ભોજક, ચીમનલાલ ભૂધરભાઈ

January, 2001

ભોજક, ચીમનલાલ ભૂધરભાઈ (જ. 1872, વડનગર; અ. 1932, ભાવનગર) : ગુજરાતી વ્યવસાયી રંગભૂમિ પર સ્ત્રી-પાત્ર ભજવનાર કુશળ કલાકાર. બાલ્ય વયમાં જ પિતાનું અવસાન થયું. વ્યવસાયી રંગભૂમિ અંગે તાલીમ મેળવ્યા પછી વાઘજી આશારામ ઓઝાની ‘મોરબી આર્યસુબોધ નાટક મંડળી’માં જોડાયા. વાઘજી આશારામ- રચિત‘ત્રિવિક્રમ’(1893)માં સૂરજબા તથા ‘ચંદ્રહાસ’(1894)માં વિષયાની ભૂમિકાથી તેમણે સ્ત્રી-પાઠ ભજવવાનો પ્રારંભ કર્યો.

મોરબી કંપનીએ ભાવનગરમાં 1897માં વાઘજીભાઈકૃત ‘વિબુધ વિજય’ નાટક ભજવ્યું. એમાં ‘વિજય’ના પાત્રમાં બૅરિસ્ટરનો આબેહૂબ અભિનય કર્યો અને તે જોઈને ભાવનગરના મહારાજા ભાવસિંહજી અતિપ્રસન્ન થયા અને તેમણે એવો ર્દઢ નિશ્ચય કર્યો કે રંગમંચ પર બૅરિસ્ટર બનનાર નટને મારે જીવનમાં પણ ખરેખર બૅરિસ્ટર બનાવવો છે. ચીમનભાઈને નાટક કંપનીની નોકરી છોડાવી અભ્યાસ કરાવ્યો અને વિલાયત મોકલ્યા. ત્યાંથી બૅરિસ્ટર થઈને તેઓ ભાવનગર આવ્યા. મહારાજાએ એમને વસૂલાત અધિકારીના પદે નિયુક્ત કર્યા. એમની કાર્યદક્ષતાથી પ્રસન્ન થઈ મહારાજાએ તેમને ‘રાવસાહેબ’નો ખિતાબ આપી સન્માન કર્યું.

ધીરેન્દ્ર સોમાણી