મંગરોલી, ખુશતર (જ. 1892, માંગરોળ, જૂનાગઢ) : સૌરાષ્ટ્ર–કાઠિયાવાડના એક વખતના જાણીતા અને લોકપ્રિય ઉર્દૂ માસિક ‘ઝબાન’ના તંત્રી તથા માલિક. તેમનું મૂળ નામ અબ્દુરરહેમાન બિન મુહમ્મદ બિન મુહસિન છે. તેઓ ‘ખુશતર’ના ઉપનામથી જાણીતા છે. તેમની 9 વર્ષની નાની વયે જ તેમના પિતાનું અવસાન થયું. પ્રાથમિક શિક્ષણ જૂનાગઢના મહાબત મદરેસા (હાલ નરસિંહ વિદ્યામંદિર) અને વઢવાણની એક ખાનગી શાળામાં મેળવ્યું. તેમની માતાને મક્કા શરીફની હજ-યાત્રાએ જવાનું થવાથી 9 વર્ષના ખુશતરને તેઓ મુંબઈમાં ઝકરિયા એહમદ પટેલ યતીમખાનામાં સોંપી આવ્યાં. હજ બાદ તેઓ તેમની માતા સાથે માંગરોળ આવ્યા અને માસિક રૂ. 15ના પગારથી મદરેસાએ ઇસ્લામિયામાં શિક્ષક થયા. પરંતુ તેમની માતાના અવસાન પછી ફરીથી મુંબઈ ગયા. 1918માં પોતાના વતન માંગરોળમાં પાછા ફર્યા. માંગરોળના તત્કાલીન ગાદીપતિ શેખ મુહમ્મદ અબ્દુલ ખાલિકના દરબારમાં તેમણે સ્થાન મેળવ્યું. 1928માં માંગરોળ હકૂમતના મહેસૂલ ખાતામાં ઉચ્ચ અમલદાર તરીકે તેમની નિમણૂક થઈ. તેનાં 2 વર્ષ પહેલાં 1926માં ‘ઝબાન’ નામે ઉર્દૂ માસિકનું પ્રકાશન કર્યું, જે આગ્રા પ્રેસમાં છપાતું હતું. આર્થિક કારણોસર તે બે મહિના પછી બંધ થયું. પછી તે મહેસૂલ કમિશનરના હોદ્દા પર નિમણૂક પામ્યા. 1947માં માંગરોળ પરગણાનું ભારતમાં વિલીનીકરણ થવાથી તેમને પણ સેવા-નિવૃત્ત કરવામાં આવ્યા. દેશના ભાગલા પછી તેમણે પોતાની સાહિત્યિક કારકિર્દી અને નિવાસસ્થાન માટે માંગરોળને જ પસંદ કર્યું.
ખુશતરે મુંબઈના નિવાસ દરમિયાન હકીમ ઝહીરુદ્દીન પાસેથી ફારસીનું જ્ઞાન મેળવ્યું. આ સમય દરમિયાન જ તેમણે ‘ખુશતર’ના તખ્લ્લુસથી કાવ્યપંક્તિઓ રચવાનું શરૂ કર્યું. માંગરોળથી પ્રસિદ્ધ થતા રહેલા 60થી 70 વર્ષ જૂના સાહિત્યિક અને જ્ઞાનવિષયક ઉર્દૂ માસિક ‘ઝબાન’ની લોકપ્રિય અને ઉચ્ચ સાહિત્યિક મૂલ્યો ધરાવતા માસિકમાં ગણના થતી હતી.
ખુશતરે ‘ઝબાન’ના પ્રકાશન ઉપરાંત ગદ્ય અને પદ્યમાં પણ અનેક રચનાઓ કરી છે. તેમની રચનાઓમાં અનુવાદો અને લઘુકથાઓનો પણ સમાવેશ થાય છે. 1976માં ‘હુસ્ને ખયાલ’ નામે તેમનાં કાવ્યોનો એક નાનો સંગ્રહ ઢાકાથી પ્રકાશિત થયો. 1952માં ‘ખ્યાલી તસ્વીરેં’ નામે ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ નવલકથાકાર ધૂમકેતુની પસંદ કરેલી રચનાઓનો ઉર્દૂ અનુવાદ પણ કરાંચીથી પ્રકાશિત થયો. તેમની સાહિત્યિક સેવાઓની કદરદાની રૂપે ગુજરાત-ઉર્દૂ બૉર્ડ, અમદાવાદ તરફથી 29 નવેમ્બર, 1986ના રોજ એક સમારોહ દ્વારા ‘વલી ગુજરાતી’ ઍવૉર્ડથી તેમને નવાજવામાં આવ્યા હતા.
ઈસ્માઈલ કરેડિયા