મકાઉ : ચીનના અગ્નિ કિનારે હૉંગકૉંગ નજીક આવેલો પ્રદેશ. ભૌગોલિક સ્થાન : તે 22° 10´ ઉ. અ. અને 113° 33´ પૂ. રે. પરનો માત્ર 5 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ વિસ્તારમાં મકાઉનો નાનો દ્વીપકલ્પ તેમજ ત્રણ નાનકડા ટાપુઓ આવેલા છે. તે હૉંગકૉંગથી પશ્ચિમે આશરે 65 કિમી.ને અંતરે ઝૂજિયાંગ (પર્લ) નદીના મુખ પર આવેલું છે. ઔમેન (Aomen) તેનું મુખ્ય મથક છે.
મકાઉના કેટલાક વિસ્તારોમાં ઉપલો જડેલી શેરીઓ આવેલી છે. શેરીઓની ધારે ધારે સૌમ્ય રંગનાં જૂનાં ઘરો આવેલાં છે. બીજા વિભાગોમાં આવાસી ઇમારતો તથા ઊંચી અદ્યતન હોટેલો છે. અહીંની વસ્તી 1994ના અંદાજ મુજબ 3,95,300 જેટલી છે. 90 %થી વધુ વસ્તી ચીની લોકોની છે, જ્યારે બાકીના 10 % પૈકી મોટાભાગના લોકો પૉર્ટુગીઝ છે. મકાઉનું અર્થતંત્ર પ્રવાસન તેમજ દારૂખાનું અને કાપડ-ઉદ્યોગ પર નિર્ભર છે. અહીં આવેલાં જુગારખાનાં મુખ્યત્વે હૉંગકૉંગના પ્રવાસી લોકોથી ભરચક રહે છે.
1557માં પૉર્ટુગીઝોએ મકાઉમાં કાયમી વસાહત સ્થાપેલી. ચીને તેમને અહીં વસવાની પરવાનગી એટલા માટે આપેલી કે ત્યારે ચીનના અર્થતંત્રમાં મકાઉનો ફાળો વિશેષ રહેતો હતો. મકાઉને તેના પ્રદેશ માટેની લગભગ બધી જ ખાદ્ય સામગ્રી તેમજ પીવાનું પાણી સુધ્ધાં ચીન પૂરાં પાડે છે. 1987માં ચીન અને પૉર્ટુગલ વચ્ચે 1999ના ડિસેમ્બરમાં પૉર્ટુગલ ચીનને મકાઉનો પ્રદેશ સોંપી દેશે એવા કરાર થયેલા અને તે મુજબ મકાઉ ચીનને સોંપાઈ ગયું છે.
ગિરીશભાઈ પંડ્યા