ભ્રૂણધારી વનસ્પતિ

January, 2001

ભ્રૂણધારી વનસ્પતિ (Embryophyta) : બે પૈકીમાંની એક વનસ્પતિ-ઉપસૃષ્ટિ (subkingdom). બીજી વનસ્પતિ-ઉપસૃષ્ટિ એકાંગી (Thallophyta) છે. ભ્રૂણધારી વનસ્પતિઓમાં ફલનની પ્રક્રિયાથી ઉદભવતો એકકોષી દ્વિગુણિત (diploid) યુગ્મનજ સમસૂત્રીભાજનો (mitosis) અને વિભેદનો પામી બહુકોષી ભ્રૂણમાં પરિણમે છે. એકાંગી વનસ્પતિઓમાં ભ્રૂણની ઉત્પત્તિ થતી નથી. ભ્રૂણધારી વનસ્પતિ-સમૂહ બાહ્યાકારકીય (morophological), અંત:સ્થ રચનાકીય (anatomical) અને દેહધર્મવિદ્યાકીય (physiological) ઘણાં સામાન્ય લક્ષણો ધરાવે છે. વર્ગીકરણ-વિજ્ઞાનીઓના મત પ્રમાણે આ સમૂહનો ઉદભવ એકાંગી ઉપસૃષ્ટિમાં આવેલા હરિતલીલ (chlorophyta) વિભાગમાંથી થયો છે. આ ઉપસૃષ્ટિમાં આઠ વિભાગોનો સમાવેશ કરવામાં આવ્યો છે : દ્વિઅંગી (Bryophyta), રહાઇનિયોફાઇટા (Rhyniophyta), સાઇલોફાઇટા (Psilophyta), લાયકોપોડિયોફાઇટા (Lycopoliophyta), ઇક્વિસેટોફાઇટા (Equisetophyta), પૉલિપોડિયોફાઇટા (Polypodiophyta), પાઇનોફાઇટા (Pinophyta) અને મૅગ્નોલિયોફાઇટા. રહાઇનિયોફાઇટા વિભાગ પુરાજીવી (Paleozoic) જીવાશ્મો દ્વારા જ માત્ર પ્રતિનિધિત્વ દર્શાવે છે. બાકીના સાત વિભાગના સભ્યો જીવંત તેમજ જીવાશ્મ-સ્વરૂપે મળી આવે છે.

લક્ષણો : ભ્રૂણધારી વનસ્પતિનાં રંજકદ્રવ્યોમાં ક્લૉરોફિલ ‘એ’ અને ’બી’, β અને સામાન્યત: α – કૅરોટિન અને લ્યુટિન, ક્રિપ્ટોઝેન્થિન અને ઝિયાઝેન્થિન જેવાં કેટલાંક ઝેન્થોફિલનો સમાવેશ થાય છે. ક્લૉરોફિલ ‘એ’ મુખ્ય ક્લૉરોફિલ; β – કૅરોટિન મુખ્ય કૅરોટિન; અને લ્યુટિન મુખ્ય ઝેન્થોફિલ છે. કૅરોટિન અને ઝેન્થોફિલ કૅરોટિનોઇડ પ્રકારનાં રંજકદ્રવ્યો છે. કોષમાં સામાન્ય સંચિત કાર્બોદિત તરીકે સ્ટાર્ચ જોવા મળે છે. પ્રાથમિક કોષદીવાલ સેલ્યુલોઝની બનેલી હોય છે. જો કશાધારી (flagellated) કોષો (દા. ત., કેટલાક વિભાગમાં જોવા મળતા ચલ પુંજન્યુઓ) પ્રતોદ (whip lash) પ્રકારની કશા ધરાવે છે. આ બધાં લક્ષણો ક્લૉરોફાઇટા વિભાગ સાથે સામ્ય દર્શાવે છે.

જીવનચક્ર : હરિતલીલ અને મોટાભાગની એકાંગી વનસ્પતિઓની તુલનામાં આ વનસ્પતિ-સમૂહમાં સ્પષ્ટપણે એકાંતરજનન (alternation of generation) જોવા મળે છે, જેમાં બીજાણુજનક (sporophyta) અવસ્થા બીજાણુનિર્માણ કરે છે અને આ અવસ્થા દ્વિગુણિત (diploid) હોય છે. તેનો પ્રારંભ જન્યુજનક (gametophyte) અવસ્થા પર પરોપજીવી તરીકે થાય છે. જન્યુજનક અવસ્થા જન્યુઓનું નિર્માણ કરતી એકગુણિત (haploid) અવસ્થા છે. દ્વિઅંગીઓને બાદ કરતાં ભ્રૂણધારીના બધા વિભાગોમાં બીજાણુજનક અવસ્થા મુખ્ય અને જન્યુજનક અવસ્થા ગૌણ હોય છે. તરુણ બીજાણુજનકને ભ્રૂણ (embryo) કહે છે. કેટલીક રાતી લીલ-(Rhodophyta)માં બીજાણુજનક અવસ્થા જન્યુજનક સાથે જોડાયેલી હોય છે, છતાં આ સ્થિતિ ભ્રૂણધારી વનસ્પતિઓ કરતાં તદ્દન જુદી જ છે અને અન્ય બાબતોએ ભ્રૂણધારી વનસ્પતિઓ રાતી લીલ સાથે કોઈ ગાઢ સંબંધ ધરાવતી નથી.

પ્રજનન અંગો : ભ્રૂણધારી ઉપસૃષ્ટિના આદ્ય વિભાગોમાં જન્યુકોષોનું નિર્માણ બહુકોષી લિંગી અંગોમાં થાય છે. નરલિંગી અંગને પુંધાની (antheridium) અને માદા લિંગી અંગને સ્ત્રીધાની (archegonium) કહે છે. એકાંગી વનસ્પતિઓમાં આ અંગો એકકોષી હોય છે. ભ્રૂણધારી ઉપસૃષ્ટિના પાઇનોફાઇટા અને મૅગ્નોલિયોફાઇટા જેવા વધારે પ્રગતિશીલ વિભાગોમાં પુંધાનીઓ અને સ્ત્રીધાનીઓ અતિરૂપાંતરિત (highly modified) અથવા સંપૂર્ણપણે નિરુદ્ધ (suppressed) થયેલી હોય છે. આ વિભાગોમાં જન્યુજનક-અવસ્થા પણ અલ્પવિકસિત હોય છે.

વિશિષ્ટતાઓ : દ્વિઅંગી સિવાય ભ્રૂણધારીના બધા વિભાગો અન્નવાહક (phloem) અને જલવાહક (xylem) નામની વિશિષ્ટ વાહકપેશીઓ ધરાવે છે. પર્યાવરણીય સ્થિતિઓની અનુક્રિયા (response)-સ્વરૂપે પ્રકાંડ અને પર્ણ પર આવેલાં અસંખ્ય સૂક્ષ્મ છિદ્રોનું નિયમન રંધ્રીય સાધન (stomatal apparatus) દ્વારા થાય છે. તેના વધારે પ્રગતિશીલ વિભાગોમાં જન્યુજનક અવસ્થામાં થયેલું ક્રમિક ન્યૂનીકરણ (reduction) ભ્રૂણધારીઓના (પૂર્વજ જલજીવનને બદલે) શુષ્ક ભૌમિક જીવન માટેનું પ્રગતિકારક ઉદવિકાસીય અનુકૂલન પ્રતિબિંબિત કરે છે. તેથી ભ્રૂણધારીઓને કેટલીક વાર ભૌમિક વનસ્પતિઓ પણ કહે છે; જોકે કેટલીક ભ્રૂણધારી વનસ્પતિઓ જલજીવન તરફ પાછી ફરી છે. દ્વિઅંગી સિવાયના ભ્રૂણધારીના સાત વિભાગોને વાહકપેશીધારી (Tracheophyta) તરીકે પણ ઓળખાવવામાં આવે છે.

જૈમિન વિ. જોશી