ભેદાભેદ(વાદ)

January, 2001

ભેદાભેદ(વાદ) : બ્રહ્મ અને જીવ વચ્ચે દ્વૈત અને અદ્વૈત બંને હોવાનું માનતા નિમ્બાર્કનો વેદાન્તનો મત. વેદાન્ત તત્વજ્ઞાનની પરંપરાના આચાર્યો, બ્રહ્મ અને જીવના સંબંધ વિશે એકમત નથી. કેવલાદ્વૈતવાદી શંકરાચાર્ય(ઈ. સ. 788–820) જીવ અને બ્રહ્મ વચ્ચે સંપૂર્ણ અભેદ માને છે. અવિદ્યાને કારણે જીવ અને બ્રહ્મ વચ્ચે ભેદ ભાસે છે. બીજી બાજુ, દ્વૈતવાદી મધ્વાચાર્ય (ઈ. સ. ચૌદમી સદી) બ્રહ્મ અને જીવને સંપૂર્ણત: ભિન્ન માને છે. આ બંને છેડાઓની વચ્ચે, ભાસ્કરાચાર્ય, નિમ્બાર્કાચાર્ય (અનુક્રમે ઈ. સ. અગિયારમી સદી અને ચૌદમી સદી) જેવા આચાર્યો બ્રહ્મ અને જીવની વચ્ચેના સંબંધ અંગે ભેદાભેદને સ્વીકારે છે. સમુદ્ર અને તેનો તરંગ એ બંને સંપૂર્ણત: ભિન્ન નથી અને સંપૂર્ણત: અભિન્ન પણ નથી. તરંગ એ સમુદ્ર નથી; છતાં સમુદ્ર ઉપર જ આધારિત હોવાથી તરંગ, સમુદ્રથી ભિન્ન પણ નથી. આમ, બ્રહ્મ અને જીવ વચ્ચે ભેદ(=દ્વૈત) અને અભેદ(=અદ્વૈત) બંનેને સ્વીકારનારા વાદને (ભેદ+અભેદ=) ભેદાભેદ અથવા (દ્વૈત+અદ્વૈત=) દ્વૈતાદ્વૈત કહે છે.

ભેદાભેદભાવનું વ્યવસ્થિત પ્રતિપાદન ભલે નિમ્બાર્કાચાર્યે કર્યું હોય; પરંતુ આ વાદ ઘણા પ્રાચીન સમયથી પ્રચલિત હોય તેમ જણાય છે. ઈ. સ.ની પ્રથમ સદીની આસપાસ રચાયેલાં, બાદરાયણનાં બ્રહ્મસૂત્રોમાં ભેદાભેદવાદમાં માનનારા આચાર્યોના નિર્દેશો મળે છે. બ્ર. સૂ. 1-4-20માં આશ્મરથ્ય નામના આચાર્યનો મત આપેલો છે. આ સૂત્ર ઉપરના શાંકરભાષ્યની રત્નપ્રભા ટીકા નોંધે છે કે ‘‘જીવ-બ્રહ્મની વચ્ચે ભેદ-અભેદ હોવાથી.’’ બ્ર. સૂ. 1-4-21 ઉપરના શાંકર-ભાષ્યની રત્નપ્રભા ટીકામાં ગોવિન્દાનન્દ લખે છે : ‘‘સંસાર સાચો લાગે ત્યાં સુધી બ્રહ્મ-જીવ વચ્ચે ભેદ; અને મુક્તિની અવસ્થામાં બ્રહ્મ-જીવનો અભેદ થાય છે.’’ એવો ઔડુલોમિનો મત છે. બ્ર. સૂ. 1-4-22માં કાશકૃત્સ્ન આચાર્યનો મત છે. આ સૂત્ર ઉપરની શાંકરભાષ્ય ટીકા રત્નપ્રભા નોંધે છે કે ધર્મવાળા જીવ-પદાર્થ વિશે, બીજા ધર્મીરૂપ પદાર્થ બ્રહ્મનું ગ્રહણ કર્યા વિના જ, બ્રહ્મના ધર્મનું વર્ણન કરવું એ વસ્તુ, ભેદાભેદમાં બંને ધર્મીઓના ગ્રહણને સૂચિત કરી દે છે એમ માનવું (જીવના વર્ણનમાં બ્રહ્મના ધર્મો પણ વર્ણવાય, કારણ કે બંને વચ્ચે ભેદાભેદ છે.). આવો જ મત, નિમ્બાર્કાચાર્યના શિષ્ય શ્રીનિવાસાચાર્ય ‘વેદાન્તપારિજાતસૌરભ’ નામના નિમ્બાર્ક-ભાષ્ય ઉપરની ‘વેદાન્તકૌસ્તુભ’ ટીકામાં આપે છે. આ રીતે આશ્મરથ્ય, ઔડુલોમિ અને કાશકૃત્સ્ન – એ ત્રણ મુનિઓના મત દ્વારા, પ્રસંગ આવતાં, સૂત્રકાર બાદરાયણે ભેદાભેદનો પ્રકાર દર્શાવી દીધો છે.

વળી, બાદરાયણનાં બ્રહ્મસૂત્રોમાંથી શંકરાચાર્ય કેવલાદ્વૈતને તારવે છે. રામાનુજાચાર્ય વિશિષ્ટાદ્વૈતને, વલ્લભાચાર્ય શુદ્ધાદ્વૈતને બ્રહ્મસૂત્રમાં પ્રતિપાદિત માને છે. બાદરાયણને વસ્તુત: કયો મત અભિપ્રેત હશે તે આજે નક્કી કરવું મુશ્કેલ છે. ઉપર નોંધ્યું તેમ, ભાસ્કરાચાર્ય અને નિમ્બાર્કાચાર્ય માને છે કે બ્રહ્મસૂત્રમાં ભેદાભેદ અભિપ્રેત છે; પરંતુ, રસપ્રદ વાત તો એ છે કે કેટલાક પ્રસિદ્ધ અર્વાચીન વિદ્વાનો બ્રહ્મસૂત્રને અભિપ્રેત મત ભેદાભેદ છે એમ માને છે. પૅરિસ યુનિવર્સિટીમાં તૈયાર કરેલા બ્રહ્મસૂત્ર-ભાષ્યોના તુલનાત્મક અધ્યયન વિશેના, પીએચ.ડી. થીસિસ(‘The Vedanta’)માં સૂત્રકાર બાદરાયણને અભિપ્રેત મત તારવીને શ્રી વી. એસ. ઘાટે નિર્ણય રૂપે જણાવે છે કે જીવ બ્રહ્મની સાથે તદ્દન અભિન્ન નથી; તેમ પૂર્ણત: ભિન્ન નથી; ભેદાભેદનો સંબંધ છે. વળી, સુરેન્દ્રનાથ દાસગુપ્ત લખે છે કે બાદરાયણનું તત્વજ્ઞાન ભેદાભેદવાદના કોઈક પ્રકારનું હતું.

શંકરાચાર્યની પૂર્વે ભર્તૃપ્રપંચ નામના વિદ્વાન ભેદાભેદવાદના પક્ષપાતી હતા. બૃહદારણ્યક (4-3-24થી 30) ઉપરના ભાષ્યમાં શંકરાચાર્ય, ‘આ વિષયમાં કેટલાક કહે છે’ એમ કહીને ભર્તૃપ્રપંચનો મત ટાંકે છે. તે મતાનુસાર, આત્મારૂપ વસ્તુ એવી છે કે જે પોતાની મેળે એકરૂપ અને ભિન્નરૂપ બને છે. વળી યાદવપ્રકાશ (ઈ.સ.ની અગિયારમી સદી) પણ ભેદાભેદવાદના સમર્થક હતા. તેમણે બ્રહ્મસૂત્ર અને ગીતા ઉપર ભેદાભેદવાદસંમત ભાષ્યો લખ્યાં. તે સમયે ભાસ્કરાચાર્યે બ્રહ્મસૂત્ર ઉપર ભાષ્ય રચીને ભેદાભેદવાદનું પ્રતિપાદન કર્યું.

આ મત પ્રમાણે, બ્રહ્મ અને જીવ વચ્ચે ભેદ કોઈક ઉપાધિને લીધે થાય છે. (આકારની ઉપાધિથી કુંડલ, હાર ભિન્ન બને, પરંતુ, સુવર્ણ તરીકે અભિન્ન ગણાય તેમ); પરંતુ, બ્રહ્મ-જીવ વચ્ચે અભેદ વાસ્તવિક છે : કારણ સ્વરૂપની ર્દષ્ટિએ અભેદ અને કાર્યસ્વરૂપની ર્દષ્ટિએ ભેદ. પરમાત્મા કારણ છે, જીવ કાર્ય છે (ભાસ્કરભાષ્ય બ્ર. સૂ. 1-1-4).

લગભગ ઈ. સ.ની ચૌદમી સદીમાં નિમ્બાર્કાચાર્યે બ્રહ્મસૂત્ર ઉપર ‘વેદાન્ત-પારિજાત-સૌરભ’ નામનું ભાષ્ય રચ્યું. તેમાં તેમણે ભેદાભેદવાદનું પ્રતિપાદન કર્યું. નિમ્બાર્કાચાર્યના મતે, જીવ-બ્રહ્મ વચ્ચે ભેદ અને અભેદ બંને વાસ્તવિક છે. ચિંતવી ન શકાય તેવી અનેક શક્તિઓવાળા ભગવાન જીવ-જગતથી ભિન્ન અને અભિન્ન સ્વરૂપે રહેલા છે (બ્ર. સૂ. 1-1-4 ઉપર નિમ્બાર્કભાષ્ય). જેમ સમુદ્ર અને તરંગની વચ્ચે અથવા સૂર્ય અને તેના પ્રકાશની વચ્ચે ભેદ અને અભેદ બંને વાસ્તવિક છે તેમ બ્રહ્મ અને જીવની વચ્ચે ભેદ અને અભેદ બંને વાસ્તવિક છે (બ્ર. સૂ. 2-1-13 ઉપર, નિમ્બાર્કાચાર્યનું વેદાન્ત-પારિજાત-સૌરભ ભાષ્ય). વળી, આ મત પ્રમાણે, સાપ અને ગૂંચળાના આકારમાં સાપનું હોવું – એ બંને ભિન્ન પણ છે અને અભિન્ન પણ છે તેમ, મૂર્ત અને અમૂર્ત પદાર્થોવાળું જગત બ્રહ્મથી ભિન્ન છે અને અભિન્ન પણ છે (વે. પારિ. સૌ. ભાષ્ય, બ્ર. સૂ. 3-2-27).

પુરુષના એક પાદ(=અંશ)માંથી જગત ઉત્પન્ન થયું એમ વર્ણવતા પુરુષસૂકત (ઋગ્વેદ 10–90)માં ભેદાભેદવાદનાં બીજ છે. વળી, પરા અને અપરા પ્રકૃતિવાળા ભગવાનને (ગીતા 7–4, 5) અને ક્ષર અને અક્ષર પુરુષોની સાથે પુરુષોત્તમને (ગીતા 15–16, 17) વર્ણવતી શ્રીમદભગવદગીતામાં ભેદાભેદવાદ અભિપ્રેત છે એમ કેટલાક માને છે.

આમ, ભારતીય તત્વજ્ઞાનમાં ભેદાભેદવાદની પ્રતિષ્ઠા પ્રાચીન કાલથી થયેલી જણાય છે.

લક્ષ્મેશ વ. જોશી