મંગેશકર, લતા (જ. 28 સપ્ટેમ્બર 1929, ઇન્દોર, મધ્યપ્રદેશ, અ. 6 ફેબ્રુઆરી 2022, મુંબઈ) : દંતકથા બની ગયેલાં ભારતીય સ્વરસમ્રાજ્ઞી. જરા અમથું પણ ઔપચારિક શિક્ષણ ન લેનાર લતાએ પિતા દીનાનાથ મંગેશકર પાસેથી ચાર-પાંચ વર્ષની ઉંમરથી જ શાસ્ત્રીય સંગીત શીખવું શરૂ કર્યું હતું. સાત વર્ષની ઉંમરે તો તેમણે સંગીતનો પ્રથમ જાહેર કાર્યક્રમ આપ્યો હતો. ચાર બહેનો અને એક ભાઈમાં લતા સૌથી મોટાં હોઈ, 1942માં પિતાનું નિધન થયું ત્યારે પરિવારના ગુજરાનની જવાબદારી તેમના શિરે આવી ગઈ. એ વખતે લતાની ઉંમર તેર વર્ષની હતી. પિતાના અવસાનના આઠ જ દિવસ બાદ માસ્ટર વિનાયકના મરાઠી ચિત્ર ‘પાહિલી મંગલગૌર’માં નાની ભૂમિકા ભજવી. તેના સંગીતકાર દત્તા દાવજેકર હતા. તેમના સંગીત-નિર્દેશન હેઠળ લતાએ 1947માં પાર્શ્વગાયિકા તરીકે ‘આપ કી સેવા મેં’ ચિત્રમાં પ્રથમ ગીત ગાયું.
લતાએ પ્રથમ ગીત તો જોકે 1942માં ‘કિતી હાસલ?’ ચિત્ર માટે ગાયું હતું. પણ ચિત્ર પ્રદર્શિત થયું ત્યારે ચિત્રમાંથી એ ગીત કાઢી નંખાયું હતું. 1942થી 1948 સુધીમાં લતાએ આઠ જેટલાં ચિત્રોમાં અભિનય કર્યો, જેમાં ‘ચિમુકલા સંસાર’ (1943), ‘માઝે બાલ’ (1943), ‘ગજા ભાઉ’ (1944), ‘છત્રપતિ શિવાજી’ (1952) વગેરે મરાઠી ચિત્રો તથા ‘બડી મૉં’ (1945), ‘જીવનયાત્રા’ (1946), ‘મંદિર’ (1948) વગેરે હિંદી ચિત્રોનો સમાવેશ થાય છે.
ગાયિકા તરીકે લતાની પ્રતિભા ઓળખી જઈને સંગીતકાર ગુલામ હૈદરે તેમને બૉમ્બે ટૉકિઝનાં ચિત્રોમાં ગીત ગવડાવ્યાં. દંતકથારૂપ ગાયિકા બનવાની સફરનો પ્રારંભ ત્યારથી થયો. ‘મજબૂર’, ‘પદ્મિની’, ‘અંદાજ’, ‘મહલ’, ‘લહર’, ‘બાઝાર’ અને ‘બરસાત’ વગેરે ચિત્રોમાં ગીતોની જબ્બર લોકપ્રિયતા પછી તો પાર્શ્વગાયન-ક્ષેત્રે તેમનું શ્રેષ્ઠ સ્થાન બની ગયું. ‘મહલ’ ફિલ્મના ‘આયેગા આનેવાલા’થી લતાજીને સફળતા મળી હતી. રાજ કપૂરની ‘બરસાત’ ફિલ્મનાં ગીતોથી લતાદીદી સ્ટારગાયિકા બની ગયા હતાં.
ગીતો ગાવાની સાથે લતાએ અભિનેત્રી, નિર્માત્રી અને સંગીત-નિર્દેશિકા તરીકે પણ કામ કર્યું. લતાએ 1953માં મરાઠી ચિત્ર ‘વાડલ’ અને 1988માં હિંદી ચિત્ર ‘લેકિન’નું નિર્માણ કર્યું. 1950 અને 1960ના દસકામાં તેમણે ખ્યાતનામ મરાઠી કવિઓની કૃતિઓને સ્વર આપ્યો. 1970ના દસકાના પ્રારંભનાં વર્ષોમાં લતાએ સંતકવિ તુકારામનાં પદો ગાયાં. તેમણે મીરાંબાઈનાં ભજનો અને ગાલિબની ગઝલો પણ ગાઈ. લતાએ ભારતની લગભગ તમામ મુખ્ય ભાષાઓમાં ગીતો ગાયાં.
1962માં ચીન સાથેના યુદ્ધ પછી દિલ્હીમાં એક જાહેર સમારંભમાં તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુની ઉપસ્થિતિમાં દેશભક્તિનું ગીત ‘અય મેરે વતન કે લોગો’ ગાયું, જે દેશભરમાં લોકપ્રિય જ નહિ, પ્રભાવક પણ બન્યું અને ઘેર ઘેર ગુંજતું થયું. આ ગીત દેશભક્તિનો પર્યાય બની ગયું. યોગાનુયોગ એવો છે કે કવિ પ્રદીપજીના જન્મદિવસે જ લતા મંગેશકરે આ જગતની વિદાય લીધી. ભારત સરકારે લતાને 1969માં ‘પદ્મભૂષણ’નો ઍવૉર્ડ આપ્યો. 1989માં તેમને દાદાસાહેબ ફાળકે ઍવૉર્ડ એનાયત કરાયો હતો. 2001માં ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારતરત્નથી લતા મંગેશકરને નવાજવામાં આવ્યાં હતાં. આંધ્રપ્રદેશના બાલાજી ટ્રસ્ટે લતાને ‘આસ્થાના વિદ્વાન’નું તથા શંકરાચાર્યે ‘સ્વરભારતી’નું બિરુદ આપ્યું. કોલ્હાપુર, ખૈરાગઢ અને હૈદરાબાદ યુનિવર્સિટીઓએ લતાને માનાર્હ ડૉક્ટરેટની ડિગ્રીઓ આપી છે. લતાનો જન્મ ઇન્દોરમાં થયો હોઈને મધ્યપ્રદેશ સરકારે 1984માં એક લાખ રૂપિયાનો લતા મંગેશકર ઍવૉર્ડ સ્થાપિત કર્યો, જે દર વર્ષે ફિલ્મ-સંગીતકાર તથા ગાયકને આપવામાં આવે છે. શ્રેષ્ઠ પાર્શ્વગાયિકા તરીકે લતાને ચાર ફિલ્મફેર ઍવૉર્ડ મળ્યા છે, જેમાં ‘આ જા રે પરદેસી’ (‘મધુમતી’1958), ‘કહીં દીપ જલે કહીં દિલ’ (‘બીસ સાલ બાદ’1962), ‘તુમ હી મેરે મંદિર’ (‘ખાનદાન’1965) અને ‘આપ મુઝે અચ્છે લગને લગે’(‘જીને કી રાહ’1969)નો સમાવેશ થાય છે. એ પછી નવા ગાયકોને પ્રોત્સાહન મળે એ માટે તેમણે આ સ્પર્ધામાં ભાગ લેવાનું બંધ કરી દીધું છે. તે ઉપરાંત લતાજીને બે ફિલ્મફેર સ્પેશિયલ એવોર્ડ અને ફિલ્મફેર લાઇફટાઇમ અચીવમેન્ટ ઍવૉર્ડ પણ એનાયત થયો હતો. આ ઉપરાંત તેમને મહારાષ્ટ્ર રાજ્ય દ્વારા ‘મહારાષ્ટ્રરત્ન’નો ઍવૉર્ડ પણ એનાયત થયો છે.
1949માં મુકેશ સાથે શરૂ થયેલી યુગલગીતો ગાવાની સફર રફી, કિશોર કુમાર, મન્ના ડે, હેમંત કુમાર, તલત મહેમૂદથી લઈને ઉદિત નારાયણ, કુમાર શાનુ, સોનુ નિગમ, શાન સહિતના ગાયકો સુધી લંબાઈ હતી. ગુલામ હૈદરથી એ આર. રહેમાન સુધીના સંગીતકારોનાં ગીતોને તેમણે કંઠ આપ્યો હતો. તેમનાં ગીતો મધુબાલાથી લઈને પ્રીતિ ઝિન્ટા સુધીની અભિનેત્રીઓ ઉપર ફિલ્માવાયા છે. એ તેમનાં દાયકાઓ લાંબા કાર્યકાળનો અને વિશાળ રેન્જનો પરિચય આપે છે. તેમણે 14-15 વર્ષની વયે 30-35 વર્ષની અભિનેત્રીઓ માટે કંઠ આપ્યો હતો. તો 75 વર્ષે 19-20 વર્ષની અભિનેત્રીઓ માટે પણ ગીતો ગાયાં હતાં. 2014માં 85 વર્ષે તેમણે ‘દુન્નો વાય-2’ ફિલ્મમાં ‘જીના ક્યા હૈ’ ગીતમાં કંઠ આપ્યો હતો. એ તેમનું છેલ્લું ફિલ્મીગીત હતું. ગુજરાતી ફિલ્મોમાં પણ એમણે ગાયેલા ગીતો પ્રસિદ્ધ હતા. પારકી થાપણ ફિલ્મના ‘બેના રે’, ’પાંદડું લીલું ને રંગ રાતો’, ’મહેંદી તેં વાવી માંડવે’, ’રૂપલે મઢી છે રાત’ જેવાં ગીતોને સ્વર આપ્યો હતો. એમણે ગાયેલું છેલ્લું ગુજરાતી ગીત તે ’બાપા સીતારામ’ ફિલ્મમાં મહાત્મા ગાંધીજીનું પ્રિય ભજન ‘વૈષ્ણવજન તો તેને રે કહીએ’ તે હતું.
ગુજરાતી શબ્દોના ઉચ્ચારમાં સહેજે ક્ષતિ રહે નહીં, તે માટે ગુજરાતી કલાકારો સાથે લાંબી ચર્ચા થતી. એમણે હિન્દી, મરાઠી, ગુજરાતી, બંગાળી, ઉર્દૂ સહિત 30,000 ગીતોને કંઠ આપ્યો. ભારતીય અભિનેત્રીઓની ચાર-ચાર પેઢી સુધી એમણે અવાજ આપ્યો. ભજન, ગીત, પદ, ડાન્સ નંબર, કવ્વાલી, ગઝલો અને ગરબા જેવાં કેટલાંય સ્વરૂપોને તેમનો અવાજ મળ્યો છે. લંડનમાં આવેલા રોયલ આલ્બર્ટ હોલમાં માત્ર બ્રિટિશરો જ પ્રસ્તુતિ કરી શકતા. ભારતીય કલાકારોને બાજુના ખંડમાં પ્રસ્તુતિ કરવાની પરવાનગી હતી, પરંતુ આમાં અપમાન લાગવાથી એમણે રોયલ આલ્બર્ટ હોલમાં કાર્યક્રમની પ્રસ્તુતિ કરવાનો નિર્ધાર કર્યો અને અંતે એમણે એ પ્રસ્તુતિ કરી.
ક્રિકેટની રમતનું એમને ઘણું આકર્ષણ હતું. 1983ના વિશ્વકપની મેચ ઇંગ્લૅન્ડના લોર્ડ્ઝના મેદાન પર રમાઈ રહી હતી, ત્યારે તેઓ ત્યાં ઉપસ્થિત હતા અને મેચ પૂર્વે ભારતીય ટીમને મળીને કહ્યું હતું કે આપણે જીતી જવાના છે. ભારતીય ક્રિકેટ ટીમ વિજેતા બની, પરંતુ એ સમયે ભારતીય ક્રિકેટ બોર્ડ પાસે વિજેતા ખેલાડીઓનું અભિવાદન કરવા માટે પૂરતી રકમ નહોતી, ત્યારે લતા મંગેશકરે કોન્સર્ટ કરીને રકમ એકઠી કરી. આથી, જેથી પ્રત્યેક ખેલાડીનું એક-એક લાખ રૂપિયા આપીને અભિવાદન કરી શકાયું. સચિન તેંડૂલકર તો કહેતો કે મારે માટે એ અસલી ભારતરત્ન છે. એમણે પૂણેમાં હોસ્પિટલ બનાવી હતી. કુદરતી આપત્તિ વખતે વખતોવખત સહાય કરી હતી. કાશ્મીરના ભૂકંપ પીડિતોને તેમજ કોરોના મહામારીના સમયે એમણે સારી એવી મદદ કરી હતી.
મંગેશકર પરિવાર સંગીત સાથે જોડાયેલો રહ્યો છે. લતાજીના પિતા દિનાનાથ મંગેશકરે એ જમાનામાં થિયેટર્સ અને ફિલ્મોમાં સંગીત આપ્યું હતું. તેમનો એ વારસો લતાજી સહિતના તમામ સંતાનોએ જાળવ્યો હતો. લતાદીદી ઉપરાંત તેમનાં ત્રણ બહેનો આશા, ઉષા અને મીના પણ પાર્શ્વગાયિકાઓ છે. તેમાં સૌથી વધુ ખ્યાતિ આશા ભોંસલેએ મેળવેલી છે. લતાના ભાઈ હૃદયનાથ મંગેશકર પણ સંગીતકાર છે.
પોતાના અંતિમ દિવસોમાં લતા મંગેશકર એમના પિતા દિનાનાથ મંગેશકરનાં ગીતોનું રેકોર્ડિંગ સાંભળી રહ્યા હતા અને એનું ગાન કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તેઓ પોતાના ગીતો સાંભળવાનું પસંદ નહોતા કરતા, કારણ કે પોતાના ગીતો સાંભળતી વખતે રહી ગયેલી ભૂલો પકડી લેતા અને આસ્વાદમાં અવરોધ આવતો હતો.
એમનો કોરોનાનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો તે પછી તેમને મુંબઈની બ્રિચ કેન્ડી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. 25 દિવસ તેઓ હૉસ્પિટલમાં સારવાર હેઠળ રહ્યાં હતાં. સારવાર દરમિયાન તેમને ઉંમરને લગતી સમસ્યા સર્જાઈ હતી. કિડની, હૃદય સહિતના અંગો કામ કરતા બંધ થઈ જતાં 6 ફેબ્રુઆરી, 2022ના રોજ 92 વર્ષની વયે તેમનું મુંબઈની હૉસ્પિટલમાં જ અવસાન થયું હતું.
એમના નિધન પછી ભારત સરકારે બે દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો હતો. અમદાવાદમાં એક હજારમી ઐતિહાસિક વન-ડે મૅચ રમી રહેલા ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ કાળી પટ્ટી બાંધીને એમના નિધનનો શોક પાળ્યો હતો. ભારત ઉપરાંત ભારતીય ઉપખંડના દેશોમાં પણ તેઓ લોકપ્રિય હતાં. પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ, શ્રીલંકા જેવા દેશોના વડાઓએ શોકસંદેશો પાઠવ્યો હતો. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે એમની અંતિમ વિધિમાં હાજર રહ્યા હતા. તે ઉપરાંત સદીના મહાનાયક અમિતાભ બચ્ચન, મહાન ક્રિકેટર સચિન તેંડુલકર, અભિનેતા શાહરૂખખાન સહિતના અસંખ્ય મહાનુભાવોએ એમનાં અંતિમ દર્શન કર્યાં હતાં. તેમને રાષ્ટ્રીય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી અને ભારતની લોકસભા અને રાજ્યસભાની કામગીરી એક કલાક માટે મોકૂફ રાખવામાં આવી હતી.
હરસુખ થાનકી
હર્ષ મેસવાણિયા