મંખક (ઈ.સ.ની 12મી સદી) : સંસ્કૃત ભાષાના મહાકવિ અને આલંકારિક. કાશ્મીરના વતની. પ્રસિદ્ધ આલંકારિક રાજાનક રુય્યકના શિષ્ય અને ‘શ્રીકંઠચરિત’ મહાકાવ્યના રચયિતા. તેઓ કાશ્મીરના રાજા જયસિંહના દરબારમાં વિરાજતા હતા. ઈ. સ. 1135થી 1145માં ‘શ્રીકંઠચરિત’ રચાયું હોવાનું લગભગ નિશ્ચિત છે અને જયસિંહનો સમય પણ ઈ. સ. ની બારમી સદીનો પૂર્વાર્ધ છે. એટલે મંખકનો સમય ઈ. સ.ની બારમી સદીનો નિર્ધારિત કરી શકાય. વળી રુય્યકનો પણ તે જ સમય છે.

તેઓ ‘મંખક’, ‘મંખ’ કે ‘મંખુક’ના નામથી પણ ઓળખાય છે. ‘શ્રીકંઠચરિત’ના ત્રીજા સર્ગમાં સ્વયં મંખકે જ આપેલી માહિતી મુજબ તેમના પિતાનું નામ વિશ્વવ્રત હતું અને પિતામહનું નામ મન્મથ. તેમને ત્રણ ભાઈઓ શૃંગાર, ભંગ અને અલંકાર (= લંકક) હતા. આમાં અલંકાર જયસિંહના આશ્રિત વિદ્વાન હતા.

‘શ્રીકંઠચરિત’ મંખકનું 25 સર્ગનું મહાકાવ્ય છે, જેમાં પૌરાણિક કથાને આધારે શિવજીના ત્રિપુરવિજયનું નિરૂપણ છે. મૂળ કથા 4-5 સર્ગથી કૈલાસ અને તેના અધિષ્ઠાતા દેવ ભગવાન શિવના વર્ણનથી શરૂ થાય છે.

6થી 16 સર્ગમાં વસંત વગેરે ઋતુઓનાં; સૂર્યોદય-સૂર્યાસ્ત, ચન્દ્રોદય વગેરેનાં સુંદર પણ દીર્ઘ વર્ણનો છે. પૌરાણિક કથા 17થી 24 સર્ગમાં ‘ત્રિપુરદાહ’ સાથે પૂર્ણ થાય છે. 25મા અને છેલ્લા સર્ગમાં ઐતિહાસિક વિગતો મળે છે. જયસિંહની રાજસભાનું ચિત્ર અનુષ્ટુપ છંદમાં આપવામાં આવ્યું છે. સંભવત: આ કાવ્ય કલ્હણની ‘રાજતરંગિણી’ પૂર્વે રચાયું છે. રાજસભામાં અલંકાર વગેરેની સાથે મંખકના પ્રિયગુરુ રુય્યકનું પણ તાર્દશ ચિત્રણ છે.

‘શ્રીકંઠચરિત’ મહાકાવ્યનાં તમામ લક્ષણોને અનુસરે છે. કાવ્યશાસ્ત્રના જ્ઞાનને કારણે તથા રુય્યકના શિષ્ય હોવાને લીધે મંખકનું અલંકારનિરૂપણ કૌશલપૂર્ણ છે. તેમનાં પદ્યો પ્રાસાદિક, નવીન, વિવિધતાપૂર્ણ તથા રમણીય છે. પ્રાકૃતિક ર્દશ્યો, ઋતુવર્ણન તથા રાજદરબારનાં વર્ણનના આધિક્યને લીધે મૂળ કથા પશ્ચાદભૂમાં ધકેલાઈ ગઈ છે.

25મા સર્ગનું જર્મનમાં ભાષાંતર મળે છે, જેમાં મંખકના ભાઈ ‘અલંકાર’ના ઘરમાં તેમણે પ્રસ્તુત કાવ્યનું પઠન અનેક પંડિતવર્યો પાસે કર્યું હોવાની માહિતી મળે છે.

મંખક યુદ્ધ અને શાંતિના મંત્રી તરીકે જયસિંહના દરબારમાં ફરજ બજાવતા હતા.

‘અલંકારસર્વસ્વવૃત્તિ’ અને ‘સાહિત્યમીમાંસા’ નામની કૃતિઓ કેટલાક મંખકને નામે ચડાવે છે.

રુય્યકે ‘અલંકારસર્વસ્વ’નાં સૂત્રો રચ્યાં છે એ બાબતમાં તો સર્વસંમતિ છે, પરંતુ તેની વૃત્તિ કોણે રચી તે બાબતમાં મતભેદ છે. સ્વયં રુય્યકના ટીકાકાર ‘વિમર્શિનીકાર જયરથ’ અને ‘સંજીવની’કાર શ્રીવિદ્યા ચક્રવર્તી રુય્યકને જ સૂત્ર અને વૃત્તિના રચયિતા માને છે; જ્યારે વિવૃત્તિકાર સમુદ્રબંધ મંખકને વૃત્તિના કર્તા માને છે. સમુદ્રબંધની ટીકાવાળી કે. સામ્બશિવશાસ્ત્રી સંપાદિત ‘અલંકારસર્વસ્વ’ની આવૃત્તિમાં ‘અલંકારસર્વસ્વ’ના મંગલ શ્ર્લોકનો પાઠ ‘निजालंकार सूत्राणां’ને બદલે ‘गुर्वलंकार सूत्राणां’ મળતો હોઈ કેટલાક વિદ્વાનો ‘ગુરુ’નો અર્થ ગુરુ રુય્યકનાં સૂત્રો પર તેમના શિષ્ય મંખકે વૃત્તિ રચી એમ કહે છે. જોકે ગુરુનો આવો અર્થ સ્વયં સમુદ્રબંધે પણ નથી આપ્યો. વળી પરંપરામાં રુય્યકની જ આલંકારિક તરીકે પ્રસિદ્ધિ છે, મંખકની નહિ; પરંતુ વિવાદ સર્જાવાનું એક કારણ રુય્યકના ગ્રંથમાં તેમના શિષ્ય મંખકના ‘શ્રીકંઠચરિત’નાં ઉદ્ધરણો મળે છે તે પણ છે. તેમાં ક્યાંક ‘मंखीये श्रीकण्ठचरिते’ને બદલે ‘मदीये श्रीकण्ठचरिते’ પાઠ મળે છે. રુય્યકના શિષ્ય હોવાને નાતે મંખકે ‘અલંકારસર્વસ્વ’ની પ્રતનો પરિષ્કાર કર્યો હોવાનો સંભવ છે. તેમાં પોતાના તરફથી પણ કેટલાંક ઉદાહરણો ઉમેર્યાં હોવાનો સંભવ છે. તેથી ‘मंखीये’ના સ્થાને ‘मदीये’ પાઠ આવી ગયો હોય. વળી ચોક્કસ પ્રમાણોના અભાવમાં ‘અલંકારસર્વસ્વ’નું સંયુક્ત કર્તૃત્વ માની શકાય નહિ. વળી રુય્યકના અનુગામી આલંકારિકો પણ સમગ્ર ‘અલંકારસર્વસ્વ’ને રુય્યકનો જ ગ્રંથ માને છે.

એ જ રીતે ‘સાહિત્યમીમાંસા’ પણ ત્રિવેન્દ્રમ સંસ્કૃત સિરીઝ દ્વારા પ્રકાશિત થઈ છે. તેમાં કર્તાનું નામ મળતું નથી. જયરથના નિર્દેશ પ્રમાણે તે રુય્યકની કૃતિ છે; પરંતુ તે પણ મંખકની હોવાનું મનાય છે; ‘સાહિત્યમીમાંસા’ વિશે પણ ચોક્કસ પ્રમાણોના અભાવમાં કશું કરી શકાય નહિ. વળી રુય્યક અને ‘મંખક’ ધ્વનિવાદી આલંકારિકો છે; જ્યારે ‘સાહિત્યમીમાંસા’ તાત્પર્યશક્તિનું સમર્થન કરે છે. આથી એનું કર્તૃત્વ મંખકનું હોવા બાબતે શંકા રહે છે.

પારુલ માંકડ