તો તે માટે મનોવૈજ્ઞાનિક પદ્ધતિઓનો આશ્રય લેવામાં આવે છે. ટૂંકમાં, આરોપિત વિચારો કે વલણોને સ્થિર બનાવી દેવામાં આવે છે.

રાજકીય અને યુદ્ધકેદીઓ માટે આ પદ્ધતિનો વિશેષ ઉપયોગ થાય છે. બીજા વિશ્વયુદ્ધ (1939–45) દરમિયાન બિનલોકશાહી રાજકીય પદ્ધતિઓએ આ પ્રક્રિયા દ્વારા પોતાની વિચારસરણીનો ફેલાવો કરવા પ્રયાસ કર્યા હતા. વ્યક્તિઓને માનસિક યાતનાઓ પહોંચાડવા માટે વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. 1949માં ચીનમાં સામ્યવાદીઓ સત્તા પર આવ્યા ત્યારે બુદ્ધિજીવીઓ અને મધ્યમવર્ગનું મતિપ્રક્ષાલન કરવા ત્યાં આ પદ્ધતિઓ ઉપયોગમાં લેવાઈ હતી. 195૦થી ’53ના કોરિયાના યુદ્ધ બાદ ઉત્તર કોરિયાવાસીઓએ આ પદ્ધતિ દ્વારા યુદ્ધકેદીઓને સામ્યવાદી બનાવવા પ્રયાસ કર્યા હતા.

ધાર્મિક સંપ્રદાયો અને ઉદ્દામવાદી રાજકીય જૂથો અને કંઈક અંશે આંતકવાદીઓ પણ આ પદ્ધતિનો ઉપયોગ કરી પોતાનો લોક-આધાર ટકાવી રાખે છે.

સઘન મનોવૈજ્ઞાનિક સારવાર દ્વારા મતિપ્રક્ષાલનનો ભોગ બનેલી મોટાભાગની વ્યક્તિઓ નિજી વાતાવરણમાં આવી પોતાની માન્યતાઓ પુન: સ્વીકારી લે છે અને મતિપ્રક્ષાલિત અવસ્થામાંથી મુક્તિ મેળવે છે.

રક્ષા મ. વ્યાસ