મછલીપટણમ્ (મચિલીપટણમ્, મસુલીપટણમ્) : આંધ્રપ્રદેશના કૃષ્ણા જિલ્લાનું વડું વહીવટી મથક. ભૌગોલિક સ્થાન : 16° 10´ ઉ. અ. અને 81° 08´ પૂ. રે. પૂર્વ કિનારાનાં સૌથી જૂનાં બંદરો પૈકીનું એક. તે બંદર તાલુકામાં આવેલું છે અને ‘બંદર’ નામથી પણ ઓળખાય છે. 1949માં આ શહેરને અપાયેલું મછલીપટણમ્ નામ આ નગર માટે બાંધેલા પ્રવેશદ્વાર (દરવાજા) પર માછલીની આંખો શણગારેલી હોવાથી પડેલું છે. વર્ષો પહેલાં આ શહેર કાપડ પર કરવામાં આવતી કલમગીરી (કાપડ પરની હસ્તકલા છપાઈ) માટે ખૂબ જાણીતું હતું. ઔદ્યોગિક ક્રાંતિને કારણે અહીંનો આ ઉદ્યોગ પડી ભાંગ્યો. હાલમાં અહીંના લોકો અમુક પ્રમાણમાં કલમકારીનું કાપડ બનાવવાના, સોનાના દાગીના બનાવવાના અને માછલીઓ પકડવાના વ્યવસાયમાં રોકાયેલા છે. અહીં સુવર્ણના ઢોળનું કામ પણ ચાલે છે. ગાલીચાનું વણાટકામ, ચોખા અને તેલીબિયાંની મિલો તથા વૈજ્ઞાનિક સાધનો જેવા ઉદ્યોગો અહીં આવેલા છે. અહીં ઑલ ઇન્ડિયા સ્પિનર્સ એસોસિયેશન, આંધ્ર યુનિવર્સિટી સંલગ્ન કૉલેજો તથા ઇજનેરી શિક્ષણ-સંસ્થા આવેલાં છે. અહીંથી પશ્ચિમે 12 કિમી. દૂર ગંધકનાં ક્ષેત્રો આવેલાં છે. આ શહેર પાકા માર્ગો દ્વારા રાજ્યના અન્ય વિસ્તારો સાથે જોડાયેલું છે. તે રેલમાર્ગ પરનું અંતિમ મથક તેમજ બંદર છે. તે બંદર નહેર મારફતે વાયવ્યમાં આવેલા વિજયવાડા સાથે સંકળાયેલું છે. કન્યકાપરમેશ્વરી, નાગેશ્વર સ્વામી, એકાંબરેશ્વર સ્વામી અને પાંડુરંગનાં મંદિરોનું ધાર્મિક મહત્ત્વ ઘણું જ છે. આ પૈકીનું પાંડુરંગનું મંદિર પંઢરપુર ખાતેના મંદિરની સમકક્ષ છે. બંગાળના ઉપસાગર પરની સર્વપ્રથમ બ્રિટિશ ઔદ્યોગિક વસાહત 1611માં અહીં સ્થપાયેલી. 1854માં અહીંના દરિયાકાંઠે આવેલી ભયંકર ભરતીને કારણે આ શહેર નાશ પામેલું. 1686થી 1759 સુધી આ સ્થળ ડચ અને ફ્રેન્ચ લોકોને હસ્તક રહેલું. 1759માં અંગ્રેજોએ ફ્રેન્ચો પાસેથી શહેર અને કિલ્લાનો કબજો મેળવેલો. આ કિલ્લો આજે પણ ખંડિયેર હાલતમાં જોવા મળે છે.
ગિરીશભાઈ પંડ્યા
નીતિન કોઠારી