મંગેશકર, દીનાનાથ (જ. 29 ડિસેમ્બર 1900, મંગેશી, ગોવા; અ. 24 એપ્રિલ 1942, પુણે) : મરાઠી રંગભૂમિના વિખ્યાત ગાયક-અભિનેતા. મૂળ અટક અભિષેકી; પરંતુ વતનના નામ પરથી મંગેશકર અટક પ્રચલિત બની. મરાઠી રંગભૂમિના વર્તુળમાં તેઓ માસ્ટર દીનાનાથ નામથી ખ્યાતનામ બન્યા. શિક્ષણ નહીંવત્; પરંતુ બાળપણમાં બ્રાહ્મણોના મંત્રપાઠ સાંભળીને વાણી અને વર્તનમાં સુસંસ્કૃત બન્યા. પિતાનું નામ ગણેશપંત. દીનાનાથને શિક્ષણ કરતાં સંગીતની અભિરુચિ વધારે છે આ અનુભવ પરથી પિતાએ બાળ  દીનાનાથને બાબા માશેલકર નામના શાસ્ત્રીય સંગીતના જાણકાર

દીનાનાથ મંગેશકર

પાસે સંગીત શીખવા મોકલ્યા. સાથોસાથ કીર્તનકારોને ગાયનની સંગત કરવા લાગ્યા તથા ગામમાં થતાં નાટકોમાં નાનીમોટી ભૂમિકા કરવા લાગ્યા. અવાજ અત્યંત મધુર અને શરીરકાંતિ અત્યંત વિલોભનીય હોવાથી શ્રોતાઓમાં લોકપ્રિય બન્યા. 1913માં કિર્લોસ્કર નાટક મંડળીમાં ફાટફૂટ પડી, જેને કારણે તેના અગ્રણી કલાકારો બાલગંધર્વ, ગણપતરાવ બોડસ અને ગોવિંદરાવ ટેંબે તેમાંથી બહાર નીકળ્યા. બાલગંધર્વના નીકળી જવાથી કિર્લોસ્કર મંડળીમાં દીનાનાથની વરણી થઈ. તેમની રંગભૂમિ પરની સર્વપ્રથમ ભૂમિકા ‘તાજેવફા’ (1915) ઉર્દૂ નાટકમાં ‘કમલા’ની ભૂમિકા દ્વારા હૈદરાબાદ ખાતે રજૂ થઈ, જે બધી જ ભાષાઓ(મરાઠી, હિંદી અને ઉર્દૂ)ના પ્રેક્ષકોમાં ખૂબ લોકપ્રિય થઈ. તેમની કારકિર્દીની છેલ્લી ભૂમિકા ‘માનાપમાન’માં ‘રાજારામ સંગીત મંડળી’ના નેજા હેઠળ 1941માં નાગપુર ખાતે પ્રસ્તુત થયેલ નાટ્યપ્રયોગ દ્વારા રજૂ થઈ હતી. 1915–1941ના કારકિર્દીના ગાળા દરમિયાન માસ્ટર દીનાનાથે ‘પુણ્યપ્રભાવ’ (1916); ઉર્દૂ નાટક ‘કાંટોં મેં ફૂલ’ (1917), ‘શાકુંતલ’ (1918), ‘ભાવબંધન’ (1919) (પ્રસ્તુતકર્તા ‘બલવંત નાટક કંપની’), ‘ઉગ્રમંગલ’ (1920), ‘રાજસંન્યાસ’ (1923), ‘રણદુંદુભિ’, ‘દેશકંટક’ (1930), ‘સંન્યસ્ત ખડ્ગ’, ‘બ્રહ્માકુમારી’ (1933) – આ નાટકો ઉપરાંત ‘સુંદોપસુંદ’, ‘સૌભદ્ર’, ‘શારદા’, ‘મૂકનાયક’ અને ‘વિદ્યાહરણ’  આ મરાઠી નાટકોમાં અભિનય કર્યો હતો. તેમાંનાં જે નાટકોમાં સંગીતને પ્રાધાન્ય હતું તે નાટ્યપ્રયોગો માસ્ટર દીનાનાથના ગાયનકૌશલ્યને કારણે તથા તેમના દ્વારા ભજવેલ સ્ત્રીપાત્રોના અભિનયને કારણે સફળ નીવડ્યા હતા.

માસ્ટર દીનાનાથના ગાયનકૌશલ્ય પર અત્યંત પ્રસન્ન થયેલા સોલાપુરના પસારેઅપ્પા નામના નાટ્યપ્રેમીએ માસ્ટર દીનાનાથને 1100 તોલા ચાંદીનું શિલ્ડ ભેટ આપ્યું હતું. ‘રણદુંદુભિ’ નાટક રંગમંચ પર પ્રસ્તુત થવાનું હતું તે પૂર્વે માસ્ટર દીનાનાથે શાસ્ત્રીય સંગીતના વિખ્યાત ગાયક વઝેબુવાનું ગંડાબંધ શિષ્યત્વ સ્વીકાર્યું હતું. અલબત્ત, તે પૂર્વે શંકરાચાર્ય ડૉ. કુર્તકોટીએ દીનાનાથને ‘સંગીતરત્ન’ની પદવી અર્પણ કરી તેમનું ગૌરવ કર્યું હતું. માસ્ટર દીનાનાથ પાસે શાસ્ત્રીય સંગીતની ચીજો(બંદિશો)નો ખૂબ મોટો સંગ્રહ હતો.

માસ્ટર દીનાનાથે ‘કિર્લોસ્કર સંગીત મંડળી’, ‘બલવંત સંગીત મંડળી’ અને છેલ્લે પોતાની માલિકીની અને પુનરુજ્જીવિત કરેલી ‘બલવંત સંગીત મંડળી’નાં નાટકોમાં અભિનય કર્યો હતો.

તેમનાં પાંચ સંતાનોમાં ‘ભારતરત્ન’ લતા મંગેશકર, ‘પદ્મવિભૂષણ’ આશા ભોસલે, ઉષા મંગેશકર, મીના મંગેશકર–ખડીકર અને હૃદયનાથ મંગેશકર – આ પાંચે પાર્શ્વગાયકો અને સુગમ સંગીતના ગાયકો (ભાવગીત–નાટ્યગીત) છે. લતા મંગેશકર ‘આનંદઘન’ તખલ્લુસથી સ્વરનિયોજન પણ કરે છે; જ્યારે ઉષા, મીના અને હૃદયનાથ પોતાના મૂળ નામથી સ્વરનિયોજન કરે છે. સ્વરનિયોજનમાં લતા અને હૃદયનાથ મોખરે રહ્યાં છે.

માસ્ટર દીનાનાથે અવસાન સમયે તેર વર્ષની લતાને વિરાસતમાં બંદિશોની પોતાની વિસ્તૃત નોંધપોથી અને હાર્મોનિયમ આ બે જ વસ્તુઓ આપી હતી.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે