મકલૂર, (સર) રૉબર્ટ

January, 2002

મકલૂર, (સર) રૉબર્ટ (જ. 1807, વૅક્સફર્ડ, આયર્લૅન્ડ; અ. 1873) : નામી સાહસખેડુ સંશોધક. 1824માં તેઓ નૌકાદળમાં જોડાયા. 1836માં તેઓ ઉત્તર ધ્રુવ પ્રદેશના સાહસ-પ્રવાસ-અભિયાનમાં સહયોગી બન્યા. 1848–49માં તેઓ ફ્રૅન્કલિન સાહસ-પ્રવાસમાં જોડાયા; 1850માં તેઓ ફરીથી એ પ્રવાસમાં જોડાયા અને એક જહાજનું તેમણે નૌકા-સંચાલન સંભાળ્યું. આ જહાજે પૂર્વ દિશાએથી પગપેસારો કર્યો અને બૅન્ક્સલૅન્ડના કિનારે તેઓ પહોંચી શક્યા. ત્યાં તેઓ 2 વર્ષ સુધી બરફમાં ગોંધાઈ-અટવાઈ રહ્યા. પશ્ચિમ દિશા તરફથી આવેલા બીજા વહાણે તેમને ઉગારી લીધા. આમ તેઓ ‘નૉર્થવેસ્ટ પૅસૅજ’ સુધી નૌકાચાલન કરનારી પ્રથમ વ્યક્તિ બન્યા. ‘મકલૂર સ્ટ્રેટ’ તેમના નામ ઉપરથી ઓળખાય છે.

મહેશ ચોકસી