ભેજ (humidity) : વાતાવરણમાં પાણીના બાષ્પની સાંદ્રતા. વાતાવરણનો ભેજ વાતાવરણમાં રહેલ જલબાષ્પ સાથે સંબંધ ધરાવે છે. વાતાવરણમાં જલબાષ્પનું પ્રમાણ અત્યંત પરિવર્તનીય હોય છે. અને હવામાનની જુદી જુદી પરિસ્થિતિ માટે તે કારણભૂત હોય છે. સૂર્ય અને પૃથ્વી દ્વારા ઉત્સર્જિત થતા ઉષ્માકીય પાર-રક્ત વિકિરણ- (thermal infra-red radiation)નું શોષણ કરીને જલબાષ્પ હવાનું તાપમાન નિયંત્રિત કરે છે. આ ઉપરાંત વાતાવરણમાં જલબાષ્પનું પ્રમાણ વધારે હોય ત્યારે હવામાનનાં તોફાનો પેદા થવા માટે જરૂરી ગુપ્ત ઉષ્ણતા-શક્તિ (latent heat energy) પણ વધારે પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે.

જુદા જુદા તાપમાને વાતાવરણની જલબાષ્પ સંગ્રહ કરવાની ક્ષમતા જુદી જુદી હોય છે. કોઈ પણ તાપમાને જલબાષ્પની મહત્તમ શક્ય માત્રા માટે જલબાષ્પનું જે દબાણ હોય તેને સંતૃપ્ત જલબાષ્પ દબાણ (saturated vapour pressure) કહેવાય છે. સંતૃપ્ત હવામાં જો વધારે જલબાષ્પ ઉમેરવામાં આવે તો એ જલબાષ્પ પાણીના બિંદુના રૂપમાં ઠરી જાય છે. કોઈ પણ તાપમાને જલબાષ્પના વાસ્તવિક દબાણ અને તે તાપમાને સંતૃપ્ત જલબાષ્પ દબાણના ગુણોત્તરને સાપેક્ષ ભેજ (relatitve humidity) કહેવાય છે. સહરા અને મેક્સિકોના રણ-પ્રદેશોની હવામાં અર્દશ્ય જલબાષ્પના રૂપમાં ઘણો ભેજ હોય છે; પરંતુ, અત્યંત ઊંચા તાપમાનને કારણે ત્યાં સાપેક્ષ ભેજ બહુ ઓછો હોય છે. આનાથી વિરુદ્ધ, અતિ ઉચ્ચ અક્ષાંશો પર તાપમાન નીચું હોવાથી ત્યાંની હવામાં ભેજનું નિરપેક્ષ પ્રમાણ ઓછું હોવા છતાં ઘણી વાર હવા સંતૃપ્ત હોય છે.

પ્રકાશચંદ્ર ગોવર્ધન જોશી

અનુ. પરંતપ પાઠક