મંદસૌર : મધ્યપ્રદેશના પશ્ચિમ ભાગમાં ઇન્દોર વિભાગમાં વાયવ્ય છેડે આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. તે 24° 04´ ઉ. અ. અને 75° 04´ પૂ. રે.ની આજુબાજુનો 9,791 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. તેની પશ્ચિમ, ઉત્તર અને પૂર્વ તરફ રાજસ્થાનના ચિતોડગઢ, ભીલવાડા, કોટા અને ઝાલાવાડ જિલ્લા તથા દક્ષિણ તરફ રાજ્યનો રતલામ જિલ્લો આવેલા છે. જિલ્લામથક મંદસૌર જિલ્લાના નૈર્ઋત્ય ભાગમાં આવેલું છે. ‘મંદસૌર’ નામ ત્યાં પાસપાસે આવેલાં ‘મર્ચ’ અને ‘સૌર’ નામનાં બે ગામ ભેગાં થઈ નગર થવાથી પડેલું છે.

ભૂપૃષ્ઠજળપરિવાહ : આ જિલ્લાના ઉત્તર ભાગમાં કંજરડા ઉચ્ચપ્રદેશ અને દક્ષિણ ભાગમાં કૌંતેલ ઉચ્ચપ્રદેશ આવેલા છે. આ બધો ઉચ્ચપ્રદેશ-વિસ્તાર મલુરા ઉચ્ચપ્રદેશને નામે પણ ઓળખાય છે. અહીં વચ્ચે વચ્ચે મેદાની ભાગો પણ છે. ટેકરીઓની તળેટીધારો ગોળાકાર પરિઘવાળી છે. તેના વૃક્ષાચ્છાદિત ઢોળાવો ક્યાંક આછા તો ક્યાંક સીધા પણ છે. જિલ્લાની આબોહવા સૂકી અને સ્વાસ્થ્યપ્રદ છે. જિલ્લાનો દક્ષિણ ભાગ અયનવૃત્તીય સૂકાં પર્ણપાતી જંગલોવાળો છે. બાકીનો ભાગ સૂકાં અયનવૃત્તીય જંગલોવાળો છે. આ જંગલોમાં સાગનાં વૃક્ષોની સંખ્યા વિશેષ છે. તેની સાથે ધોકરા, ટેન્ડુ, ગુરજન, ખેર, બહેડાં, સાલરન, મહુડો, બીલ, આચર, કલ્ક, સલર અને ઘટબોરનાં વૃક્ષો પણ જોવા મળે છે. ચંબલ અહીંની મુખ્ય નદી છે, તેના પર બંધ બાંધી ગાંધીસાગર જળાશય તૈયાર કરેલું છે. તે મંદસૌર જિલ્લાની અગ્નિ સરહદને રતલામ જિલ્લાની ઈશાન સરહદથી અલગ પાડે છે.

ખેતીપશુપાલન : ઘઉં, જુવાર, બાજરો, ચણા અને મગફળી અહીંના મુખ્ય કૃષિપાકો છે. જિલ્લાની 7,37,500 હેક્ટર જમીન ખેડાણ હેઠળ છે. આ ખેડાણયોગ્ય જમીનો પૈકી 20 % જમીનને સિંચાઈ ઉપલબ્ધ છે; બાકીની જમીનોને કૂવા અને ટ્યૂબવેલ દ્વારા સિંચાઈ અપાય છે. ગાયો અને ભેંસો અહીંનું મુખ્ય પશુધન છે.

મંદસૌર જિલ્લો

ઉદ્યોગવેપાર : જિલ્લામાં મંદસૌર ખાતે તેલની મિલો આવેલી છે. મંદસૌર અને નજીકનાં નગરોમાં કાપડના છાપકામનું તેમજ સ્લેટ પર લખવાની પેનો તૈયાર કરવાનું કામ ચાલે છે. આ પેનોની નિકાસ પણ થાય છે. નીમચ, મનસા અને શામગઢ ખાતે સિંગતેલ તથા અન્ય ખાદ્યતેલનું ઉત્પાદન લેવાય છે. જાવડ ખાતે છાપેલું કાપડ તૈયાર થાય છે. ગારોટ, નારાયણગઢ, નીમચ, રામપુરા અને સીતામઉ ખાતે થતા અફીણની નિકાસ થાય છે. ખાંડ, દવાઓ, કાપડ અને વનસ્પતિ-ઘીની અહીં આયાત કરવામાં આવે છે.

પરિવહનપ્રવાસન : આ જિલ્લો માર્ગોથી સારી રીતે સંકળાયેલો છે. જિલ્લાનાં 376 ગામો અન્યોન્ય તેમજ નગરો સાથે પાકા રસ્તાઓથી જોડાયેલાં છે. અહીં કોઈ વિશિષ્ટ મહત્વ ધરાવતાં પ્રવાસ-સ્થળો નથી. અહીં ઘણા મેળા ભરાય છે અને ઉત્સવો યોજાય છે.

વસ્તી : 1991 મુજબ આ જિલ્લાની વસ્તી 15,55,208 છે. તે પૈકી 51 % પુરુષો અને 49 % સ્ત્રીઓ છે, જ્યારે ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ અનુક્રમે 70 % અને 30 % જેટલું છે. હિન્દુ, મુસ્લિમ અને જૈન લોકોનું પ્રમાણ અહીં વિશેષ છે; જ્યારે શીખો અને બૌદ્ધ લોકોનું પ્રમાણ ઓછું છે. જિલ્લામાં શિક્ષિતોનું પ્રમાણ 40 % છે. અહીં હિન્દી, ગુજરાતી અને ઉર્દૂ ભાષાઓ બોલાય છે. નગરો અને 71 % ગામડાંઓમાં શિક્ષણના વિવિધ તબક્કાઓની સગવડ મધ્યમસરની છે. 1996 મુજબ મંદસૌર ખાતે પાંચ કૉલેજો આવેલી છે. નગરો પૂરતી તબીબી સેવાની સગવડો સારી છે. મંદસૌર ખાતે જિલ્લા-કક્ષાની હૉસ્પિટલ આવેલી છે. વહીવટી સરળતા માટે જિલ્લાને 8 તાલુકાઓમાં અને 8 સમાજવિકાસ-ઘટકોમાં વહેંચેલો છે. જિલ્લામાં 18 નગરો અને 1,761 (186 વસ્તીવિહીન) ગામડાં આવેલાં છે.

ઇતિહાસ : જૂના વખતમાં મંદસૌર ઇન્દોરના દેશી રાજ્યનો એક જિલ્લો હતો. 1947 પછી મંદસૌર જિલ્લાની રચના કરવામાં આવેલી છે. 1956માં જ્યારે રાજ્યોની પુનર્રચના કરવામાં આવી ત્યારે તેમાં નજીવા ફેરફારો કરવામાં આવેલા.

જાહ્નવી ભટ્ટ