મંચુરિયા : ચીનના ઈશાન ભાગમાં આવેલો પ્રદેશ. મંચુરિયા એ ઈશાન ચીન વિસ્તાર માટે અપાયેલું યુરોપિયન નામ છે. આજે પણ ચીનમાં મંચુરિયાને માત્ર ‘ઈશાન ભાગ’ એવા ટૂંકા નામથી ઓળખાવવામાં આવે છે. ભૌગોલિક સ્થાન : તે 47° 00´ ઉ. અ. અને 125° 00´ પૂ. રે.ની આજુબાજુનો આશરે 12,30,000 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેમાં  હીલાંગજિયાંગ, જિલિન અને લિયાઓનિંગ જેવા પ્રાંતો આવેલા છે. મંચુરિયાની પશ્ચિમે આવેલો આંતરિક મૉંગોલિયાનો ઈશાન ભાગ પણ ચીન દ્વારા શાસિત વિસ્તાર છે.

ભૂપૃષ્ઠઆબોહવા : મંચુરિયાનો મોટો ભાગ મધ્યના પહોળા મેદાનથી બનેલો છે. આ મેદાનની ઉત્તર, પૂર્વ અને પશ્ચિમ તરફની સીમા પર જંગલ-આચ્છાદિત પર્વતો આવેલા છે. દક્ષિણમાં આવેલો લિયોડૉંગ દ્વીપકલ્પ છેક પીળા સમુદ્ર તરફ વિસ્તરેલો છે. ઈશાન તરફ વહેતી આમુર અને ઉસુરી નદીઓ મંચુરિયાને રશિયાથી અલગ કરે છે. અગ્નિભાગમાં યાલુ નદીની પેલી પાર કોરિયા આવેલું છે. મંચુરિયામાં લાંબા ઠંડા શિયાળા અને ટૂંકા ગરમ ઉનાળાની ઋતુઓ પ્રવર્તે છે. જાન્યુઆરીનાં તાપમાન સ્થાનભેદી –10° સે.થી –30° સે. વચ્ચેનાં રહે છે. વરસાદનું પ્રમાણ 635 મિમી. જેવું રહે છે. શિયાળા તદ્દન સૂકા રહે છે.વરસાદ ઉનાળામાં પડે છે.

અર્થતંત્ર : મંચુરિયા તેની કોલસા અને લોહઅયસ્ક જેવી સમૃદ્ધ કુદરતી સંપત્તિ માટે જાણીતું છે. આ સંપત્તિ પોલાદ બનાવવાના ઉપયોગમાં લેવાય છે. અહીંનાં કારખાનાં યંત્રસામગ્રી, ઓજારો, રેલવે અને ટ્રકો માટે જરૂરી પોલાદનું ઉત્પાદન કરે છે. અહીં સિમેન્ટ, રસાયણો, વીજળીનાં સાધનો અને કાગળનું ઉત્પાદન પણ લેવાય છે. ચીનના મોટાભાગના ભારે ઉદ્યોગો મંચુરિયાનાં હર્બિન, ચાંગચૂન અને શેનયાંગ (મુક્ડેન) શહેરો ખાતે કેન્દ્રિત થયેલાં છે. આ વિસ્તારમાં ફળદ્રૂપ જમીનો આવેલી છે. કૃષિપાકોમાં મુખ્યત્વે જુવાર અને સોયાબીન વિશેષ પ્રમાણમાં થાય છે. આ ઉપરાંત અહીં કપાસ, શર્કરાકંદ (શુગરબીટ) અને તમાકુ પણ થાય છે. મંચુરિયાના લોકોએ અહીંની વિશાળ પડતર જમીનોને નવસાધ્ય કરી છે અને સિંચાઈની મદદથી તેમાં ખેતી કરે છે. ચીનની મોટાભાગની ખાદ્યસામગ્રી અહીં થાય છે. ચીનનું ખૂબ જ વ્યસ્ત ગણાતું બંદર લ્યુડા મંચુરિયાના દક્ષિણ ભાગમાં ભૂશિર પર આવેલું છે.

લોકો : મંચુરિયામાં આશરે 9 કરોડની વસ્તી છે. અહીંના આશરે 90 % લોકો મૂળ ચીનાઓના વંશજો છે. તેઓ 1900ના અરસામાં સ્થળાંતર કરીને વસેલા છે. વસ્તીના માત્ર 5 % લોકો જ મંચુરિયાના મૂળ વતની મંચુઓ છે. આ સિવાયની બાકીની વસ્તીમાં કોરિયનો તથા મૉંગોલિયનો છે. આ લઘુમતીઓ પૈકીના મોટાભાગના લોકો આંતરલગ્નો અને સહશિક્ષણને કારણે ચીની સમાજમાં ભળી ગયા છે. આજે મંચુરિયાની લગભગ બધી જ વસ્તી ચીનની સત્તાવાર ગણાતી ઉત્તર ચીનની મૅન્ડેરિન ભાષા બોલે છે. તેઓ ચીની રીતરિવાજો પાળે છે; તેમની રહેણીકરણી પણ ચીનના અન્ય લોકો જેવી જ છે.

ઇતિહાસ : જૂના વખતમાં મંચુ યોદ્ધાઓ ઘોડેસવારી કરતા અને ચીનના વિવિધ ભાગો પર ઘણી વાર હુમલા કરતા અને કેટલાક ભાગો જીતી પણ લેતા. 1644માં મંચુઓએ ઉત્તર ચીન જીતી લીધું અને મંચુ વંશે ત્યાં શાસન શરૂ કર્યું. ક્રમે ક્રમે તેમણે આખા દેશ પર કાબૂ જમાવી દીધો અને 1912 સુધી તેમણે રાજ્ય કર્યું. 1912 પછી ચીની શાસકોએ મંચુરિયાને ચીનના એક ભાગ તરીકે ગણ્યું છે.

ઓગણીસમી સદી દરમિયાન રશિયા તેનો વિસ્તાર એશિયાની આરપાર વિસ્તારતું જતું હતું. તેણે ચીનનો કેટલોક ભાગ કબજે પણ કરેલો. 1860માં રશિયા અને ચીને કરાર પર સહીસિક્કા કર્યા. ચીને આમુર નદીથી ઉત્તરનો અને ઉસુરી નદીથી પૂર્વનો પ્રદેશ રશિયાને સોંપી દીધો.

મંચુરિયાના ઔદ્યોગિક નગર હર્બિનનો રાજમાર્ગ  એક દર્શન

ચીને રશિયાને મંચુરિયામાં થઈને વ્લાડીવોસ્તોક બંદર સુધી રેલમાર્ગ બાંધવાની સંમતિ પણ આપી. બે વર્ષ બાદ રશિયાએ લિયોડોંગ દ્વીપકલ્પની ભૂશિરનો ભાગ પરવાનાથી લીધો અને લ્યુશાન (પૉર્ટ આર્થર) ખાતે નૌકામથક તથા લ્યુડા ખાતે બંદર બાંધી આપ્યું.

1904–05 દરમિયાન રશિયા-જાપાન યુદ્ધમાં જાપાને રશિયાને હરાવ્યું અને લિયોડોંગ દ્વીપકલ્પનો કબજો લીધો. 1931માં જાપાનીઓએ બાકીનું બધું મંચુરિયા પણ કબજે કરી લીધું. 1932માં મંચુરિયામાં ‘મંચુકુઓ’ નામનું કઠપૂતળી રાજ્ય ઊભું કરવામાં આવ્યું. તેણે પોતાની સ્થિતિ મજબૂત કરી. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, આ મંચુકુઓ જાપાન માટે ઘણું જ મહત્વનું ઔદ્યોગિક મથક બની રહેલું. 1945ના ઑગસ્ટમાં જાપાન સાથેના માત્ર બે સપ્તાહના યુદ્ધ દ્વારા સોવિયેત સંઘે મંચુરિયા કબજે કરી લીધું અને જાપાની વસાહતીઓને ત્યાંથી કાઢી મૂક્યા. મંચુરિયા ચીનને સોંપતા અગાઉ સોવિયેત સંઘે ચીની સામ્યવાદીઓને ત્યાં સત્તા-ગ્રહણ કરવામાં મદદ કરેલી. 1949માં ચીની સામ્યવાદીઓએ છેવટે ચીનનો બધો જ વિસ્તાર પોતાને હસ્તક કરી લીધો.

1960–70ના ગાળા દરમિયાન ચીને મંચુરિયાની પેલી પારના રશિયાના કેટલાક પ્રદેશ પર પણ પોતાનો દાવો રજૂ કરેલો. 1969માં ચીન અને રશિયા ઉસુરી નદીમાંના ટાપુના કબજા માટે સામસામે આવી ગયેલાં અને લડાઈ થયેલી. આ બંને રાષ્ટ્રોએ છેવટે વાટાઘાટોથી મતભેદોનો ઉકેલ લાવી શકાશે એ હેતુથી લડાઈ બંધ કરેલી. તેમ છતાં આ વિસ્તારમાં વારંવાર સંઘર્ષ થતો રહ્યો છે; સીમા પરના આ દાવાનો હજી અંત આવ્યો નથી.

ગિરીશભાઈ પંડ્યા