મકબરો : મુસ્લિમ સંતો, ઓલિયા, પીર અને નામાંકિત વ્યક્તિઓની કબર પર કરેલી ઇમારત. તેને ‘દરગાહ’ કે ‘રોજો’ પણ કહેવામાં આવે છે. મકબરામાં મૂળ કબર જમીનમાં હોય છે, જ્યારે તેની ઉપરના ખંડમાં એક નકલી કબર કરેલી હોય છે. મકબરો મોટેભાગે ચોરસ તલમાનવાળી ઘુંમટદાર ઇમારત હોય છે. તેમાં કબરવાળા ખંડને ફરતી જાળીઓની મનોહર રચના કરેલી હોય છે. મકબરાના મધ્યખંડને ફરતી રવેશ કરીને તેની છતને કમાનો પર ટેકવવામાં આવે છે ત્યારે મધ્યખંડની ઉપરના ઘુંમટની ઊંચાઈના પ્રમાણમાં રવેશની છત પર નીચા કદના ઘુંમટ કરવામાં આવે છે. ઘણી વાર મકબરાના ચારે ખૂણે મિનારા બાંધવામાં આવે છે. દિલ્હીનો હુમાયૂંનો મકબરો, અજમેરની ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહ, આગ્રાનો મુમતાઝબેગમ અને શાહજહાંની કબર પરનો તાજમહાલ, સરખેજની શેખ અહમદ ખટ્ટુગંજબક્ષની દરગાહ તેમજ અમદાવાદનો શાહઆલમસાહેબનો રોજો વગેરે મકબરા સ્થાપત્યની નમૂનેદાર ઇમારતો ગણાય છે.
પ્રવીણચંદ્ર પરીખ