ભૂવિક્ષેપી પવન (geostrophic wind) : સૈદ્ધાંતિક ર્દષ્ટિએ આદર્શ ગણાતા  વાતાવરણના આ પવનો છે. પૃથ્વીની ચક્રગતિની અસરથી ‘કોરિયોલિસ’ બળ નામનું આભાસી બળ પેદા થાય છે. ચક્રગતિના અસરકારક વધારા સાથે ‘કૉરિયૉલિસ’ બળમાં વધારો થાય છે. વિષુવવૃત્ત ઉપર આ બળ શૂન્ય હોય છે અને ધ્રુવો ઉપર મહત્તમ હોય છે. ‘કૉરિયૉલિસ’ બળને લીધે પવનની દિશા દબાણના તફાવતની દિશામાં નથી હોતી, પરંતુ તેને કાટખૂણે હોય છે. આથી સમતુલનની પરિસ્થિતિમાં પવનની દિશા સમદાબ રેખાઓની સમાંતરે હોય છે અને અપેક્ષા પ્રમાણે તેને કાટખૂણે હોતી નથી. ઘર્ષણથી પેદા થતી અસરોને લીધે પવનની દિશા સમદાબ રેખાઓને સમાંતર ન રહેતાં બદલાય છે. ‘કૉરિયૉલિસ’ બળની બીજી એક વિશિષ્ટતા એ છે કે તેને લીધે ઉત્તર ગોળાર્ધમાં પવન જમણી બાજુ તરફ ફંટાય છે અને દક્ષિણ ગોળાર્ધમાં ડાબી બાજુએ. આ રીતે દબાણના તફાવતથી લાગતું બળ અને ‘કૉરિયૉલિસ’ બળ જ્યારે એકબીજાં સાથે સમતુલનમાં હોય ત્યારે પેદા થતા પવનને ભૂવિક્ષેપી પવન કહે છે.

ભૂવિક્ષેપી પવનની ધારણા (approximation) મધ્ય અક્ષાંશો માટે લાગુ પડે છે, પરંતુ વિષુવવૃત્તની નજીક અને ઉષ્ણ કટિબંધના વિસ્તારમાં આ ધારણા ચોક્કસ રીતે સાચી નથી; કારણ કે ‘કૉરિયૉલિસ’ બળ ઓછું હોય છે. હવામાનની આગાહી કરવા માટે ભૂવિક્ષેપી પવનની સંકલ્પના (concept) ઉપયોગી છે. કારણ કે પવન અને દબાણનાં અવલોકનો જ્યારે અપૂરતાં હોય છે ત્યારે તેની મદદથી પવનની વહનરેખા (wind streamlines) અને સમદાબ રેખાઓના નકશા તૈયાર કરવામાં અનુકૂળતા રહે છે.

પ્રકાશચંદ્ર ગોવર્ધન જોશી

અનુ. પરંતપ પાઠક