મંદારમરંદચંપૂ

January, 2002

મંદારમરંદચંપૂ : ભારતીય અલંકારશાસ્ત્ર વિશે કૃષ્ણકવિએ લખેલો કાવ્યગ્રંથ. કૃષ્ણકવિનો જન્મ સોળમી સદીના અંતભાગમાં ગુહપુરમાં થયેલો અને તેમણે પોતાનું જીવન ત્યાં જ ગાળેલું. તેમના ગુરુનું નામ વાસુદેવ યોગીન્દ્ર (કે યોગીશ્વર) હતું. તેમના ગુરુ વાસુદેવ આઠ ભાષાઓમાં રસભરી કવિતા રચવામાં કુશળ હતા. ‘મંદારમરંદચંપૂ’ નિર્ણયસાગર પ્રેસે પ્રગટ કર્યો છે. તેની બીજી આવૃત્તિ 1924માં બહાર પડેલી છે. આ ગ્રંથ પર અજ્ઞાતકર્તૃક ‘માધુર્યરંજની’ નામની સંસ્કૃતમાં લખાયેલી ટીકા પણ ગ્રંથની સાથે જ પ્રકાશિત થયેલી છે, પરંતુ તે ‘બંધબિંદુ’ નામના પાંચમા પ્રકરણની અધવચ્ચે અટકી જાય છે. પ્રસ્તુત ગ્રંથમાં અલંકારશાસ્ત્રના મુદ્દાઓ રજૂ થયા હોવા છતાં કવિએ તેને ચંપૂ પ્રકારનું કાવ્ય એટલા માટે કહ્યું છે કે તેના ‘સારબિંદુ’ નામના બીજા પ્રકરણમાં નાયકના વર્ણનમાં નાયક કૃષ્ણ, નાયિકા રાધા અને કાલ્પનિક ગંધર્વદંપતીને વર્ણવતું ગદ્ય અને પદ્ય – બંનેમાં રચાયેલું ચંપૂકાવ્ય રજૂ કરવામાં આવ્યું છે; જ્યારે બાકીનાં પ્રકરણોમાં લક્ષણ (વ્યાખ્યા) અને ઉદાહરણ એવા ક્રમે અલંકારશાસ્ત્ર(જેમાં છંદ અને નાટ્ય પણ આવી જાય છે)નું નિરૂપણ કરવામાં આવ્યું છે. કવિએ પ્રાચીન અને અર્વાચીન બંને પ્રકારના પોતાના પુરોગામી લેખકોના મતોને યથાશક્તિ તપાસીને સામાન્ય લોકોને જ્ઞાન આપવા અને વિદ્વાનોને ખુશ કરવા પ્રસ્તુત ગ્રંથની રચના કરી હોવાનું જણાવ્યું છે.

‘મંદારમરંદચંપૂ’ 11 બિંદુઓનો અર્થાત્ પ્રકરણોનો બનેલો છે. તેના પ્રથમ ‘વૃત્તબિંદુ’માં સમ, અર્ધસમ, વિષમ, માત્રામેળ અને દંડક પ્રકારના છંદોનાં લક્ષણો ઉદાહરણો સાથે આપ્યાં છે. બીજા ‘સારબિંદુ’માં નાયકનું વર્ણન કેવી રીતે થાય તેના ઉદાહરણ તરીકે રાધાકૃષ્ણવિષયક ચંપૂકાવ્ય રજૂ થયું છે. ત્રીજા ‘શ્લિષ્ટબિંદુ’માં શ્લેષ અલંકારની વ્યાખ્યા અને તેના પ્રકારો ચર્ચ્યા છે. ચોથા ‘ચિત્રબિંદુ’માં યમક અને ચિત્ર એ બે અલંકારોની વ્યાખ્યા અને તેમના પ્રકારોની ચર્ચા કરી છે. પાંચમા ‘બંધબિંદુ’માં ચિત્રબંધના પ્રકારોની અને છઠ્ઠા ‘ગુપ્તબિંદુ’માં ક્રિયાગુપ્ત વગેરે પ્રકારોની સોદાહરણ રજૂઆત છે. અહીં આ ગ્રંથનો પૂર્વાર્ધ સમાપ્ત થાય છે. ઉત્તરાર્ધમાં સાતમા ‘નર્તનબિંદુ’માં રૂપક અને તેના દસ પ્રકારો, નાટિકા અને પ્રકરણિકા એ બે ઉપરૂપકો, વસ્તુ અને તેના પ્રકારો, નાટ્યસંધિ અને સંધ્યંગો તથા અભિનય વગેરે નાટ્યવિષયક ચર્ચા રજૂ થઈ છે. આઠમા ‘શુદ્ધબિંદુ’માં નાયકના પ્રકારો અને ગુણો તથા નાયિકાના પ્રકારો અને અલંકારોની વાત કરી છે. નવમા ‘રમ્યબિંદુ’માં રસ, ભાવ અને બંનેના પ્રકારો તથા રીતિ, વૃત્તિ અને પ્રવૃત્તિનું નિરૂપણ છે. દસમા ‘વ્યંગ્યબિંદુ’માં શબ્દ અને અર્થના અલંકારો રજૂ થયા છે. અગિયારમા ‘શેષબિંદુ’માં સંખ્યાદર્શક શબ્દો, છંદના ગણ, યતિ તથા ગાયત્રી વગેરે વૈદિક છંદો, કાવ્યદોષો, કાવ્યગુણો, શબ્દશક્તિઓ, પદ અને તેના પ્રકારો, પદશય્યા, કાવ્યપાક, રૂપકની ભાષાઓ, રસદોષો, કાવ્ય અને તેના પ્રકારો, કાવ્યના વર્ણ્ય અને અવર્ણ્ય પદાર્થો અર્થાત્ કવિસમય તથા શબ્દ અને અર્થના પ્રકારો વર્ણવવામાં આવ્યા છે. આમ અલંકારશાસ્ત્ર, નાટ્યશાસ્ત્ર અને છંદશાસ્ત્ર વિશે પુરોગામીઓએ ચર્ચેલા તમામ મુદ્દાઓ આ ગ્રંથમાં જોવા મળે છે.

પ્ર. ઉ. શાસ્ત્રી