મંખલિ ગોશાલક : પ્રાચીન ભારતમાં આજીવિક સંપ્રદાયનો સ્થાપક. મંખલિપુત્ર ગોશાલકનો ઉલ્લેખ મુખ્યત્વે જૈન આગમો અને બૌદ્ધ ગ્રંથોમાં મળે છે. ભગવતીસૂત્ર અનુસાર ગોશાલક મંખલિ નામના મંખનો પુત્ર હતો. ભગવાન મહાવીરની કીર્તિથી પ્રભાવિત થઈને તેણે મહાવીર પાસે વિનંતીપૂર્વક શિષ્યત્વ મેળવ્યું હતું. છ વર્ષના અંતેવાસ દરમિયાન તેણે ઘણી વાર અવિવેકી વર્તન કર્યું હતું. ગુરુ પાસેથી પ્રવૃત્ત પરિહારના સિદ્ધાંતની અસ્પષ્ટ સમજ તેમજ તેજોલેશ્યાની પ્રાપ્તિની રીત જાણી તેમનાથી છૂટો પડ્યો.

છ દિશાચરોના અષ્ટાંગમાર્ગ જ્ઞાનની સહાયથી તે લોકોને લાભ-અલાભ, સુખ-દુ:ખ, જીવન-મૃત્યુ વિશે કહેવા લાગ્યો અને આમ તે પોતાને જિન, અર્હત, સર્વજ્ઞ તરીકે ઓળખાવવા લાગ્યો. મહાવીરે લોકોને તેનો સાચો પરિચય આપ્યો. તેથી તેણે ગુસ્સે થઈને મહાવીર સાથે વ્યર્થ વાદ-વિવાદ કર્યો, તેમની ઉપર તેજોલેશ્યાનો નિષ્ફળ પ્રયોગ કર્યો અને પોતાના જ તેજથી આક્રાન્ત થયેલો તે સાતરાત્રિમાં, ઉન્માદાવસ્થામાં મૃત્યુ પામ્યો.

બૌદ્ધ ગ્રંથોમાં આનાથી ભિન્ન કથા મળે છે. ગોશાલકના સાંપ્રદાયિક સિદ્ધાંતોમાં મુખ્યત્વે 84 લાખ મહાકલ્પ, સાત દેવભવ, સાત સંજ્ઞિગર્ભ અને સાત પ્રવૃત્ત પરિહારનો ઉલ્લેખ થયો છે. સિદ્ધ થવા માટે પાંચ લાખ સાઠ હજાર છસો ત્રણ કર્મનો ક્ષય કરવો પડે છે. મૃત્યુ પૂર્વેની ઉન્માદાવસ્થા દરમિયાન તે આઠ ચરમ, ચાર પાતક અને ચાર અપાતકની પ્રરૂપણા કરે છે.

નિયતિવાદ તરીકે પ્રસિદ્ધ તેના સિદ્ધાંતનો ઉલ્લેખ ઉપાસક દશાંગસૂત્રમાં આ રીતે છે—ઉત્થાન, કર્મ, બલ, વીર્ય, પુરુષાર્થ અને પરાક્રમ જેવું કાંઈ નથી. સર્વ ભાવો નિયત છે.

દીઘનિકાયના સામઞ્ઝફલ સૂત્ર અનુસાર સ્વકાર્ય, પરકાર્ય, પરાક્રમ, બળ, વીર્ય, પુરુષાર્થ કશું જ નથી. સર્વ સત્ત્વો, સર્વ પ્રાણો, સર્વ ભૂતો, સર્વ જીવો અવશ, અબલ, નિર્વીર્ય છે અને નિયતિસંગતિભાવનથી પરિણામિત છે. જે રીતે સૂતરનો દડો ફેંકવામાં આવે અને તે તેની લંબાઈ સુધી જ ઊકલી રહે તેમ મૂર્ખ અને ડાહ્યા પોતાની નિયતિ પ્રમાણે જ રહે છે અને દુ:ખોનો અંત કરે છે.

ગોશાલકે રચેલા ગ્રંથો અનુપલબ્ધ છે. જૈન, બૌદ્ધ ગ્રંથોમાં એક વિરોધકની ર્દષ્ટિએ તેના સિદ્ધાંતોનો ઉલ્લેખ ઉપલબ્ધ છે.

સલોની નટવરલાલ જોશી