મણકાશોથ, બદ્ધસંધિ (ankylosing spondylitis) : સતત વધતો જતો અને સાંધાઓને અક્કડ બનાવતો પીડાકારક સાંધાના સોજા(શોથ)નો વિકાર. તેને મેરી-સ્ટ્રુમ્પેલ(Marie-Strumpell)નો રોગ પણ કહે છે. પીડાકારક સોજો કરતા વિકારને શોથ (inflammation) કહે છે. આ વિકારમાં મુખ્યત્વે કરોડસ્તંભના સૌથી નીચે આવેલા ત્રિકાસ્થિ (sacrum) નામના હાડકા અને નિતંબના હાડકા વચ્ચે આવેલો સાંધો અસરગ્રસ્ત થાય છે. તેને ત્રિકાસ્થિ-નિતંબીય સંધિ (sacroiliac joint) કહે છે.
કારણવિદ્યા : તેનું કોઈ ચોક્કસ કારણ જાણમાં નથી; પરંતુ તે HLA-B27 નામના જનીન-સંલગ્ન સૂચકદ્રવ્ય(genetic marker)ની હાજરી સાથે ઘનિષ્ઠ સંબંધ ધરાવે છે. માનવ શ્વેતકોષી પ્રતિજન-(human leucocyte antigen, HLA)ના ક્રમાંક B27નો સામાન્ય વસ્તીમાં હાજરી હોવાનો દર 1 % જેટલો જ છે, પરંતુ બદ્ધસંધિ મણકાશોથના દર્દીઓમાં તે 85 %ના દરે જોવા મળે છે.
રુગ્ણવિદ્યા : સામાન્ય રીતે સૌપ્રથમ ત્રિકાસ્થિ-નિતંબીય સાંધો અસરગ્રસ્ત થાય છે. ત્યારબાદ કરોડસ્તંભના મણકામાં તે ફેલાય છે. તેમાં સૌપ્રથમ કટિવિસ્તાર(lumber region)ના મણકા વચ્ચેના સાંધા પકડાય છે. ઘણી વખત કેડ(નિતંબ)નો સાંધો તથા ઢીંચણનો સાંધો પણ અસરગ્રસ્ત બને છે. ક્યારેક છાતીની વચ્ચે આવેલા વક્ષાસ્થિ (sternum) નામના હાડકા અને તેના ઉપલા ભાગ વચ્ચેના સાંધામાં વિકાર ઉદભવે છે.
સૌપ્રથમ સાંધામાંના આવરણમાં શોથનો વિકાર થાય છે. સાંધાની અંદરના આવરણને સંધિકલા (synovium) કહે છે. તેના શોથજન્ય વિકારને સંધિકલાશોથ (synovitis) કહે છે. સંધિકલાશોથ વિસ્તરીને હાડકાના છેડા પરની કાસ્થિ (cartilage) અને હાડકાના છેડાને અસર કરે છે અને તેમનો નાશ કરે છે. ત્યારબાદ રૂઝ આવે એટલે તેમાં તંતુઓ (fibres) વિકસે છે. તેને તંતુતા (fibrosis) કહે છે. પાસપાસેનાં હાડકાંમાં વિકસેલા તંતુઓ તે બંને હાડકાંને જોડી દે છે. તેને અસ્થિબદ્ધતા (bony ankylosis) કહે છે. નવા વિકસેલા તંતુઓમાં તથા સાંધાની આસપાસ સાંધાને મજબૂતાઈ આપવા માટે આવેલા તંતુઓના અસ્થિબંધો (ligaments) નામના પટ્ટામાં કૅલ્શિયમ જમા થાય છે અને તેમનું હાડકામાં રૂપાંતરણ થાય છે. તેને અસ્થીકરણ(ossification)ની પ્રક્રિયા કહે છે. કરોડસ્તંભના આગળના ભાગમાં આવેલા લંબાક્ષીય અસ્થિબંધ તથા સાંધાનું આવરણ બનાવતા અને તેને ટેકો આપતા તંતુમય અસ્થિબંધો એક સળંગ હાડકાના રૂપમાં ફેરવાઈ જાય છે અને એકબીજા સાથે બંધાઈ જાય છે. જ્યારે શોથજન્ય વિકાર શરૂ થાય ત્યારે પીડા (દુખાવો) થતી હોય છે. તે હાડકાના રૂપમાં અક્કડ બનેલા સાંધામાં રહેતાં નથી. પરંતુ કરોડસ્તંભ એક અક્કડ વાંસના દંડ જેવો કડક થઈ જાય છે.
ચિહ્નો અને લક્ષણો : સામાન્ય રીતે (15થી 3૦ વર્ષ) યુવાન પુરુષોનો તે રોગ છે. દર 1૦ યુવાને એક યુવતીમાં તે જોવા મળે છે. શરૂઆતમાં કમર અને કેડના ભાગમાં ધીમો દુખાવો થાય છે અને આરામ કર્યા પછી તરત અક્કડતા થઈ આવે છે, જે હલનચલનથી ઘટે છે. દુખાવો રાત્રે અને વહેલી સવારે વધુ પ્રમાણમાં હોય છે અને તે દર્દીની ઊંઘને અસર કરે છે. તે થોડું ચાલે કે કસરત કરે એટલે સારું લાગે છે. ક્યારેક એડીમાં, પેટના નીચલા છેડે આવેલા ગુપ્તાસ્થિ-સંસંધિ(pubic symphysis)માં તથા છાતીની મધ્યમાં આવેલા વક્ષાસ્થિ અને પાંસળીઓ વચ્ચેના સાંધામાં પણ દુખાવો થાય છે. રોગ વધે એટલે પીઠમાં ખૂંધ નીકળે છે અને કેડનાં હાડકાંમાં કુરચના થાય છે. જવલ્લે જોવા મળતા કિસ્સામાં ખભા, કેડ અને ઢીંચણના સાંધા કે હાથપગના નાના સાંધા અસરગ્રસ્ત થાય છે. કેટલાક કિસ્સામાં દર્દીને પહેલાં આંતરડામાં દીર્ઘકાલી શોથજન્ય વિકાર (chronic inflammatory disease) થાય છે અને ત્યારબાદ સાંધામાં દુખાવો અને અક્કડતા આવે છે.
દર્દી પીઠ અને કમરને સીધી અને અક્કડ રાખીને ચાલે છે. તેને પાછળની બાજુ પશ્ચખૂંધ (kyphosis) નીકળી આવે છે. કમર(કટિપ્રદેશ)ના મણકા સામાન્ય રીતે આગળ તરફ વળાંકમાં ગોઠવાયેલા હોય છે. તેને કટીય અગ્રવક્રન (lumbar lordosis) કહે છે. આ રોગમાં તે વળાંક જતો રહે છે અને તેથી દર્દીને આગળ તરફ વળતાં તકલીફ થાય છે.
જો દર્દીમાં ત્રિકાસ્થિ અને કેડનાં હાડકાં વચ્ચેનો સાંધો (ત્રિકાસ્થિ-નિતંબીય સંધિ) અસરગ્રસ્ત હોય તો તેના બેઠકના વિસ્તારમાં ઊંડે દબાવતાં દુખાવો થાય છે અથવા ત્યાં આવેલા નિતંબના હાડકા(ilium)ની ઉપલી ધારના પાછલા છેડે કંટક આકારના ઊપસેલા ભાગ પર દબાવતાં દુખે છે. હાડકાના આ ઊપસેલા કંટકને પશ્ચઊર્ધ્વ નિતંબીય કંટક (posterior superior iliac spine) કહે છે. કેડને બંને બાજુએથી દબાવતાં દુખાવો થાય છે. દર્દીનો પગ ઢીંચણથી સીધો રાખીને કેડથી ઉપર તરફ વાળવામાં આવે ત્યારે ત્રિકાસ્થિ-નિતંબીય સંધિ પર દુખાવો થાય છે. આ ઉપરાંત ગિન્સલેનની કસોટી અને પમ્પ-હૅન્ડલ કસોટી કરીને પણ નિદાન કરાય છે. સામાન્ય પગને કેડ અને ઢીંચણથી આગળ તરફ વાળીને અસરગ્રસ્ત પગને સીધા ઢીંચણ સાથે કેડથી પાછળ તરફ ખેંચીને લંબાવવામાં આવે ત્યારે અસરગ્રસ્ત ત્રિકાસ્થિ-નિતંબીય સંધિમાં દુખાવો થાય છે. તેને ગિન્સલેનની કસોટી કહે છે. બીજી એક કસોટીમાં દર્દીના કેડ અને ઢીંચણના સાંધાને પૂરેપૂરા વાળવામાં આવે છે અને ત્યારબાદ તેના ઢીંચણના સાંધાથી પગને એવી રીતે લંબાવાય છે કે જેથી તે છાતી આગળ સામી બાજુના ખભા તરફ જાય. તે સમયે અસરગ્રસ્ત ત્રિકાસ્થિ-નિતંબીય સંધિમાં દુખાવો થાય છે. આ જાણે કોઈ અભિદાબકના હાથા(pump-handle)ના હલનચલન જેવી ક્રિયા છે માટે તેને અભિદાબક-હાથા(pump-handle)ની કસોટી કહે છે. પોતાની એડી ભીંતને અડે તેમ ઊભો રહેલો દર્દી પોતાની દાઢી ઊંચી કર્યા વગર પોતાના માથાના પાછળના ભાગ વડે ભીંતને અડી ન શકે તો તેના ડોકના મણકા અસરગ્રસ્ત થયા છે એવું નિદાન કરાય છે. જો પીઠના મણકા અસરગ્રસ્ત હોય તો પૂરેપૂરો ઉચ્છવાસ કાઢ્યા પછી ઊંડો શ્વાસ લેતી વખતે છાતીનો પરિઘ 5 સેમી.થી ઓછા પ્રમાણમાં વધે છે. આમ વિવિધ કસોટીઓ દ્વારા કયા મણકા કે સાંધા અસરગ્રસ્ત છે તેનું નિદાન કરાય છે.
બદ્ધસંધિ મણકાશોથના દર્દીમાં હાડકાં અને સાંધા ઉપરાંત અન્ય અવયવો પણ અસરગ્રસ્ત થાય છે. આશરે 25 % દર્દીઓની આંખમાં આવેલો કનીનિકાપટલ (iris) નામનો કીકીનો પડદો અસરગ્રસ્ત થાય છે. તેને કનીનિકાપટલશોથ (iritis) કહે છે. આવું વારંવાર થાય તો તેમાં તંતુમય રૂઝપેશી વિકસે છે અને તેમાંના રંગના કણો ઘટી જાય છે. ક્યારેક હૃદયમાંથી નીકળતી મહાધમની આગળનો વાલ્વ (મહાધમની કપાટ, aortic vlave) પહોળો થાય છે, હૃદય પહોળું થાય છે, હૃદયના ધબકારાના આવેગોનું વહન અસરગ્રસ્ત થાય છે અને ક્યારેક હૃદયની આસપાસ આવેલા આવરણ(પરિહૃદ્કલા)માં શોથજન્ય વિકાર (પીડાકારક સોજો) થાય છે. તેને પરિહૃદ્કલાશોથ (pericarditis) કહે છે. જો દર્દીના ડોકના ઉપલા મણકા ખસી જાય કે હળવા આંચકાને કારણે તૂટી જાય તો કરોડરજ્જુ પર દબાણ આવે છે અને ત્યારે હાથ-પગનો લકવો થઈ જાય છે. પાંસળીઓના મણકા સાથેના સાંધા અસરગ્રસ્ત થાય તો શ્વાસોચ્છવાસ સમયે છાતી બરાબર ફૂલતી નથી. ક્યારેક ફેફસાના ઉપલા ભાગમાં તંતુઓ અને ગુહા (cavity) વિકસે છે. ત્યારે તે ક્ષયરોગ થયો હોય તેવો ઍક્સ-રે ચિત્રણમાં દેખાવ સર્જે છે. દર્દીના હાડકામાંથી કૅલ્શિયમ અને પ્રોટીન ઘટે તો અસ્થિછિદ્રલતા (osteoporosis) થાય છે. ક્યારેક ઍમિલૉઇડતાનો વિકાર પણ થઈ આવે છે.
નિદાન : શારીરિક તકલીફોની નોંધ અને તપાસ ઉપરાંત ઍક્સ-રે-ચિત્રણો અને લોહીની તપાસ વડે નિદાન કરાય છે. અસરગ્રસ્ત સાંધાનાં ઍક્સ-રે-ચિત્રણો લેવાય છે. નિતંબના હાડકાના ઍક્સ-રે-ચિત્રણમાં અસ્પષ્ટ દેખાતો (hazy) સાંધો, સાંધામાંના કાસ્થિની નીચે અનિયમિત પ્રકારનું ક્ષારણ (erosion), સાંધામાં ર્દઢતંતુતા (sclerosis) ઉદભવવી, ત્રિકાસ્થિ-નિતંબીય સંધિમાં અસ્થીય બદ્ધતા (bony ankylosis) થઈ ગઈ હોય, આસપાસના અસ્થિબંધોમાં કૅલ્શિયમ જમા થયું હોય વગેરે વિવિધ સંકેતો મળે છે. કમરના મણકાના ઍક્સ-રે-ચિત્રણમાં મણકાની કાયમી આગળની અંતર્ગોળ સપાટી સીધી રેખા જેવી બની હોય ત્યારે ચોરસ આકારનો મણકો જોવા મળે છે. કમરના મણકાનો આગળ તરફનો વળાંક જતો રહેલો હોય છે. રોગ વધુ વિકસે એટલે અસ્થિબંધોમાં કૅલ્શિયમ જામવાને કારણે કરોડસ્તંભ વાંસના ટુકડા જેવો દેખાય છે. આ ઉપરાંત દર્દીના લોહીમાં રક્તકોષ ઠારણદર (erythrocyte sedimentation rate, ESR) વધે છે અને દર્દીનું હીમોગ્લોબિન ઘટવાથી પાંડુતા (anaemia) થઈ આવે છે. શંકાસ્પદ કિસ્સામાં HLA-B27ની હાજરી દર્શાવતી કસોટી કરાય છે. જરૂર પડ્યે તે કિસ્સામાં મણકાનો ક્ષય, ફ્લ્યુરોમયતા (fluorosis), કેડના સ્નાયુઓમાં ઉદભવતો તણાવ, મણકાતકતીનો રોગ, અસ્થિસંધિશોથ (osteoarthritis) વગેરે વિવિધ રોગો અને વિકારોને અલગ પાડીને નિદાન કરાય છે. ક્યારેક સૉરિયાસિસ, નજલો (gout), આલ્કેપ્ટોન્યુરિયા, હીમોફિલિયા, ચેતારુગ્ણતા (neuropathy) જેવા વિવિધ અન્ય રોગો અને વિકારોમાં હાડકાં અને સાંધા અસરગ્રસ્ત થાય છે. તેમનાથી પણ નિદાનભેદ કરવો જરૂરી બને છે.
સારવાર : આ રોગની કોઈ વિશિષ્ટ સારવાર ઉપલબ્ધ નથી. તેથી દર્દીના દુખાવાને કાબૂમાં રાખીને તેના હલનચલનને જાળવી રાખવાનો પ્રયત્ન કરાય છે. આજીવન કસરત કરવાનું સૂચવાય છે. કેટલાક કિસ્સામાં શસ્ત્રક્રિયાનો ઉપયોગ કરાય છે. દુખાવો ઘટાડવા ઇન્ડોમિથાસિન કે અન્ય પ્રતિશોથ (anti-inflammatory) પીડાનાશક દવા અપાય છે. દર્દીને વ્યાયામાદિ ચિકિત્સા રૂપે કસરત, શેક તથા યોગ્ય અંગવિન્યાસ(posture)ની તાલીમ અપાય છે. હાલ કેટલાંક યોગાસનોનો ઉપયોગ પણ સૂચવાય છે. ક્યારેક વિકિરણચિકિત્સા (radiotherapy) કરવાના પ્રયોગો પણ થયેલા છે. ખૂંધને ઓછી કરવા કરોડસ્તંભીય અસ્થિછિદ્રણ(spinal osteotomy)ની શસ્ત્રક્રિયા તથા જરૂર પડ્યે કેડ (નિતંબ) અને ઢીંચણના સાંધા બદલવાની શસ્ત્રક્રિયા કરાય છે.
મનોજ જોશી
શિલીન નં. શુક્લ