ભ્રાંતિ (delusion) : માનસિક વિકારોમાં જોવા મળતી પોતાના વિશેની ખોટી માન્યતા, છાપ કે મનોભ્રમ (hallucination), જે સત્યની જાણ થતાં દૂર થાય છે. તે ક્યારેક ઉપદંશના, મગજને અસર કરતા છેલ્લા તબક્કામાં પણ જોવા મળે છે. આવી ભ્રાંતિમાં વ્યક્તિ જો પોતાને બિનઉપયોગી કે વ્યર્થ માને તો તેને ખિન્નતાજન્ય ભ્રાંતિ (depressive delusion) કહે છે. જો તે પોતાને મહાન, અતિશક્તિશાળી કે અતિપવિત્ર માને તો તેને વિસ્તૃતિજનક ભ્રાંતિ (expansive delusion) કહે છે. ક્યારેક મહાઉન્માદ (megalomania), લકવાલક્ષી મનોભ્રંશ (dementia paralytica) કે ભયવિકારી વિચ્છિન્નમનસ્કતા (paranoid schizophrenia) જેવા માનસિક વિકારોના દર્દીઓ પોતાને અમીર ઐશ્વર્યવાળા અને શક્તિશાળી હોવાની ભ્રાંતિ ધરાવે છે. તેને ઐશ્વર્યાન્વિત ભ્રાંતિ (delusion of grandeur) કહે છે. પોતે, પોતાના શરીરનો કોઈ ભાગ કે વિશ્વનું અસ્તિત્વ મટી ગયું છે એવી ભ્રાંતિને નકારાત્મક ભ્રાંતિ (nihilistic delusion અથવા delusion of persecution) કહે છે. જો ભ્રાંતિનું બંધારણ તર્કબદ્ધ હોય તો તેને તાર્કિક ભ્રાંતિ (systematized delusion) કહે છે. પોતાના શરીર વિશેની ભ્રાંતિને દૈહિક ભ્રાંતિ (somatic delusion) કહે છે.
ભ્રાંતિનો વિકાર તીવ્ર પ્રકારના મનોવિકાર(psychosis)નું સૂચન કરે છે. માનસિક વિકારની જેમ કેટલાક મગજના રોગો કે વિકારોમાં પણ ભ્રાંતિનો વિકાર થાય છે; જેમ કે, એન્ટૉનના સંલક્ષણમાં વ્યક્તિના મગજનાં ર્દષ્ટિકેન્દ્રો કાર્ય કરતાં અટકી ગયાં હોય તોયે તે તેવું સ્વીકારતી નથી. આવી વ્યક્તિ દેખવા છતાં જે જોઈ રહી છે તેનું અર્થઘટન કરી શકતી હોતી નથી. તેથી તેમને મસ્તિષ્કી અંધતા (cortical blindness) કહે છે. આવું જ્યારે મોટા મગજના બંને પશ્ચસ્થ ખંડો(occipital lobes)નો વિકાર થાય ત્યારે સંભવે છે. તેવી જ રીતે મોટા મગજના પાર્શ્વખંડ(parietal lobe)ની ઈજામાં દર્દીને પક્ષાઘાત થયો હોય તો તે પણ તે લકવો નથી થયો એવી ભ્રાંતિમાં રહે છે. આવા સમયે તે અસરગ્રસ્ત બાજુએ એકથી વધુ હાથપગ છે એવી પણ ભ્રાંતિનો અનુભવ કરે છે.
મૃગેશ વૈષ્ણવ
શિલીન નં. શુક્લ