મજમુદાર, પરીક્ષિતલાલ (જ. 8 જાન્યુઆરી 1901, પાલિતાણા, ગુજરાત; અ. 12 સપ્ટેમ્બર 1965, અમદાવાદ) : સ્વાતંત્ર્યસૈનિક અને આજીવન હરિજનસેવક. તેમનો જન્મ મધ્યમવર્ગના કાયસ્થ પરિવારમાં થયો હતો. પિતા લલ્લુભાઈ પાલિતાણા દરબારની નોકરીમાં શિરસ્તેદાર હતા. પિતાની સાદાઈ અને નિર્મળ સ્નેહનો પ્રભાવ તેમના જીવન ઉપર પડ્યો હતો. બચપણથી એમનામાં હરિજનસેવા માટેની વૃત્તિ જાગ્રત થઈ હતી. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પાલિતાણામાં લઈ 1919માં મેટ્રિક પાસ થયા. મુંબઈમાં વિલ્સન કૉલેજમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતા હતા ત્યારે ગાંધીજીએ અસહકારની ચળવળ શરૂ કરવાથી કૉલેજને તિલાંજલિ આપીને અમદાવાદ આવી ગૂજરાત વિદ્યાપીઠમાં જોડાયા. નાણાના અભાવે બે દિવસના ઉપવાસ કર્યા બાદ આચાર્ય ગિદવાણીજીને માહિતી મળતાં તેમને બોલાવી પ્રૂફવાચન તથા કોચરબના રાત્રિવર્ગ ચલાવવાની કામગીરી સોંપી. આ દરમિયાન મુંબઈના એક મિત્રે મોકલેલી કાશ્મીરી ગરમ શાલ (પશમીનો), પોષ માસની કડકડતી ઠંડીમાં શાહપુરની ફૂટપાથ પર ધ્રૂજતા એક ચીંથરેહાલ ભિખારીને ઓઢાડી દીધી. તેમની સેવાભાવનાથી આકર્ષાઈ સહાધ્યાયીઓએ વિદ્યાર્થીમંડળના મહામંત્રી તરીકે તેમને પસંદ કર્યા હતા. વિદ્યાપીઠમાંથી અર્થશાસ્ત્રના વિષય સાથે તેઓ સ્નાતક થયા.

પરીક્ષિતલાલ મજમુદાર

તેમણે 1923ના નાગપુર ઝંડા સત્યાગ્રહમાં ભાગ લીધો અને તેમને એક વર્ષની સખત કેદની સજા થઈ; પરંતુ સરકાર સાથે સમાધાન થવાથી વીસ દિવસ બાદ તેઓ મુક્ત થયા. ગાંધીજીની માગણીના જવાબમાં તેઓ હરિજનસેવા માટે મામાસાહેબ ફડકે પાસે ગોધરા ગયા. ત્યાં ત્રણ માસ પર્યંત દલિત (ભંગી) બાળકોને નવરાવી-ધોવરાવી સ્વચ્છતા શીખવી અને જાતે શેરીઓની સફાઈ કરી ઉકરડા ઉપાડ્યા. ત્યાંથી ગાંધીજીએ તેમને ઠક્કરબાપા સાથે કામ કરવા મોકલ્યા. તેમણે નવસારીના હરિજન આશ્રમની શરૂઆત કરી. તેના બાંધકામ વખતે મજૂરીનું કામ પણ તેઓ કરતા હતા. નવસારીમાં સાક્ષરતા અને ગ્રામોદ્યોગનું કામ ચાલતું હોય ત્યારે સૌરાષ્ટ્રમાં વઢવાણ કે લખતરની અંત્યજ શાળાઓ તપાસવા પણ જતા. આ ઉપરાંત હરિજનોની વિવિધ સમસ્યાઓ ઉકેલવામાં તેઓ વખતોવખત સહાયરૂપ થતા હતા. નવસારી આશ્રમના દલિત વિદ્યાર્થીઓને નાહવું, કપડાં ધોવાં, શાક સમારવું, ગીતો ગાવાં, જમવું વગેરેની તાલીમ આપતા. અંત્યજવાસમાં કોઈ બીમાર હોય તો ડૉક્ટર બોલાવી લાવતા તથા રાત્રે જાગીને દર્દીની શુશ્રૂષા કરતા. અંધ વિદ્યાર્થીને અંધશાળામાં કે ક્ષયના દર્દીને સૅનેટોરિયમમાં દાખલ કરાવી આવતા. હરિજનો માટે 1928માં નવસારીમાં તેમણે નેત્રયજ્ઞ યોજ્યો હતો. બસ ન મળે તો પંદર-વીસ કિમી. તેઓ ચાલીને નિશ્ચિત મુકામે પહોંચી જતા.

સવિનય કાનૂનભંગની ચળવળ(1930)માં ભાગ લઈને તેમણે સરઘસો કાઢવાં, પત્રિકાઓ ચોંટાડવી, વિદેશી કાપડની હોળી કરવી વગેરે પ્રવૃત્તિઓમાં ભાગ લીધો. 14 સપ્ટેમ્બર 1930ના રોજ જલાલપુરમાં તેમની ધરપકડ કરીને છ માસની સખત કેદની સજા કરવામાં આવી. આ સજા ભોગવવા તેમને સાબરમતી અને તે પછી યરવડા જેલમાં મોકલવામાં આવ્યા હતા. ગુજરાત હરિજન સેવક સંઘના મંત્રી અને પ્રમુખ તરીકે તેમણે કેટલાંક નવાં છાત્રાલયો સાથે અન્ય રચનાત્મક પ્રવૃત્તિઓ શરૂ કરાવી હતી. અસ્પૃશ્યતાનિવારણ અને હરિજનસેવાકાર્યના નિરીક્ષણ માટે અંત્યજ સેવા મંડળ તરફથી તેઓ સૌરાષ્ટ્રમાં વારંવાર જતા અને માર્ગદર્શન આપતા. કચ્છના વણકરોનું એક સંમેલન સદનવાડીમાં મળ્યું તે વખતે પરીક્ષિતભાઈની મહેનતને પરિણામે વણકરો સંગઠિત થયા.

હરિજનોને પાણી માટે ટળવળતા જોઈ તેમને ઘણું દુ:ખ થતું. તેથી અનેક દાતાઓ પાસેથી દાન લઈ ઓછા ખર્ચે સારા કૂવા બંધાવતા અને જૂના દુરસ્ત કરાવતા. 1937માં મુંબઈ ઇલાકામાં કૉંગ્રેસી પ્રધાનમંડળ હતું ત્યારે તેમણે 801 કૂવા નવા બંધાવ્યા અને 1,105 જૂના કૂવા દુરસ્ત કરાવ્યા હતા. તેમણે અવિરત પુરુષાર્થ કરીને હરિજન વિદ્યાર્થીઓને સવર્ણોની શાળામાં દાખલ કરાવવામાં સફળતા મેળવી. તેમના પ્રયાસોથી અમદાવાદમાં હરિજન કન્યા છાત્રાલય અને આશ્રમમાં હરિજન બહેનોનું સ્ત્રી-અધ્યાપન મંદિર શરૂ કરવામાં આવ્યું. જાગ્રત થતા હરિજનો પર સવર્ણો તરફથી પજવણી અને અત્યાચારો થતાં ત્યારે તેઓ હરિજનોના રક્ષણ વાસ્તે બધું કરી છૂટતા. તેમની પ્રેરણાથી હરિજનસેવા માટે કાર્યકર્તાઓ પણ તૈયાર થયા. તે પછી હરિજન છાત્રાલયોને સાર્વજનિક છાત્રાલયનું રૂપ આપવામાં આવ્યું. તેમના સતત પ્રયાસો અને સમજાવટના પરિણામે 1939–40માં ગુજરાતની ઘણીખરી સુધરાઈઓએ ભંગીઓની માગણીઓ સ્વીકારી. ભંગી ભાઈઓને શાહુકારોના ત્રાસમાંથી છોડાવવા તેમણે 20 જાન્યુઆરી 1934ના રોજ ખેડા જિલ્લા ઋણરાહત મંડળની સ્થાપના કરી. તેમાં જોડાનાર સભાસદોને સામાજિક કુરિવાજો છોડવાની પ્રતિજ્ઞા લેવી પડતી. તેમના પ્રયાસોથી ઘણી ગૃહમંડળીઓ સ્થપાઈ અને ગંદા વસવાટો નાબૂદ થયા. 1936માં અમદાવાદ સુધરાઈએ ભંગી કામદારો માટે 500 ઘર બાંધવાનો ઠરાવ કર્યો.

સવર્ણોએ કરેલાં પાપ ધોવાની ર્દષ્ટિ રાખીને તેમણે હરિજનસેવા કરી. તેથી તેઓ હરિજનોમાં રહેલા દોષની પરવા કરતા નહિ. ‘હિંદ છોડો’ ચળવળ શરૂ થતાં, 21 ઑગસ્ટ 1942ના રોજ અમદાવાદમાં તેમની ધરપકડ કરીને નાસિક જેલમાં અટકાયતમાં રાખી 9 ફેબ્રુઆરી 1944ના રોજ છોડવામાં આવ્યા. તેમણે હરિજનસેવા માટે સેવકો અને સંસ્થાઓ ઊભી કરી અને તેને નભાવવા માટે આવશ્યક નાણાં પણ ઉઘરાવ્યાં.

1959માં ભારતની સરકારે તેમને ‘પદ્મશ્રી’નો ખિતાબ આપ્યો. હરિજનસેવાનું કામ એકનિષ્ઠાથી સન્માન કે સંપત્તિની મહેચ્છા સેવ્યા વિના એક ઋષિની માફક પ્રભુપ્રીત્યર્થે કરીને પરીક્ષિતભાઈએ હરિજનકામની પ્રતિષ્ઠા વધારી.

જયકુમાર ર. શુક્લ