મજૂર મહાજન સંઘ : ગાંધીવાદી વિચારસરણીને વરેલું અમદાવાદના મિલ-કામદારોનું સંગઠન. 1914થી મિલમાલિક અંબાલાલ સારાભાઈનાં મોટાં બહેન અનસૂયાબહેન મજૂરો અને તેમનાં કુટુંબીઓની સ્થિતિસુધારણા માટે પ્રયત્નશીલ હતાં. તેમના પ્રયત્નોમાં ગાંધીજીના મજૂર-વિષયક વિચારો – સિદ્ધાંતોનો રચનાત્મક અમલ જણાતો હતો. આ પ્રયત્નોને સંગઠિત રૂપ આપવાના હેતુથી 1920માં મજૂર મહાજન સંઘની સ્થાપના થઈ. 1920ના ફેબ્રુઆરી માસમાં થ્રૉસલ (સ્પિનિંગ) ખાતામાં કામ કરતા હરિજન મજૂરોનું સંગઠન સ્થપાયું અને તેનું નામ ‘અમદાવાદ થ્રૉસલ ખાતાના મજૂરોનું મહાજન’ રાખવામાં આવ્યું. તેના મુખ્ય ઉદ્દેશો : વાજબી પગાર મેળવવો; આરોગ્ય માટે વ્યવસ્થા કરવી; મજૂરોના ફાજલ સમયનો સદુપયોગ કરવો; સાધનોમાં જરૂરી સુધારા કરવા; માલિકો અને મજૂરો વચ્ચે કોઈ વાંધા પડતાં કામ ચાલુ રાખીને વાંધાઓના નિકાલ કરવા; જરૂર પડ્યે હડતાળ દરમિયાન નાણાં કે અનાજની મદદ કરવી; નિશાળો, વાચનાલયો, સસ્તા અનાજની દુકાનો તથા દવાખાનાં ખોલવાં તથા સામાન્ય રીતે સભાસદોની આર્થિક, નૈતિક, સામાજિક અને રાજકીય ઉન્નતિ માટેનાં પગલાં લેવાં. આ પ્રકારના ઉદ્દેશોના સમાવેશમાં આ સંગઠનની લાક્ષણિતા દેખાતી હતી.
તેની સ્થાપના થઈ ત્યારથી જ તેને માલિકોએ સ્વીકારેલ. વળી, તેના કાર્યકરોમાં ભોગ કરતાં ત્યાગનું મહત્વ વધારે હતું. તેના કાર્યકરોએ 1923ની સાલમાં ‘મજૂર’ નામનું છાપું શરૂ કર્યું, જે થોડો સમય બંધ રહ્યા પછી ‘મજૂર સંદેશ’ના નામે પુન: ચાલુ કરવામાં આવ્યું હતું. 1923માં ઉદ્યોગો મંદીમાં સપડાયા અને અમદાવાદ ઉપરાંત દેશનાં અન્ય સ્થળોએ પણ પગારકાપ આવ્યો. બીજાં સ્થળોએ મજૂરોએ લાચારીથી મૂંગે મોઢે પગારકાપ સ્વીકાર્યો હતો; જ્યારે અમદાવાદમાં મજૂર મહાજનને કારણે પગારકાપનો વિરોધ લાંબી છતાં શાંત હડતાળથી થયો હતો, જેથી મજૂર મહાજન સંઘ હડતાળ પછી પણ ટકી રહ્યો અને ધીમે ધીમે તેનો વધુ ને વધુ વિકાસ થવા લાગ્યો.
મજૂર મહાજન સંઘના કાર્યકરોએ ફરિયાદખાતાનું કામ વ્યવસ્થિત બનાવ્યું તથા તે સમય દરમિયાન ફક્ત ફૅક્ટરિઝ ઍૅક્ટ તથા 1923માં ઘડાયેલો અકસ્માતનો કાયદો અમલમાં હતા, જેને અસરકારક બનાવવા માટે મહાજનના કાર્યકરો નિષ્ઠાપૂર્વક કામ કરતા હતા. મંદીને કારણે થયેલો પગારકાપ દૂર કરાવવા, પગારવધારો મેળવવા માટે અન્યત્ર વારંવાર હડતાળો પડતી હતી, જેથી મુંબઈનો કાપડ અને સૂતર ઉદ્યોગ અસ્થિર બન્યો, પરંતુ અમદાવાદમાં બંને પક્ષોએ સ્વીકારેલી પંચની પ્રથાને કારણે એક પણ દિવસની હડતાળ વગર મજૂરોએ 1929માં પગારવધારો મેળવ્યો. મજૂર મહાજન સંઘે આ પગારવધારો મેળવ્યા પછી મોટા પાયા પર રચનાત્મક પ્રવૃત્તિઓ હાથ ધરી અને તે સારી રીતે પગભર થયું.
1930 પછી મજૂર મહાજન સંઘે પોતાની પ્રવૃત્તિ અમદાવાદ બહાર પણ વિસ્તારી અને ત્યાં મહાજનો સ્થાપ્યાં. આમ આવાં સંગઠનો દ્વારા મજૂરોને પગારવધારો મેળવવા ઉપરાંત અનેક રચનાત્મક કાર્યો દ્વારા મજૂરોનો સર્વાંગી વિકાસ સાધ્યો. 1917માં રશિયામાં થયેલ ક્રાંતિની અસર ભારતમાં 1920માં જણાઈ અને સામ્યવાદી કાર્યકરોએ અખિલ ભારતીય સ્તરે મજૂર-મંડળ સ્થાપવા માટેની પ્રવૃત્તિઓનો આરંભ કરી દીધો હતો. 1933માં મિલ માલિક મંડળે ફરી 25 %ના પગારકાપની માગણી કરી ત્યારે મજૂર મહાજન સંઘે સંશોધન વિભાગ પણ શરૂ કર્યો. 1935 સુધીમાં મજૂર મહાજન સંઘનો સારો એવો વિકાસ થઈ ચૂક્યો હતો. 1920માં સ્થપાયેલું આ મહાજન લગભગ 16 વર્ષ પછી મજૂર-સંગઠનોને લગતા કાયદા મુજબ રજિસ્ટર થયું.
1939માં બીજું વિશ્વયુદ્ધ (1939–45) ફાટી નીકળ્યું તે સમયે ચીજવસ્તુઓના ભાવ વધવા માંડ્યા, રૂપિયાની ખરીદશક્તિ ઘટી; આથી મજૂરોએ મોંઘવારી ભથ્થું મેળવવા માટે માંગણીઓ શરૂ કરી. આમાં મજૂર મહાજન સંઘના કાર્યકરોએ ગુજરાતના તેમજ મુંબઈ અને ઇંદોરના મજૂરોને મોંઘવારી ભથ્થું મેળવવામાં મદદ કરી. આઝાદી પછી, મજૂર મહાજન સંઘે પોતાનું મકાન બાંધ્યું અને આ મકાનને ‘ગાંધી મજૂર સેવા સંઘ’ નામ આપવામાં આવ્યું. ભાષાવાર પ્રાંતો બનાવાતાં મુંબઈનું દ્વિભાષી રાજ્ય બન્યું. તેના વિરોધમાં ગુજરાતમાં જનતા પરિષદે શરૂ કરેલા આંદોલનમાં વારંવાર હડતાળો પાડવી એ મુખ્ય કાર્યક્રમ હતો. અવારનવાર ‘બંધ’ જાહેર થતા હતા. સામાન્ય હડતાળોની જાહેરાત સમયે, મિલો તો ચાલુ રહેતી હતી. મજૂરોને રાજકીય લડતમાં સામેલ કરવાના હેતુથી, સમાજવાદી પક્ષે એક સંગ્રામ સમિતિ સ્થાપી અને તેમાં મજૂરોને સામેલ કરવાના પ્રયાસો આરંભાયા; પરંતુ મજૂરો મક્કમ રહ્યા. સત્ય અને અહિંસાના ગાંધીચીંધ્યા સિદ્ધાંતને વળગી રહ્યા અને તેમણે મહાજન છોડ્યું નહિ.
મજૂર મહાજન સંઘની સ્થાપના તથા વિકાસમાં ગાંધીજી ઉપરાંત અનસૂયાબહેન, ગુલઝારીલાલ નંદા, ખંડુભાઈ દેસાઈ, સોમનાથ દવે, શ્યામપ્રસાદ વસાવડા, અરવિંદભાઈ બૂચ, નવીનચંદ્ર બારોટ તથા ગાંધીવિચાર-સરણીને અનુસરતા અનેક કાર્યકરોનું ઘણું મોટું યોગદાન રહ્યું છે.
ઈન્દુભાઈ દોશી