મકાઈ

એકદળી વર્ગમાં આવેલી એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Zea mays Linn. (હિં., ગુ., મ., મકાઈ; બં., ભુટ્ટા, જોનાર; તે. મક્કાજોન્નાલુ, મોક્કાજાના.; અં., મેઇઝ, કૉર્ન) છે. તે મજબૂત, એકગૃહી (monoecious) અને એકવર્ષાયુ તૃણ છે અને તેની વિવિધ પ્રાદેશિક જાતો 0.43 મી. થી માંડી 6.0 મી. સુધીની ઊંચાઈ ધરાવે છે. તેનું પ્રકાંડ (સાંઠો) લીસું, અશાખિત અને નળાકાર હોય છે. તેના પર ગાંઠો અને આંતરગાંઠો સ્પષ્ટપણે જોવા મળે છે. પ્રકાંડની નીચેની ગાંઠો ઉપરથી અસ્થાનિક (adventitious) તંતુમય મૂળો ઉદભવે છે. પર્ણો આવરક (sheathing) પર્ણતલો ધરાવે છે. તે અદંડી હોય છે અને પર્ણતલ અને પર્ણદલના જોડાણ-સ્થાને રોમિલ જિહવિકા (ligule) જોવા મળે છે. પર્ણદલ પહોળું, ભાલાકાર (lanceolate), 30 સેમી.થી 125 સેમી. લાંબું અને 2.2 સેમી.થી 12.0 સેમી. પહોળું અને ઉપરની સપાટીએથી રોમિલ હોય છે. નર પુષ્પવિન્યાસ [ચમરી અથવા માંજર (tassel)] લઘુપુષ્પગુચ્છી (panicle), અગ્રસ્થ (terminal) અને લાંબો હોય છે. તેના ઉપર આવેલી શુકિકાઓ (spikelets) કલગી (raceme) સ્વરૂપે ગોઠવાયેલી હોય છે. શુકિકાઓ યુગ્મમાં હોય છે. તે પૈકી એક સદંડી (stalked) અને બીજી અદંડી હોય છે. તે તૃણકેશરહિત (awnless) હોય છે અને લગભગ સમાન, ત્વચીય (membranous), બે તુષનિપત્રો (glumes) ધરાવે છે. માદા પુષ્પવિન્યાસ (ડોડો) પર્ણની કક્ષમાંથી ઉત્પન્ન થાય છે. તેનો મુખ્ય અક્ષ જાડો અને કાષ્ઠમય હોય છે. તેની ફરતે 8થી માંડી 30 જેટલી હરોળોમાં માદા શુકિકાઓ ખૂંપેલી હોય છે. સમગ્ર પુષ્પવિન્યાસ મોટાં પર્ણાભ (foliaceous) પૃથુપર્ણો (spathes) વડે આવરિત હોય છે, જેમાંથી લાંબી, રેશમી પરાગવાહિનીઓ જથ્થામાં બહાર નીકળે છે. માદા શુકિકામાં ઉપરનું પુષ્પક ફળાઉ અને નીચેનું વંધ્ય હોય છે. પ્રત્યેક વનસ્પતિદીઠ એકથી છ ડોડાઓ ઉત્પન્ન થાય છે. પૉપ-કૉર્ન જાતોમાં ડોડાની સંખ્યા એકથી વધારે હોય છે.

મકાઈનું ઉદભવસ્થાન રહસ્યમય રહ્યું છે, કારણ કે તેને માત્ર વાવવામાં આવે છે અને તેનું અસ્તિત્વ મનુષ્ય પર આધાર રાખે છે. તેના ઉદભવનું પ્રાથમિક કેન્દ્ર મધ્ય અમેરિકા ગણાય છે. દક્ષિણ મેક્સિકોમાં તેનાં બાહ્યાકાર અને દેહધાર્મિક લક્ષણો માટે સ્પષ્ટ જનીનિક પરિવર્તનશીલતા (variability) જોવા મળે છે. તેની સંબંધી Euchlaena mexicana Schrad. અને Tripsacumની કેટલીક જાતિઓ આ પ્રદેશમાં જોવા મળે છે. તેમનું સંકરણ મકાઈ સાથે સફળતાપૂર્વક કરી શકાય છે. લગભગ 7,000 વર્ષ પૂર્વેના મેક્સિકોમાંથી પ્રાપ્ત થયેલા પુરાતત્વવિદ્યાના પુરાવા અને મકાઈની પરાગરજના જીવાશ્મની શોધ તે મકાઈના ઉછેર માટેનું આરંભનું કેન્દ્ર હોવાનું સૂચન કરે છે.

મકાઈનો છોડ

સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે ભારતમાં સોળમી સદીની શરૂઆતમાં પશ્ચિમના દરિયાકિનારેથી પૉર્ટુગીઝો દ્વારા અન્ય આર્થિક રીતે ઉપયોગી વનસ્પતિઓની સાથે મકાઈનો પ્રવેશ કરાવાયો છે. જોકે દક્ષિણ ભારતમાં મકાઈના વાવેતરના પ્રસારનો અભાવ અને તેના સ્થાનિક નામમાં મુસ્લિમ પરિભાષા(મક્કા કે મેક્કા)નો ઉપયોગ નિર્દેશ કરે છે કે તેનો પ્રવેશ આરબ-આફ્રિકી સ્રોત દ્વારા પૉર્ટુગીઝો ભારત આવ્યા તેના ઘણા સમય પહેલાં ઉત્તર ભારતમાં ઝાંઝીબારના આરબોના વેપારી સંપર્કોને કારણે થયો હશે. મધ્યપ્રદેશના કોંડીન્યાપુરમાંથી ઠીકરા (potshred) પર ઈ. સ. 1435ની મળી આવેલી મકાઈના ડોડા જેવી છાપ અને ઉત્તર-પૂર્વ હિમાલયમાંથી ઓળખાયેલી મકાઈની કેટલીક અત્યંત વિશિષ્ટ અને સૌથી આદ્ય જાતો દર્શાવે છે કે ભારતમાં મકાઈનું સંભવિત અસ્તિત્વ પ્રિ-કોલંબિયન યુગમાં હતું. મેક્સિકો અને ભારતના તે સમયના સંપર્કોના વિવિધ પુરાવાઓ પણ સાંપડ્યા છે.

ભારતમાં મુખ્યત્વે તે પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, મધ્યપ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, બિહાર, મહારાષ્ટ્ર, કર્ણાટક, ગુજરાત, આંધ્રપ્રદેશ, રાજસ્થાન અને તામિલનાડુ રાજ્યમાં થાય છે. ગુજરાતમાં મુખ્યત્વે સાબરકાંઠા, પંચમહાલ, દાહોદ, વડોદરા, ખેડા અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં તેનું વાવેતર કરવામાં આવે છે.

વાવેતર : મકાઈને ગરમ અને સાધારણ ભેજવાળી આબોહવા માફક આવે છે. આમ છતાં મકાઈની અત્યંત અપસારી (divergent) જાતોની પ્રાપ્યતાએ વાતાવરણની વિવિધ સ્થિતિઓમાં પણ તેનું વાવેતર શક્ય બનાવ્યું છે. તે 58° ઉ. અ. કૅનેડા અને રશિયાથી માંડી દક્ષિણ ગોળાર્ધમાં 40° દ. અ. સુધીના વિસ્તારમાં વવાય છે. તે સમુદ્રની સપાટીથી નીચે કૅસ્પિયનનાં મેદાનોમાં અને 3,600 મી.ની ઊંચાઈ સુધી પેરુવિયન ઍન્ડીસમાં ઉગાડવામાં આવે છે. છોડના વૃદ્ધિ-સમય દરમિયાન 15.6° સે. કરતાં ઓછું તાપમાન આ પાકને માફક આવતું નથી. સમયસરનો અને પાકના જીવનકાળ દરમિયાન સરખી રીતે 500 મિમી.થી 760 મિમી. જેટલો વરસાદ આ પાક માટે પૂરતો છે. પાણીની અછતનો આ પાક પ્રતિકાર કરી શકતો નથી. વૃદ્ધિની શરૂઆતમાં તે ભારે વરસાદ સહન કરી શકતો નથી. તેને સારા નિતારવાળી ફળદ્રૂપ જમીન વધુ માફક આવે છે. બેસર જમીનમાં મકાઈનો પાક વધુ સારો થાય છે. 5થી 8 pH ધરાવતી જમીનમાં તેને સફળતાપૂર્વક ઉગાડી શકાય છે. 5.5થી ઓછા pHવાળી જમીનમાં તેનું ઉત્પાદન ઘટી જાય છે. ચોમાસા માટે જૂન-જુલાઈ અને શિયાળુ પાક માટે ઑક્ટોબર-નવેમ્બરમાં તેની વાવણી કરવી હિતાવહ ગણાય છે.

ભારતમાં વિકસાવાયેલી સુધારેલી મકાઈની સંકર અને સંયુક્ત (composite) જાતો : મકાઈની બાર સંકર જાતો ગંગા-1, ગંગા-101, રણજિત, ડેક્કન, ગંગા સફેદ-2, હાઈ-સ્ટાર્ચ, ગંગા-3, ગંગા-4, ગંગા-5, વીએલ-54, ડેક્કન-101 અને હીરા-123 શોધવામાં આવી છે. 6 સંયુક્ત જાતો – વિજય, કિસાન, જવાહર, સોના, વિક્રમ અને અંબર અને પોષણની ર્દષ્ટિએ ત્રણ ઉચ્ચ જાતો શક્તિ, રતન અને પ્રોટીના વિકસાવવામાં આવી છે.

આ ઉપરાંત મકાઈની મુખ્યત્વે પાંચ જાતોમાં મીઠી (સ્વીટ), ડોડા શેકવાની (મેઈઝ પૉપ), કઠણ (ફ્લિન્ટ), નરમ (ડેન્ટ) તેમજ આટા (ફ્લોર) જાતનો સમાવેશ થાય છે. ગુજરાતમાં સુધારેલી જાતોમાં ગુજરાત મકાઈ-1, ગુજરાત મકાઈ-2, ગુજરાત મકાઈ-3 અને ગંગા સફેદ-2 છે. આ જાતોનું ઉત્પાદન સારું મળે છે.

ધાન્યના વાવેતર માટે હેક્ટરદીઠ 20થી 25 કિગ્રા. અને ચારા માટે 36–40 કિગ્રા./હે. બિયારણની જરૂર રહે છે. સારા ઉત્પાદન માટે બે હાર વચ્ચે 60 સેમી. અને બે છોડ વચ્ચે 20 સેમી.નું અંતર રાખવું જરૂરી હોય છે. મકાઈમાં પાયાના ખાતર તરીકે હેક્ટરદીઠ 10થી 12 ટન સેન્દ્રિય ખાતર આપવાની ભલામણ કરવામાં આવે છે. ઉપરાંત રાસાયણિક ખાતર તરીકે હેક્ટરદીઠ 100 કિગ્રા. નાઇટ્રોજન અને 50 કિગ્રા. ફૉસ્ફરસ આપવામાં આવે છે. છોડની ઊંચાઈ જ્યારે 10થી 15 સેમી. જેટલી થાય ત્યારે ઓરીને વાવેલા પાકમાં બે છોડ વચ્ચે 15થી 20 સેમી.નું અંતર જળવાય તે પ્રમાણે પાકને ગાળી લેવામાં આવે છે. આ ઉપરાંત બેથી ત્રણ વખત આંતરખેડ અને એક કે બે વખત જરૂર પ્રમાણે નીંદણ કરવામાં આવે છે.

ઉત્પાદન : મકાઈ વાવ્યા પછી સામાન્ય રીતે 90થી 110 દિવસે પાકે છે. તેથી આ પાક 100થી 110 દિવસે કાપણી માટે તૈયાર થાય છે. ડોડામાં દાણા સુકાઈને કઠણ થઈ જાય ત્યારે ડોડા ઊભા પાકમાંથી ભાંગી લેવામાં આવે છે અને તે બિલકુલ સુકાઈ જાય ત્યારે તેમાંથી દાણા છૂટા પાડવામાં આવે છે. તેનું ઉત્પાદન પ્રતિ હેક્ટરે 300થી 400 કિગ્રા. જેટલું થાય છે. ડોડામાં દાણા બંધાવાની શરૂઆત થાય ત્યારે  લીલા ઘાસચારા માટે છોડની કાપણી કરવામાં આવે છે.

સારણી 1 : મકાઈના દાણા અને તેની બનાવટોનું પોષણમૂલ્ય

 વિગત (દર 100 ગ્રામ) લીલા દાણા સૂકા દાણા મકાઈનો લોટ મકાઈની પાપડી (corn flakes) મકાઈની ધાણી મકાઈનો રોટલો (tortilla)
      1 2 3 4 5 6 7
પ્રોટીન (ગ્રામ) 4.70 11.10 8.40 7.14 12.86 5.00
તૈલી દ્રવ્ય (ગ્રામ) 0.90 3.60 0.40 0.00 5.00 2.00
કાર્બોદિત દ્રવ્ય (ગ્રામ) 24.60 66.20 84.00 85.71 76.43 45.00
ઊર્જા (કિલો કૅલરી) 125 342 380 393 386 200
થાયમિન 0.11 (મિગ્રા.) 0.42 (મિગ્રા.) 400 (માઇક્રોગ્રામ)
રાયબોફ્લેવિન 0.12 (મિગ્રા.) 1.10 (મિગ્રા.) 80 (માઇક્રોગ્રામ)
નિયાસિન (નિકોટિનિક ઍસિડ) 0.60 (મિગ્રા.) 1.80 (મિગ્રા.) 28 (માઇક્રોગ્રામ)
કૅલ્શિયમ (મિગ્રા.) 9.00 10.00 10.00 24.00
લોહતત્ત્વ (મિગ્રા.) 1.10 2.30 2.00 2.00
મૅગ્નેશિયમ (મિગ્રા.) 40.00 139.00 286.67 0.00
ફૉસ્ફરસ (મિગ્રા.) 121.00 348.00 350.00 64.00
સોડિયમ (મિગ્રા.) 52,00 16.00 16.67 660.00
પોટૅશિયમ (મિગ્રા.) 15.10 28.60 286.67 160.00
રેસાઓ (ગ્રામ) 1.90 2.70

રાસાયણિક બંધારણ : અન્ય ધાન્યોની જેમ મકાઈનો દાણો રેસાયુક્ત તુષ કે સંયુક્ત કવચ [(husk or bran coat), 5 %થી 6 %] મેદીય ભ્રૂણ [(embryo or germ) 10 %] અને સ્ટાર્ચયુક્ત ભ્રૂણપોષ (endosperm) નામના ત્રણ ભાગોનો બનેલો હોય છે. મકાઈની પોષણક્ષમતા સારણી 1માં દર્શાવેલી છે. સંયુક્ત કવચની નીચે કોષોની ફક્ત એક હરોળ ધરાવતું સંચયિત પ્રોટીનસ્તર (aleurone layer) આવેલું છે, જેમાં મકાઈના દાણાનું કુલ 20 % જેટલું પ્રોટીન અને વિટામિન-બીના વિવિધ ઘટકો હોય છે. મકાઈમાં તૈલી દ્રવ્ય અને ધાતુક્ષારો (minerals) પણ હોય છે. તેમાંના મુખ્ય પ્રોટીનને કણકકારક પ્રોટીન (gluten) કહે છે. 100 ગ્રામ મકાઈમાંથી 350 કિલો કૅલરી ઊર્જા મળે છે. મકાઈના દાણામાં તેના વજનના 11 % જેટલું પ્રોટીન દ્રવ્ય હોય છે, જેમાંનું 50 % પ્રોટીન મુખ્ય દળમાં હોય છે. તેમાં ટ્રિપ્ટોફેન અને વૃદ્ધિકારક લાયસિન નામના એમીનોઍસિડ ઓછા હોય છે. તેથી જો ફક્ત તેના દળનો ભાગ ખાવામાં આવે તો ટ્રિપ્ટોફેનની ઊણપ થાય છે; પરંતુ તેના અંકુરણશીલ ભાગમાં ઘણા બધા એમીનોઍસિડ હોય છે. તેથી જો આખા દાણાને દળીને લોટ બનાવવામાં આવે તો ટ્રિપ્ટોફેન નામના એમીનોઍસિડની ઊણપ થતી અટકે છે. મકાઈમાં સિસ્ટિન અને મિથિયોનિન જેવા સલ્ફરવાળા એમીનોઍસિડ પણ હોય છે. મકાઈની ઑપેક-2 પ્રકારની ઉપજાતિમાં 3ગણું ટ્રિપ્ટોફેન અને બમણું લાયસિન હોય છે; તેથી તે નાનાં બાળકોની વૃદ્ધિ વધારે છે. પુખ્ત વયે પણ 250થી 300 ગ્રામ ઑપેક-2 લેવાથી શરીરમાં પ્રોટીન જમા થાય છે. તેમાં 3.6 % તૈલી દ્રવ્ય છે, જે મુખ્યત્વે અંકુરણશીલ વિસ્તારમાં હોય છે અને અસંતૃપ્ત ચરબી(unsaturated fat)ના સ્વરૂપે હોય છે. 100 ગ્રામ મકાઈમાં 0.4 મિગ્રા. થાયમિન, 0.1 મિગ્રા. રાયબોફ્લેવિન, 1.4 મિગ્રા. નિકોટિનિક ઍસિડ હોય છે. તે પૅન્ટોથેનિક ઍસિડ, ફૉલિક ઍસિડ, કોલાઈન, પાયરિડૉક્સિન, બાયોટિન અને વિટામિન ‘ઈ’ ધરાવે છે. તેમાં વિટામન સી અલ્પ પ્રમાણમાં હોય છે. પીળી મકાઈમાં વિટામિન-એ બનાવતું કૅરોટિન નામનું દ્રવ્ય હોય છે. દર 100 ગ્રામ મકાઈમાંથી 2 મિગ્રા. અવશોષણશીલ લોહતત્વ મળે છે; પરંતુ તેમાં કૅલ્શિયમનું પ્રમાણ ઓછું હોય છે (10 મિગ્રા.). મકાઈના દાણાને પૉલિશ કરવાથી તેનાં વિટામિનો નાશ પામે છે, માટે આખા દાણાને દળીને લોટ બનાવવાનું સૂચવાય છે. તેના દાણાના વિવિધ ભાગોનું રાસાયણિક બંધારણ નીચેની સારણીમાં આપવામાં આવ્યું છે :

સારણી 2 : મકાઈના દાણાના વિવિધ ભાગોનું જલરહિત રાસાયણિક બંધારણ

દાણાનો ભાગ  પ્રોટીન (%)   મેદ (%)   સ્ટાર્ચ (%)  શર્કરાઓ (%)   ભસ્મ (%)
ભ્રૂણપોષ 9.4 (6.7-12.8) 0.8 (0.7-1.1) 86.4 (83.9-88.9) 0.64 (0.47-0.82) 0.31 (0.22-0.46)
ભ્રૂણ 18.8 (17.3-20.2) 34.5 (31.1-38.9) 8.2 (5.1-10.0) 10.81 (9.87-12.51) 10.10 (9.16-11.31)
સંયુક્ત કવચ 3.7 (2.9-4.6) 1.0 (0.7-1.2) 7.3 (3.5-10.4) 0.34 (0.19-0.52) 0.84 (0.29-2.00)
અગ્રાચ્છદ (tipcap) 9.1 3.8 5.3 1.61 1.59
સમગ્ર દાણો 10.3 (8.1-13.6) 4.8 (3.9-5.8) 71.5 (66.8-74.2) 1.97 (1.61-2.22) 1.44 (1.27-1.58)

મકાઈના અંકુરણ સમયે કાર્બોદિતોના જલવિભાજન માટે β-એમાયલેઝ નામનો ઉત્સેચક પુષ્કળ પ્રમાણમાં ઉદભવે છે. α-એમાયલેઝ લગભગ ગેરહાજર હોય છે. દાણાના ભ્રૂણપોષમાં બે ફૉસ્ફોરાયલેઝ હોય છે. અન્ય ઉત્સેચકોમાં ADP-ગ્લુકોઝ પાયરોફૉસ્ફોરાયલેઝ, ADP ગ્લુકોઝ-સ્ટાર્ચ ગ્લુકોસિલ ટ્રાન્સફરેઝ, બે દ્રાવ્ય ઇન્વર્ટેઝ, ઘણા પ્રકારના ડીહાઈડ્રોજિનેઝ, લીપોઑક્સિડેઝ, અને બે રાઇબોન્યૂક્લિયેઝનો સમાવેશ થાય છે.

મકાઈના ભ્રૂણમાં કુલ પ્રોટીનના 30 %થી 40 % આલ્બ્યુમિન અને ગ્લૉબ્યુલિન હોય છે, જેમાં આલ્બ્યુમિનનું પ્રમાણ ગ્લૉબ્યુલિન કરતાં વધારે હોય છે. ઝીઇન નામનું ગૌણ પ્રોટીન ભ્રૂણના કુલ પ્રોટીનના 5 %થી 10 % જેટલું હોય છે. ભ્રૂણીય પ્રોટીનનું ભ્રૂણપોષીય પ્રોટીન કરતાં જૈવિક મૂલ્ય વધારે હોય છે.

ઉપયોગ : મકાઈનો ખોરાક અને ઢોરો માટે ઘાસચારા અને દાણ માટે પુષ્કળ પ્રમાણમાં ઉપયોગ થાય છે. ભારતમાં મકાઈના કુલ ઉત્પાદનના 80 %થી 90 % જેટલો ઉપયોગ ખોરાક તરીકે થાય છે. જ્યારે યુરોપ અને અમેરિકામાં તેનો ઉપયોગ મોટેભાગે ઢોરો માટે થાય છે. મકાઈ સ્ટાર્ચ અને સ્ટાર્ચ પર આધારિત ઔદ્યોગિક નીપજોનો મુખ્ય સ્રોત છે. અન્ય ઔદ્યોગિક ઉપયોગોમાં પીણાંઓ માટે નિસ્યંદિત સ્પિરિટ, નાસ્તાના વિવિધ પ્રકારો, મકાઈનું તેલ અને ઢોરના ખાણના ઉત્પાદનનો સમાવેશ થાય છે. તેના આટાનો ઉપયોગ રોટલી, વડાં, ગોટા, છૂંદા જેવી વાનગીઓ બનાવવામાં થાય છે. મધ્ય અમેરિકાના દેશોમાં મકાઈનો ઉપયોગ રોટલાસ(tortillas)ના સ્વરૂપમાં થાય છે. દાણાને ચૂનાના પાણીમાં રાખવામાં આવે છે, ત્યારપછી બાફીને ફોતરું કાઢી લેવામાં આવે છે અને દળીને કણક ગૂંદવામાં આવે છે. કોલંબિયામાં ‘આરેપાસ’ (arepas), નાઇજેરિયામાં ‘ઑગી’ (ogi) અને પૂર્વ આફ્રિકામાં ‘ઉગલી’ (ugali) અને ‘ચિંગા’ (chinga) બનાવવામાં આવે છે. મકાઈમાંથી પ્રક્રિયા કરીને સોજી બનાવવામાં આવે છે અને ઘઉંની સોજીની અવેજીમાં ખોરાકની વિવિધ વાનગીઓ બનાવવામાં વપરાય છે.

ભ્રૂણ અને ફોતરા વિનાની મકાઈના દાણામાંથી બનાવેલો મકાઈનો લોટ ‘અમેરિકન લોટ’ તરીકે ઓળખાય છે અને સૂપ અને શીરો બનાવવામાં વાપરવામાં આવે છે. મકાઈનું પાચન અને અવશોષણ સરળતાથી થાય છે. મકાઈમાં નિકોટિનિક ઍસિડ ઓછું હોવાથી ફક્ત મકાઈનો આહાર કરનારને તેની ઊણપ ઉદભવે છે, જે રુક્ષત્વચા(pellagra)નો રોગ કરે છે. તેથી મકાઈ સાથે ભોંયશિંગ (મગફળી), પ્રાણિજ પ્રોટીન, ટ્રિપ્ટોફેન કે નિકોટિનિક ઍસિડવાળો અન્ય આહાર આપવો જરૂરી બને છે. આફ્રિકાનાં ફક્ત મકાઈ ખાતાં નાનાં બાળકોમાં પ્રોટીનોર્જા કુપોષણ (protein-calorie malnutrition, Kwashiorkor) નામનો રોગ થયેલો જોવા મળે છે. મકાઈના અતિસેવનથી આફ્રિકી પ્રજામાં યકૃતની અંદર લોહતત્ત્વનો ભરાવો થયેલો જોવા મળે છે. તેને યકૃતીય અતિલોહભારિતા(liver siderosis)નો વિકાર કહે છે. ત્યાં મકાઈને લોખંડના વાસણમાં રાંધવામાં આવે છે. મકાઈમાં ફૉસ્ફેટ ઓછું હોવાથી લોહનું અવશોષણ વધે છે. તેને કારણે લોહના ભરાવાની ઝેરી અસર જોવા મળે છે.

મકાઈ સ્ટાર્ચનો વસ્ત્રઉદ્યોગ અને કાગળ ઉદ્યોગમાં છિદ્રપૂરક (sizing) દ્રવ્ય તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તેનો ઉપયોગ ડેક્સ્ટ્રોઝ અને મકાઈનું શરબત બનાવવામાં થાય છે. હાઇપોક્લૉરાઇડની ચિકિત્સા દ્વારા ઉત્પન્ન થયેલો ઉપચયિત (oxidized) સ્ટાર્ચ સ્વચ્છ અને સ્થાયી લહી (paste) બનાવે છે. તેનો ઉપયોગ કાગળ ઉદ્યોગમાં મુખ્યત્વે સપાટીના છિદ્રપૂરણ અને રંગીન આવરણ બનાવવામાં થાય છે. સ્ટાર્ચને રાસાયણિક પ્રક્રિયકની હાજરી કે ગેરહાજરીમાં ભૂંજતાં ઉત્પન્ન થતા ડેક્સ્ટ્રિન દ્વારા વિવિધ પ્રકારના આસંજકો બનાવવામાં આવે છે. સ્ટાર્ચ ઍસિટેટ ખોરાક, વસ્ત્ર અને કાગળ ઉદ્યોગમાં ઉપયોગી છે. કાચના રેસાઓના છિદ્રપૂરણમાં પણ તેનો ઉપયોગ થાય છે. સ્ટાર્ચ ફૉસ્ફેટનો ખોરાક ઉદ્યોગમાં પ્રગાઢક (thickener) તરીકે ઉપયોગ કરવામાં આવે છે. હાઇડ્રૉક્સિ-ઇથાઇલ સ્ટાર્ચનો કાગળ ઉદ્યોગમાં સામર્થ્ય (strength), ર્દઢતા (stiffness) અને સપાટી લીસી બનાવવામાં ઉપયોગ થાય છે. સ્ટાર્ચ અને તેની રૂપાંતરિત નીપજો, સૉર્બિટોલ, ગ્લુકોનિક ઍસિડ અને ગ્લુકોહેપ્ટૉનિક ઍસિડ બનાવવામાં ઉપયોગી છે. ધનાયની (cationic) સ્ટાર્ચનો મુખ્યત્વે ઉપયોગ કાગળના ઉત્પાદનમાં આંતરિક બંધક (binder) તરીકે થાય છે.

મકાઈના સ્ટાર્ચનો ઢાળણ (foundry) પ્રક્રિયાઓમાં બંધક તરીકે, ઔષધ-નિર્માણમાં મંદક (diluent) તરીકે, સાધનો ચોંટી ન જાય તે માટે ‘ડસ્ટિંગ પાઉડર’ તરીકે, તેલના કૂવાના વેધનક પંક(drilling mud)ના સંઘટક (ingredient) તરીકે અને પ્રસાધન પાઉડરના વિવિધ પ્રકારોના સંઘટક તરીકે ઉપયોગ થાય છે.

મકાઈના આર્દ્ર-પેષણ (wet-milling) ઉદ્યોગની પ્રાથમિક નીપજો સ્ટાર્ચ અને સ્ટાર્ચનાં વ્યુત્પન્નો છે. મકાઈનું તેલ મુખ્ય આનુષંગિક નીપજ (by-product) ગણાય છે. ઝીઇન, ઇનૉસિટૉલ અને મૉનો-સોડિયમ ગ્લુટામેટ અન્ય આનુષંગિક નીપજો છે.

મકાઈનું તેલ : આર્દ્ર કે શુષ્ક પેષણમાંથી પ્રાપ્ત થયેલા સૂકા ભ્રૂણમાં 50 % જેટલું અર્ધ શુષ્ક તેલ હોય છે. તેને મકાઈનું તેલ કહે છે. પરિષ્કૃત તેલની ગુણવત્તા સારી રીતે જળવાય છે. તેનો સૅલડ અને શીતન (cooling) તેલ તરીકે ઉપયોગ થાય છે. તેનું ધૂમ્ર-બિંદુ (smoke-point) ઊંચું હોવાથી બટાકાની કાતરી અને અન્ય ખાદ્ય પદાર્થો તળવાના માધ્યમ તરીકે તેનો ઉપયોગ કરવામાં આવે છે. ઔષધનિર્માણવિજ્ઞાનમાં પ્રજીવકોના વાહક તરીકે આ તેલનો ઉપયોગ થાય છે. ખાસ પ્રકારના ખોરાકમાં તે બહુસંતૃપ્ત (polysaturated) ફૅટી ઍસિડોના સ્રોત તરીકે વપરાય છે. તે લિપિડની ન્યૂનતાથી થતા ત્વચાશોથ(dermatitis)માં નિર્મલક (clearing agent) તરીકે ઉપયોગી છે. મનુષ્ય અને કેટલાંક પ્રાણીઓમાં અલ્પ કૉલેસ્ટેરોલીય (hypocholestermic) અસર ઉત્પન્ન કરે છે અને રુધિરમાં કૉલેસ્ટેરોલ સહિતના β-લિપોપ્રોટીનની સંતૃપ્તતાની માત્રામાં ઘટાડો કરે છે. તેથી ઍથિરોકાઠિન્ય(atherosclerosis)માં ઘટાડો થાય છે. વૃદ્ધ વ્યક્તિઓમાં થતા ગુલ્મસ્થાનાંતરતા (thromboembolic)ની ચિકિત્સામાં પણ તેનું કેટલુંક મહત્વ છે.

અળસીના તેલ સાથે મકાઈના તેલને મિશ્ર કરીને તેનો ચિત્રકામમાં ઉપયોગ થાય છે. સલ્ફોનેટેડ મકાઈનું તેલ ચામડાના ચર્મશોધન (tanning) અને પ્રક્રમણ(processing)માં ઉપયોગી છે. ભારતમાં મકાઈના તેલનો સાબુ બનાવવામાં ઉપયોગ થાય છે.

ઉત્સેચકીય જલીકરણ કે ઍસિડનની પ્રક્રિયા દ્વારા મકાઈના દાણામાંથી સ્ટાર્ચ કાઢી નાખ્યા પછી ઝીઇન મેળવવામાં આવે છે. તે પીળા રંગના પાઉડરના સ્વરૂપમાં હોય છે અને લાંબા સમય સુધી સ્થાયી રહી શકે છે. રાળ (resin) અને સુઘટ્યતાકારક (plasticizer) સાથે મિશ્ર કરી ઢાળકામ (moulding), વાર્નિશ અને આસંજકોના ઉત્પાદનમાં તે ઉપયોગમાં લેવાય છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ફોનોગ્રાફ રેકૉર્ડ બનાવવામાં લાખને બદલે તેનો ઉપયોગ કરવામાં આવતો હતો. તે બૂચ(cork)ના કણોના બંધક તરીકે ઉપયોગી છે. ઝીઇનમાંથી મેળવવામાં આવતો ‘વિકારા’ નામનો વસ્ત્ર-તંતુ સારી ગુણવત્તાવાળા કપાસ કે ઊનના તંતુઓ સાથે જોડાય છે; તેમાંથી બનાવાતાં વસ્ત્ર ટકાઉ, ગરમ અને ધોઈ શકાય તેવાં હોય છે. ઝીઇનમાં ગ્લુટામિક ઍસિડ પુષ્કળ પ્રમાણમાં હોય છે. ઝીઇન હાઇડ્રોલાયસેટમાંથી આ એમીનોઍસિડનું અલગીકરણ કરી મૉનોસોડિયમ ગ્લુટામેટ (C5H8No4Na·H2O) બનાવવામાં આવે છે. ખોરાકમાં કુદરતી સુગંધ પ્રેરવા માટે પરિપક્વન(seasoning)માં તેનો ઉપયોગ થાય છે.

જલદ્રાવ્ય મુક્ત એમીનોઍસિડો, પ્રોટીન, કાર્બોદિતો, ખનિજ અને વૃદ્ધિ : આર્દ્ર પેષણની પ્રક્રિયાથી પ્રાપ્ત થતું પાણી (steep water) અનુષંગી (adjunct) પદાર્થો ધરાવે છે. તેનો ફૂગના પોષક (nutritive) તરીકે ઉપયોગ થાય છે અને પેનિસિલિન અને અન્ય પ્રતિજૈવિકોનું ઉત્પાદન કરવામાં આવે છે. મકાઈના આ પાણીમાંથી ઇનોસિટોલ બનાવવામાં આવે છે. આ પાણી ઢોરોના દાણ સાથે પણ મિશ્ર કરવામાં આવે છે.

પશુધનના ખોરાક તરીકે મકાઈ : મકાઈ ચારા : (silage) કે દાણા સ્વરૂપે પ્રાણીઓના ખોરાક માટે ખૂબ મૂલ્ય ધરાવે છે. સમગ્ર વનસ્પતિનો ચારા તરીકે ઉપયોગ કરવામાં આવે છે અથવા સાઇલિજ બનાવવામાં આવે છે, અથવા છોડ પર ડૂંડાં પાકે ત્યારે તેને લણી લઈ લીલો ચારો મેળવવામાં આવે છે. તેનું પોષણમૂલ્ય ઊંચું હોય છે. ચારાનું શુષ્ક દ્રવ્યના આધારે સરેરાશ રાસાયણિક બંધારણ આ પ્રમાણે છે : અશુદ્ધ પ્રોટીન 7.1 %; ઈથર નિષ્કર્ષ 1.7 %; અશુદ્ધ રેસો  21.8 %; નાઇટ્રોજન-મુક્ત નિષ્કર્ષ 62.5 %; ભસ્મ 6.9 %; Ca 0.37 % અને P 0.15 %. તેના પાચ્યતા ગુણાંક (digestibility coefficients) આ પ્રમાણે હતા : શુષ્ક દ્રવ્ય, 55.6 %; અશુદ્ધ પ્રોટીન 39.8 %, ઈથર નિષ્કર્ષ, 59.6 %; અશુદ્ધ રેસા, 58.3 % અને નાઇટ્રોજન-મુક્ત નિષ્કર્ષ 65.1 %. ચારાનું પોષણમૂલ્ય પુષ્પનિર્માણ પૂર્વેની જુવાર, બાજરી અને ચારાના તૃણ સાથે તુલનીય (comparable) છે. જોકે મકાઈચારામાં કૅલ્શિયમનું પ્રમાણ ઓછું હોય છે.

મકાઈનો લીલો ચારો પશુધનની વૃદ્ધિ અને દૂધ-ઉત્પાદન માટે પૂરતી શક્તિ અને પ્રોટીન પૂરાં પાડે છે. તે પ્રજીવક ‘એ’ વધારે પ્રમાણમાં ધરાવે છે. તે પૂરતા પ્રમાણમાં મૅંગેનીઝ, તાંબું, કોબાલ્ટ અને લોહ તત્વો પૂરાં પાડે છે, કુલ ફૉસ્ફરસનો થોડોક જ ભાગ ફાઇટિનના સ્વરૂપમાં હોય છે.

સાંઠા અને ડૂંડાં સહિતના સમગ્ર છોડનું સાઇલિજમાં રૂપાંતર કરી શકાય છે. સારું સાઇલિજ બનાવવા માટે વનસ્પતિના 1.0થી 1.5 સેમી.ના ટુકડા કરવામાં આવે છે અને 70 % જેટલા ભેજનું પ્રમાણ બને તેટલું પાણી ઉમેરવામાં આવે છે. બંધ ઓરડામાં કે ખાડામાં ભરતા પહેલાં 0.1 % સોર્બિક ઍસિડનો છંટકાવ કરવામાં આવે છે. કૅલ્શિયમ કાર્બોનેટ અને યુરિયા (0.7 %) ઉમેરવામાં આવે છે. યુરિયાના ઉમેરાથી અશુદ્ધ પ્રોટીન દ્રવ્ય અને પાચ્યતા(digestibility)માં વધારો થાય છે. પંજાબમાંથી પ્રાપ્ત કરાયેલા સાઇલિજના એક નમૂનાનું રાસાયણિક બંધારણ આ પ્રમાણે છે : અશુદ્ધ પ્રોટીન 7.9 %; ઇથર-નિષ્કર્ષ 1.1 %; અશુદ્ધ રેસો 24.6 %; નાઇટ્રોજન-મુક્ત નિષ્કર્ષ 55.1 %; કુલ ભસ્મ 11.3 %. આ નમૂનામાં પાચ્ય પોષક તત્વોનું પ્રમાણ 61.1 % અને તેનો પોષક-ગુણોત્તર (nutritive ratio) 17 % જેટલો હતો.

પીળી મકાઈમાં પાચ્ય પોષક તત્વો લગભગ 80 % જેટલાં હોય છે, જે જુવાર, જવ અને ઓટ કરતાં અનુક્રમે 79 %, 71 % અને 72 % વધારે છે. મકાઈની ચમરી(tassel)માં કૅરોટિન, પ્રજીવક ‘બી’ – સંકુલ અને પ્રોટીન પુષ્કળ પ્રમાણમાં હોય છે. તેમનો પશુધનના ખાણ તરીકે ઉપયોગ થઈ શકે છે.

મકાઈનો આથવણ ઉદ્યોગમાં મર્યાદિત પ્રમાણમાં ઉપયોગ થાય છે; કારણ કે મૉલાસિસ જેવાં સસ્તાં દ્રવ્યો આથવણ-ઉદ્યોગમાં પ્રાપ્ય હોય છે. નિસ્યંદિત સ્પિરિટ, બ્યુટાઇલ, આલ્કોહૉલ અને ઍસિટોનની બનાવટમાં તેનો ઉપયોગ થાય છે. મકાઈના સ્ટાર્ચના મંદ ખનિજ ઍસિડ કે ઉત્સેચકો દ્વારા જલીકરણ કરી વ્યાપારિક ડેક્સ્ટ્રોઝ મેળવવામાં આવે છે. ડેક્સ્ટ્રોઝ પાંઉ, પીણાં અને ડબ્બાબંધી ઉદ્યોગોમાં લેવાય છે. શુદ્ધ ડેક્સ્ટ્રોઝ મૉનોહાઇડ્રેટનો ઔષધવિજ્ઞાનમાં પણ ઉપયોગ થાય છે.

મકાઈના સ્ટાર્ચની ચાસણી (syrup) ઍસિડ અથવા ઉત્સેચક અથવા બંને દ્વારા થતી જલીકરણની પ્રક્રિયા દ્વારા મેળવવામાં આવે છે. તેમાં ડૅક્સ્ટ્રોઝ, માલ્ટોઝ અને ઑલીગોસૅકેરાઇડ હોય છે. તેનો મુખ્યત્વે મીઠાઈ ઉદ્યોગમાં અને આઇસક્રીમની બનાવટમાં ઉપયોગ થાય છે. મકાઈની પાપડી (flakes) શુષ્ક પેષણમાંથી મળતી મોટી કાંકરીઓમાંથી બનાવવામાં આવે છે. આ માટે પીળી મકાઈની કાંકરીઓ વધારે પસંદ કરાય છે, છતાં સફેદ મકાઈની નીપજ પણ સંતોષજનક હોય છે. તેને મૉલ્ટ, ખાંડ, મીઠું અને પાણી સાથે 1થી 2 કલાક માટે 1.0 – 1.6 કિગ્રા./સેમી.2ના દબાણે વક્રનલિકા(retort)માં બાફવામાં આવે છે. આ બફાયેલ કણોને 19 %થી 23 % જેટલો ભેજ રહે તે રીતે ગરમ હવા દ્વારા સૂકવવામાં આવે છે અને ત્યારપછી બે રોલ (roll) વચ્ચે પસાર કરી પાપડી બનાવવામાં આવે છે. આ પાપડીને 3 %થી ઓછો ભેજ રહે તે રીતે શેકી તેના પર થાયેમીન અને અન્ય ‘બી’ પ્રજીવકોના દ્રાવણનો છંટકાવ કરવામાં આવે છે.

‘પૉપકૉર્ન’ ખાસ પ્રકારની મકાઈમાંથી બનાવવામાં આવે છે. તેના દાણામાં સખત ભ્રૂણપોષ-સ્ટાર્ચની ઊંચી ટકાવારી હોય છે. તે અલ્પાહાર (snack) તરીકે પણ ખૂબ જાણીતો છે. તેની ફરતે ખાંડ પાવામાં આવે છે અથવા ચૉકલેટ સાથે ખાવામાં આવે છે. ભારતમાં મીઠાવાળો પૉપકૉર્ન વધારે પ્રમાણમાં વપરાય છે.

આયુર્વેદ અનુસાર મકાઈનું ધાન્ય ઘણું જ પૌષ્ટિક, ઠંડું અને વાતુલ છે. તેનાં દાણા કાઢેલાં ડૂંડાં બાળી તેની રાખ કરી મધ સાથે લેવાથી ઊલટી તરત જ બંધ થાય છે.

મકાઈના રોગો

દાણા અને ચારા માટે ઉગાડવામાં આવતા મકાઈના છોડને થતા રોગો. માનવી માટે મકાઈ એક અગત્યના ખોરાકની ગરજ સારે છે. જુદા જુદા હવામાનમાં વધુ ઉત્પાદન આપતી તેની સંકર જાતો સહેલાઈથી તૈયાર થઈ શકે તેમ હોવાથી મકાઈના વર્ષમાં બેથી ત્રણ વાર પાક લેવામાં આવે છે. મકાઈની કેટલીક જાતો દાણા માટે તેમજ કાપડ ઉદ્યોગમાં કાંજી(grain starch)ના ઉત્પાદનમાં ઉપયોગમાં લેવામાં આવે છે. તેથી મકાઈ આખા વર્ષ દરમિયાન ભારતનાં જુદાં જુદાં રાજ્યોમાં ઉગાડવામાં આવે છે. મકાઈના દાણા તેમજ તેનાં પાંદડાં અંગારિયો, ભૂખરાં ટપકાં, ગેરુ અને પાનનો સુકારો જેવા રોગોથી પીડાય છે. આ સિવાય ધરુનો કોહવારો, સુકારો, સાંઠાનો કોહવારો, સાંઠા અને ડૂંડાંનો સડો – થડ અને સાંઠાનો કાળો સડો, પાનનાં ટપકાં જેવા ફૂગજન્ય રોગો થાય છે. વળી, વિષાણુથી થતા રોગોમાં સાંઠાનો સડો તેમજ ચટાપટાના રોગોનો સમાવેશ થાય છે.

1. દાણાનો અંગારિયો : તે Ustilago mayolis(DC) Corda syn. U. Zeae Unger. દ્વારા થાય છે. મકાઈમાં દાણાના અંગારિયાના બે પ્રકારના રોગ જોવા મળે છે, જે અનુક્રમે દાણાનો સામાન્ય અંગારિયો અને ડૂંડાનો અંગારિયો એ નામે ઓળખાય છે.

1.1. દાણાનો સામાન્ય અંગારિયો : આ રોગ આર્થિક ર્દષ્ટિએ ખૂબ જ નુકસાનકારક છે. આ રોગમાં રોગિષ્ઠ દાણામાં ફૂગના કણ-બીજાણુઓ કાળા પાઉડર સ્વરૂપે પેદા થાય છે. તે રોગિષ્ઠ દાણા ખાવાના ઉપયોગમાં આવતા નથી. આ ફૂગ દાણાને જ અસર કરતી હોવાથી તે દાણાના આગિયા તરીકે પણ ઓળખાય છે. આ રોગ ઉત્તર ભારતમાં હિમાલય અને કાશ્મીર ખીણમાં વધારે પ્રમાણમાં નુકસાનદાયક નીવડે છે.

છોડની શરૂઆતની વૃદ્ધિઅવસ્થા દરમિયાન આ ફૂગ આક્રમણ કરતી હોવા છતાં, રોગનાં કોઈ લક્ષણો જોવા મળતાં નથી. આવા રોગિષ્ઠ છોડ ઉપર ડોડો સામાન્ય રીતે 2થી 4 દિવસ વહેલો નીકળે છે. આ ફૂગ ડોડા ઉપર અગ્રકલિકા, ડોડાની પીંછ અને ક્યારેક સાંઠા અને પાન પર ગાંઠ પેદા કરે છે. તેની અસર હેઠળ ગાંઠની ઉપરની પેશીઓ ઝાંખા સફેદ અથવા ભૂખરા રંગની ચળકે છે. આ ગાંઠોની ઉપરની પેશીઓ તૂટી જતાં કાળા પાઉડરના સ્વરૂપે આ ફૂગના બીજાણુઓ શરૂઆતમાં ચીકણા પ્રવાહી સાથે હોય છે; પરંતુ તેઓ પરિપક્વ થતાં સૂકા થઈ પવન મારફતે ફેલાય છે. આ બીજાણુઓ 7થી 12 માઇક્રૉનના, ગોળ, ભૂખરા અને ચળકતી દીવાલવાળા હોય છે.

આ ફૂગ સામાન્ય રીતે જખમો અથવા કુદરતી છિદ્રો મારફતે છોડના કોઈ પણ ભાગમાં પ્રવેશ કરી રોગ ઉપજાવે છે. આ ફૂગ અનેક પ્રજાતિમાં વહેંચાયેલી હોય છે.

આ દાણાનો અંગારિયો રાસાયણિક ફૂગનાશકો અને સ્વચ્છતાની વિવિધ પદ્ધતિઓથી કાબૂમાં લેવો મુશ્કેલ છે; પરંતુ મકાઈની રોગપ્રતિકારક જાતો તૈયાર કરવાથી તેને કાબૂમાં લઈ શકાય છે.

1.2. ડૂંડાનો અંગારિયો : આ મકાઈના ડોડાનો અંગારિયો જુવારના ડૂંડાને થતા અંગારિયાની પ્રજાતિની ફૂગથી થાય છે. આ ફૂગ સ્પેસેલોથિકા રીલીઅના નામથી ઓળખાય છે. આ ફૂગ મકાઈના ડોડાનાં પીંછાં અને નર-ફૂલ ઉપર ગાંઠો કરી તેમાં કાળા પાઉડરના સ્વરૂપે બીજાણુનિર્માણ કરે છે. આ ફૂગના જલાશ્મો વિવિધ કદના હોય છે, જે એકબીજા સાથે ફૂગના તાંતણાથી જોડાયેલા હોય છે; જેને લીધે આખો ડોડો અથવા ડોડાનો ભાગ ફૂગપેશીઓ, જલાશ્મવાળા દાણા વગરનો બને છે.

આ ફૂગ જમીનજન્ય છે. પાકની વાવણી બાદ બીજના સંપર્કમાં આવીને કુમળા છોડ પર આક્રમણ કરે છે. છોડની વૃદ્ધિ સાથે ફૂગ પણ વૃદ્ધિ પામે છે. આ ફૂગના બીજાણુ ડોડા આવવાનું ચાલુ થતાં ડોડાનાં પીંછાં અને ડોડાની અગ્રકલિકામાં રોગ પેદા કરે છે.

આ રોગના નિયંત્રણ માટે શરૂઆતના તબક્કે જ રોગિષ્ઠ છોડોને ઉપાડી તેમનો નાશ કરવો જોઈએ. વળી રોગની પ્રતિકારક જાતોની વાવણી કરવી પણ હિતાવહ છે.

2.  ભૂખરાં ટપકાં : હાલમાં મકાઈ ઉગાડતા દરેક પ્રદેશમાં આ રોગ સામાન્ય છે. સૌપ્રથમ આ રોગ બિહાર રાજ્યમાં જોવા મળ્યો હતો.

છોડ પર ફૂગનું આક્રમણ થતાં સૌપ્રથમ પાનના ફલક ઉપર ઝાંખા લીલા રંગના પાણીપોચા જખમોનું નિર્માણ થાય છે. જખમોનો વિકાસ થતાં તે ભૂખરા રંગના બને છે અને પાન ઉપર ભૂખરા રંગનાં ટપકાં નિર્માણ કરે છે. શરૂઆતમાં આ ટપકાંઓ ઈંડા આકારનાં હોય છે, જે વિકસીને અન્ય ટપકાં સાથે સંલગ્ન થવાથી પાન ઉપર સુકારાનું નિર્માણ થાય છે. આ સુકારો મુખ્યત્વે પર્ણદંડની ઉપરના ભાગમાં પાનના આવરણ પર અને સાંઠા ઉપર થાય છે. સાંઠા ઉપરની આક્રમક પેશીઓ ઢીલી થતાં સાંઠો ત્યાંથી ભાંગી પડવાથી છોડને ખૂબ નુકસાન થાય છે.

પાકની કાપણી પછી જમીનની અંદર આ ફૂગ સુષુપ્ત અવસ્થામાંથી પસાર થાય છે. પાકની આગલી ઋતુમાં પૂરતો ભેજ મળતાં ફૂગના બીજાણુઓ પવન મારફત ફેલાઈ નવા પાકને ચેપ લગાડે છે.

રોગિષ્ઠ છોડોને ઉપાડી તેમનો બાળીને નાશ કરવાથી આ રોગ નિયંત્રિત થાય છે. વળી, રોગપ્રતિકારક જાતોની વાવણી કરવી એ પણ એક ઉપાય છે.

3. ગેરુ : મકાઈ ઉગાડતા દરેક દેશમાં આ રોગ Puccinia Sorghi Schw. નામે ઓળખાતી ફૂગથી થાય છે. ખાસ કરીને વાવવામાં આવતી સંકર જાતોને વિશેષ નુકસાન પહોંચે છે.

આ ફૂગનું આક્રમણ થતાં પાનના ફલક ઉપર પીળા રંગની ફોલ્લી જેવાં ઊપસેલાં ચાઠાં પેદા થાય છે. તેમાં બીજાણુઓ વિકાસ પામી પરિપક્વ થતાં ટપકાં ઝાંખા લીલા આભાસવાળો ભૂખરો રંગ ધારણ કરે છે. આ રોગનું આક્રમણ તીવ્ર થતાં છોડ પીળા થઈ નબળા પડે છે. આ ટપકાંમાં બીજાણુઓ વિકાસ પામતાં તે છોડની ઉપલી સપાટી તોડી પવન મારફત ફેલાઈને અન્ય છોડને ચેપ લગાડે છે. પાકની છેલ્લી અવસ્થામાં છૂટાંછવાયાં ટપકાંમાં કાળા રંગના અંત્યક બીજાણુ તૈયાર થતાં ટપકાંઓ પણ કાળો રંગ ધારણ કરે છે. રોગનું આક્રમણ તીવ્ર થતાં પાકના ઉત્પાદનમાં તે ખૂબ જ ખલેલ પહોંચાડે છે. આ ફૂગ એકથી વધુ યજમાન છોડ ઉપર આક્રમણ કરી પોતાનું જીવનચક્ર પૂરું કરતી હોય છે.

આ રોગના નિયંત્રણ માટે ગંગા-4, ડેક્કન અને ગંગા રોગપ્રતિકારક જાતો વાવવી એ જ સૌથી વધુ અસરકારક ઉપાય છે. વૈકલ્પિક યજમાન વનસ્પતિનો નાશ કરવાથી રોગનો ફેલાવો ઘટાડી શકાય છે.

4. પાનનો સુકારો : Drechslera turcica syn. Helminthiosporium Furcicum નામની ફૂગને લીધે મકાઈ, જુવાર અને અન્ય ધાન્ય પાકમાં પાનના સુકારાનો રોગ પેદા થાય છે.

કોઈ પણ અવસ્થામાં આ ફૂગ છોડને ચેપ લગાડે છે. તેની અસર હેઠળ શરૂઆતમાં પાન ઉપર પાણીપોચાં ધાબાં ઉત્પન્ન થાય છે અને પછી જૂજ સમયમાં તે રાખોડી કે રાતા બદામી રંગનાં બને છે અને તેની ફરતે સાંકડી ઘેરા રંગની કિનારી નિર્માણ થાય છે. આ ધાબાં સમય જતાં લાંબાં અને અણીદાર બને છે. બે નસો વચ્ચે પ્રસરે છે અને પાનના ફલકની લંબાઈ સાથે તે લંબાતાં હોય છે. ધાબાંની વચ્ચેનો ભાગ ઝાંખા ભૂખરા રંગનો અને તેની કિનારી ઘાટા ભૂખરા રંગની બને છે. ભેજમય વાતાવરણમાં જખમની સપાટી ઉપર ખાસ કરીને ધાબાંનો મધ્યભાગ ભૂખરા બદામી રંગનો બને છે અને તેની તીવ્ર અસરથી પાન સુકાઈ જાય છે. આ રોગની અસરથી ધરુ વૃદ્ધિ પામતું નથી અને તેથી છોડની મૃત્યુ પામવાની શક્યતા વધે છે.

નિયંત્રણ : (1) આ રોગના નિયંત્રણ માટે બીજને પારાયુક્ત દવા અથવા થાયરમ કે કૅપ્ટાન દવા કિલોદીઠ 4 ગ્રામ આપીને પછી તેની વાવણી કરાય છે. (2) પાક 1થી 5 માસનો થાય ત્યારે વરસાદ વિનાના દિવસમાં 0.2 % ઝીનેબ કે મેનેબનો છંટકાવ કરવામાં આવે છે. આ જ દવાનો બીજો છંટકાવ 20થી 25 દિવસે કરવામાં આવે છે. (3) ખેતરમાંથી પાકના રોગગ્રસ્ત અવશેષોને ભેગા કરીને તેમનો બાળીને નાશ કરવામાં આવે છે. (4) રોગ-અવરોધક જાતોનું વાવેતર શ્રેષ્ઠ ઉપાય છે.

ઉપર જણાવેલ વ્યાધિ ઉપરાંત ફુઝેરિયમ મોનીલીફોરમી નામની ફૂગથી ધરુનો કોહવારો થાય છે; જ્યારે સાંઠાનો કોહવારો પિથિયમ નામની ફૂગથી થાય છે. વળી સાંઠાનો તેમજ ડોડાનો સડો ડિપ્લોડિયા ઝી નામની ફૂગથી થાય છે. ડિપ્લોડિયા અને ડિયેલા પ્રજાતિની ફૂગો પાનનાં ટપકાંનો રોગ કરે છે. ઇરવિનિયા નામના જીવાણુથી સાંઠાના સડાનો રોગ થાય છે, જ્યારે ઝેન્થોમોનાસ મેડિસ નામના જીવાણુથી ટપકાં થાય છે.

મકાઈના પાકને મોઝેઇક વાઇરસ અને શુગરકેન મોઝાઇક વાઇરસ નામના વિષાણુઓનો ચેપ લાગવાથી રોગ થાય છે.

જીવાત : મકાઈના પાકમાં આવતી જીવાતમાં મુખ્યત્વે જૂથી ઇયળ (Cirphis unipuntata Haw, (army worm)), ગાભમારાની ઇયળ (Chilo partellus Swinhoe, stem borer), કાતરા (Amsacta moorei, hairy catterpiller) અને ખપેડી (Chrotogonus અને Erachypterus, surface grasshopper) છે.

જૂથી ઇયળોને કારણે દાણાના ઉત્પાદનમાં 30 % કે તેથી વધારે ઘટાડો થાય છે. 17થી 22 કિગ્રા. પ્રતિ હેક્ટરના દરે 5 % ડી.ડી.ટી. કે બી.એચ.સી.ના પાઉડરનું ડસ્ટિંગ અથવા 280થી 340 લીટર પ્રતિ-હેક્ટર 0.25 % ડી.ડી.ટી.નો છંટકાવ આ ઇયળો પર સંતોષકારક પરિણામો આપે છે. ગાભમારાની ઇયળના નિયંત્રણ માટે જ્યારે આ ઇયળ દેખાય ત્યારે 0.125 % લિન્ડેન, 0.04 %, એન્ડો સલ્ફેનનો છંટકાવ કરવામાં આવે છે અને ત્યારબાદ 2 % લિન્ડેનના કણો આપવામાં આવે છે. વાળવાળા લાલ કાતરાઓ મકાઈનાં પર્ણોનો બહુ ઝડપથી નાશ કરે છે. તેમનું નિયંત્રણ કરવા માટે 15 % ટૉક્સાફેન અને 5 % ડી.ડી.ટી.નું ડસ્ટિંગ કર્યા પછી બી.એચ.સી.(20, 15 અને 10 %)નું ડસ્ટિંગ કરવામાં આવે છે.

ધરમશીભાઈ દુદાભાઈ માલવિયા

વિનોદરાય ભીખુભાઈ રામાણી

શિલીન નં. શુક્લ

શિવાની શિ. શુક્લ

વિજયકુમાર જીવરાજભાઈ સાવલિયા

બળદેવભાઈ પટેલ

હિંમતસિંહ લાલસિંહ ચૌહાણ