મડિયા, ચુનીલાલ કાળિદાસ (જ. 12 ઑગસ્ટ 1922, ધોરાજી, જિ. રાજકોટ; અ. 29 ડિસેમ્બર 1968, અમદાવાદ) : પ્રસિદ્ધ ગુજરાતી સાહિત્યકાર. ઉપનામ : ‘અખો રૂપેરો’, ‘કલેન્દુ’, ‘વક્રગતિ’, ‘વિરંચિ’. વતન : ધોરાજી (સૌરાષ્ટ્ર). પિતાજીનો વ્યવસાય ધીરધારનો. 1939માં ધોરાજીની હાઈસ્કૂલમાંથી મૅટ્રિક્યુલેશનની પરીક્ષા પાસ કરી. 1939થી 1944 સુધી અમદાવાદની એચ. એલ. કૉલેજ ઑવ્ કૉમર્સમાં અભ્યાસ કર્યો. 1945માં મુંબઈની સિડનહામ કૉલેજમાંથી બી. કૉમ પાસ થયા.

ચુનીલાલ કૉલેજમાં હતા ત્યારથી જ તેમને વાર્તા લખવાનો શોખ હતો. ઉમાશંકર જોશીનાં સંસર્ગ, પ્રોત્સાહન અને માર્ગદર્શનથી એ પ્રવૃત્તિએ વેગ પકડ્યો. તેના ફળસ્વરૂપે 1944માં તેમનો પ્રથમ વાર્તાસંગ્રહ ‘ઘૂઘવતાં પૂર’ પ્રગટ થયો. 1945થી 1950 દરમિયાન મુંબઈમાં ‘જન્મભૂમિ’ દૈનિકના તંત્રી-વિભાગમાં કામ કર્યું. ત્યારબાદ યુનાઇટેડ સ્ટેટ્સ ઇન્ફર્મેશન સર્વિસ(‘યુસિસ’)ની મુંબઈ શાખાના ગુજરાતી વિભાગમાં સંપાદક તરીકે જોડાયા. 1955માં તેમણે યુરોપ અને અમેરિકાનો પ્રવાસ કર્યો. 1957માં તેમની સાહિત્ય-સેવાની કદર રૂપે રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો. 1962માં ‘યુસિસ’માંથી નિવૃત્ત. 1963માં તેમણે ‘રુચિ’ માસિક શરૂ કર્યું. ‘સંદેશ’ અને ‘જન્મભૂમિ’ દૈનિકોમાં તેઓ ધારાવાહી નવલકથાઓ અને સાપ્તાહિક કટાર પણ લખતા. 1967માં પી. ઈ. એન.ના આંતરરાષ્ટ્રીય અધિવેશનમાં ભારતના પ્રતિનિધિ તરીકે હાજરી આપવાને નિમિત્તે આફ્રિકા અને યુરોપની મુસાફરી કરી. 29–12–1968ના રોજ પી. ઈ. એન.ના ભારતીય અધિવેશનમાં હાજરી આપીને અમદાવાદથી મુંબઈ જતાં રાત્રે ગુજરાત મેલમાં હૃદયરોગના હુમલાથી તેમનું અવસાન થયું હતું.

ચુનીલાલ કાળિદાસ મડિયા

ગુજરાતી સાહિત્યક્ષેત્રે ઇયત્તા અને ગુણવત્તા ઉભય ર્દષ્ટિએ નોંધપાત્ર સાહિત્યસર્જન કરનાર સર્જકોમાં ચુનીલાલ મડિયાનું સ્થાન છે. પાંચમા દાયકાની ધ્યાન ખેંચે તેવી સાહિત્યિક ઘટના એટલે મડિયાનું આગમન. અલ્પ આયુષ્યમાં કવિતાથી વિવેચન સુધીના લગભગ તમામ સાહિત્યપ્રકારોનું ખેડાણ તેમણે કર્યું છે. સૌરાષ્ટ્રના લોકજીવનને સાહિત્યમાં સજીવન કરનાર મેઘાણી પછીના બીજા સર્જક તે મડિયા.

મડિયા મુખ્યત્વે ગદ્યસર્જક હતા. પણ તેમની સર્ગશક્તિની ઉપપેદાશ રૂપે ‘સૉનેટ’(1959)માં 21 સૉનેટો મળે છે. તેમાં ‘અડીખમ તિજોરી’, ‘ગતિ’, ‘પૃથ્વી’, ‘મરણ’ વગેરે ઉત્તમ સૉનેટ છે. મનુષ્યની અધમતા, ઘાતકતા અને વિશાળ જગતની પરિસ્થિતિ તેમના કાવ્યવિષયો છે.

જીવનની ઘટનાઓમાંથી નાટ્યોપકારક સંઘર્ષો શોધવા અને ઉપજાવવાની તેમની કુશળતાના પરિપાક રૂપે ગુજરાતીને ‘હું ને મારી વહુ’ (1949), ‘રંગદા’ (1951), ‘વિષવિમોચન’ (1955), ‘રક્તતિલક’ (1956), ‘શૂન્યશેષ’ (1957), ‘રામલો રૉબિનહુડ (1962) આદિ નાટ્યગ્રંથો મળે છે. ‘દીપનિર્વાણ’ તેમનું ઉત્તમ એકાંકી છે. મડિયાનાં નાટકોમાં ઊંડાણ ઓછું હોવા છતાં બલિષ્ઠ અને તળપદી ચોટવાળી સંવાદભાષા, ક્રિયાને સતત ચાલતી રાખે તેવી વસ્તુસંકલના અને પાત્રચિત્રણની કુશળતા તેમની નાટ્ય સફળતાનાં મહત્વનાં કારણો છે.

મડિયા પાસેથી ગુજરાતને સૌરાષ્ટ્રની ધરતીના રંગ પૂરીને રચાયેલી ઘટનાપ્રધાન નવલકથાઓ મળી છે. ‘પાવક જ્વાળા’ (1945), ‘વ્યાજનો વારસ’ (1946), ‘ઇંધણ ઓછાં પડ્યાં’ (1951), ‘વેળાવેળાની છાંયડી’ (1956), ‘લીલુડી ધરતી, ભાગ 1, 2’ (1957), ‘પ્રીતવછોયાં’ (1960), ‘શેવાળનાં શતદલ’ (1960), ‘કુમકુમ અને આશકા’ (1962), ‘ઇન્દ્રધનુનો આઠમો રંગ’ (1967), ‘આલા ધાધલનું ઝીંઝાવદર’ (1968) વગેરેમાં નાટ્યાત્મક નિરૂપણ વાચકને જકડી રાખે છે. મડિયા પાસેથી ‘સધરા જેસંગનો સાળો’ (1962), ‘સધરાના સાળાનો સાળો’ (1968) અને ‘ગ્રહાષ્ટક વત્તા એક’ (1965) – એમ 3 હાસ્યરસિક નવલકથાઓ મળે છે. મડિયાની નૈસર્ગિક વિનોદવૃત્તિ અને ‘કૉમિક’ નવલકથા લખવાની અપૂર્વ કુશળતા તેમાં દેખાય છે.

11 સંગ્રહોમાં ઘટનાપ્રધાન વાર્તાઓ રજૂ કરતા મડિયાને ટૂંકી વાર્તાના કમનીય કલાસ્વરૂપમાં વિશેષ સફળતા મળી છે. ભાષાના બળે રંગદર્શી વાતાવરણની જમાવટ કરી ઘટનાના કેન્દ્રનું એક નાજુક સંવેદન પકડી મડિયા સભાન કલાકારની હેસિયતથી તેનું રસભર્યું નિરૂપણ કરે છે. ‘ઘૂઘવતાં પૂર’ (1945), ‘શરણાઈના સૂર’ (1945), ‘ગામડું બોલે છે’ (1945), ‘પદ્મજા’ (1947), ‘ચંપો ને કેળ’ (1950), ‘તેજ અને તિમિર’ (1952), ‘રૂપ-અરૂપ’ (1953), ‘અંત:સ્રોતા’ (1956), ‘જેકબ સર્કલ : સાત રસ્તા’ (1959), ‘ક્ષણાર્ધ’ (1962) અને ‘ક્ષત-વિક્ષત’ (1968) – એ તેમના વાર્તાસંગ્રહો છે. આઘાતજનક અંત, માર્મિક ઉદગારો, અતિરંજિતતા તેમની વાર્તાઓની લાક્ષણિકતાઓ છે. સ્નાયુબદ્ધ, સપ્રમાણ ઘાટવાળી ‘વાની મારી કોયલ’; ‘અંત:સ્રોતા’ તથા ‘કમાઉ દીકરો’ જેવી વાર્તાઓ તેમનું ગુજરાતી સાહિત્યને ચિરંજીવ અર્પણ છે.

પત્રકારત્વની નીપજ રૂપે તેમજ ટૂંકી વાર્તા, નાટક અને અન્ય સાહિત્યિક મુદ્દાઓને અનુલક્ષીને મડિયાએ ‘નાટક ભજવતાં પહેલાં’ (1957), ‘વાર્તાવિમર્શ’ (1961), ‘ગ્રંથગરિમા’ (1961), ‘ગુજરાતી સાહિત્યમાં ડોકિયું’ (1963), ‘શાહમૃગ અને સુવર્ણમૃગ’ (1966), ‘કથાલોક’ (1968) જેવા વિવેચનગ્રંથો આપ્યા છે. પાશ્ચાત્ય પ્રવાહોનો પરિચય, અરૂઢ અભિગમથી કૃતિવિષયક મંતવ્યની રજૂઆત, નિખાલસ અને નિર્ભીક મતદર્શન એ તેમની વિવેચનાની વિશેષતાઓ છે. સાહિત્યસંસ્થાઓ, વ્યક્તિઓ, પ્રવૃત્તિઓ અને પ્રવર્તમાન સ્થિતિ વિશેનાં તેમનાં નિરીક્ષણો પણ ધ્યાનાર્હ છે.

‘સંસ્કૃતિ’ સામયિકમાં પ્રગટ થયેલા નિબંધોનો સંગ્રહ ‘ચોપાટીને બાંકડેથી’ (1959) મળે છે. જેમાં લેખકનું લક્ષ્ય સમાજનાં દૂષણો છે. અહીં માનવીની પામરતા સામે લેખક કટાક્ષ, વ્યંગ્ય, શ્લેષ, નર્મ-મર્મ જેવાં હાસ્યશસ્ત્રોનો ઉપયોગ કરે છે. એમના ચૂંટેલા નિબંધો 1999માં ‘મડિયાના પ્રતિનિધિ નિબંધો’નામે પ્રકાશિત થયા છે.

2001માં અમિતાભ મડિયાએ મડિયાના અગ્રંથસ્થ વિવેચનાત્મક લેખો અને નિબંધોને ‘ચંદ અલ્ફાઝ’ અને ‘છીંડું ખોળતાં’ પુસ્તકો દ્વારા સંપાદિત કર્યા છે.

મડિયા પાસેથી ‘ગાંધીજીના ગુરુઓ’ (1953) અને ‘વિદ્યાપ્રેમી ફાર્બસ’ (1966) જેવી પુસ્તિકાઓ ઉપરાંત ‘જય ગિરનાર’ (1948) જેવી પ્રવાસકથા પણ મળી છે. તેમણે અનુવાદ તથા સંપાદન-ક્ષેત્રે પણ નોંધપાત્ર કાર્ય કર્યું છે.

મડિયાની કેટલીક નવલકથાઓ અને ટૂંકી વાર્તાઓના મરાઠી, તમિળ, હિંદી, અંગ્રેજી, ઇટાલિયન અને મલયાળમ ભાષાઓમાં અનુવાદ થયા છે. મડિયાના કથાસાહિત્ય પરથી ફિલ્મો બનાવવામાં આવી છે. ‘વેળાવેળાની છાંયડી’, ‘અંત:સ્રોતા’, ‘લીલુડી ધરતી’, ‘અભુ મકરાણી’ અને ‘પાવક જ્વાળા’ પરથી અનુક્રમે ‘સમય બડા બલવાન’, ‘મારી હેલ ઉતારો રાજ’, ‘લીલુડી ધરતી’, ‘મિર્ચ મસાલા’ અને ‘પાવક જ્વાળા’ ફિલ્મો બનાવવામાં આવી છે.

1951માં  મડિયાને નર્મદ સુવર્ણચંદ્રક મળ્યો. 1951માં મડિયાના ‘રંગદા’ એકાંકીસંગ્રહને મુંબઈ સરકારનું શ્રેષ્ઠ એકાંકીસંગ્રહ માટેનું પ્રથમ ઇનામ મળ્યું. 1954માં ‘ધ ન્યૂયૉર્ક હેરલ્ડ ટ્રિબ્યૂન’ની આંતરરાષ્ટ્રીય ટૂંકી વાર્તા હરીફાઈમાં મડિયાની ટૂંકી વાર્તા ‘રાન્દેવૂ ઇન ઇટરનિટી’ (‘અંત:સ્રોતા’નું અંગ્રેજી રૂપાંતર)ને તે વરસની શ્રેષ્ઠ ટૂંકી વાર્તા માટેનું પ્રથમ ઇનામ મળ્યું. 1956માં મડિયાના ટૂંકી વાર્તાના સંગ્રહ ‘તેજ અને તિમિર’ને મુંબઈ સરકાર તરફથી 1952ના વરસ માટેના શ્રેષ્ઠ ટૂંકી વાર્તાના સંગ્રહ માટેનું પ્રથમ ઇનામ મળ્યું. 1956થી 1968 સુધી મડિયા કેન્દ્રીય સાહિત્ય અકાદમીની સલાહકાર સમિતિના સભ્ય હતા.

ડાહ્યાભાઈ હાથીભાઈ ચૌધરી