મઝહરી, અલ્લામા જમીલ (જ. 1904, પટણા; અ. 1980, પટણા) : ઉર્દૂના કવિ. તેઓ સૈયદ હોવાથી તેમનું પૂરું નામ સૈયદ કાઝિમ-અલી જમીલ મઝહરી લખવામાં આવે છે. તેમના ખાનદાનમાં સૈયદ મઝહર હસન એક સારા કવિ થઈ ગયા અને તેમના માટે કાઝિમઅલીને ખૂબ માન હતું; તેથી તેમના નામનો અંશ પોતાના નામ સાથે જોડીને પોતાને ‘મઝહરી’ તરીકે ઓળખાવવા લાગ્યા. કવિતા કરવાનો શોખ તેમને નાની વયથી હતો અને તેઓ ‘જમીલ’ તખલ્લુસથી કાવ્યો રચતા હતા. કવિતાની દુનિયામાં તેઓ ‘જમીલ મઝહરી’ના નામે જાણીતા છે.
પ્રાથમિક શિક્ષણ મોતીહારી અને મુઝફ્ફરપુરમાં લીધા પછી ઉચ્ચ શિક્ષણ મેળવવા તેઓ કોલકાતા ગયા. કોલકાતામાં શિક્ષણની સાથે સાથે મૌલાના અબુલ કલામ આઝાદ, આગા હશ્ર કાશ્મીરી, નસીર હુસેન ‘ખયાલ’ અને અલ્લામા રઝાઅલી ‘વહશત’ જેવા સમકાલીન ખ્યાતનામ સાહિત્યકારોને મળવાથી, તેમના સંસર્ગનો તેમને તેમની સાહિત્યિક અને પત્રકાર તરીકેની કારકિર્દીના ઘડતરમાં લાભ મળ્યો.
‘જમીલ મઝહરી’એ 1931માં કોલકાતા યુનિવર્સિટીમાંથી એમ.એ.ની ડિગ્રી મેળવી. સુપ્રસિદ્ધ ઉસ્તાદ શાયર રઝાઅલી ‘વહશત’નું તેઓ માર્ગદર્શન મેળવતા રહ્યા. તેમણે પત્રકાર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી અને તે ક્ષેત્રે પણ નોંધપાત્ર સેવા આપી. પત્રકારત્વના કારણે લખવાની સારી તકો તેમને ઉપલબ્ધ થઈ. ગદ્યલેખનમાં રુચિ પેદા થતાં તેમાં પણ તેમણે પ્રભુત્વ મેળવ્યું. તેમના નિબંધો અને ખાસ કરીને રાજકારણ, ધર્મશાસ્ત્ર અને જ્ઞાનકૌશલ્ય વિશેના લેખો લોકપ્રિય બન્યા. તેમણે વાર્તાઓ અને એકાદ નવલકથા પણ લખી છે.
થોડાક સમય માટે તેમણે સક્રિય રાજકારણમાં ઝંપલાવ્યું અને કૉંગ્રેસની સાથે રહી તેઓ વિજ્ઞાપન અધિકારી પણ બન્યા; પરંતુ કવિહૃદય હોવાના કારણે આ બધું તેમને માફક આવ્યું નહિ અને છેવટે પટણા યુનિવર્સિટીમાં ઉર્દૂના વ્યાખ્યાતા તરીકે જોડાયા. 1964માં તેઓ ત્યાંથી નિવૃત્ત થયા.
તેમના કાવ્યસંગ્રહો ‘ફિક્રે જમીલ’ અને ‘નક્શે જમીલ’થી તેઓ સારી ખ્યાતિ પામ્યા છે.
મોહિયુદ્દીન બૉમ્બેવાલા