ભોઈ, ભીમા (સંભવત: જ. 1855, જોરંડા, ઢેન્કાનાલ; અ. 1895, ખલિયાપલી, સોનપુર) : ઓગણીસમી સદીના પ્રાચીન ઊડિયાના અંધ ભક્ત-કવિ. જન્મ કાંધા જનજાતિમાં. ભીમસેન ભોઈએ જન્મથી કે યુવાવસ્થામાં ર્દષ્ટિ ગુમાવી હતી. જીવનની શરૂઆતનાં 12 વર્ષ સુધી શ્રીમંત પરિવારનાં પશુઓને ચરાવવાનું કામ તેમણે કર્યું હતું.
ભીમા ભોઈની પત્નીનું નામ અન્નપૂર્ણા હતું. તેમને બં સંતાન હતાં : લાવણ્યવતી અને કપિલેશ્વર. આ સંતાનો આજીવન અવિવાહિત રહ્યાં હતાં.
ભીમા ભોઈ બાળપણમાં ઊડિયા ભાષા શીખ્યા હશે, પરંતુ પ્રાચીન ઊડિયા તો ઓરિસ્સાના ભાગવત ભવનમાં ભાર્ગવ અને બીજાં પુરાણોના શ્રવણથી ગ્રહણ કરી હશે. વિલક્ષણ સ્મરણશક્તિ અને કુશાગ્ર બુદ્ધિ ધરાવતા ભીમા ભોઈ નવતર વિચારોનું સ્વાગત કરવામાં ઉત્સાહી હતા. યુવાવસ્થામાં તેઓ પરિવ્રાજક કુંભીપટિયા ઉપદેશકના સંપર્કમાં આવ્યા અને એમના શિષ્ય બન્યા. તે પછી કુંભીપટિયાના સિદ્ધાંતોમાં સંશોધન કરી તેને નવું રૂપ આપ્યું અને ‘અલેખા’ નામનો નવો સંપ્રદાય સ્થાપ્યો. તેમની આસ્થા વર્ણ અને મૂર્તિપૂજામાં ન હતી. તેમનો આશ્રમ સામંતશાહી રાજ્ય સોનપુરમાં હતો. કેટલાક બ્રાહ્મણ વિદ્વાનો પણ તેમના શિષ્ય બન્યા હતા. આ બ્રાહ્મણોને ભીમા ભોઈની આશુ કાવ્યરચનાઓમાં અપાયેલાં પ્રવચનો લખવાનું કાર્ય સોંપાયું.
ગ્રામડિહા ગામમાં ભીમા ભોઈ મહિમા ગુસાઈને મળ્યા અને તેમનાથી પ્રભાવિત થઈ તેમણે મહિમા સંપ્રદાયનો સ્વીકાર કર્યો. આ સંપ્રદાયની વિશિષ્ટતાનો સંદેશો ફેલાવનાર સાહિત્ય અને ભીમા ભોઈની સાહિત્યિક રચનાઓ મૂલત: મધ્યકાલીન ભક્તિયુગનું અનુસંધાન ધરાવે છે. તેમણે મહિમા ધર્મના સારતત્વને ગીતાત્મક કાવ્યોમાં પ્રસ્તુત કર્યું છે. તેઓ પોતાને બાળક માનતા અને બાળકની માફક જ જીવનનાં રહસ્યોનો ઉકેલ કાઢવાની તેમની ઇચ્છા હતી. કદાચ ઊડિયા કાવ્યમાં રહસ્યવાદની સૌથી સાર્થક અભિવ્યક્તિ ભીમા ભોઈની જ હતી.
ભીમા ભોઈ તેમના જીવનમાં ખૂબ દુ:ખી હતા. તેમનું જ્ઞાન પુસ્તકોમાંથી નહિ, પણ પોતાના જીવનમાંથી મેળવેલું હતું. સવર્ણ હિન્દુઓ તરફથી તેમને અનેકવિધ કનડગત થઈ. અનેક રીતે પીડા આપી, માર માર્યો એવી વિષમ પરિસ્થિતિમાંયે સમતા જાળવી તેમણે મહિમા સ્વામીનો આશ્રય અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કર્યાં. ભીમા ભોઈના કડવા અનુભવોની છાપ તેમની રચનાઓમાં ઝિલાઈ. ક્યારેક એ રચનાઓમાં વિદ્રોહનો ધ્વનિ પણ સંભળાય છે. અલબત્ત, એમાં સમાજનાં સુધારણા અને કલ્યાણ માટેની નિસબત જોવા મળે છે.
‘સ્તુતિચિંતામણિ’ ભીમા ભોઈની પ્રમુખ કાવ્યરચના છે. તેમાં 100 બોલીઓ (એક સર્ગ અથવા છંદ) છે. દરેક બોલીમાં 2-2 પંક્તિઓના 20 છંદ હોય છે. ‘સ્તુતિચિંતામણિ’માં એવા હજાર છંદનું સંકલન છે.
‘સ્તુતિચિંતામણિ’માં સરળ ભાષામાં માનવમનનો તીવ્ર ભાવાવેશ પ્રગટ થયો છે. તે રચના કૃત્રિમતાથી અને અલંકરણથી મુક્ત હોવાથી હૃદયસ્પર્શી બની છે. અન્ય રચના ‘બ્રહ્મ-નિરૂપણગીતા’માં ભીમા ભોઈએ બ્રહ્મની પ્રકૃતિના ગુણોની વ્યાખ્યા કરી છે. ‘અષ્ટકબિહારી ગીતા’માં તેમણે સંપૂર્ણ માનવતાનો મહિમા કરતાં સાદગીમય પવિત્ર જીવન ગાળવા તરફ અને હૃદય તથા મસ્તકને સંપૂર્ણ રીતે દૈવી ન્યાય-વિધાનને અનુકૂળ કરવા તરફ ભક્તોનું ધ્યાન ખેંચ્યું છે. ‘નિર્વેદ-સાધના’માં મહિમા સ્વામી અને ગોવિંદબાબાની વચ્ચેના મહિમા ધર્મના મૂળ સિદ્ધાંત અંગેના સંવાદોને કાવ્ય રૂપે મૂક્યા છે. ‘ચૌતીસા મધુચક્ર’ રચનામાં ઊડિયા અકારાદિ ક્રમમાં અને તેનાથી વિપરીત ક્રમમાં કાવ્યપંક્તિઓની ગોઠવણ થઈ છે. તેમાં નાવાક્ષરી છંદ છે. એમાં મહિમા ધર્મની સંકલ્પના, કલિયુગનો અંત, વ્યક્તિ અને આત્માની મુક્તિ તેમજ સમાજના પુનરુત્થાનના વિષયો રજૂ થયા છે. ‘આદિ અંત ગીતા’ સંપૂર્ણતયા સૈદ્ધાંતિક કૃતિ છે; તેમાં શરીરનાં રહસ્યોનું તાત્ત્વિક સ્વરૂપમાં વિશ્લેષણ કરેલું છે.
સોનલ મણિયાર