ભેદભાવ (ભેદભાવયુક્ત વ્યવહાર) (discrimination)

January, 2001

ભેદભાવ (ભેદભાવયુક્ત વ્યવહાર) (discrimination) : જે લોકો ખરેખર સમાન છે અને જેમને સમાન ગણવા જોઈએ એમના પ્રત્યેનો અસમાન વર્તાવ. અપ્રસ્તુત કારણો આપીને કે ગેરવાજબી અવરોધો સર્જીને લોકોને સરખી તક કે સરખા હક આપવાનો ઇનકાર કરવો એ ભેદભાવયુક્ત વ્યવહાર છે.

બધી વ્યક્તિઓ કે બધાં જૂથો તરફ સમષ્ટિ અને સમભાવ રાખીને સમાન આચરણ કરવું એ ભારતમાં અને પશ્ચિમના દેશોમાં આદર્શ ગણાયો છે. ભેદભાવ આચરનાર વ્યક્તિઓ આ આદર્શને ફગાવી દે છે. તેઓ સમાજના પસંદ કરેલા લોકોને અન્ય લોકો કરતાં (અયોગ્ય રીતે) વધારે હકો અને લાભો, જ્યારે અણગમતા લોકોને ઓછા હકો અને લાભો આપે છે તેમજ તેમને માટે વધારે મુશ્કેલીઓ અને ત્રાસ સર્જે છે.

કોઈ વિશિષ્ટ વ્યક્તિ પ્રત્યેનું અસમાન આચરણ વ્યક્તિગત ભેદભાવ ગણાય. સમાજનાં ચોક્કસ જૂથો પ્રત્યેનું અસમાન આચરણ જૂથગત ભેદભાવ ગણાય.

ભેદભાવ વિધાયક અથવા નિષેધક હોઈ શકે. ભારતમાં પછાત ગણાયેલા વર્ગોને આર્થિક-સામાજિક રીતે અન્ય વર્ગોની હરોળમાં લાવવા માટે નોકરી વગેરેમાં અનામતની કાનૂની જોગવાઈને વિધાયક ભેદભાવ કહી શકાય. હેતુપૂર્વક અને યોજનાપૂર્વક ચોક્કસ લોકોની પ્રગતિને રોકવાનો, તેમને પાછળ ધકેલવાનો કે હેરાન કરવાનો પ્રયત્ન કરવો એ નિષેધાત્મક ભેદભાવ કહી શકાય.

ભેદભાવયુક્ત વ્યવહાર પ્રગટ રીતે અથવા સૂક્ષ્મ કે છૂપી રીતે પણ થતો હોય છે.

વ્યક્તિગત ભેદભાવ : પુનર્લગ્ન કરનારાં કેટલાંક માતાપિતા સાવકાં સંતાનો પ્રત્યે વધારે કઠોર અને અન્યાયભર્યું વર્તન કરતાં હોય છે. પુનર્લગ્ન વિનાનાં કુટુંબોમાં પણ કેટલીક વાર સૌથી નાના (અથવા સૌથી મોટા) સંતાન તરફ પક્ષપાત રાખીને એને વધારે સાધનસામગ્રી, વધારે સગવડો અને છૂટછાટો આપવામાં આવે છે. ઘણાં કુટુંબોમાં દીકરા કરતાં દીકરીને ઓછી તકો અને ઓછી સ્વાયત્તતા આપવામાં આવે છે. કેટલાંક કુટુંબોની વડીલ મહિલા પોતાની પુત્રી પ્રત્યે પક્ષપાત અને દીકરાની વહુ પ્રત્યે પૂર્વગ્રહયુક્ત વર્તાવ કરે છે.

શિક્ષણ-સંસ્થાઓમાં કેટલાક શિક્ષકો પોતાના પ્રિય વિદ્યાર્થીને ખાસ લાભો આપે છે, જ્યારે બીજા વિદ્યાર્થીઓને સતત અન્યાય કરતા રહે છે. કચેરીઓમાં અને જાહેર તેમજ ખાનગી ઉદ્યોગધંધાઓમાં પણ કેટલાક અધિકારીઓ હાથ નીચેના કર્મચારીઓ પ્રત્યે અન્યાયી વર્તાવ કરે છે. મોટેભાગે તેઓ વિધાયક કે નિષેધાત્મક ભેદભાવ કરતા હોય છે. રાજકારણ, મનોરંજન અને રમતગમતના ક્ષેત્રે પણ વ્યક્તિની ખરેખરી કાર્યક્ષમતા અને સિદ્ધિઓની ઉપેક્ષા કરી બીજી ગણતરીઓને આધારે જ તેને લાભ આપવામાં આવે છે અથવા તેમાંથી તેમને વંચિત રાખવામાં આવે છે.

જૂથગત ભેદભાવ : વિવિધ દેશોમાં જાતજાતના જૂથગત ભેદભાવ જોવા મળે છે. મોટેભાગે સ્ત્રીઓ, બાળકો, વૃદ્ધો, વંશીય અને ધાર્મિક તેમજ પ્રાદેશિક ભાષાકીય લઘુમતીઓ, પછાત વર્ગો, વિકલાંગ વ્યક્તિઓ અને કદરૂપા દેખાવવાળા લોકો નિષેધાત્મક ભેદભાવનો ભોગ બનતા હોય છે. કેટલાક પશ્ચિમના દેશોમાં આર્ય વંશ, મૉંગોલ વંશ અને હબસી વંશના લોકો પ્રત્યે નિષેધાત્મક ભેદભાવ રાખવામાં આવે છે. અમેરિકામાં જુદા જુદા સમયે આઇરિશ, જર્મન, સ્કૅન્ડિનેવિયન, મૅક્સિકન, કે રેડ ઇન્ડિયનો પ્રત્યે આ પ્રકારનો ભેદભાવ આચરવામાં આવતો હતો. અભ્યાસ કે નોકરીધંધાની તકો પર પ્રતિબંધ મૂકીને, આર્થિક શોષણ કરીને, અમુક જ સ્થળે નિવાસની ફરજ પાડીને, જાહેર વાહનોના ઉપયોગ કે ખાનપાન અને મનોરંજનનાં સ્થળોએ પ્રવેશ સામે પ્રતિબંધ મૂકીને કે રાજકીય અધિકારો પર કાપ મૂકીને ભેદભાવ કરવામાં આવે છે.

થોડા દાયકા પૂર્વે પશ્ચિમના દેશોમાં પણ સ્ત્રીઓને (લાયક હોય તોપણ) ઉચ્ચ પ્રકારની નોકરી મળતી નહોતી, રાજકીય ઊંચા હોદ્દા અપાતા નહોતા અને તેમને પુરુષો કરતાં મહેનતાણું પણ ઓછું અપાતું હતું. ઘણા દેશોમાં સ્ત્રીઓને લાંબા સમય સુધી મતદાનના અધિકારમાંથી વંચિત રાખવામાં આવી હતી.

ઘણી જગ્યાઓએ વૃદ્ધો, શારીરિક ખોડવાળા લોકો અને ખરાબ ચહેરાવાળા લોકો સૂક્ષ્મ ભેદભાવનો ભોગ બનતા હોય છે. તેમણે પોતાના ઘરમાં જ પોતાનાં પુખ્ત બનેલાં સંતાનોનો કે અન્ય સગાંસંબંધીઓનો રોફ સહન કરીને તેમના ઓશિયાળા થઈને રહેવું પડે છે. આવી વ્યક્તિઓ અલગ રહે તો તેઓ આજના ધમાલિયા જીવનની સમસ્યાઓને પહોંચી વળી શકતી નથી. કેટલીક વાર માર્ગો, મકાનો અને જાહેર સ્થળોની રચના એવી રીતની હોય છે કે ત્યાં વૃદ્ધો, બાળકો કે વિકલાંગોએ કોઈની મદદ વિના પ્રવેશવું લગભગ અશક્ય બની જાય.

ભેદભાવયુક્ત વ્યવહારના ઉદભવ માટે ‘સ્વકીય જૂથ’ અને ‘પરકીય જૂથ’ના સંકુચિત ખ્યાલો વર્ચસવૃત્તિ, મિથ્યાભિમાન, અન્ય જૂથો વિશેની ખોટી રૂઢ માન્યતાઓ, પૂર્વગ્રહો, વિવિધ જૂથો વચ્ચેનું મન:સામાજિક અંતર, અન્ય જૂથો પ્રત્યેની અદેખાઈ અને અસહિષ્ણુતા વગેરે જવાબદાર હોય છે.

ભેદભાવભર્યા વ્યવહારને અંકુશમાં લેવા માટે સમાજમાં એકતા અને ભાઈચારા માટે પ્રયત્નો કરવા, સંસ્થાઓમાં વિવિધ જૂથોની વ્યક્તિઓ પ્રત્યે તટસ્થ અને સમતોલ વ્યવહારનો અમલ કરાવવો, નાગરિક અધિકારની ચળવળ ચલાવવી, સમાન વ્યવહાર માટેના સરકારી કાનૂનોનો કડક અમલ કરાવી તેમના ભંગ માટે આકરી સજા કરવી, ઉચ્ચ અદાલતો પાસેથી અધિકારોના રક્ષણ માટે દાદ માંગવી વગેરે ઉપાયો સૂચવવામાં આવે છે.

અહીં એ ખાસ નોંધનીય છે કે વ્યક્તિગત ભિન્નતા અને ભેદભાવયુક્ત વર્તન વચ્ચે તફાવત પાડવો જરૂરી છે. દરેક વ્યક્તિ અજોડ અને અન્યથી ભિન્ન છે. દરેક વ્યક્તિની શક્તિઓ અને અભિયોગ્યતામાં પણ તફાવત હોય છે. આ તફાવતનો સ્વીકાર કરવા માત્રથી ભેદભાવયુક્ત વર્તન થતું નથી. જ્યારે વ્યક્તિગત તફાવતોમાં શ્રેણીક્રમ (heirarchy) સ્થાપી, વ્યક્તિને વિકાસની સમાન તકોથી વંચિત રાખવામાં આવે ત્યારે તે ભેદભાવયુક્ત વર્તાવ બને છે. સમાનતા (equality) અને સમતા (equity) વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરવો જરૂરી છે. ભેદભાવનાબૂદી માટે એવી સમતા-સમાનતા અપેક્ષિત નથી કે જેમાં લાયકાતો, ગુણવત્તા, સિદ્ધિઓ કે વિશિષ્ટ શક્તિઓની અવગણના હોય ! ભેદભાવનાબૂદીના પાયામાં ન્યાયનો–સામાજિક ન્યાયનો ખ્યાલ સંકળાયેલો છે. ભેદભાવનાબૂદી માટેની અનામત કે તેના જેવી કોઈ પણ વ્યવસ્થા એવી ન હોવી ઘટે કે જે પ્રતિભેદભાવ(reverse discrimination)માં પરિણમે.

ચંદ્રાંશુ ભાલચંદ્ર દવે