મંગેશકર, સુમન (જ. 7 માર્ચ 1934, નંદુરબાર, મહારાષ્ટ્ર) : વિખ્યાત નર્તક અને નિર્દેશક. ગરીબ કુટુંબમાં જન્મ. 1956થી રાજકોટ આવી ત્યાંથી બી.એ. થયા. સૌરાષ્ટ્ર સંગીત નાટક અકાદમીમાં કથક નૃત્ય શીખવાનું શરૂ કર્યું. તેમણે કથક નૃત્યના જયપુર ઘરાનાના કનૈયાલાલજી જીવડા પાસેથી તાલીમ મેળવીને નૃત્યવિશારદની ઉપાધિ પ્રાપ્ત કરી. આ ઉપરાંત તેમણે સુંદરલાલજી, કુંદનલાલજી, અને સુંદરલાલ ગાંગાણી પાસેથી કથક નૃત્યની વિશિષ્ટ તાલીમ લીધી.

ત્યારબાદ તેમણે કથકમાં અલંકારની પદવી તથા ગાયન(સંગીત) વિશારદ અને તબલામાં પણ વિશારદની પદવી મેળવી. ત્યારપછી તેમણે લોકનૃત્યની તાલીમ ઉદયશંકરના શિષ્ય નરેન્દ્ર શર્મા પાસેથી લીધી.

1969માં તેમણે રાજકોટ ખાતે ભારતીય નૃત્ય સંગીત મહાવિદ્યાલયની સ્થાપના કરી, જેને ગુજરાત સરકારની માન્યતા મળેલી છે. તેઓ આ સંસ્થાના મૅનેજિંગ ટ્રસ્ટી અને ડિરેક્ટર છે. તેમણે હજારો વિદ્યાર્થીઓને કથક નૃત્યની તાલીમ આપીને તૈયાર કર્યા છે, જેઓ આજે દેશ-વિદેશમાં નૃત્યના વર્ગો ચલાવે છે. આજે પણ અનેક વિદ્યાર્થીઓ કથકની તાલીમ લઈ રહ્યા છે.

1966–67માં તેમણે નેપાલમાં સંગીત નાટક અકાદમી યોજિત કાર્યક્રમમાં ‘યશોદાના લાલ’, અષ્ટપદી, સપ્તપદી, દશાવતાર, ઠૂમરીભાવ, અષ્ટનાયિકા, કૃષ્ણલીલાના પ્રકારો, ‘દ્રૌપદીચીરહરણ’, ભજનો, પદો, હોરી જેવા અનેક પ્રયોગો દ્વારા ભારે પ્રશંસા પ્રાપ્ત કરી હતી. તેમણે અનેક નૃત્ય-નાટિકાઓનું દિગ્દર્શન પણ કર્યું છે. તેમણે ગુજરાતી ફિલ્મ ‘કેસરભીના’માં નૃત્ય-દિગ્દર્શન કર્યું હતું. વળી 2 ઑક્ટોબર, 1990ના પ્રસંગે ટી.વી. સીરિયલ ‘ભારત કે રત્ન’માં તેમણે ધર્મરાજની યાદગાર ભૂમિકા ભજવી હતી. તેઓ છેલ્લાં 30 વર્ષથી યુવકસેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા યોજાતી સ્પર્ધાઓમાં નિર્ણાયક તરીકે સેવા આપી રહ્યા છે.

સુમન મંગેશકર

તેમણે પ્રારંભિકથી અલંકાર સુધીના કથક નૃત્ય વિશે ‘પાયલ’ નામનું પુસ્તક પ્રગટ કર્યું છે, જે કલાજગતમાં ખૂબ જ આદરને પાત્ર બન્યું છે.

તાજેતરમાં નંદુરબાર(મહારાષ્ટ્ર)માં લોકમાન્ય ટિળક લાઇબ્રેરી તથા જિલ્લા પત્રકાર સંઘના ઉપક્રમે તેમનું ભવ્ય બહુમાન કરવામાં આવ્યું હતું.

સાંસ્કૃતિક અસ્મિતાના વિકાસમાં કથક નૃત્યક્ષેત્રમાંના તેમના વિશિષ્ટ પ્રદાન બદલ ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી, ગાંધીનગર દ્વારા તેમને 1998-99ના વર્ષનો ગૌરવ પુરસ્કાર આપવામાં આવ્યો છે.

બળદેવભાઈ કનીજિયા