ભ્રૂણપોષ : બીજધારી વનસ્પતિઓમાં ભ્રૂણના વિકાસ માટેની મુખ્ય પોષક પેશી. તે ભ્રૂણ માટે ખોરાકનો મુખ્ય સ્રોત છે. આવૃત-બીજધારીનો ભ્રૂણપોષ અનાવૃતબીજધારીના માદા જન્યુજનક સાથે સરખાવી શકાય છે. અનાવૃતબીજધારીમાં માદા જન્યુજનક ફલન પહેલાં ઉદભવે છે, જે એકગુણિત (haploid) હોય છે અને એકગુણિત ભ્રૂણપોષમાં પરિણમે છે; પરંતુ આવૃતબીજધારીમાં ભ્રૂણપોષ ફલનને અંતે ઉત્પન્ન થાય છે અને તે સામાન્યત: ત્રિગુણિત (3n) પ્રકારનો હોય છે. બેવડા ફલનને અંતે અંડકોષ દ્વિગુણિત (diploid) યુગ્મનજમાં પરિણમે છે અને દ્વિતીય કોષકેન્દ્ર (2n) પ્રાથમિક ભ્રૂણપોષ-કોષકેન્દ્ર (primary endosperm nucleus) (3n)માં પરિણમે છે. તે પછીના તબક્કે ત્રિગુણિત (triploid) પેશીવિહીન અથવા પેશીય રચના ઉત્પન્ન કરે છે, જેમાં ખોરાકનો સંચય થયેલો હોય છે. ઘણી વનસ્પતિઓમાં દ્વિગુણિત, ચતુર્ગુણિત (tetraploid) અને પંચગુણિત (pentoploid) ભ્રૂણપોષ પણ જાણીતા છે. ઑર્કિડેસી અને પોડોસ્ટેમૉનેસી કુળમાં ભ્રૂણપોષ-નિર્માણ થતું નથી. સામાન્યત: ભ્રૂણના વિકાસ પહેલાં ભ્રૂણપોષનો વિકાસ શરૂ થાય છે. ઘણી વનસ્પતિઓમાં વિકાસ પામતો ભ્રૂણ ભ્રૂણપોષ પેશીનો સંપૂર્ણ ઉપયોગ કરી નાંખે છે અને તેથી ખોરાકનો સંચય દળદાર બીજપત્રોમાં થાય છે. આવા બીજને અભ્રૂણપોષી (nonendospermic) બીજ કહે છે; દા. ત., વટાણા, સૂર્યમુખી. જ્યારે મકાઈ, ઘઉં, એરંડી, પપૈયા જેવી વનસ્પતિમાં બીજાંકુરણ વખતે પણ ભ્રૂણપોષ ખૂબ જથ્થામાં જોવા મળે છે અને બીજાંકુરણ દરમિયાન ભ્રૂણમાં થતી વૃદ્ધિને પોષણ આપે છે. આ પ્રકારના બીજને ભ્રૂણપોષી (endospermic) બીજ કહે છે. ભ્રૂણપોષમાં ખોરાકનો સંચય તૈલી બિંદુઓ, સ્ટાર્ચ કે પ્રોટીન-સ્વરૂપે થાય છે.
ભ્રૂણપોષના કુલ ચાર પ્રકારો આ પ્રમાણે છે : (1) કોષકેન્દ્રીય (nuclear) ભ્રૂણપોષ, (2) કોષીય (cellular) ભ્રૂણપોષ, (3) હેલોબિયલ (helobiol) ભ્રૂણપોષ, (4) રેષાભેદિત (ruminated) ભ્રૂણપોષ.
(1) કોષકેન્દ્રીય ભ્રૂણપોષ : પ્રાથમિક ભ્રૂણપોષકોષકેન્દ્રના મુક્તકોષ-કેન્દ્ર-નિર્માણ (free nuclear formation) દ્વારા વિભાજનો થાય છે. આ દરમિયાન કોષદીવાલનું નિર્માણ થતું નથી. આ રીતે ઉદભવેલ અસંખ્ય કોષકેન્દ્રો ભ્રૂણપુટ(embryosac)ની અંદર રહે છે. પછી આ કોષકેન્દ્રો ભ્રૂણપુટની દીવાલ તરફ ગોઠવાયેલા કોષરસમાં પરિઘવર્તી રીતે પ્રસરણ પામે છે. આને કારણે કેન્દ્રમાં મોટી રસધાનીનું નિર્માણ થાય છે. મુક્તકોષકેન્દ્રી (free-nuclear) અવસ્થાએ જો ભ્રૂણ વડે ભ્રૂણપોષ શોષણ ન પામે તો સામાન્યત: કોષદીવાલ પરિઘથી ભ્રૂણપુટના કેન્દ્ર તરફ નિર્માણ પામે છે. આ ક્રિયા અનાવૃતબીજધારીમાં માદા જન્યુજનકના નિર્માણની સમકક્ષ ગણાય છે. કેન્દ્રાભિસારી વૃદ્ધિથી ભ્રૂણપુટ ખીચોખીચ રીતે ગોઠવાયેલા કોષોથી ભરાઈ જાય છે. આ પ્રકારનો ભ્રૂણપોષ મુક્તકોષકેન્દ્રનિર્માણ દ્વારા ઉત્પન્ન થતો હોવાથી તેને કોષકેન્દ્રીય પ્રકાર કહે છે.
વનસ્પતિની જુદી જુદી જાતિઓમાં મુક્તકોષકેન્દ્ર-વિભાજનની સંખ્યા ભિન્ન ભિન્ન હોય છે. ટ્રોપિયોલમ જેવી વનસ્પતિમાં કોષદીવાલ નિર્માણ થતી નથી. Phaseolusમાં ભ્રૂણની આસપાસના ભ્રૂણપોષમાં જ કોષદીવાલ નિર્માણ થાય છે. દેશી શણ (Crotolaria) જેવી કેટલીક વનસ્પતિઓમાં ભ્રૂણપુટના ઉપરના છેડે કોષદીવાલનું નિર્માણ થાય છે. જ્યારે અંડતલના છેડે કોષકેન્દ્રો મુક્ત હોય છે. તે ઘણી વાર લંબાય છે અને ચૂષકાંગ(haustorium)ની જેમ વર્તે છે. Gravillea robastaમાં કૌશિકે (1941) ભ્રૂણપોષના અંડતલ છેડા તરફ નીકળેલી કૃમિરૂપ ચૂષકીય (haustorial) રચનાનો અભ્યાસ કર્યો છે.
કુકરબિટેસી, ફેબેસી, પ્રોટિયેસી કુળની વનસ્પતિમાં ભ્રૂણપોષીય ચૂષકો નોંધાયા છે. કુકરબિટેસી કુળમાં આવેલ Echinocystis lobata નામની વનસ્પતિમાં ભ્રૂણપોષીય ચૂષકો 16.00 મિમી. જેટલા લાંબા હોય છે. નાળિયેરમાં ભ્રૂણપોષ પ્રવાહી-સ્વરૂપે જોવા મળે છે. અહીં ભ્રૂણપુટમાં કોષીય રચના સંપૂર્ણ બનતી નથી અને કેન્દ્રસ્થ ભાગમાં પ્રવાહી સ્વરૂપે ભ્રૂણપોષ જોવા મળે છે.
(2) કોષીય ભ્રૂણપોષ : પ્રાથમિક ભ્રૂણપોષ કોષકેન્દ્રના અનુપ્રસ્થ કે લંબવર્તી કોષવિભાજનની સાથે ભ્રૂણપુટ બે ભાગમાં વિભાજિત થાય છે. આ બંને દુહિતૃકોષો પણ માતૃકોષની જેમ જ તે પ્રકારના સમતલમાં વિભાજાય છે. પછી આ કોષોનાં વિભાજનો વિવિધ સમતલોમાં થતાં અનિયમિત રીતે ગોઠવાતા કોષોના બનેલા પુખ્ત ભ્રૂણપોષની રચના થાય છે. કેટલીક વનસ્પતિઓમાં ભ્રૂણપોષના એક અથવા બંને છેડે વિચિત્ર એવા ચૂષકોનો વિકાસ થાય છે. આ અંડતલીય કે અંડછિદ્રીય ચૂષકો અંડકની પેશીમાં પ્રવેશે છે. વિકાસ પામતા ભ્રૂણપોષ તરફ પોષક દ્રવ્યોના વહનમાં આ ચૂષકો મહત્વનો ભાગ ભજવે છે.
(3) હેલોબિયલ ભ્રૂણપોષ : એકદળી વર્ગના હેલોબિયલ્સ ગોત્રમાં આ સામાન્ય હોવાથી તેને હેલોબિયલ ભ્રૂણપોષ કહે છે. હેલોબિયલ ભ્રૂણપોષનો વિકાસ ઉપર્યુક્ત બંને પ્રકારો સાથે સામ્ય ધરાવે છે.
પ્રાથમિક ભ્રૂણપોષકોષકેન્દ્રનું પ્રથમ વિભાજન અનુપ્રસ્થ કોષદીવાલના નિર્માણથી થાય છે, જેને કારણે ભ્રૂણપુટ અંડતલીય નાના અને અંડછિદ્રીય મોટા એમ બે કોટરમાં વિભાજિત થાય છે. હવે પ્રત્યેક કોટરમાં મુક્ત કોષકેન્દ્રનું નિર્માણ થાય છે. અંડતલીય નાના કોટરમાં ઘણાં ઓછાં કોષકેન્દ્રોનું નિર્માણ થાય છે અથવા તે અપકર્ષ પામે છે. ત્યારપછી અંડછિદ્રીય મોટા કોટરમાં કોષદીવાલનું નિર્માણ થતાં તે પેશીરૂપ બને છે. મોટેભાગે ભ્રૂણપોષનો મોટો ભાગ અંડછિદ્રીય કોટર બનાવે છે.
(4) રેષાભેદિત ભ્રૂણપોષ : એનોનેસી, મિરિસ્ટિકેસી, ઍરિકેસી, વાઇટેસી, રુબિયેસી જેવાં કુળોની વનસ્પતિઓમાં આ પ્રકારનો ભ્રૂણપોષ જોવા મળે છે. પરિપક્વ ભ્રૂણપોષની સપાટીની સમોચ્ચ રેખા(contour)એ થતી કોઈ પણ માત્રાની અનિયમિતતા અથવા અસામાન્યતા જોવા મળે તો તેવા ભ્રૂણપોષને રેષાભેદિત (raminate) પ્રકારનો ભ્રૂણપોષ કહે છે. ભ્રૂણપોષ-વિકાસનો આ ચોથો પ્રકાર નથી; કારણ કે આ અનિયમિતતા ભ્રૂણપોષના વિકાસ દરમિયાન બહુ મોડેથી ઉત્પન્ન થાય છે. અંડાવરણો અથવા ભ્રૂણપોષમાં થતી પ્રક્રિયાને લીધે રેષાભેદન (ramination) થાય છે. અંડાવરણની અંદરની સપાટીએ અનિયમિતતા ઉદભવવાનું એક કારણ બીજાવરણમાં થતી અસમાન અરીય વૃદ્ધિ છે (દા. ત., કૃષ્ણકમળ); અને બીજું કારણ બીજાવરણમાં થતી ચોક્કસ અંત:વૃદ્ધિ (ingrowth) છે (દા. ત., એનોનેસી, એરિસ્ટોલૉકિયેસી). Myristica અને Coccolobaમાં ભ્રૂણપોષની પોતાની ક્રિયાશીલતાથી રેષાભેદન થાય છે. આ વનસ્પતિઓમાં બીજના કદમાં થતી વૃદ્ધિની સાથે સાથે ભ્રૂણપોષ પણ કદમાં વધે છે. તે પ્રદેહને તરત શોષી લે છે અને બીજાવરણના સીધા સંપર્કમાં આવે છે. આ દરમિયાન બીજાવરણની અંદરની દીવાલ તેનું રેષાભેદન કરે છે. કાળું કરિયાતું (Andrographis) અને એલચીમાં ભ્રૂણપોષ તેના વિકાસની પાછળની અવસ્થામાં પરિઘીય અસમાન ક્રિયાશીલતા દર્શાવે છે, જેથી બીજાવરણ અનિયમિત સ્વરૂપમાં પરિણમે છે. રેષાભેદન બહારની પેશીના અંતર્વલન(invagination)ને કારણે પણ ઉદભવે છે અને તે ખૂબ ઊંડે સુધી પ્રવેશે છે અને પરિણામે પુખ્ત બીજમાં ઘેરી તરંગિત (વાંકીચૂકી) રેખા કે પટ્ટા રૂપે દેખાય છે.
ભ્રૂણપોષના પ્રકાર વચ્ચે સંબંધ : ભ્રૂણપોષના જાતિવિકાસ (phylogeny) વિશે હજુ અનિશ્ચિતતા પ્રવર્તે છે. તેનો વિકાસ કોષકેન્દ્રીયથી કોષીય કે કોષીયથી કોષકેન્દ્રીય તરફ થયો છે, તે ચોક્કસ થઈ શક્યું નથી.
કુલ્ટર અને ચેમ્બરલિનના મત પ્રમાણે કોષીય પ્રકાર પ્રાથમિક છે, જ્યારે બીજા એક મત પ્રમાણે મુક્ત કોષકેન્દ્ર પ્રકાર પ્રાથમિક છે.
ભ્રૂણપોષ પેશીની અંત:સ્થ રચના : ભ્રૂણપોષની પેશીના કોષો સામાન્ય રીતે સમવ્યાસી હોય છે અને તેમાં ખોરાકનો સંગ્રહ થાય છે. વિવિધ વનસ્પતિજાતિઓમાં સંચિત ખોરાકના પ્રકાર અને ગુણધર્મો જુદા જુદા હોય છે. કોષદીવાલ પાતળી અને ગર્તવિહીન હોય છે. મુખ્ય સંચિત પદાર્થ અર્ધકાષ્ઠક (હેમિસેલ્યુલોસ) પ્રકારનો હોય છે ત્યારે કોષદીવાલ વધારે જાડી અને ગર્તોવાળી બને છે. ઘણી વખત ગર્તનલિકાઓ લાંબી અને તેના મુખ આગળથી પહોળી હોય છે.
કેટલીક એકદળી જાતિઓમાં ભ્રૂણપોષના સૌથી બહારના સ્તરના કોષોમાં સંચયિત પ્રોટીન(aleurone)નો સંગ્રહ થયેલો હોય છે. હેબરલડના મત મુજબ તેનું મુખ્ય કાર્ય સંગ્રહ કરવાનું નથી, પરંતુ ડાયાસ્ટેજ અને બીજા તેવા ઉત્સેચકોનો સ્રાવ કરવાનું છે, જેથી ભ્રૂણપોષમાં રહેલો સંચિત ખોરાક દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવાય અને ભ્રૂણ તરફ વહન પામી શકે.
વિનોદકુમાર ગણપતલાલ ભાવસાર