ભોજક, દલસુખરામ વસ્તારામ

January, 2001

ભોજક, દલસુખરામ વસ્તારામ (જ. 1864, સોખડા, તા. વિજાપુર; અ. 1945) : ગુજરાતી વ્યવસાયી રંગભૂમિના કલાકાર અને સંગીતકાર. એમના બંધુ ચેલારામ પાસેથી પખવાજ, સારંગી તથા જયશંકર ‘સુંદરી’ના દાદા ત્રિભોવનદાસ પાસેથી ગાયન તેમજ સારંગી, બીન અને પખવાજ વગેરેના વાદનની તાલીમ લીધી. ધ્રુપદ ધમાર અને ખ્યાલની ઉચ્ચ કક્ષાની તાલીમ પણ મેળવી. પિતાનું અવસાન થવાથી 1889માં એમના બાળપણના મિત્ર દયાશંકર ગિરનારા તેમને ‘શ્રી મુંબઈ ગુજરાતી નાટક મંડળી’માં આગ્રહપૂર્વક લઈ ગયા. પ્રથમ વર્ષે પગાર રૂ. 35 હતો તે બીજે વર્ષે રૂ. 75 થયો. એમની ખ્યાતિ સાંભળી વાઘજી આશારામ ઓઝા ‘મોરબી આર્યસુબોધ નાટક મંડળી’માં રૂ. 100ના પગારથી લઈ ગયા. 1891માં ‘ત્રિયારાજ’માં ગોરખ, 1893માં ‘ત્રિવિક્રમ’માં ત્રિવિક્રમ, 1894માં ‘ચંદ્રહાસ’માં કુલિંદસિંહ, 1896માં ‘વીરબાળા’માં ઔરંગઝેબ તથા 1897માં ‘વિબુધ વિજય’માં વિલાસીના પાત્રમાં અભિનય કર્યો. ‘વીરબાળા’ અને ‘ત્રિયારાજ’ તથા ‘વિબુધ વિજય’માં સંગીત-નિયોજન પણ સંભાળ્યું હતું.

વડોદરામાં ‘મોરબી’ કંપનીએ ‘ત્રિયારાજ’ નાટક ભજવ્યું. તેમાં ‘મચ્છેન્દ્રનાથ’ તરીકે મૂળજી આશારામ ઓઝાએ અને ‘ગોરખ’ના પાત્રમાં દલસુખરામે અભિનય કર્યો ‘ચેત મછંદર ગોરખ આયા’ની ગાયકી સાંભળી નાટક જોવા આવેલા તે સમયના રાજગાયક મૌલાબક્ષ ઘીસેખાં અનહદ ખુશ થયા અને વડોદરામાં ગાયક તરીકે રહેવાનું તેમને આમંત્રણ આપ્યું, પરંતુ તેઓ તેનો સ્વીકાર કરી શક્યા નહિ. ભાવનગરના મહારાજાએ એમને ભાવનગર આવવા માટે નિમંત્રણ આપ્યું. 1897માં તેઓ ભાવનગર આવ્યા અને જીવનભર ત્યાં જ રહ્યા.

1919માં પ્રથમ અખિલ ભારતીય સંગીત પરિષદ બનારસમાં યોજાઈ. તેમાં તેમને રૌપ્ય ચંદ્રક એનાયત કરવામાં આવ્યો. 1931માં અલ્લાહાબાદ યુનિવર્સિટી સંગીત પરિષદમાં એમનું સુવર્ણચંદ્રકથી સન્માન કરવામાં આવ્યું. 82 વર્ષની વયે પણ તેઓ બીન, સિતાર, દિલરુબા, તબલાં, મૃદંગ વગેરેના વાદનની અને તાલીમની પ્રવૃત્તિમાં વ્યસ્ત હતા અને સુરીલો ને બુલંદ અવાજ ધરાવતા હતા.

ધીરેન્દ્ર સોમાણી