ભોંયઆમલી : દ્વિદળી વર્ગમાં આવેલા યુફોરબિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Phyllanthus fraternus Webster. syn. P. niruri Hook f. છે. તે 60 સેમી. જેટલી ઊંચાઈ ધરાવતી શાકીય જાતિ છે અને ભારતના ગરમ પ્રદેશોમાં ખાસ કરીને ખેડાયેલી ભૂમિમાં હંમેશાં શિયાળુ-અપતૃણ તરીકે થાય છે. તે સંભવત: બાંગ્લાદેશ અને પશ્ચિમ ભારતની મૂલનિવાસી છે. તેનો પ્રવેશ આફ્રિકા અને વેસ્ટ ઇંડિઝમાં કરાવવામાં આવ્યો છે. તે P. debilisની સૌથી નજીકની સંબંધિત જાતિ છે. બંને જાતિઓ જુદી હોવા છતાં તેમને એક જ જાતિની બે વિસ્થાનિક (allopatric) ઉપજાતિઓ ગણવામાં આવે છે અને તે સંપર્કમાં આવતાં સંકરણ કરે છે.

આકૃતિ 1 : ભોંયઆમલી

તેનાં પર્ણો સાદાં, એકાંતરિક, દ્વિપંક્તિક અને અખંડિત હોય છે. તેમનો ઉદભવ પર્ણપાતી ઉપશાખાઓ પર થાય છે અને પર્ણદંડ અત્યંત ટૂંકા હોય છે. પુષ્પો નાનાં, નિયમિત, એકલિંગી અને ઘણુંખરું એકગૃહી હોય છે અને બિંબ (disc) ધરાવે છે. પરિદલપત્રો 4થી 6 દ્વિચક્રીય અને કોરછાદી (imbricate) હોય છે. નરપુષ્પોમાં પુંકેસરો 2થી 5 અને તંતુઓ મુક્ત કે જોડાયેલા હોય છે. સ્ત્રીકેસરચક્ર મોટાભાગે ત્રિયુક્ત સ્ત્રીકેસરી હોય છે અને ત્રિકોટરીય બીજાશય ધરાવે છે. પ્રત્યેક કોટરમાં અક્ષવર્તી (axile) જરાયુ પર બે અંડકો આવેલાં હોય છે. તેની પરાગવાહિની મુક્ત અને ત્રિશાખિત કે સંયુક્ત હોય છે. ફળ દીર્ઘસ્થાયી પરિદલપુંજ વડે આવૃત પ્રાવર (capsule) પ્રકારનું અને બીજ ત્રિકોણાકાર હોય છે.

તે સંકોચક (astringent), અવરોધહર (deobstruent), ક્ષુધાવર્ધક (stomachic), મૂત્રલ, જ્વરશામક (febrifugal) અને પ્રતિરોધી (antiseptic) ગુણધર્મો ધરાવે છે. તે અજીર્ણ, શૂલ (colic), અતિસાર અને મરડામાં ઉપયોગી છે. તેનો જલશોફ (dropsy) અને મૂત્રજનનતંત્રના રોગોમાં ઉપયોગ થાય છે. તાજાં મૂળ કમળામાં લાભદાયી ગણાય છે. તેને સ્તન્યવર્ધક (galactagogue) તરીકે દૂધ સાથે લેવામાં આવે છે. રાજસ્થાનમાં ઊંટને થતાં પાચનમાર્ગનાં દર્દોમાં મૂળ આપવામાં આવે છે. શિરોવલ્ક(scalp)માં પ્રશીતક (refrigerant) તરીકે પર્ણોનો ક્વાથ અપાય છે. તેનો ક્ષીરરસ વ્રણ (sores) અને ચાંદાં (ulcers) પર લગાડવામાં આવે છે. નેત્રાભિષ્યંદ(ophthalmia)માં ક્ષીરરસ અને તેલને મિશ્ર કરી લગાડાય છે.

સૂકાં પર્ણો 0.4 % વિષાક્ત અને કડવું ફાઇલેન્થિન (C21H22O7, ગ.બિં. 97°થી 98°); અત્યંત અલ્પ પ્રમાણમાં સ્વાદરહિત હાઇપોફાઇલેન્થિન (C19H22O6, ગ.બિં. 129°થી 130°) અને 5 % રંગહીન મીણ (ગ.બિં. 80°; ઍસિડમૂલ્ય 17; સૅપોનિનમૂલ્ય 92) ધરાવે છે. ફાઇલેન્થિન માછલી અને દેડકા માટે વિષાક્ત હોય છે. તેને લીધે દેડકાની ત્વચા રંગહીન બને છે, પરંતુ 20 કલાકમાં તે રંગની પુન:પ્રાપ્તિ કરે છે. તાજાં પર્ણોમાં પોટૅશિયમ પુષ્કળ (83 %) હોય છે, જે શક્તિશાળી મૂત્રલ અસર માટે જવાબદાર છે.

પ્રકાંડમાં સૅપોનિન હોય છે. પ્રકાંડ અને પર્ણનો ક્વાથ કાળો રંગ ઉત્પન્ન કરે છે. તેનો શાહીની અવેજીમાં કેટલીક વાર ઉપયોગ થાય છે. પર્ણો અને મૂળના આલ્કોહૉલીય નિષ્કર્ષ Micrococcus pyogenes var. aureus અને Escherichia coli સામે પ્રતિજૈવિક અસર દર્શાવે છે.

આયુર્વેદ અનુસાર તે તૂરી, ખાટી, શીતવીર્ય, કડવી, મધુર, રુચિકર, જડ અને ઉષ્ણ છે, તથા તે પિત્તમેહ, મેહ, કફ, પાંડુરોગ, કમળો, પ્રદર, મૂત્રરોગ, ર્દષ્ટિરોગ, તૃષા, ઉધરસ, પિત્ત, રક્તદોષ, વાયુ, ક્ષતક્ષય, દમ, તાવ, મલેરિયા અને હેડકીનો નાશ કરે છે. પિત્તશામક, કફનાશક, રક્તસુધારક, દાહશામક, મૂત્રલ, પાચક, ગ્રાહી, કટુ, પૌષ્ટિક અને યકૃતનાં દર્દોની તે રામબાણ દવા છે. તે બરોળનાં દર્દો, વ્રણ, શૂલ, સોજા, ઝાડા અને લોહીવા જેવાં અનેક દર્દો મટાડે છે.

માત્રા – 1.45 ગ્રા.થી 2.90 ગ્રા.; કમળામાં મૂળ 11.70 ગ્રા.

ગુજરાતમાં થતી ફાઇલેન્થસની અન્ય જાતિઓમાં P. debilis Klein ex. Willd. ડાંગ અને રાજપીપળા; P. lawii Grah. નર્મદાતટે ભરૂચ, રાજપીપળા અને છોટાઉદેપુર; P. urinaria Linn. (ખરસાડ ભોંયઆમલી, લાલ ભોંયઆમલી), P. virosus (Roxb) ex. Willd કચ્છ સિવાય સમગ્ર ગુજરાતમાં; P. maderas patensis Linn (કનોછા, રાનઆમલી), P. reticulatus poir. syn. Kirganelia reticulata (Poir.) Baill (કંબોઈ) અને P. emblica Linn. syn. Emblica officinalis Gaertn. (આમળાં) ગુજરાતમાં બધે જ થાય છે. આ જાતિઓ શાકીય, ક્ષુપ કે વૃક્ષ-સ્વરૂપે જોવા મળે છે.

કનોછા ભારતના વધારે શુષ્ક પ્રદેશોમાં થતી ટટ્ટાર કે ઉચ્ચાગ્ર ભૂશાયી (decumbent) શાકીય અથવા કેટલીક વાર 30 સેમી.થી 60 સેમી. ઊંચી ઉપક્ષુપ જાતિ છે. તેનાં પર્ણોનો આસવ (infusion) માથાના દુખાવામાં વપરાય છે. તેનાં બીજ રેચક, વાતઘ્ન (carminative) અને મૂત્રલ ગુણધર્મો ધરાવે છે.

મોટી ભોંયઆમલી (P. simplex Retz.) શાકીય અથવા ઉપક્ષુપ કે કેટલીક વાર ભૂપ્રસારી કે આરોહી જાતિ છે. ભારતમાં તે સર્વત્ર થાય છે. તે પ્રતિરોધી ગુણધર્મો ધરાવે છે. તેનાં તાજાં ક્ષત પર્ણોવાળી છાશ ખૂજલી સાફ કરવામાં વપરાય છે. ફિલિપાઇન્સમાં તેનાં પર્ણોનો ઉપયોગ આંખના રોગોમાં થાય છે. જીરું અને ખાંડ સાથે તેનાં પર્ણો, પુષ્પો અને ફળો પરમિયા(gonorrhoea)માં ઉપયોગી છે. મૂળમાંથી બનાવાયેલ મલમ સ્તનના ચીરા પર લગાડવામાં આવે છે.

ખરસાડ ભોંયઆમલી ભારતમાં ખેડાયેલ ભૂમિમાં અપતૃણ તરીકે થાય છે. ભોંયઆમલીની અવેજીમાં તેનો આયુર્વેદમાં ઉપયોગ થાય છે. નાળિયેરના પાણી સાથે પર્ણોનો રસ બાળકોને ક્ષુધાવર્ધક તરીકે આપવામાં આવે છે. પર્ણોનો ઉપયોગ ઢોરોના ચારા માટે થાય છે. તે તટસ્થ કડવું દ્રવ્ય અને ઍલ્કેલૉઇડ ધરાવે છે. તેનો મત્સ્ય વિષ તરીકે ઉપયોગ કરવામાં આવે છે.

P. lawii બિહાર, ઓરિસા, પશ્ચિમ બંગાળ અને દક્ષિણ દ્વીપકલ્પ(Deccan Peninsula)માં થતી ક્ષુપ જાતિ છે. તેની શાખાઓમાંથી ટોપલીઓ બનાવવામાં આવે છે. દક્ષિણ દ્વીપકલ્પના પહાડી પ્રદેશોમાં થતી P. polyphyllus નામની ક્ષુપ કે નાની વૃક્ષ-જાતિની શાખાની છાલમાં 11.0%થી 16.0% જેટલું ટેનિન હોય છે. તેનો ઉપયોગ ચર્મશોધન(tanning)માં થાય છે. P. rheedii Wight બિહાર અને દક્ષિણ ભારતની ટેકરીઓ પર થાય છે. તેનો મરડામાં ઉપયોગ થાય છે.

હરફારેવડી [P. acidus Skeels. syn. P. distichus Muell syn. Cicca acida (Linn.) Merril.] લગભગ 6 મી. ઊંચી વૃક્ષજાતિ છે અને માડાગાસ્કરની સ્થાનિક હોવા છતાં ભારતનાં ઉદ્યાનો અને વાડીઓમાં ફળ માટે વવાય છે. તેનું ફળ ખાટું, ખાદ્ય, ઉત્તેજક અને અનષ્ઠિલ પ્રકારનું હોય છે. તે કાચું કે રાંધીને ખવાય છે અથવા તેનું અથાણું, મુરબ્બો કે જેલી પણ બનાવાય છે. તેનાં પર્ણોનો ઉપયોગ શાકભાજી તરીકે થાય છે.

તેનાં મૂળ અને બીજ વિરેચક (cathartic) હોય છે. મૂળની છાલના રસનો ઉપયોગ વિષ તરીકે થાય છે. તેનાથી માથાનો દુખાવો થાય છે; ક્યારેક પેટમાં સખત દુખાવા સાથે મૃત્યુ પણ થાય છે. મૂળની છાલમાં ટૅનિન (18 %), સૅપોનિન, ગૅલિક ઍસિડ અને સ્ફટિકમય પદાર્થ લ્યુપિયોલ હોય છે.

આમળાં મધ્યમ કદની પર્ણપાતી વૃક્ષ-જાતિ છે. તેના ફળમાંથી વિટામિન ‘સી’ મળે છે. તેનું ફળ આયુર્વેદિક ‘ત્રિફળા’નું એક ઘટક છે. ફળને સૂકવી ડિટરજંટ, શૅમ્પૂ, હેર-ડાય વગેરે બનાવવામાં આવે છે.

કંબોઈ 1.5 મી.થી 4.5 મી. મોટી વિચરણ (straggling) કે ઉપારોહી (subscandent) ક્ષુપજાતિ છે અને ઉષ્ણકટિબંધીય ભારતમાં બધે જ (1,500મી.થી 1,800 મી.ની ઊંચાઈ સુધી) જોવા મળે છે. તે નદીકિનારે, નહેર પાસે અને ઊસરભૂમિ (wasteland) પર સામાન્ય રીતે થાય છે. બીજા ક્ષુપ સાથે મળીને તે મજબૂત વાડ બનાવે છે.

તેનાં પર્ણો મૂત્રલ અને પ્રશીતક હોય છે અને ટૅનિક ઍસિડ ધરાવે છે. પરંતુ તેમાં ઍલ્કેલૉઇડ હોતાં નથી. તેનાં પર્ણોનો રસ બાળકોને થતા અતિસારમાં આપવામાં આવે છે. પૂર્વ આફ્રિકામાં તેનાં પર્ણોનું ચૂર્ણ વ્રણ કે દાઝ્યા પર લગાડાય છે. ઇંડોચાઇનામાં સમગ્ર વનસ્પતિનો ઉપયોગ શીતળા અને ઉપદંશ(syphilis)માં કરવામાં આવે છે. ફળો સંકોચક છે અને રુધિરના રોગોમાં તેમજ સોજાઓમાં વપરાય છે. મૂળનો ક્વાથ દમ, શ્લેષ્મ (catarrh) અને બાળકોને કફમાં આપવામાં આવે છે. છાલનો સ્વાદ થોડોક મીઠો હોય છે અને તે રૂપાંતરક (alterative), ક્ષીણકારક (altenuent), સંકોચક અને મૂત્રલ ગણાય છે. ઘાનામાં પ્રકાંડનો રસ આંખના વ્રણ પર લગાડવામાં આવે છે.

અછતના સમયમાં પૂર્વ આફ્રિકામાં પર્ણોનો ખોરાક તરીકે ઉપયોગ કરવામાં આવે છે. ફિલિપાઇન્સમાં પાકાં ફળોમાંથી શાહી બનાવાય છે. ચેન્નઈમાં તેનાં મૂળમાંથી લાલ રંગ મેળવવામાં આવે છે. તેનું કાષ્ઠ સખત અને લાલાશ પડતું કે ભૂખરું સફેદ હોય છે. તેની કુમળી ડાળીઓનો દાતણ તરીકે ઉપયોગ થાય છે.

ઉદ્યાનોમાં શોભન જાતિઓ તરીકે P. nivosus var. roseopictus અને P. angustifolius Swartz. syn. Xylophylla angustifolia Sw. ઉગાડવામાં આવે છે.

આકૃતિ 2 : p. angustifoliusની શાખા

P. nivosus var. roseopictus એકાદ મીટર ઊંચી જાતિ છે. તેનાં પર્ણો નાનાં હોય છે અને લીલા રંગમાં સફેદ-ગુલાબી કે લાલ છાંટ ધરાવે છે. તેથી છોડ આકર્ષક લાગે છે. કુમળાં પર્ણોમાં ગુલાબી છાંટ વધારે હોય છે. તેથી છોડ આકર્ષક લાગે છે. તેનાં મૂળ આગળથી કેટલીક ફૂટ થાય છે અને તેથી તે ઝૂમખાદાર લાગે છે. તે આછા પાતળા છાંયડામાં સારી રીતે ઊગે છે. તેને કૂંડામાં સહેલાઈથી ઉછેરી શકાય છે. પુષ્પો ચોમાસામાં આવે છે અને તે ખૂબ નાનાં હોય છે. ચોમાસામાં તેનાં પર્ણોને લીધે છોડ અતિસુંદર લાગે છે.

પ્રસર્જન કટકારોપણથી તેમજ મૂળ આગળનાં પીલાં છૂટાં કરીને થાય છે. તેને કોઈ વખત ‘મિલ્ડ્યૂ’ નામનો રોગ લાગુ પડે છે.

P. angustifolius ક્ષુપ જાતિ છે. તેની શાખાઓ વિભાજિત થયેલી હોય છે. કેટલીક શાખાઓ લીલી, ચપટી અને પર્ણ જેવી બને છે. તેમને પર્ણાભસ્તંભ (phylloclade) કહે છે. તે રેખીય-ભાલાકાર (linear-lanceolate) હોય છે. તેની કિનારી દંતુર (serrate) હોય છે. તે શલ્કી પર્ણની કક્ષમાંથી ઉદભવે છે. પુષ્પો તેની ખાંચોમાં ઉત્પન્ન થાય છે.

મ. ઝ. શાહ

બળદેવપ્રસાદ પનારા

યોગેશ ડબગર

બળદેવભાઈ પટેલ