મણકાની તકતીના રોગો

January, 2002

મણકાની તકતીના રોગો : પીઠમાં આવેલા કરોડસ્તંભના બે મણકાની જોડ વચ્ચે આવેલી તકતીના રોગો. બે મણકાની વચ્ચે આવેલી તકતીને આંતરમણકા તકતી (intervertebral disc) કહે છે. તેના મુખ્ય 3 ભાગ છે : કાસ્થિમય અંતિમ ચકતી (cartilage end-plate), મૃદુનાભિ (neucleus pulposus) અને તંતુમય વલયિકા (annulus fibrosus). કરોડના મણકા અને તકતી વચ્ચે પાતળી ચકતી જેવી કાસ્થિમય અંતિમ ચકતી આવેલી હોય છે. કરોડના મણકામાંથી આ ચકતી દ્વારા પોષક દ્રવ્યો પ્રસરણ પામીને આંતરમણકા તકતીને પોષણ પૂરું પાડે છે. તકતીના મધ્યભાગમાં, સહેજ પાછળની બાજુ મૃદુપેશીની બનેલી મૃદુનાભિ છે, જેને ગોળ ફરતી વીંટીના જેવી તંતુમય વલયિકા આવેલી છે. તંતુમય વલયિકા તંતુઓ અને કાસ્થિમય પેશીની બનેલી છે. શરીરના વજનને કારણે તથા હલનચલન વખતે ઉત્પન્ન થતું અને મણકાઓ દ્વારા આવતું દબાણ તકતીની મૃદુનાભિ પર આવે છે. તેને તેની ફરતી વલયિકા દ્વારા ટેકો મળે છે. આંતરમણકા તકતીની આગળ અને પાછળ તંતુમય પટ્ટા જેવા અગ્ર અને પશ્ચ લંબાક્ષીય અસ્થિબંધો (anterior and posterior longitudinal ligaments) આવેલા છે. તેઓ કરોડના મણકાને અનુક્રમે આગળ અને પાછળથી સાથે ચોંટેલા હોય છે. તેઓ આંતરમણકા તકતીઓ તથા સમગ્ર કરોડસ્તંભને આધાર આપે છે.

રુગ્ણવિદ્યા (pathology) : જ્યારે આંતરમણકા તકતી વિકારગ્રસ્ત થાય ત્યારે તે લચી પડીને કરોડરજ્જુ માટેની નળીમાં ઊપસી આવે છે. તેને તકતીનો અપભ્રંશ (disc prolapse) કહે છે. તે સમયે તંતુમય વલયિકામાં એક છિદ્ર ઉદભવે છે. તેમાંથી મૃદુનાભિ બહાર આવે છે. આવું થવાની પ્રક્રિયા સંકુલ છે અને તેમાં મુખ્ય 3 તબક્કા અને ફેરફારો જોવા મળે છે – નાભિકીય અપજનન (nucleus degeneration), નાભિભ્રંશ (nucleus displacement) અને તંત્વીકરણનો તબક્કો (stage of fibrosis).

સૌપ્રથમ મૃદુનાભિ પોચી પડે છે અને વલયિકાના પાછલા ભાગથી છૂટી પડે છે. તેને નાભિકીય અપજનનનો તબક્કો કહે છે. તે પછી જ્યારે વલયિકા નબળી પડે છે ત્યારે સતત દબાણ હેઠળની મૃદુનાભિ તેમાંથી ઊપસી આવે છે. સામાન્ય રીતે તે જગ્યાએ વલયિકામાં કોઈ છિદ્ર પડેલું હોય છે. છિદ્રમાંથી બહાર સરકતી તકતીની સ્થિતિને તકતીભ્રંશ (disc protrusion) કહે છે. તે સમયે મૃદુનાભિ વલયિકાની બહાર પશ્ચ લંબાક્ષીય અસ્થિબંધની નીચે આવી જાય છે. મૂળ સ્થાનેથી આવી રીતે બહાર તરફ ખસતી તકતીની સ્થિતિને તકતીનું બહિ:સરણ (disc extrusion) કહે છે. બહિ:સરણ થયા પછી તકતી મૂળ સ્થાને પાછી જઈ શકતી નથી. તે સમયે તકતીનો બહિ:સરિત (extruded) ભાગ મૂળ તકતી સાથેનો સંસર્ગ ગુમાવે છે. પશ્ચ લંબાક્ષીય અસ્થિબંધ બહાર સરકેલી તકતીને પોતાના સ્થાને જાળવી રાખવા જેટલો સક્ષમ નથી. તેથી છૂટી પડેલી બહિ:સરિત મૃદુનાભિનો ટુકડો તે અસ્થિબંધની નીચે કે કરોડરજ્જુનલિકામાં છુટ્ટા ટુકડા રૂપે જોવા મળે છે. છેલ્લો તબક્કો સમારકામ(repair)નો છે. જોકે તે અપજનનના તબક્કા વખતથી જ શરૂ થયેલો હોય છે. તેને કારણે મૂળ સ્થાને રહેલી મૃદુનાભિમાં તંતુઓ વિકસે છે. બહાર સરકી ગયેલો ટુકડો ચપટો થઈ જાય છે, તેમાં પણ તંતુઓ વિકસે છે અને તેમાં કૅલ્શિયમ જમા થાય છે. તેથી આ તબક્કાને તાંત્વીકરણનો તબક્કો કહે છે. કરોડના મણકાના જે ભાગ પરથી પશ્ચ લંબાક્ષીય અસ્થિબંધ ઊખડી ગયો હોય તે ભાગમાં હાડકાનો નવો કાંટા જેવો ભાગ વિકસે છે. તેને અસ્થિકંટિકા અથવા કંટિકા (spur) કહે છે.

સામાન્ય રીતે પાછળની તરફ ડાબી, જમણી કે બંને બાજુ તકતીભ્રંશ થાય છે. ક્યારેક તે મધ્યરેખામાં પણ હોય છે. મોટેભાગે તે કમર(કટિપ્રદેશ, lumbar region)ના ચોથા અને પાંચમા મણકા (L4–L5) વચ્ચે અથવા ડોક(ગ્રીવાપ્રદેશ, cervical region)ના પાંચમા અને છઠ્ઠા મણકા (C5–C6) વચ્ચે થતો જોવા મળે છે. ઈજાને કારણે થતો તકતીભ્રંશ સામાન્ય રીતે કમરના ચોથા/પાંચમા મણકા વચ્ચે જોવા મળે છે. ઘસારા અને ઉંમરને કારણે થતો તકતીભ્રંશ ડોકના પાંચમા અને છઠ્ઠા મણકા વચ્ચે જોવા મળે છે. તે કટિપ્રદેશના ત્રીજા-ચોથા મણકાથી વધુ ઉપર ભાગ્યે જ જોવા મળે છે. તકતીભ્રંશને કારણે કરોડરજ્જુ માટેની નલિકા અને આંતરમણકા સાંધાઓમાં ફેરફાર ઉદભવે છે.

કરોડના મણકાની કાય, પટ્ટીઓ અને કંટકની વચ્ચે એક પોલાણ હોય છે. ઉપર-નીચેના મણકાના આવા પોલાણથી એક સળંગ નળી જેવું બને છે. તેમાં કરોડરજ્જુ તથા તેમાંથી નીકળતી ચેતાઓ હોય છે. તેથી તેને કરોડરજ્જુનલિકા અથના મેરુરજ્જુનલિકા (spinal canal) કહે છે. કરોડરજ્જુનલિકામાં ખસીને આવેલી મણકાતકતી કરોડરજ્જુમાંથી નીકળતા એક બાજુનાં કે બંને બાજુનાં એક કે બે ચેતામૂળ(nerve roots)ને દબાવે છે. સામાન્ય રીતે આ ચેતામૂળ કરોડના ત્યારપછી આવતા મણકાની નીચેથી બહાર નીકળે છે. તેથી L4–L5 આંતરમણકા તકતીના વિકારમાં L5 ચેતામૂળ અસરગ્રસ્ત થાય છે.

ક્યારેક કરોડરજ્જુનો અશ્વપુચ્છ (quada equina) નામનો સૌથી નીચલો ભાગ અસરગ્રસ્ત થાય તો તે ઉગ્ર (acute) વિકાર સર્જે છે. તેને અશ્વપુચ્છીય સંલક્ષણ (quada equina syndrome) કહે છે; પરંતુ તેવું જવલ્લે જ બને છે. ચેતાતંતુઓ પરના દબાણ ઉપરાંત અન્ય વિકારો પણ ઉદભવે છે. તકતીના ખસવાથી તથા તે સ્થળે તંતુઓ બનવાથી બે મણકા વચ્ચેની જગ્યા ઘટે છે, જેને કારણે બે મણકાની વચ્ચે આવેલા આંતરમણકા સાંધામાં વિકૃતિ આવે છે અને ત્યાં પણ અપજનન (degeneration) થાય છે.

નિદાન : દર્દીની તકલીફો અને શારીરિક તપાસની મદદથી નિદાન કરાય છે. જો શસ્ત્રક્રિયા કરવાની જરૂર પડે તો સી. ટી. સ્કૅન કે એમ.આર.આઇ. વડે પણ તપાસ કરાય છે. સામાન્ય રીતે 2૦થી 4૦ વર્ષની બેઠાડુ જીવન જીવતી વ્યક્તિમાં પીઠના નીચેના ભાગમાં ધીમો દુખાવો થવાની તકલીફના રૂપે તે શરૂ થાય છે.

(અ) કરોડસ્તંભનો ભાગ, (આ–ઋ) મણકાતકતીના વિકાર, (એ) ત્રાંસો વળી ગયેલો દર્દી, (ઐ) થી (ઓ) સારવારલક્ષી શસ્ત્રક્રિયાઓ – (1) મણકાકાય, (2) મણકાપટ્ટી, (3) કરોડસ્તંભનો પાછળનો સાંધો, (4) આંતરમણકા છિદ્ર, (5) ચેતામૂળ, (6) લંબાક્ષીય અસ્થિબંધ, (7) પશ્ચલંબાક્ષીય અસ્થિબંધ, (8) તંતુમય વલયિકા, (9) મૃદુનાભિ, (1૦) બહાર સરકતી મૃદુનાભિ, (11) દબાયેલી કરોડરજ્જુ, (12) અપભ્રંશ થતો તકતીનો ટુકડો, (13) કરોડનલિકામાં પ્રવેશતી તકતીનો ટુકડો, (14) તૂટી ગયેલો અગ્ર લંબાક્ષીય અસ્થિબંધ, (15) છૂટો પડેલો તકતીનો ટુકડો, (16) અસ્થિબંધમાં છિદ્રણ, (17) મણકાપટ્ટીમાં છિદ્રણ, (18) અર્ધમણકાપટ્ટી ઉચ્છેદન, (19) મણકાપટ્ટી ઉચ્છેદન

ક્યારેક દુખાવો પગમાં ફેલાય છે. ત્યારે તેને રાંઝણ (sciatica) કહે છે. કેટલાક દર્દીઓ ભૂતકાળમાં કોઈ ઈજા થઈ હોય તેવી ફરિયાદ કરે છે. કેટલાક દર્દીઓએ તરતના ભૂતકાળમાં ભારે વજન ઊંચકવાની, ખેંચવાની કે ધકેલવાની ક્રિયા કરેલી હોય છે. મોટાભાગના દર્દીઓમાં તરતનો કે લાંબા સમયનો પીઠના નીચલા ભાગમાં થતો ધીમો દુખાવો જોવા મળે છે. તેમના પીઠના સ્નાયુઓ સતત સંકોચાયેલા રહે છે અને તેમનું સહેજ પણ હલનચલન પીડાકારક બને છે. સ્નાયુઓની પીડાકારક રીતે સતત સંકોચાવાની  ક્રિયાને સ્નાયુનું સતતસંકોચન (muscle spasm) કહે છે. ધીમા અને લાંબા ગાળાનો દુખાવો થયો હોય તેવો દર્દી કોઈ એક સ્થિતિમાં લાંબો સમય રહે તો તેનો દુખાવો વધે છે. આરામ કરવાથી દુખાવો ઘટે છે. ક્યારેક દુખાવો બેઠક-વિસ્તાર(gluteal region)માં થઈને જાંઘ તથા પગના પાછલા ભાગમાં ફેલાય છે. જો ત્રિકાસ્થિ(sacrum)નું પ્રથમ ચેતામૂળ પણ દબાતું હોય તો દુખાવો પગના પાછલા અને બાજુ પરના ભાગમાં તથા એડી સુધી ફેલાય છે. જો કેડના ઉપલા મણકાઓની વચ્ચે આવેલી તકતીમાં વિકાર થયો હોય (L2–L3) તો જાંઘના આગળના ભાગમાં દુખાવો થાય છે, જે આરામ કરવાથી ઘટે છે. તેથી તેને ચેતાકીય સમયાંતરિત પીડા (neurological claudication) કહે છે. ચેતામૂળ દબાય છે અને તેથી જે તે ભાગમાં ઝણઝણાટી જેવી પરાસંવેદના (paraesthesia) થાય છે. ક્યારેક ટાંકણીઓ ભોંકાતી હોય તેવું લાગે છે. ક્યારેક ખાલી ચઢે છે અને સ્નાયુઓમાં નબળાઈ જોવા મળે છે.

જો અશ્વપુચ્છીય દબાણનું સંલક્ષણ થાય તો બંને પગમાં સ્નાયુઓનો લકવો થાય છે અને ઘૂંટી (ankle) પાસેની પ્રતિક્ષિપ્ત ક્રિયા જતી રહે છે. પગની ચામડીના L5થી S4 સુધીના ચર્મપટ્ટાઓ (dermatomes) પર બહેરાશ આવે છે તથા મૂત્ર અને મળની હાજત પરનું નિયંત્રણ જતું રહે છે. ચામડીના જે પટ્ટા પરથી કોઈ એક ચેતા સંવેદના પ્રાપ્ત કરતી હોય તે પટ્ટાને ચર્મપટ્ટો કહે છે.

દર્દી તેના પગ અને કમરને કઈ સ્થિતિમાં રાખે છે, તેનું હલનચલન કેવું થાય છે, ક્યાં અડવાથી દુખે છે, પગને કમરથી વાળતાં કેવો દુખાવો થાય છે તથા ચેતાકીય તપાસમાં કેવાં ચિહ્નો જોવા મળે છે, તેના પરથી નિદાન કરી શકાય છે. દુખાવાને લીધે દર્દી તેની કમર તથા પીઠ અક્કડ અને સીધી રાખે છે અને ક્યારેક તે એક બાજુ વળેલો કે નમેલો રહે છે. દર્દી આગળ તરફ વળી શકતો નથી અને તેના કેડ અને ત્રિકાસ્થિ વિસ્તારના કરોડસ્તંભ પર સ્પર્શવેદના (અડવાથી થતો દુખાવો, tenderness) થાય છે. કેડથી પગને સીધો રાખીને વાળવામાં આવે તો તે 9૦0 સુધી વાળી શકાતો નથી.

નિદાનની સાબિતી માટે વિવિધ પ્રકારનાં ચિત્રણો (images) લેવાય છે. ટૂંકા સમયના ઉગ્ર વિકારમાં મણકાનું સાદું ઍક્સ-રે ચિત્રણ કોઈ વિશિષ્ટ વિકૃતિ દર્શાવતું નથી; પરંતુ તેનાથી હાડકાંમાં ક્ષય કે બીજો ચેપી રોગ નથી થયો તેવું જાણી શકાય છે. લાંબા સમયના વિકારમાં બે મણકા વચ્ચેનું અંતર ઘટે છે તે દર્શાવી શકાય છે. કરોડરજ્જુની આસપાસનાં આવરણો (તાનિકાઓ, meninges) વચ્ચેની જગ્યામાં ઍક્સ-રે-રોધી દ્રવ્ય નાંખીને ચિત્રણો લઈ શકાય છે. તેને કરોડરજ્જુચિત્રણ અથવા મેરુરજ્જુચિત્રણ (myelography) કહે છે. તેની મદદથી સરકી ગયેલી તકતીથી ઍક્સ-રે-રોધી દ્રવ્યની સ્તંભાકાર છાયામાં દબાણ વડે ખાંચો પડ્યો હોય તો તે અથવા કોઈ અવરોધ થયો હોય તો તે દર્શાવી શકાય છે. હાલ કમ્પ્યૂટર-સંલગ્ન અક્ષીય આડછેદી ચિત્રણ (computerised axial tomography scan) અથવા સી. એ. ટી. સ્કૅનની મદદથી આ જ પ્રકારની માહિતી મળી શકે છે માટે મેરુરજ્જુચિત્રણનો ઉપયોગ ઘટ્યો છે. સામાન્ય તકતીની પાછલી ધાર અંતર્ગોળ હોય છે, જ્યારે દ્બાણને કારણે તે સપાટ કે બહિર્ગોળ થઈને ઊપસી આવે છે. ક્યારેક સરકેલી તકતી કરોડરજ્જુનલિકામાં પ્રવેશ કરે છે. સી. એ. ટી. સ્કૅનમાં તે બંને સ્પષ્ટપણે જોઈ શકાય છે. ચુંબકીય અનુનાદી ચિત્રણ (magnetic resonance imaging) વડે કરાતી તપાસમાં તકતી, ચેતાઓ અને કરોડરજ્જુનાં આવરણો (તાનિકાઓ) સ્પષ્ટપણે દર્શાવી શકાય છે. માટે તે સૌથી વધુ લાભદાયી માહિતી આપતું પરીક્ષણ ગણાય છે. જ્યારે એકથી વધુ તકતીઓમાં વિકાર હોય ત્યારે કઈ તકતીની તકલીફ મુખ્ય છે તે જાણવા માટે ક્યારેક સ્નાયુઓનો વીજ-આલેખ (electromyograph, EMG) લેવાય છે. તેના વડે કયું ચેતામૂળ વધુ અસરગ્રસ્ત છે તે જાણી શકાય છે.

મુખ્ય તકલીફ પગમાં ફેલાતો દુખાવો છે. માટે તકતીના અપભ્રંશને મણકાશોથ બદ્ધસંધિ (ankylosing spondylitis), મણકાના રુધિરાભિસરણના વિકારો, મણકાનો ક્ષય તથા મણકા કે અન્ય પેશીઓની સ્થાનિક ગાંઠના વિકારથી અલગ પડાય છે.

સારવાર : સારવારનું મુખ્ય ધ્યેય તકલીફમાં રાહત આપવાનું છે. તેથી મોટાભાગના કિસ્સામાં આરામ, પીડાનાશક તથા સ્નાયુઓને શિથિલ કરતી દવાઓ, વ્યાયામાદિ ચિકિત્સા (physiotherapy) તથા અન્ય કેટલીક સારવારપદ્ધતિઓ ઉપયોગી રહે છે. અન્ય સારવારપદ્ધતિઓમાં પગને નીચે તરફ ખેંચીને કમરના મણકાને છૂટા પાડતી પદ્ધતિ, જેને કટિકર્ષણ (lumber traction) કહે છે તે તથા ચેતાઓનું વિદ્યુત વડે ઉત્તેજન કરવાની પારત્વકીય વિદ્યુતીય ચેતા-ઉત્તેજન(transcutaneous electric nerve stimulation, TENS)નો સમાવેશ થાય છે. કઠણ પથારી પર 2થી 3 અઠવાડિયાંનો આરામ અને પીડાનાશક અને સ્નાયુશિથિલક (muscle relaxant) દવાઓ વડે સારવાર કરવાથી ઘણો ફાયદો થાય છે. જો આવી સારી રીતે અપાયેલી સારવાર સફળ ન રહે, જો અશ્વપુચ્છીય સંલક્ષણનો વિકાર થયેલો હોય કે જો વ્યક્તિને એક અથવા બંને પગે લકવાની અસર શરૂ થાય, (અંગૂઠો લપટો પડવો, પગ પાતળા પડવા વગેરે) તો શસ્ત્રક્રિયાની જરૂર પડે છે. તેનો ઇરાદો કરોડરજ્જુ પરનું દબાણ ઘટાડવાનો છે. તે માટે મુખ્યત્વે 4 પ્રકારની શસ્ત્રક્રિયાઓ કરાય છે : (1) કરોડના મણકાની પટ્ટીઓ વચ્ચેના અસ્થિબંધમાં કાણું પાડીને (છિદ્રીકરણ, fenestration) કરોડરજ્જુને તે સ્થળે ખુલ્લી કરવી, (2) મણકાપટ્ટીમાં કાણું પાડવું (મણકાપટ્ટીછિદ્રણ, laminotomy), (3) એક બાજુની મણકાપટ્ટી કાપીને કાઢી નાંખવી (અર્ધમણકાપટ્ટી-ઉચ્છેદન, hemilaminectomy) અને (4) બંને બાજુની મણકાપટ્ટી કાપી કાઢવી (મણકાપટ્ટી-ઉચ્છેદન, laminectomy). કરોડરજ્જુનલિકામાં આમ ચાર પ્રકારે કાણાં પાડવાથી કરોડરજ્જુ પરનું દબાણ ઘટાડી શકાય છે. કરોડરજ્જુ પરનું દબાણ ઘટાડવા માટે કરાતી શસ્ત્રક્રિયાઓના મુખ્ય 2 પ્રકારો છે : મણકાપટ્ટી-નવસર્જન (laminoplasty) અને મણકાપટ્ટી-ઉચ્છેદન (laminectomy). કમરનો દુખાવો અને રાંઝણ બંને હોય અને દર્દી તે સહન કરી શકે તેમ ન હોય તો આ પ્રકારની શસ્ત્રક્રિયા કરવાનું સૂચવાય છે. જો દર્દીના કિસ્સામાં તકતીનો અપભ્રંશ મધ્યરેખામાં હોય અને તે ઉગ્ર પ્રકારનું અશ્વપુચ્છીય સંલક્ષણ સર્જે (બંને પગમાં રાંઝણ, ગુદાની આસપાસ ઝણઝણાટી અને બહેરાશ તથા પેશાબની હાજતમાં અટકાવ) તો ઝડપથી મેરુરજ્જુચિત્રણ કરાવીને શસ્ત્રક્રિયા (મણકાપટ્ટી-ઉચ્છેદન) કરાય છે. તેમ કરવાથી મળ-મૂત્રની હાજત પરનું નિયંત્રણ તથા જાતીય (લૈંગિક) ક્રિયાની ક્ષમતા જળવાઈ રહે છે. શસ્ત્રક્રિયા પછી દુખાવો ન રહે તે માટે ર્દઢતાનિકા (dura mater) નામના કરોડરજ્જુના સૌથી બહારના આવરણની બહાર પીડાનાશક દવાનું ઇન્જેક્શન અપાય છે. તેને અધિર્દઢતાનિકી પીડાનાશન (epidural analgesia) કહે છે. 3થી 4 દિવસમાં દર્દી મોઢેથી દવાઓ લેતો થઈ જાય છે. દર્દીને ત્રિકાસ્થિ-સ્તંભીય સ્નાયુ(sacrospinalis muscle)ની કસરત કરવાનું ખાસ સૂચવાય છે. શસ્ત્રક્રિયા પછી ક્યારેક તકતીનો અપભ્રંશ ફરીથી થાય છે. ક્યારેક થોડાક દિવસો કે અઠવાડિયા પછી તકતીમાં પીડાકારક સોજો આવે છે. તેનું સી. ટી. સ્કૅનની મદદથી નિદાન કરાય છે. સારવાર માટે આરામ કરવાનું સૂચવાય છે. શસ્ત્રક્રિયાને લીધે ચેતામૂળને ઈજા ભાગ્યે જ થાય છે.

એક અન્ય સારવારપદ્ધતિમાં સરકીને ખસેલી તકતીમાં કાયમોપેપેઇન નામનો ઉત્સેચક (enzyme) ઇન્જેક્શનના રૂપમાં અપાય છે અને તે રીતે તેને ઓગાળી કઢાય છે. હાલ નવી શોધાયેલી પદ્ધતિ પ્રમાણે અંત:દર્શક (endoscope) નામના એક પોલી નળી જેવા સાધનને બે મણકા વચ્ચે પ્રવેશ અપાવીને તેના દ્વારા તકતીને જોવામાં આવે છે અને પછી તેના ખસી ગયેલા ભાગને નજર હેઠળ રાખીને કાપી કઢાય છે. તેને પારત્વકીય તકતી-ઉચ્છેદન(percutaneous discectomy)ની શસ્ત્રક્રિયા કહે છે. તેને માટે વિશિષ્ટ સાધનો અને તાલીમની જરૂર પડે છે.

જો ડોકના મણકાની વચ્ચેની તકતી ખસેલી હોય તો દુખાવો હાથમાં ફેલાય છે. એમ.આર.આઇ.ની તપાસ વડે તેનું નિદાન કરાય છે. ઘણી વખત તે જાતે મટે છે, પરંતુ ક્યારેક શસ્ત્રક્રિયાની જરૂર પડે છે. તે વખતે ડોકના આગળના ભાગથી પ્રવેશીને તકતીનો સરકેલો ભાગ કાપી કઢાય છે.

દિવ્યાંગ દવે

શિલીન નં. શુક્લ