ભોગમંડપ : ઓરિસાનાં મંદિરોમાં ઇષ્ટદેવને નૈવેદ્ય સમર્પિત કરવા માટે ગર્ભગૃહ અને મંડપની હરોળમાં રચાતો સ્વતંત્ર મંડપ. ઓરિસાની મંદિરશૈલીના પ્રારંભમાં ઇષ્ટદેવની મૂર્તિની પ્રતિષ્ઠા માટેનું ગર્ભગૃહ (દેઉલ) અને તેની આગળ રંગમંડપ (જગમોહન) નામે બે કક્ષ કરવામાં આવતા. સમય જતાં તેરમી–ચૌદમી સદીથી મોટાં મંદિરોમાં રંગમંડપની આગળ નૃત્યસંગીતાદિ માટે નાટ-મંડપ અને દેવને નૈવેદ્ય ધરાવવા માટે ભોગમંડપની રચના ઉમેરવામાં આવી. આમાં ચારેય અંગો પૂર્વથી પશ્ચિમે એક ધરી પર વિસ્તરે તેવું આયોજન થતું. અન્ય ત્રણ અંગોની જેમ ભોગમંડપ અંદરના ભાગમાં સાદો અને ચોરસ કરાતો, જ્યારે બહારના ભાગમાં દરેક બાજુની વચ્ચે એક કે વધારે પ્રક્ષેપ કાઢીને તેને ત્રિરથ, પંચરથ, સપ્તરથ વગેરે આકાર આપવામાં આવતા. આ પ્રલંબોને લઈને દીવાલોના આકારમાં વૈવિધ્ય જોવામાં આવે છે. વળી આ પ્રક્ષેપોને છેક ટોચ સુધી પ્રસારવામાં આવતાં ર્દષ્ટિગોચર થાય છે. ભુવનેશ્વરમાં લિંગરાજ અને અનંતવાસુદેવમાં, પુરીમાં જગન્નાથ મંદિરમાં અને કોણાર્કના સૂર્યમંદિરમાં ભોગમંડપની રચના થયેલી છે. મંડપ અંદરથી સાદા છે, જ્યારે બહારની દીવાલો ભારે અલંકરણોથી સજાવેલી છે. કોણાર્કના ભોગમંડપની દીવાલ પરનું બે યુદ્ધ-અશ્વોનું શિલ્પાંકન તેમાંની દેહછટા, ગતિશીલતા, તીવ્રતા અને હારેલા યોદ્ધાને પગ નીચે કચડવામાં વ્યક્ત થતી પ્રચંડતાને લઈને ભારે પ્રસિદ્ધિ પામ્યું છે. તેમની સાથેના અંગરક્ષકોનું આલેખન વિદેશી પ્રભાવ તરફ સંકેત કરે છે.

પ્રવીણચંદ્ર પરીખ