ભોળે, જ્યોત્સ્ના

January, 2001

ભોળે, જ્યોત્સ્ના (જ. 1913) : હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતનાં આગ્રા ઘરાનાનાં જાણીતાં કલાકાર. મૂળ નામ દુર્ગા કેળેકર. તેમનો જન્મ ગોવાના એક નાના ગામમાં થયો હતો. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષા મુંબઈમાં લેતાં હતાં તે દરમિયાન શાસ્ત્રીય સંગીત અને શાસ્ત્રીય નૃત્ય પ્રત્યે રુચિ પેદા થઈ. બાલ્યાવસ્થામાં પંડિત સુખદેવપ્રસાદ પાસેથી કથક નૃત્યની શિક્ષા લીધી અને ત્યારબાદ શાસ્ત્રીય સંગીત તરફ ઝુકાવ વધ્યો. આગ્રા ઘરાનાના ઉસ્તાદ બશીરખાં પાસેથી આઠ વર્ષ સુધી (1926–34) તાલીમ લીધા બાદ 1934માં તે જ ઘરાનાના ઉસ્તાદ ધમ્મનખાં પાસેથી શાસ્ત્રીય સંગીતની ઉચ્ચ શિક્ષા પ્રાપ્ત કરી. 1939–45ના ગાળા દરમિયાન દિલ્હીના ઉસ્તાદ ઇનાયતખાં પાસે તથા વિખ્યાત ગાયક પંડિત રામકૃષ્ણ બુઆ વઝે પાસે પણ તાલીમ લેતાં રહ્યાં. આ રીતે હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતનો વિસ્તૃત અભ્યાસક્રમ પૂરો કર્યા બાદ મરાઠી રંગમંચ પર કલાકારની રૂએ તેમણે પદાર્પણ કર્યું અને અનેક સંગીત-નાટકોમાં કુશળતાપૂર્વક ભૂમિકા ભજવી. તેમાંની ‘કુલવધૂ’ નાટકની તેમની ભૂમિકા યાદગાર બની. 1951માં કૉલકાતા ખાતે યોજાયેલ અખિલ ભારતીય સંગીત સંમેલને તેમને હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના શિખર પર વિરાજમાન કર્યાં. 1953માં તેમણે ચીનની મુલાકાત લીધી. ત્યાં તેમના જાહેર કાર્યક્રમો પ્રશંસનીય સાબિત થયા.

જ્યોત્સ્ના ભોળે

મરાઠી નાટ્યસંગીતની તેમની રેકર્ડો મહારાષ્ટ્રના અનેક સંગીતપ્રેમી અને નાટ્યપ્રેમી પરિવારોમાં સ્થાન પામી છે.

આકાશવાણીનાં જુદાં જુદાં કેન્દ્રો પરથી તેમનું શાસ્ત્રીય ગાયન અવારનવાર પ્રસારિત થતું રહ્યું છે. મહારાષ્ટ્રનાં મોટાભાગનાં આકાશવાણી-કેન્દ્રો તેમનાં મરાઠી નાટ્યગીતો આજે પણ પ્રસારિત કરે છે.

મરાઠી ચલચિત્રજગતના ખ્યાતનામ સંગીત-દિગ્દર્શક અને સંગીતસમીક્ષક કેશવરાવ ભોળે સાથે 1932માં તેમનાં લગ્ન થયાં હતાં.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે