મતાધિકાર : લોકશાહી શાસનવ્યવસ્થામાં પુખ્તવયના સર્વ નાગરિકોને બંધારણ દ્વારા પ્રાપ્ત થતો મુખ્ય રાજકીય અધિકાર.
વ્યક્તિનું વ્યક્તિત્વ વિકસે, ગૌરવ વધે અને નાગરિક રાજકીય જીવનમાં સક્રિય બને તથા નાગરિકતાનો વિકાસ થાય તે માટે અધિકારો આપવામાં આવે છે. આવા અધિકારો મૂળભૂત અધિકાર હોવાથી તેનો સમાવેશ જે તે દેશના બંધારણમાં કરવામાં આવે છે.
બંધારણ પોતાના નાગરિકોને રાજકીય પ્રક્રિયામાં ભાગ લેવા માટે પણ આવા કેટલાક અધિકાર આપે છે, જે રાજકીય અધિકાર તરીકે ઓળખાય છે; કારણ આ અધિકાર માત્ર નાગરિકોને જ આપવામાં આવે છે અને બંધારણ થકી આપવામાં આવે છે. આવા રાજકીય અધિકારોમાં સૌથી ટોચનું સ્થાન ધરાવે છે મતાધિકાર. માત્ર લોકશાહી શાસન-વ્યવસ્થામાં જ નાગરિકો સાચા અર્થમાં આ અધિકાર ભોગવતા હોય છે, કારણ, લોકશાહી સરકાર લોકો દ્વારા ચૂંટાય છે અને નિયત મુદતે સરકારની સત્તાની અવધિ સમાપ્ત થાય ત્યારે નવી સરકાર નાગરિકોના મતો દ્વારા જ પસંદ થાય છે. આમ માત્ર મતાધિકાર દ્વારા જ સરકારની રચના શક્ય બને છે. આથી મતાધિકાર લોકશાહીના નાગરિકોનો સરકારને પસંદ કરવા માટેનો બુનિયાદી મૂળભૂત રાજકીય અધિકાર છે.
મતાધિકાર નાગરિકનો વિશેષાધિકાર છે તેમજ ફરજ પણ છે. વિશેષાધિકાર એ અર્થમાં છે કે નાગરિક જે રાજકીય ઘટકમાં વસે છે, શ્વસે છે ત્યાં શાસકોની પસંદગી કરવાનો તેને હક્ક હોય છે. વળી પોતાના દેશની સરકાર કાર્યક્ષમતાપૂર્વક કાર્ય કરે તે માટે યોગ્ય પ્રતિનિધિઓ ચૂંટવા એ નાગરિકની ફરજ પણ છે. આ બે મુખ્ય કારણોસર તમામ લોકશાહી દેશોએ સાર્વત્રિક પુખ્તવય મતાધિકારનો સ્વીકાર કર્યો છે; તેમાં વય સિવાયનો અન્ય કોઈ પણ માપદંડ સ્વીકૃત કે માન્ય રાખવામાં આવતો નથી.
પ્રાચીન ગ્રીસ અને રોમમાં માત્ર પુખ્ત પુરુષ નાગરિકને જ મતાધિકાર આપવામાં આવ્યો હતો. ગુલામો અને ચાકરોને નાગરિકના દરજ્જામાં સ્વીકાર્યા નહોતા.
નવજાગૃતિના પ્રારંભે ઇટાલીમાં નાગરિકોને મતાધિકાર પ્રદાન થયેલો. સામંતશાહી યુગમાં પ્રારંભે મતાધિકાર જમીનની માલિકી સાથે જોડાયેલો હતો. મધ્યયુગના અંતભાગમાં તે મિલકત સાથે જોડાયો અને નાગરિકોનો વિશેષાધિકાર બન્યો.19મી અને 20મી સદીમાં ધીમે ધીમે મતાધિકારનો વિસ્તાર થવા લાગ્યો. ક્રમશ: મિલકત, કરવેરાની ચુકવણી, જાતિ, ધર્મ અને શિક્ષણ આ અધિકાર પ્રાપ્ત કરવાની શરતો તરીકે તેની સાથે સંલગ્ન થવા લાગ્યાં.
2૦મી સદીમાં વિવિધ દેશોમાં વિવિધ તબક્કે ઉપરના માપદંડો વિરુદ્ધ અવાજ ઊઠ્યા. મિલકત, ધર્મ કે શિક્ષણ અપૂરતાં, અન્યાયી અને ભેદભાવજનક માપદંડ પુરવાર થયાં. લોકશાહી, નાગરિકોની મૂળભૂત રાજકીય સમાનતામાં વિશ્વાસ ધરાવતી રાજકીય પદ્ધતિ છે એમ ઉદારમતવાદી ચિંતકો વારંવાર જણાવતા રહ્યા. આથી માનવીય મૂલ્યોને સૌથી વધુ મહત્વ આપવાની શરૂઆત થતાં પુખ્તતા માટે વયનો માપદંડ સ્વીકારવામાં આવ્યો અને વ્યાપક વિચારણાને અંતે 21 વર્ષની વયમર્યાદા પુખ્ત ધોરણ તરીકે માન્ય રાખવામાં આવી. તે સાથે ક્રમશ: અન્ય માપદંડો અસ્વીકૃત થવા લાગ્યા અને સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર વિવિધ લોકશાહી તથા અન્ય દેશોએ માન્ય કર્યો.
1970 પછી પુખ્તવય માટેનું આ ધોરણ પણ વિવાદાસ્પદ બન્યું. આ વય-ધોરણને મનોવૈજ્ઞાનિક તથ્યોને આધારે તપાસતાં જણાયું કે 18 વર્ષની વય પુખ્તતા માટેનું યોગ્ય ધોરણ ગણી શકાય. આથી 197૦ પછીથી ઘણા દેશોએ પુખ્તવયનું આ ધોરણ સુધાર્યું અને 18 વર્ષની વયને પુખ્તવય તરીકે કાયદેસર રીતે માન્ય રાખી. અમેરિકાએ 26મા બંધારણીય સુધારા દ્વારા 1971માં 18 વર્ષની વય ધરાવતા નાગરિકોના પુખ્તવય મતાધિકારનો સ્વીકાર કરવાની પહેલ કરી અને ત્યારબાદ વિવિધ દેશોએ પણ પુખ્તવય મતાધિકારનું ધોરણ સુધાર્યું.
મહિલા મતાધિકાર : ઔદ્યોગિક ક્રાંતિના પ્રારંભે મહિલાઓએ ઘર બહારની ઉત્પાદક કામગીરીમાં સક્રિયતા દાખવી એ સાથે મહિલાઓની સક્રિય અને ઉત્પાદક પ્રવૃત્તિમાં ભારે વેગ આવ્યો. આર્થિક સ્વાવલંબન વિસ્તરવા લાગ્યું અને તેનો પ્રતિભાવ રાજકીય ક્ષેત્રે ઊભો થયો, જે સાર્વત્રિક પુખ્તવય મતાધિકારની માંગનો હતો. 18મી સદી સુધી મહિલાઓની રાજકીય ભાગીદારી નહિવત્ હતી; તો પછી મતાધિકાર તો શક્ય જ ન હોય ને ? આ મહિલા મતાધિકાર મેળવવા પૂર્વે મહિલાઓને એક લાંબી લડત ખેલવી પડી. આ અંગે પ્રથમ વાર ગંભીરતાપૂર્વક વિચારવાની શરૂઆત કરી મહિલા મેરી વુલનસ્ટોનક્રાફ્ટે ‘વિન્ડિકેશન ઑવ્ ધ રાઇટ્સ ઑવ્ વિમેન’ (1792) ગ્રંથ દ્વારા પોતાના વિચારો રજૂ કર્યા અને મહિલાશક્તિને બિરદાવી મહિલા-મતાધિકારની માંગ રજૂ કરી. ત્યારબાદ વિવિધ તબક્કાઓમાં આ માંગ વધુ ને વધુ બળવત્તર બનતી ગઈ, જેના પરિણામે 189૦માં નૅશનલ અમેરિકન વિમેન સફરેજ ઍસોસિયેશન(NAWSA)ની રચના થઈ. તે પછી આ સંદર્ભે નૅશનલ વિમેન પાર્ટી સ્થપાઈ અને અંતે 26 ઑગસ્ટ, 192૦ના રોજ 19મા બંધારણીય સુધારા દ્વારા અમેરિકાની મહિલાઓને મતાધિકાર પ્રાપ્ત થયો અને પુખ્તવય મતાધિકાર સાર્વત્રિક બન્યો.
બ્રિટનમાં પણ મહિલાઓને મતાધિકાર માટે લાંબો સંઘર્ષ ખેલવો પડ્યો હતો. 1867ના રિફૉર્મ બિલમાં મહિલામતાધિકારની બાબત સામેલ કરવા અંગે જાણીતા વિચારક જૉન સ્ટુઅર્ટ મિલે પાર્લમેન્ટમાં પિટિશન રજૂ કરી હતી અને આ જ વર્ષે માંચેસ્ટર ખાતે લીડિયા બેકરે વિમિન સફરેજ કમિટીની સ્થાપના કરી હતી. 1886થી 1911 વચ્ચે વારંવાર મહિલા-મતાધિકાર ખરડો પાર્લમેન્ટમાં રજૂ થયો અને પરાજિત થતો રહ્યો. 1906માં એમિલીન/પૅન્કહર્સ્ટ આ બાબતે વધુ સક્રિય બન્યાં અને લડતમાં વેગ આવ્યો. પ્રથમ વિશ્વયુદ્ધ(1914–18)ને કારણે તેમણે આ લડત મોકૂફ રાખી. તેમના અને મહિલા-સંગઠનોના પ્રયાસોને લીધે 1918ના ફેબ્રુઆરીમાં 3૦ વર્ષથી વધુ વય ધરાવતી મહિલાઓને મતાધિકાર મળ્યો. આમ મર્યાદિત મહિલા-મતાધિકાર બ્રિટિશ મહિલાઓને સાંપડ્યો. આથી વયમર્યાદા ઘટાડી 21 વર્ષની કરવા માટે મહિલાઓની લડત ચાલુ રહી અને 1928ના રિફૉર્મ ઍક્ટ દ્વારા આ વયમર્યાદા પુરુષોની સમકક્ષ બનાવાતાં બ્રિટનમાં 21 વર્ષની વયનો સાર્વત્રિક પુખ્તવય મતાધિકાર તમામ નાગરિકોને સાંપડ્યો.
આ પૂર્વે છેક 1893માં મહિલા-મતાધિકાર આપીને ન્યૂઝીલૅન્ડે આ બાબતે પ્રથમ પંક્તિમાં સ્થાન પ્રાપ્ત કર્યું હતું. ઉલ્લેખનીય છે કે 19૦2માં મહિલા-મતાધિકાર આપનાર બીજો દેશ ઑસ્ટ્રેલિયા હતો. ફિનલૅન્ડે 19૦6માં, નૉર્વેએ 1913માં, ડેન્માર્ક અને આઇસલૅન્ડે 1915માં, સોવિયેત સંઘ અને નેધરલૅન્ડઝે 1917માં, ઑસ્ટ્રિયા, ચેકોસ્લોવાકિયા, પોલૅન્ડ અને સ્વીડને 1918માં મહિલા-મતાધિકાર માન્ય રાખ્યો. જર્મનીએ 1919માં, સ્પેને 1931માં, કૅનેડાએ 194૦માં, ફ્રાંસે 1944માં, બેલ્જિયમ, ઇટાલી, રુમાનિયા અને યુગોસ્લાવિયા જેવા દેશોએ 1946માં મહિલા-મતાધિકારનો સ્વીકાર કર્યો. અલબત્ત, સ્વિટ્ઝર્લૅન્ડ જેવા દેશનો અપવાદ બાદ કરીએ તો લગભગ સમગ્ર યુરોપે આ વર્ષો દરમિયાન મહિલામતાધિકારને વ્યાપક ધોરણે સ્વીકૃતિ આપી અને છેક 1971માં સ્વિટ્ઝર્લૅન્ડ પણ આ હરોળમાં જોડાયું.
પ્રથમ વિશ્વયુદ્ધ(1914–18)થી બીજા વિશ્વયુદ્ધ (1939–45) વચ્ચેના વીસીના ગાળામાં લૅટિન અમેરિકાના દેશોએ વ્યાપક ધોરણે મહિલા મતાધિકાર સ્વીકાર્યો, તો એશિયામાં પણ તેનો આરંભ થઈ ચૂક્યો હતો. જાપાને 1935માં, ફિલિપાઇન્સે 1937માં અને ચીને 1947માં મહિલા-મતાધિકારને માન્ય રાખ્યો. ભારતે બંધારણના પ્રારંભ સાથે જ 195૦થી પુખ્તવય મતાધિકાર દ્વારા મહિલા-મતાધિકાર સ્વીકાર્યો. બીજા વિશ્વયુદ્ધ બાદ આફ્રિકી દેશો સ્વતંત્ર બનવા લાગ્યા અને તેમને ત્યાં પુખ્તવય મતાધિકારની સ્વીકૃતિ સાથે જ મહિલા-મતાધિકાર પણ માન્ય રાખવામાં આવ્યો. મધ્યપૂર્વના દેશોમાં પણ બીજા વિશ્વયુદ્ધ પછી મહિલા-મતાધિકાર સ્વીકારવામાં આવ્યો હોવા છતાં કુવૈત જેવા દેશો તેમાં અપવાદરૂપ છે.
મતાધિકારની બાબતમાં ‘એક વ્યક્તિ, એક મત’નો સિદ્ધાંત પ્રવર્તે છે એટલે કે વ્યક્તિ શિક્ષિત હોય કે અભણ, યુવાન હોય કે બુઝુર્ગ, સ્ત્રી હોય કે પુરુષ – પરંતુ એક જ મત ધરાવે છે. સ્વાભાવિક રીતે જ વિદેશીઓને મતાધિકાર પ્રાપ્ય નથી. એ જ રીતે મતાધિકાર બાબતે અન્ય કેટલીક મર્યાદાઓ પણ છે; જેમ કે, સગીર વયની વ્યક્તિઓ, ગુનેગારો, દેવાળિયા માણસો તેમજ માનસિક રોગો કે માનસિક અસમતુલા ધરાવનારાઓને મતાધિકારથી વંચિત રાખવામાં આવે છે. આવી વંચિતતા પાછળ એકમાત્ર આ સાદું કારણ કામ કરે છે : તેઓ પુખ્તપણે અને સમતોલ રીતે વિવેકપૂર્ણ વિચાર કરી નિર્ણય લઈ શકવાની ક્ષમતા ધરાવતા ન હોવાથી તેમને મતાધિકારથી વંચિત રાખવામાં આવે છે.
મતદાન–પદ્ધતિ : પ્રાચીન સમયમાં તથા 19મી સદીમાં મતદાન મુખ્યત્વે મૌખિક રહેતું અને જાહેરમાં કરવામાં આવતું. મતાધિકારનો વ્યાપ વધતાં અને લોકશાહી મૂલ્યો અંગે જાગૃતિ વધતાં ગુપ્ત મતદાન-પદ્ધતિનો સ્વીકાર કરવામાં આવ્યો. નાગરિક કોને મત આપે છે તે માહિતી ગુપ્ત રહે એવી પદ્ધતિ ગોઠવવામાં આવે છે, જેથી મતદાન નિર્ભીક રીતે થાય અને નાગરિક યોગ્ય રીતે મત આપી શકે. કેટલાક દેશો અન્યત્ર રહેતા નાગરિકો માટે ટપાલ દ્વારા યા અવેજી મતદાર-(proxy) પદ્ધતિ દ્વારા મતદાનની વ્યવસ્થા પણ સ્વીકારે છે. અલબત્ત, એ માટે આવશ્યક વિધિ કરવી પડતી હોય છે યા પૂર્વમંજૂરી લીધા બાદ મતદાન કરી શકાય છે.
કેટલાક દેશોમાં મતદાન ફરજિયાત હોય છે અને તેનો ઉપયોગ ન કરનાર દંડપાત્ર બને છે. આવી જોગવાઈ દ્વારા ઊંચું મતદાન સિદ્ધ કરવામાં આવે છે. અન્યથા મતદાનની સામાન્ય પદ્ધતિ એવી હોય છે કે સરકારી નોંધપત્રકમાં મત આપનાર પુખ્ત નાગરિકનું નામ નોંધવામાં આવે અને ત્યારબાદ ચકાસણી કરીને માન્ય મતદારયાદીમાં નાગરિકનું નામ મતદાર તરીકે દાખલ કરવામાં આવે, જેથી ચૂંટણી સમયે નાગરિક વિધિપુર:સર મતદાન કરી શકે. મતદાન-સમયે નોંધણીપત્રકમાં સામાન્ય રીતે નાગરિકની સહી લેવામાં આવે છે, પરંતુ નાગરિક અશિક્ષિત હોય તો હાથના અંગૂઠાનું નિશાન પણ માન્ય પદ્ધતિ તરીકે સ્વીકારાયેલું છે. સામાન્યતયા સૌથી વધુ મત મેળવનાર ઉમેદવારને ચૂંટાયેલા જાહેર કરવામાં આવે છે, જેને સાદી બહુમતીની પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. આમ ચૂંટણી જીતવા, લોકશાહીને સ્થિરતા બક્ષવા તેમજ જવાબદાર સરકારનું સંચાલન કરવામાં પાયાનો એકમ તે નાગરિકનો મત હોય છે.
રક્ષા મ. વ્યાસ