મંચલેખા : 1468થી 1967 સુધીના આસામી  થિયેટર વિશેની વ્યાપક તવારીખનો ગ્રંથ. આ ગ્રંથને 1969ના વર્ષનો ભારતની કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો ઍવૉર્ડ પ્રાપ્ત થયો હતો.

1468થી 1967 સુધીના ગાળાના આસામી રંગમંચના અભ્યાસને શક્ય તેટલો સર્વગ્રાહી બનાવવા વિસ્તૃત સામગ્રી એકત્રિત કરવામાં લેખક અતુલચંદ્ર હઝારિકા(જ. 1906)એ ખંત અને કાળજીપૂર્વક પરિશ્રમ કર્યો છે. આ ગ્રંથમાં તેમણે આસામી થિયેટરનાં અનેક પાસાંનો વિગતવાર અભ્યાસ રજૂ કર્યો છે.

રંગમંચ સાથે તેઓ ખૂબ લાંબો સમય સંકળાયેલા રહ્યા હતા. આથી આ ગ્રંથનો વૃત્તાંત ફળપ્રદ અને પ્રમાણભૂત બન્યો છે. થિયેટર માટે તેમને પુષ્કળ લગાવ હતો; તેથી તેમણે ખૂણે ખૂણે વસતા આસામી કલાકારો અને કસબીઓનો સંપર્ક કેળવ્યો અને તેમના વિશે જાતમાહિતી મેળવી. સ્વાભાવિક રીતે જ જ્ઞાનકોશ જેવા આ રંગભૂમિવિષયક ગ્રંથને આખરી રૂપ આપવામાં તેમને 10 વર્ષ લાગ્યાં હતાં.

આ ગ્રંથના 6 ભાગમાં હઝારિકાએ 1468માં પ્રથમ આસામી નાટ્ય ભજવનાર વૈષ્ણવ સંત શ્રી શંકરદેવના પ્રારંભિક પ્રયાસો, આધુનિક સમયની નાટ્યપ્રવૃત્તિઓ, નાટ્યલેખનનું સ્વરૂપ ખોજવાની નાટ્યકારોની મથામણ, રંગભૂમિ પર સંગીત અને નૃત્યનો પ્રભાવ, સંગીતનાટકો તેમજ એકાંકી, રેડિયોરૂપકો અને ફિલ્મ જેવા અનેક વિષયોની છણાવટ કરી છે.

તેમાં તેમણે આસામની રંગમંચ-વિષયક પ્રવૃત્તિઓ વેગીલી બનાવનાર નામાંકિત વ્યક્તિઓની આલોચના કરી છે. તેના 7મા ભાગમાં નાટ્ય-રંગભૂમિક્ષેત્રના મોટાભાગના અગ્રેસરોની તસવીરો આપી છે.

લેખકની બલિષ્ઠ અને સ્પષ્ટ અભિવ્યક્તિને કારણે આ ગ્રંથ રસપ્રદ બન્યો છે. લેખકના નાટ્યક્ષેત્રના અનુભવ તેમજ તદવિષયક તેમની વિદ્વત્તાને કારણે ‘મંચલેખા’ આસામી સાહિત્યનો એક ઉત્તમ અને પ્રમાણભૂત ગ્રંથ બન્યો છે.

બળદેવભાઈ કનીજિયા