ભોજક, ભોગીલાલ કાળીદાસ (‘માલતી’) (જ. વડનગર) : ગુજરાતી વ્યવસાયી રંગભૂમિ પર સ્ત્રી-પાત્ર કુશળ રીતે રજૂ કરનારા અભિનેતા. અક્ષરજ્ઞાન અલ્પ. વિવિધ નાટ્યસંસ્થાઓમાં નાટ્યકળાની તાલીમ પ્રાપ્ત કર્યા પછી 1914માં પ્યારેલાલ વિઠ્ઠલદાસ મહેતાની સંસ્થા ‘શ્રી વિદ્યાવિનોદ નાટક સમાજ’માં જોડાયા. કવિ-ચિત્રકાર-સંગીતકાર ફૂલચંદ ઝવેરચંદ શાહરચિત ‘માલતીમાધવ’ નાટકમાં ‘માલતી’ની ઉત્કૃષ્ટ ભૂમિકા ભજવવા બદલ નાટ્યજગતમાં તેઓ ‘માલતી’ તરીકે ઓળખાયા. નાટકને સારી સફળતા સાંપડી. રાજકવિ નથુરામ સુંદરજી શુક્લના ‘પિતૃભક્ત પ્રભાકર’માં મોહિની, કવિ ફૂલચંદભાઈ શાહના ‘મુદ્રાપ્રતાપ’માં શકુંતલા, ગોપાળજી કલ્યાણજી દેલવાડાકર રચિત ‘રાજભક્તિ’માં કૌમુદી, ‘અમરકુમાર’માં કાન્તા તથા ‘માયામોહિની’માં હર્ષદેવી – એમ વિવિધ સ્ત્રી-પાત્રોમાં તેમણે કુશળતાપૂર્વક અભિનય કર્યો હતો. તેમણે પોતાની નાટક કંપનીની સ્થાપના પણ કરી હતી, પરંતુ તેમાં સફળતા મળી નહિ. ફોટોગ્રાફરનો વ્યવસાય પણ તેમણે કરી જોયો હતો. એમણે તેમની જ્ઞાતિના કેળવણીમંડળમાં લાંબો સમય સેવા આપી હતી. તેઓ ગાંધીજીની રાષ્ટ્રીય ભાવનાના રંગે રંગાયા હતા અને જીવનભર સિલાઈ કર્યા વગરનાં જ કપડાં પહેરતા હતા.
ધીરેન્દ્ર સોમાણી