મકેનરૉ, જૉન (જ. 1959, વિઝબૅડન, જર્મની) : પ્રખ્યાત ટેનિસ ખેલાડી. તેમણે ન્યૂયૉર્ક સ્ટેટમાં આવેલી પૉર્ટ વૉશિંગ્ટન એકૅડેમીમાં તાલીમ લીધી હતી. 18 વર્ષની વયે વિમ્બલડનની સેમિફાઇનલ સુધી પહોંચનાર તેઓ સૌથી નાની ઉમરના ખેલાડી હતા (1977). 1979–81 અને 1984માં તેઓ 4 વખત ‘યુ.એસ. ઓપન સિંગલ્સ’ના વિજેતા બન્યા; 1981 તથા 1983–84માં 3 વખત વિમ્બલડન સિંગલ્સના વિજેતા નીવડ્યા. 1978 અને 1985 વચ્ચે તેઓ ‘યુ.એસ. ડેવિસ કપ’ની ટીમના મહત્વના સાથી હતા. 1979 તથા 1984–85માં તેઓ ‘ગ્રાન્ડ પ્રિક્સ’ના અને 1979, 1981 અને 1983–84માં ‘વર્લ્ડ ચૅમ્પિયનશિપ ટેનિસ’માં વિજેતા બન્યા હતા.

રમતના મેદાન પર વ્યક્ત થતા તેમના આકરા સ્વભાવ તથા વર્તાવ તેમજ અમ્પાયર સાથેની તોછડાઈના પરિણામે તેમનું રમતકૌશલ્ય ઢંકાઈ જતું; પ્રસાર-માધ્યમોમાં પણ તે ચગાવાતું અને પ્રસંગોપાત્ત તેઓ ઠપકાપાત્ર પણ બનતા. તેમણે ફિલ્મ અભિનેત્રી ટૅટમ ઓ’નીલ સાથે 1986માં લગ્ન કર્યાં, પણ પછી 1993માં છૂટાછેડા લીધા હતા.

મહેશ ચોકસી