ભોળાભાઈ જેશિંગભાઈ અધ્યયન-સંશોધન વિદ્યાભવન મ્યુઝિયમ, અમદાવાદ

January, 2001

ભોળાભાઈ જેશિંગભાઈ અધ્યયન-સંશોધન વિદ્યાભવન મ્યુઝિયમ, અમદાવાદ : ગુજરાતની આદ્ય અને બહુલક્ષી વિદ્યાસંસ્થાનો પુરાવસ્તુસંગ્રહ. અલેકઝાંડર કિન્લૉક ફાર્બસે અમદાવાદમાં 26 ડિસેમ્બર, 1848ના રોજ ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયટી’ની સ્થાપના કરી. તેથી ભારતીય સંસ્કૃતિનાં વિવિધ પાસાંનો અભ્યાસ અને તેને લગતી સામગ્રી એકઠી કરવાનું શરૂ થયું. તેમાં કવિ દલપતરામે પ્રાચીન ગુજરાતી-સંસ્કૃત સાહિત્યને લગતી હસ્તપ્રતો એકઠી કરવા માંડી. 1910 સધીમાં 163 અને 1930 સુધીમાં લગભગ 800 હસ્તપ્રતો એકત્રિત થઈ. તેની કવીશ્વર દલપતરામ સૂચિસંગ્રહની એક યાદી છપાઈ. 1937માં લગભગ 1,055 હસ્તપ્રતો એકઠી થઈ. પરિણામે એ વર્ષે આ સંગ્રહની પ્રતો ઉપરાંત નડિયાદ, સૂરત, મુંબઈ વગેરે ગ્રંથ-ભંડારોની પ્રતોને પણ આવરી લઈને ‘સંકલિત યાદી’ અભ્યાસપૂર્ણ વિસ્તૃત પ્રસ્તાવના સાથે કે. કા. શાસ્ત્રી પાસે તૈયાર કરાવીને આ સંસ્થાએ પ્રગટ કરી.

1939માં ભોળાભાઈ જેશિંગભાઈ અધ્યયન અને સંશોધન વિદ્યાભવન સ્થપાતાં તેની સાથે આ સંગ્રહને જોડવામાં આવ્યો. 1960માં ‘ભોળાભાઈ જેશિંગભાઈ અધ્યયન-સંશોધન વિદ્યાભવન’ને આશ્રમ રોડ પર ખસેડવામાં આવતાં આ સંગ્રહ પણ ત્યાં તેના ત્રીજા માળે કાયમી પ્રદર્શન રૂપે ગોઠવાયો. હસ્તપ્રતો, સિક્કાઓ, ચિત્રો અને શિલ્પોનો આ સંગ્રહ મુખ્યત્વે ભારતીય સંસ્કૃતિ, ઇતિહાસ અને પુરાતત્વના અધ્યાપકો, વિદ્યાર્થીઓ અને અભ્યાસીઓને ઘણો ઉપયોગી થાય છે.

આ સંગ્રહાલયમાં ઇતિહાસ અને સંસ્કૃતિના વિકાસના તબક્કા અનુસાર સામગ્રીઓ ગોઠવાયેલી છે. વિવિધ અશ્મીભૂત અવશેષો પૈકી માછલી, સર્પ અને જુદા જુદા આકારનાં શંખ-છીપલાંના અશ્મીભૂત અવશેષો ઉપરાંત પ્રાક્કાલીન, આદ્યૈતિહાસિક, નૂતનપાષાણયુગની કુહાડીઓ, ઐતિહાસિક ઓજારો, છરીઓ વગેરે તેમજ લાલ કે ભૂખરી માટીનાં પકવેલાં વિવિધ આકાર અને રંગનાં સાદાં, જાડાં કે ચમકતાં અને ચિત્રિત વાસણોના અવશેષો વિવિધ અભ્યાસસામગ્રી પૂરી પાડે છે. તેમાં વિવિધ ઐતિહાસિક કાળ અને સ્થળનાં વાસણોના અવશેષો એકત્રિત થયેલા છે. અમદાવાદના ભદ્ર વિસ્તારના ખોદકામમાંથી મળેલા ચૌદમી સદીના અવશેષો તેમજ લોથલ, હરપ્પા અને મોહેં-જો-દડોના સમયનાં રમકડાં ઉપરાંત લોથલની મુદ્રાઓ અને મુદ્રાંકનો, તોલમાપની નાની-મોટી વિવિધ આકારની માટીની પકવેલી ટીકડીઓ વગેરે નમૂનાઓ ખાસ ધ્યાન ખેંચે છે.

પ્રાચીન પંચમાર્ક સિક્કાઓથી શરૂ કરીને ક્ષત્રપ, ગુપ્ત, હૂણ, સાસાનિયન ઉપરાંત મુઘલ સલ્તનત, મરાઠા, બ્રિટિશ અને અર્વાચીન સમયના સિક્કાઓ સહિત લગભગ ચાર હજાર જેટલા સિક્કાઓ સંગૃહીત છે. આમાં સમુદ્રગુપ્તનો વીણા વગાડતો સોનાનો સિક્કો ખાસ ઉલ્લેખપાત્ર છે. શ્રી જિનવિજયજીને મળેલો ‘પદ્મશ્રી’નો ચંદ્રક, જમશેદજી ટાટાની ગોલ્ડન જ્યુબિલીની મુદ્રા વગેરે પણ નોંધપાત્ર ગણી શકાય. મારુ-ગુર્જર ભાષામાં અને રાજપૂત શૈલીનાં ચિત્રોવાળી લયલા-મજનુ અને જલાલગહાંણીરી વાર્તાની સચિત્ર હસ્તપ્રતો, દેવનાગરી લિપિવાળી દુર્ગાસપ્તશતીની સચિત્ર પ્રત, કાશ્મીરી શૈલીનાં ચિત્રો ધરાવતી અને સંસ્કૃત ભાષામાં લખેલી ‘પરમહંસ સહસ્રનામ સ્તોત્ર’ની સચિત્ર હસ્તપ્રત વગેરે મૂલ્યવાન સામગ્રી છે. ‘મધુમાલતી’ અને ‘ઉત્તમવિલાસ’(કૃષ્ણચરિત)ની સચિત્ર પ્રતો પણ ઉલ્લેખનીય છે. કાપડ પર લખાયેલાં વિવિધ કાલની વિવિધ પ્રકારની વિગતો દર્શાવતાં આશરે 150થી 200 ખતપત્રો (દસ્તાવેજો), પંચાંગોનાં ઓળિયાં, ઉર્દૂ-ફારસી પત્રો, કવિતાઓ વગેરેને લગતાં ઓળિયાં અહીં સચવાયેલાં છે. રાજપૂત શૈલીનાં રાગ-રાગિણીનાં ચિત્રો, તીર્થંકરોનાં ચિત્રો, રાજપૂત ઘોડેસવાર રાજાઓનાં ચિત્રો, પુરાતત્વીય મહત્વ ધરાવતા ઐતિહાસિક ફોટાઓ તેમજ સ્લાઇડોનો સારો સંગ્રહ કરાયો છે.

આ સંગ્રહાલયમાં બસો જેટલાં કાષ્ઠ, પાષાણ અને ધાતુમાં કંડારાયેલાં શિલ્પો પ્રદર્શિત છે જે પૈકી સિદ્ધપુર અને કપડવંજનાં તોરણોની કાષ્ઠ-અનુકૃતિઓ બેનમૂન છે. નૃત્યગણેશ અને દશાવતાર વિષ્ણુનાં પાષાણશિલ્પો, ચમરા નાયિકા, બ્રહ્મશાંતિ યક્ષ, ચામુંડા, નાગબંધ છત જેવાં સુંદર શિલ્પો આ મ્યુઝિયમમાં પ્રદર્શિત થયાં છે. ગુજરાતના સોલંકી રાજા સિદ્ધરાજ અને તેના પિતા કર્ણદેવનાં તામ્રપત્રો, રાષ્ટ્રકૂટ રાજા સુવર્ણવર્ષ કર્કરાજનું બ્રાહ્મી લિપિમાં કોતરાયેલું દાન-તામ્રપત્ર પણ અહીં સચવાયેલ છે. તાડપત્રીય અને કાગળ પર પડિમાત્રિક લિપિમાં લખાયેલી હસ્તપ્રતો જીર્ણ છતાં સુવાચ્ય છે. તેમાં ભાલણકૃત ‘કાદંબરી’, હેમચંદ્રના ‘શબ્દાનુશાસન’ના તથા ‘મુગ્ધાવબોધ ઔક્તિક’ની હસ્તપ્રત પણ નોંધપાત્ર ગણાય. ‘બાબીવિલાસ’, ‘શિવરહસ્ય’, ‘કાયસ્થ પદ્ધતિ’, ‘મંડપદુર્ગ’, ‘મુહૂર્ત-ચિંતામણિ’, ‘દત્તાત્રેય તંત્ર’, ‘ભાગવત’, ‘વૃત્તરત્નાકર’ જેવી વિવિધ શાસ્ત્રીય અને સાહિત્યિક હસ્તપ્રતો આ સંગ્રહની દુર્લભ સંશોધનસામગ્રી છે. ઉત્તરોત્તર વિકાસ પામતા આ મ્યુઝિયમે સંસ્કૃત-પ્રાકૃત તેમજ ગુજરાતી અને અરબી-ફારસી તમામ હસ્તપ્રતોનું કેટલૉગ પાંચ ભાગોમાં પ્રગટ કરેલ છે.

વિભૂતી વિ. ભટ્ટ