મડીકેરે : કર્ણાટક રાજ્યના કોડુગુ (કોડાગુ અથવા કૂર્ગ) જિલ્લાનું વડું વહીવટી મથક. તેનું બીજું નામ મડીકેરે અથવા મધુકેરે છે. ભૌગોલિક સ્થાન : 12o 257´ ઉ. અ. અને 75o 447´ પૂ. રે. તે કર્ણાટક–કેરળ સરહદ નજીક, મૅંગલોરથી અગ્નિકોણમાં, મૅંગલોર–મૈસૂર ધોરી માર્ગ પર, પશ્ચિમ ઘાટની ટેકરીઓમાં 1,16૦ મીટરની ઊંચાઈ પર આવેલું છે. આ શહેરનું જૂનું નામ મેરકાર હતું.

મડીકેરે એક સુંદર પહાડી નગર છે. 1681માં હાલેરી વંશના મુદ્દુરાજાએ જિલ્લાના મધ્યભાગમાં આ દુર્ગમ સ્થળને પાટનગર વસાવવા માટે પસંદ કરેલું. 1812માં અહીં લિંગી રાજાએ ઓમકારેશ્વરનું મંદિર તથા ઉપરથી નીચે ખ્યાલ રાખી શકાય એ રીતે એક કિલ્લો બંધાવેલાં. હાલમાં અહીં સરકારી કચેરીઓ આવેલી છે. અહીં ઊંચાઈ પર રાજવીનું સ્થાનક તથા નાનો રમણીય બાગ પણ આવેલાં છે. આ ઊંચાઈએથી આજુબાજુનું વિશાળ ર્દશ્ય જોઈ શકાય છે. મૈસૂર યુનિવર્સિટી સાથે સંલગ્ન કૉલેજ પણ અહીં આવેલી છે. 1991 મુજબ આ નગરની વસ્તી આશરે 35,૦૦૦ જેટલી છે.

અહીંનું ઉનાળાનું તાપમાન આશરે 330 સે. જેટલું તથા શિયાળાનું તાપમાન આશરે 210 સે. જેટલું રહે છે. સરેરાશ વાર્ષિક વરસાદ 3,૦૦૦થી 3,5૦૦ મિમી. જેટલો પડે છે. અહીંની મુખ્ય પેદાશોમાં ડાંગર, જુવાર, બાજરી, કૉફી, એલચી, મરી, સોપારી, કેળાં, અનાનસ, સંતરાં વગેરેનો સમાવેશ થાય છે. અહીં પશુ-સંવર્ધન-કેન્દ્રો અને મધમાખી-ઉછેર-કેન્દ્રો વિકસ્યાં હોવાથી દૂધ, માખણ, મધ અને મીણ માટે જાણીતું બન્યું છે. મેરકાર મૅંગલોર અને હસન શહેરો સાથે રાજ્ય ધોરી માર્ગ દ્વારા સંકળાયેલું છે. અહીં ચિકિત્સાલય, શાળાઓ અને કૉલેજ તથા આરામગૃહની સગવડો ઉપલબ્ધ છે.

મડીકેરે તરીકે આજે ઓળખાતા આ નગરમાં પ્રવાસીઓ માટેનાં કેટલાંક સ્થળો આવેલાં છે. અહીં કુશલનગર નામનું એક ઐતિહાસિક મહત્વ ધરાવતું સ્થળ છે. આ સ્થળે હૈદરઅલીને પોતાને ત્યાં પુત્ર(ટિપુ સુલતાન)નો જન્મ થયાના સમાચાર મળેલા. બ્રિટિશ શાસન દરમિયાન, આ સ્થળને તત્કાલીન કૂર્ગ(કોડુગુ)ના કમિશનર ફ્રેઝરના નામ પરથી ‘ફ્રેઝરપેટ’ નામ અપાયેલું. ત્યારે તે વિરાજપેટ (વીરા રાજેન્દ્ર પીઠ) પ્રાંતનું આરામ માટેનું ચોમાસુ મથક હતું. આ સ્થળ પણ ઐતિહાસિક મહત્વ ધરાવે છે. આજે જ્યાં રાજ્ય સરકારની કચેરીઓ આવેલી છે, તે કિલ્લો એક વખતે રાજમહેલ હતો. મસ્જિદની શૈલીથી ચતુષ્ટકોણ આકારમાં બાંધેલું ઓમકારેશ્વરનું મંદિર તેના મધ્યભાગમાં ઘૂમટ તથા ચાર ખૂણે ચાર મિનારા ધરાવે છે. રાજાઓની સમાધિઓ (ગડ્ડુગ – gadduge) પણ અહીં જોવા મળે છે. આ નગરથી પાંચ કિમી. અંતરે અબ્બી જળધોધ (જૂનું નામ જેસ્સી ધોધ) આવેલો છે. અહીંનું તે પર્યટન-સ્થળ ગણાય છે.

મેરકાર તાલુકો ઉચ્ચપ્રદેશીય ભૂપૃષ્ઠ ધરાવે છે. 1,87૦ મીટર ઊંચાઈ ધરાવતી પુષ્પગિરિ ટેકરીમાં આવેલ બિસલ (Bisle) ઘાટ આ તાલુકા સાથે સંકળાયેલ છે. અહીંની કેટલીક ટેકરીઓને હવા ખાવાના મથક તરીકે વિકસાવાઈ છે. અહીંની જમીનની ફળદ્રૂપતાને કારણે ખેતીની પ્રવૃત્તિ વધુ વિકસી છે. આ વિસ્તારની કેટલીક જમીનો લૅટરાઇટ પ્રકારની પણ છે. અહીં મોટેભાગે વાંસ, સાગ, સોપારી તેમજ ચંદનવૃક્ષો વધુ જોવા મળે છે. આ તાલુકામાં ખેતીને લગતાં સંશોધન-કેન્દ્રો આવેલાં છે. મેરકાર ખાતે સર્વપ્રથમ વાર કૉફીના બગીચાનું નિર્માણ 1854માં ફાઉલરે કર્યું હતું. આ તાલુકામાં કૉફી, એલચી, મરી, રબર અને ફળોના બગીચા પણ આવેલા છે.

નીતિન કોઠારી