મઝૂમદાર-શૉ, કિરણ (જ. 23 માર્ચ, 1953, બૅંગાલુરુ) : પ્રથમ પેઢીનાં ભારતીય મહિલાઉદ્યોગસાહસિક, ભારતમાં ટોચના ધનિકોમાં 91મું સ્થાન ધરાવતા, બાયૉકોન લિમિટેડ અને બાયૉકોન બાયૉલૉજિક્સ લિમિટેડનાં સ્થાપક. દેશવિદેશમાં ‘બાયૉટેક મૅગ્નેટ’ તરીકે પ્રસિદ્ધ કિરણ મઝૂમદાર-શૉએ વિજ્ઞાન અને રસાયણશાસ્ત્રની પ્રગતિમાં ઉત્કૃષ્ટ પ્રદાન કર્યું છે. દેશની કોઈ પણ આઇઆઇએમ સંસ્થાના બોર્ડનાં ચૅરપર્સન બનેલ પ્રથમ મહિલા.

કિરણ મઝૂમદાર-શૉ
કર્ણાટકના બૅંગાલુરુમાં ગુજરાતી મઝૂમદાર પરિવારમાં જન્મ. પિતા રસેન્દ્ર મઝૂમદાર યુનાઇટેડ બ્રૂઅરીઝમાં હેડ બ્રૂમાસ્ટર. બૅંગાલુરુની બિશપ કૉટન ગર્લ્સ હાઈસ્કૂલમાં પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ મેળવ્યું. બૅંગાલુરુની માઉન્ટ કાર્મેલ કૉલેજમાંથી પ્રી-યુનિવર્સિટીમાં ઉચ્ચ માધ્યમિક શિક્ષણ મેળવ્યું. ત્યાર બાદ 1973માં બૅંગાલુરુ યુનિવર્સિટીમાંથી બાયૉલૉજી (જીવવિજ્ઞાનશાસ્ત્ર) અને ઝૂલૉજી (પ્રાણીશાસ્ત્ર)માં સ્નાતકની ઉપાધિ મેળવી. મઝૂમદારને ડૉક્ટર બનવાની ઇચ્છા હતી, પરંતુ સ્કૉલરશિપ ન મળી. પિતાની સલાહ માનીને મહિલાઓ માટે સંપૂર્ણપણે બિનપરંપરાગત બ્રૂમાસ્ટરની તાલીમ મેળવવા અને ફર્મેન્ટેશનમાં અભ્યાસ કરવા ઑસ્ટ્રેલિયાની મેલબોર્ન યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો. 1974માં યુનિવર્સિટીની બેલારેટ કૉલેજમાં બ્રૂઇંગ કોર્સમાં સામેલ થયેલી એકમાત્ર મહિલા. તેમણે 1975માં માસ્ટર બ્રૂઅર તરીકે અનુસ્નાતકની ઉપાધિ મેળવવાની સાથે વર્ગમાં પ્રથમ સ્થાન મેળવ્યું.
એ જ વર્ષે ઑસ્ટ્રેલિયાના મેલબોર્નમાં કાર્લ્ટન ઍન્ડ યુનાઇટેડ બ્રૂઆરીઝમાં ટ્રેઇની બ્રૂઅર તરીકે કામ કર્યું તેમજ બેરેટ્ટ બ્રધર્સમાં ટ્રેઇની મોલ્ટસ્ટર તરીકે કામ કર્યું. પછી કૉલકાતામાં જ્યુપિટર બ્રૂઅરીઝમાં ટૅક્નિકલ કન્સલ્ટન્ટ તરીકે થોડો સમય કામ કર્યું અને વડોદરામાં 1975થી 1977 વચ્ચે સ્ટાન્ડર્ડ મોલ્ટિંગ્સ કૉર્પોરેશનમાં ટૅક્નિકલ મૅનેજર તરીકે કામગીરી કરી.
1978માં બૅંગાલુરુમાં ફક્ત રૂ. 10,000ની મૂડી સાથે ભાડાના મકાનમાં ગૅરેજમાં બાયૉકોન ઇન્ડિયાની સ્થાપના કરી. આ આયર્લૅન્ડની બાયૉકોન બાયૉકેમિકલ્સ લિમિટેડ સાથેનું સંયુક્ત સાહસ હોવા છતાં ભારતીય કાયદા અનુસાર 70 ટકા માલિકી કિરણ મઝૂમદારની હતી. બાયૉકોનનો ઉદ્દેશ આયર્લૅન્ડ સ્થિત કંપની બાયૉકોન બાયૉકેમિકલ્સ લિમિટેડને પપૈનનો પુરવઠો પ્રદાન કરવાનો હતો. પપૈન એટલે કાચાં પપૈયાંમાંથી પ્રાપ્ત થતું પ્રોટિન-પાચક ઉત્સેચક. બાયૉકોન કેમિકલ્સ મુખ્યત્વે બ્રૂઇંગ, ફૂડ-પૅકેજિંગ અને ટેક્સટાઇલ ઉદ્યોગો માટે ઉત્સેચકોનું ઉત્પાદન કરતી હતી. આ માટે તેમણે કિરણ સાથે હાથ મિલાવ્યા અને બાયૉકોન 1980ના દાયકાના અંતિમ વર્ષોમાં ભારતમાં ઉત્સેચકોનું ઉત્પાદન કરીને અમેરિકા અને યુરોપમાં તેની નિકાસ કરતી પ્રથમ કંપની બની. બાયૉકોન ઇન્ડિયાને પ્રથમ વર્ષની કામગીરીને અંતે પ્રાપ્ત થયેલી આવકનો ઉપયોગ કરીને કિરણે સંપૂર્ણ બાયૉફાર્માસ્યૂટિકલ કંપની તરીકે અગ્રેસર થવાની યોજના બનાવી. 1989માં ભારતની પ્રથમ બાયૉટેક કંપની બની, જેણે અમેરિકાની પ્રોપ્રાઇટરી ટૅક્નૉલૉજીસ માટે અમેરિકન ફંડિંગ મળ્યું.
કિરણે 1994માં સીન્જીન અને 2000માં ક્લિનિજીન નામની બે પેટાકંપનીઓ પણ સ્થાપિત કરી. વર્ષ 2004માં નારાયણ મૂર્તિની સલાહને પગલે સ્ટૉકમાર્કેટ પર બાયૉકોનનું લિસ્ટિંગ કરાવ્યું. આ રીતે બાયૉકોન આઇપીઓ ઇશ્યૂ કરનારી ભારતમાં પ્રથમ બાયૉટૅક્નૉલૉજી કંપની પણ બની. બાયૉકોનનો આઇપીઓ 33 ગણો વધારે ભરાયો અને પ્રથમ દિવસે જ તેનું બજારમૂલ્ય 1.11 અબજ ડૉલર થયું, જેના પરિણામે બાયૉકન લિસ્ટિંગના પ્રથમ દિવસે જ 1 અબજ ડૉલરથી વધારે બજારમૂલ્યનું સીમાચિહ્ન હાંસલ કરનારી બીજી ભારતીય કંપની બની. બાયૉકનનાં મુખ્ય કાર્ય અને સંશોધનક્ષેત્રો છે – કૅન્સર, ડાયાબિટીસ, સોરાઇયાસિસ વગેરે.
બાયૉટૅક્નૉલૉજી ક્ષેત્રમાં પોતાની સફરમાં કિરણે અનેક રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સન્માનો અને પુરસ્કારો મેળવ્યા. ભારત સરકારે 1989માં પ્રથમ પદ્મશ્રી, 2005માં પદ્મભૂષણ પુરસ્કારો એનાયત કર્યા. વિજ્ઞાન અને રસાયણશાસ્ત્રની પ્રગતિમાં ઉત્કૃષ્ટ પ્રદાન કરવા બદલ ઓથમેર ગોલ્ડ મેડલ વર્ષ 2014માં મળ્યો. મે, 2016માં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅનેજમેન્ટ – બૅંગાલુરુ (આઇઆઇએમ-બી)ના બોર્ડનાં ચૅરપર્સન તરીકે નિમણૂક થઈ. દેશમાં કોઈ પણ આઇઆઇએમ સંસ્થામાં આ પદ સંભાળનાર પ્રથમ મહિલા બન્યાં. જૂન, 2020માં અર્નેસ્ટ ઍન્ડ યંગ દ્વારા ‘વર્લ્ડ આંત્રપ્રિન્યોર ઑફ ધ યર 2020’ પુરસ્કાર એનાયત કર્યો. સપ્ટેમ્બર, 2022માં એચ. કે. ફિરોદિયા લાઇફટાઇમ એચીવમેન્ટ ઍવૉર્ડ એનાયત થયો. 2004થી બાયૉકોન ફાઉન્ડેશન ગરીબો અને જરૂરિયાતમંદોના લાભ માટે આરોગ્ય અને પર્યાવરણલક્ષી જાગૃતિ કાર્યક્રમો હાથ ધરે છે.
1998માં કિરણે સ્કોટિશ જૉહન શૉ સાથે લગ્ન કર્યાં. તેઓ બાયૉકનના વાઇસ ચૅરમૅન અને નૉન-એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર હતા. જૉહનનું 24 ઑક્ટોબર, 2022ના રોજ અવસાન થયું.
કેયૂર કોટક