મઠ : દ્વિદળી વર્ગમાં આવેલા ફેબેસી કુળના ઉપકુળ પૅપિલિયોનોઇડીની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Vigna aconitifolia (Jacq.) Marechal syn. Phaseolus aconitifolius Jacq. (હિં. મોઠ, ભ્રિંગા; બં. બેરી; મ. , ગુ. મઠ; તે. કુંકુમપેસાલુ; પં. ભિનોઇ; અં. મટબીન) છે. તે એકવર્ષાયુ કે બહુવર્ષાયુ, 15 સેમી.થી 20 સેમી. ઊંચી શાકીય જાતિ છે અને સમગ્ર ભારતમાં હિમાલયથી કન્યાકુમારી સુધી 1,200 મી.ની ઊંચાઈ સુધી થાય છે. તેનું પ્રકાંડ નાજુક, ઉપ-ઉન્નત (sub-erect) અથવા ભૂપ્રસારી (diffuse) અને થોડા પ્રમાણમાં રોમિલ હોય છે. મુખ્ય પ્રકાંડમાંથી 30 સેમી.થી 150 સેમી. લાંબી શાખાઓ જમીન પર પથરાય છે. તેના ઉપર આંતરગાંઠો ટૂંકી હોય છે. પર્ણો ત્રિપંજાકાર (trifoliate) સંયુક્ત હોય છે. તેની પર્ણિકાઓ લગભગ 5.0 સેમી. લાંબી, ઊંડું પર્ણછેદન પામેલી અને 3–5 ખંડી હોય છે. ઉપપર્ણો સાંકડાં અને તીક્ષ્ણ હોય છે. પુષ્પવિન્યાસદંડ લાંબો, જેના ઉપર સમુંડ (capitate) કલગી (raceme) સ્વરૂપે નાનાં, પીળાં પતંગિયા-આકારનાં પુષ્પો ઉદભવે છે. પુષ્પો દ્વિલિંગી, એક-સ્ત્રીકેસરી, દસ પુંકેસરોવાળાં અને સ્વપરાગિત હોય છે. શિંબી ફળ પીળાશ પડતું કથ્થાઈ રંગનું, રોમિલ, 2.0 સેમી.થી 6.0 સેમી. લાંબું, 5.0 મિમી. પહોળું અને 3.0 મિમી. જાડું હોય છે. પ્રત્યેક શિંગમાં 6થી 12 બીજ હોય છે. બીજ નાનાં, 4.0 મિમી. લાંબાં અને 2.0 મિમી. પહોળાં; પીળાથી માંડી બદામી રંગનાં કે કર્બુર (mottled) કાળાં હોય છે. બીજના નાભિ(hilum)સ્થાન પર સફેદ રેખા જોવા મળે છે. 100 બીજનું વજન 2.0થી 3.0 ગ્રા. જેટલું થાય છે.
પંજાબ અને રાજસ્થાનમાં તેના પ્રભેદો(strains)નું મોટા પ્રમાણમાં એકત્રીકરણ કરી તેમાંથી પસંદગી કરી સુધારેલા પ્રકાર પ્રાપ્ત કરવામાં આવ્યા છે. પંજાબમાં ઘણી જગ્યાએ ટાઇપ-3 ચારાના ઉત્પાદન માટે સારી જણાઈ છે. રાજસ્થાનમાં બી 18–54 અને બી 15–54 વધારે ઉત્પાદન આપે છે. ગુજરાતમાં બાલેશ્વર 12 અને મેઢી 33નો પ્રયત્ન કરવામાં આવ્યો છે. બાલેશ્વર 12ની જાતનાં મહેસાણા અને વડોદરા જિલ્લામાં સારાં પરિણામો પ્રાપ્ત થયાં છે. ઉત્તર પ્રદેશમાં કાનપુર ખાતે ટાઇપ 4301–12 અને અટ્ટારા ખાતે ટાઇપ 4312–12 અને 4313 સારા પ્રભેદો ગણવામાં આવ્યા છે. વેપારમાં તેના બે પ્રકારો પાડવામાં આવ્યા છે : (1) કાળા મઠ અને (2) સફેદ-લીલા (ગોરા) મઠ. સફેદ–લીલા મઠ વધારે સામાન્ય છે, જ્યારે કાળા મઠ મોટે ભાગે હરિયાણા અને ગુજરાતમાં વાવવામાં આવે છે.
મઠ ભારતની મૂલનિવાસી વનસ્પતિ છે અને ઘણે ભાગે ભારતમાં અને થોડાક પ્રમાણમાં ચીનમાં વવાય છે. તે ભારતમાં લગભગ 13.6 લાખ હેક્ટર જમીનમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, ગુજરાત, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને બિહારમાં ઉગાડવામાં આવે છે. ગુજરાતમાં અમદાવાદ, મહેસાણા, વડોદરા અને ખેડા જિલ્લામાં તેનું વાવેતર વધારે થાય છે. જોકે દેશમાં વાવેતરનું કુલ ક્ષેત્રફળ 43.35 લાખ હેક્ટર(1953–54થી 1957–58)થી ઘટીને 19.28 લાખ હેક્ટર (1973–74) થયું હોવા છતાં કુલ ઉત્પાદનમાં 1.2 લાખ ટનનો વધારો થયો છે; જે વધારે ઉત્પાદન આપતી જાતો અને વાવેતરની સુધારેલી પદ્ધતિઓને પરિણામે છે.
મઠ ખરીફ પાક તરીકે જૂન-જુલાઈમાં વાવવામાં આવે છે અને તેની લણણી ઑક્ટોબર–નવેમ્બરમાં કરવામાં આવે છે. તે શુષ્કતા-અવરોધક (drought-resistant) અને સહિષ્ણુ (hardy) પાક છે અને સૌથી હલકી જમીનમાં પણ ઊગી શકે છે. જોકે રેતાળ જમીન અને પ્રકાશ આ પાક માટે અનુકૂળ ગણાય છે. તે 75 સેમી. જેટલા વાર્ષિક વરસાદવાળા વિસ્તારોમાં સારી રીતે થાય છે; છતાં પિયત, ખાતર કે પાકસંરક્ષણની ખાસ જરૂર નહિ હોવાથી ગમે તેવી વિષમ પરિસ્થિતિમાં પણ તેનો પાક લઈ શકાય છે.
મઠ કાં તો શુદ્ધ કે મિશ્ર પાક તરીકે જુવાર કે બાજરી સાથે ઉગાડવામાં આવે છે. પિયત જમીનમાં ઘાસ-ચારાના પાક કે કપાસ સાથે મિશ્ર રીતિમાં તે વવાય છે. શુદ્ધ પાક તરીકે પ્રતિ હેક્ટરે 10 કિગ્રા.થી 15 કિગ્રા. અને મિશ્ર પાકમાં 9 કિગ્રા.થી 14 કિગ્રા. બીજનું વાવેતર કરવામાં આવે છે. શુદ્ધ પાક તરીકે તે પ્રતિ હેક્ટરે 500 કિગ્રા. દાણા અને 1,000 કિગ્રા. ભૂસાનું ઉત્પાદન આપે છે.
તેના દાણાનું રાસાયણિક વિશ્લેષણ આ પ્રમાણે છે : પાણી 10.8 %; પ્રોટીન 23.6 %; લિપિડ 1.1 %; રેસા 4.5 %; કાર્બોદિતો 56.5 અને ખનિજ-તત્વો 3.5 %; ખનિજબંધારણ : Ca 202 મિગ્રા.; P 230 મિગ્રા.; Fe 9.5 મિગ્રા.; Mg 225 મિગ્રા.; Na 29.5 મિગ્રા.; K 1,096 મિગ્રા.; Cu 0.8 મિગ્રા.; S. 180 મિગ્રા. અને Cl 9 મિગ્રા. પ્રતિ 100 ગ્રા. જેટલું હોય છે. દાણામાં પ્રજીવકોનું પ્રમાણ આ પ્રમાણે હોય છે : કૅરોટિન 9 માઇક્રોગ્રામ/100 ગ્રા.; થાયેમિન 0.45 મિગ્રા.; રાઇબોફ્લેવિન 0.09 મિગ્રા.; નાયેસિન 1.5 મિગ્રા. અને પ્રજીવક ‘સી’ 2 મિગ્રા. પ્રતિ 100 ગ્રા. અંકુરિત બીજમાં પ્રજીવક ‘સી’નું પ્રમાણ વધે છે.
મઠ પ્રોટીનયુક્ત પૌષ્ટિક આહાર છે. તેનો મુખ્ય ઉપયોગ આખા દાણા અને દાળ તરીકે થાય છે. તેની કાચી શિંગોનું દેશના મહારાષ્ટ્ર જેવા કેટલાક ભાગોમાં શાક કરવામાં આવે છે. તળેલી મીઠાવાળી દાળ એક જાણીતો અલ્પાહાર ગણાય છે. તેને પલાળી કે ફણગાવીને ઘૂઘરી કે શાક થાય છે. તેનાં પૂરી જેવાં મઠિયાં સ્વાદિષ્ટ હોય છે. મઠની શિંગોમાંથી દાણા સાફ કર્યા પછી બચતું ગોતર એક પૌષ્ટિક પશુ-આહાર છે. તેના ગોતરનું રાસાયણિક બંધારણ આ પ્રમાણે છે : અશુદ્ધ પ્રોટીન 9.6 %; ઈથર-નિષ્કર્ષ 2.9 %; અશુદ્ધ રેસા 19.4 %; નાઇટ્રોજન-મુક્ત નિષ્કર્ષ 54 %; ભસ્મ 14.1 %; કૅલ્શિયમ 3.01 % અને ફૉસ્ફરસ 0.24 %.
મઠને 2 કે 3 દિવસ પલાળી રાખવાથી તેમનું પોષક મૂલ્ય વધે છે. આવા અંકુરિત (ફણગાવેલા) મગમાં પ્રજીવક-‘બી’ જૂથનાં દ્રવ્યોનું પ્રમાણ વધે છે અને પોષક દ્રવ્યોનાં અવશોષણ ઘટાડનારાં ટૅનિન અને ફાયટેટ્સ પણ ઘટે છે. તેને રાંધવાથી પણ ટ્રિપ્સિન નામના પ્રોટીનનું પાચન કરતા ઉત્સેચક(enzyme)નું અવદાબન કરતા દ્રવ્યનો નાશ થાય છે.
મઠમાંથી પ્રક્રમણ કરી મેળવેલા સ્ટાર્ચ(ઉત્પાદન, 26.6 %)નો વસ્ત્ર (textile) અને સુતરાઉ કાપડના છાપકામમાં છિદ્રપૂરક દ્રવ્ય (sizing material) તરીકે ઉપયોગ કરવામાં આવે છે.
તેના ભૂપ્રસારી સ્વરૂપને લીધે ભૂમિ ઉપર જાજમ જેવું આવરણ રચે છે. તેથી ભૂક્ષરણ(soil erosion)નું નિયંત્રણ કરવા ભૂમિ-સંરક્ષક પાક (cover-crop) તરીકે પણ તેને ઉગાડવામાં આવે છે.
મઠને થતા રોગોમાં કાલવણ, મૂળનો સૂકો કોહવારો, પાનનાં ટપકાં, ભૂકી છારો, ગેરુ, વિષાણુના ચટાપટા અને પાનના કોકળવાનો સમાવેશ થાય છે.
કાલવણ : આ રોગ મઠ ઉપરાંત મગ, ચોળા, ગુવારસિંગ, વાલ, ચણા અને સૉયાબીન જેવા કઠોળ પાકને પણ નુકસાન કરે છે.
આ ફૂગજન્ય રોગ જમીન ઉપરના છોડના કોઈ પણ ભાગમાં તેની વૃદ્ધિની કોઈ પણ અવસ્થામાં આક્રમણ કરી જે તે ભાગમાં દબાયેલાં કાળાં ચાઠાં પેદા કરે છે. ફૂગનું આક્રમણ વધતાં તે ભાગમાં પાણીપોચાં ભૂખરા રંગનાં ટપકાં ઉદભવે છે. તે વિકાસ પામતાં નારંગી રંગની કિનારીવાળાં ઘાટાં ભૂખરાં બેઠેલાં ચાઠાં પેદા કરે છે. આ ચાઠાંઓનું પ્રમાણ ઉપરની બાજુ કરતાં પાનની નીચેની સપાટી પર સવિશેષ હોય છે. સમયને અધીન થડ, ડાળી, ફૂલ અને સિંગો જેવા ભાગ પર આક્રમણ થવાથી ત્યાં વિવિધ આકારનાં ટપકાં પેદા થાય છે. પાકની શરૂઆતની અવસ્થામાં ઊગતા છોડ પર આ રોગનું આક્રમણ થતાં નવા અંકુરો સુકાઈ જાય છે અને છોડ મૃત્યુ પામે છે, જ્યારે પાનના પર્ણદંડ અને ડાળી ઉપર આક્રમણ થવાથી રોગપીડિત છોડ કરમાઈ જાય છે.
આ એક બીજજન્ય રોગ છે અને તેના પ્રાથમિક ચેપની શરૂઆત ઊગતા છોડ પર થાય છે. બીજાણુઓ પવન મારફતે ફેલાતાં છોડને બીજી વાર ચેપ લાગે છે. આ ફૂગની ફૂગધાનીઓ એક ઋતુથી બીજી ઋતુ સુધી ફૂગના જીવનચક્રને ચાલુ રાખવામાં અગત્યનો ભાગ ભજવે છે.
આ રોગના નિયંત્રણ માટે (1) બીજને પારાયુક્ત ફૂગનાશક અથવા કૅપ્ટ્રાન કે થાયરમનો પટ આપી વાવણી કરવી જોઈએ. (2) રોગની શરૂઆત થતાં કાર્બનડાઝિમ કે બેનોમિલ ફૂગનાશકનો છંટકાવ કરવો જરૂરી છે.
મૂળનો સૂકો કોહવારો : મઠમાં થડ અને મૂળના કોહવારા અને સુકારાનો રોગ જુદા જુદા વ્યાધિજનોથી થાય છે. તે પૈકી મેક્રોફોમિના નામની ફૂગથી થતો મૂળનો સૂકો કોહવારો વિશેષ નુકસાનકારક નીવડે છે. આ ફૂગનું જીવનચક્ર અન્ય યજમાન-પાકો પર પણ જળવાઈ રહેતું હોવાથી નુકસાનનું પ્રમાણ દર વર્ષે વધતું રહે છે.
આ રોગની શરૂઆતમાં રોગગ્રસ્ત છોડનાં પાન પીળાં પડે છે અને એકથી બે દિવસમાં આ પાન લબડી પડે છે. ત્યારબાદ બીજા બેથી ત્રણ દિવસમાં તેઓ ખરી પડે છે. તેની આ વિપરીત અસર હેઠળ અઠવાડિયામાં જ છોડ સુકારાથી પીડાય છે. આવા સુકાયેલા છોડની ડાળી અને થડને ફાડીને જોતાં તેની છાલની નીચે કાળા જલાશ્મો પેદા થયેલા જણાય છે. જ્યારે આખા છોડને ઉપાડીને જોવાથી થડની નીચેના ભાગ અને મૂળોમાં સૂકા કોહવારાનાં લક્ષણો જોવા મળે છે. કોહવાયેલા ભાગની પેશીઓ નબળી પડવાથી આ ભાગ સહેલાઈથી તૂટી જાય છે. રોગની છેલ્લી અવસ્થામાં આ કોહવાયેલા ભાગમાં છૂટાછવાયા કાળા ફૂગના જલાશ્મો જોવા મળે છે.
જીવંત યજમાન છોડની ગેરહાજરીમાં આ ફૂગ પોતાનું જીવનચક્ર વનસ્પતિના મૃત અવશેષો ઉપર જ ચાલુ રાખે છે. વાતાવરણના 30° સેગ્રે. તાપમાને આ ફૂગમાં બીજધાનીઓ નિર્માણ થતાં બીજી ઋતુમાં આ બીજધાની વડે તે નવા છોડ પર આક્રમણ કરે છે.
આ ફૂગ જમીનજન્ય હોવા ઉપરાંત વિવિધ યજમાન-પાકો પર આક્રમણ કરતી હોવાથી તેનું નિયંત્રણ કરવું મુશ્કેલ થાય છે. જોકે જમીનમાં તાંબાયુક્ત ફૂગનાશક રેડવાથી રોગની માત્રા ઘટાડી શકાય છે. ખેતરમાં રોગપીડિત છોડો ઉપાડી બાળી તેમનો નાશ કરવો. રોગપ્રતિકારક જાતો જ વાપરવી.
ભૂકી છારો : કઠોળસમૂહની લગભગ 300થી વધારે યજમાન-વનસ્પતિને આ ફૂગ ચેપ લગાડે છે. આ ફૂગ અનેક પ્રજાતિઓમાં વહેંચાયેલી છે. આ ફૂગ કોઈ પણ અવસ્થામાં છોડને ચેપ લગાડે છે. શરૂઆતમાં પાન ઉપર આ ફૂગનું આક્રમણ થતાં છોડ પર ફૂગની કવકજાલ ઉપરાંત સફેદ પાઉડર-સ્વરૂપે બીજાણુઓ ફેલાય છે. ક્રમશ: તેનો ફેલાવો છોડની ડાળી અને અન્ય ભાગો પર થતાં ત્યાં પણ આ રોગ સફેદ ભૂકી-સ્વરૂપે પ્રસરે છે. છોડ ઉપર ફૂલ આવવાની અવસ્થામાં આક્રમણ થતાં છોડ નબળો પડે છે. ફૂગનું તીવ્ર આક્રમણ થતાં આખો છોડ કરમાઈને સુકાઈ જાય છે.
આ ફૂગ તેના ચૂષક અંગ વડે વનસ્પતિના કોષોમાં દાખલ થઈને ખોરાક મેળવે છે. યજમાનની સપાટી પર આ ફૂગની કવકજાલ પ્રસરે છે અને સાંકળ સ્વરૂપે બીજાણુદંડ ઉપર સફેદ રંગના બીજાણુઓ પેદા કરે છે. તેને લીધે આક્રમિત સપાટી પર પાઉડર-સ્વરૂપે બીજાણુઓ ફેલાય છે.
આ રોગની શરૂઆત થતાં ગંધકની ભૂકીનો પ્રતિ હેક્ટરે 25 કિલો પ્રમાણે બેથી ત્રણ વખત છંટકાવ કરવો જરૂરી થઈ પડે છે.
ગેરુ : આ રોગ ઉત્તર પ્રદેશ, પંજાબ, બિહાર અને બંગાળ રાજ્યમાં નોંધાયેલ છે. આ રોગ જૂજ પ્રમાણમાં મઠને ચેપ લગાડે છે. આ ફૂગના જીવનચક્રનો અને તેનાથી થતા નુકસાનનો અભ્યાસ સવિસ્તર થયેલો નથી.
ગેરુનું આક્રમણ થતાં સૌપ્રથમ પાનની બંને સપાટી પર ઈંડા આકારના ભૂખરા જખમો જોવા મળે છે. આ જખમોમાં પાનની નીચેની સપાટીએથી અસંખ્ય બીજાણુઓ પેદા થાય છે, જે પરિપક્વ થતાં તેઓ ચાઠાંની ઉપરનો ભાગ તોડી બહાર આવે છે અને પવન મારફતે ફેલાય છે. સમય જતાં તેમનાં ચાઠાં ડાળી, ફૂલના ભાગો અને શિંગ પર પ્રસરવાથી તેમનાં ભૂખરા રંગનાં ધાબાં પેદા થાય છે. પાકની છેલ્લી અવસ્થામાં કાળા ભૂખરા રંગના અંત્યક બીજાણુઓ પેદા થતાં યજમાન છોડના વિવિધ ભાગો પર છૂટાંછવાયાં કાળાં ચાઠાં જોવા મળે છે.
આ ફૂગનું જીવનચક્ર નવા બીજાણુઓ પ્રસરવાથી ચાલુ રહે છે.
આ ફૂગના નિયંત્રણ માટે ગંધકની ભૂકીનો તથા ઝીનેબ અથવા મેનેબ ફૂગનાશકનો છંટકાવ જરૂરી છે. જોકે આ છંટકાવ આર્થિક રીતે લાભકારક થતો નથી.
વિષાણુજન્ય રોગ : મોલોમસી કીટકના ચૂસવાથી આ રોગ ફેલાય છે. પરિણામે છોડના કોષરસ મારફતે આ રોગના વિષાણુઓ યજમાન છોડ પર આક્રમણ કરે છે. વાલના પીળા મોઝેક વિષાણુઓ મઠના છોડ પર પણ આક્રમણ કરતા હોય છે. તેનાં પાન ઉપર વિષાણુનું આક્રમણ થતાં પાન પીળાં લીલાં ધાબાંવાળાં બને છે. પરિણામે તેનાં કુમળાં પાન અને કૂંપળો વિકૃત સ્વરૂપ ધારણ કરે છે, જ્યારે આખો છોડ બટકો રહે છે. તેના ઉપર ફૂલો નહિવત્ પ્રમાણમાં બેસે છે, જ્યારે શિંગની સંખ્યા ઘણી ઓછી થાય છે.
વિષાણુવાહક મોલોમસી જીવાતનું નિયંત્રણ કરવાથી આ રોગનો ફેલાવો અટકાવી શકાય છે.
પાનનો કોકળવા : આ પણ એક વિષાણુજન્ય રોગ છે. છોડ પર વિષાણુનું આક્રમણ થતાં તેનાં પાનની કિનારી વળી જાય છે અને પાનની બે નસો વચ્ચે ઘાટા લીલા રંગનાં ધાબાં પેદા થાય છે. આવાં વિકૃત પાનમાંથી કોષરસ ચૂસી મોલોમસી રોગનો ફેલાવો કરે છે. મોલોમસી જીવાતને કાબૂમાં રાખવાથી આ રોગ અટકાવી શકાય છે.
બાલકૃષ્ણ જોશી
શિલીન નં. શુક્લ
હિંમતસિંહ લાલસિંહ ચૌહાણ
બળદેવભાઈ પટેલ