ભૂવિદ્યાઓ (Earth Sciences) : પૃથ્વી સાથે સંલગ્ન વિવિધ વિજ્ઞાનશાખાઓ. ઘનસ્વરૂપ પૃથ્વી (શિલાવરણ), પ્રવાહી સ્વરૂપ સમુદ્ર–મહાસાગરો (જલાવરણ) અને વાયુસ્વરૂપ વાતાવરણ સાથે સંકળાયેલાં વિજ્ઞાન. આ વિભાગોનાં ઇતિહાસ, રાસાયણિક બંધારણ, ભૌતિક લાક્ષણિકતાઓ અને વલણના અભ્યાસ સાથે સંબંધ ધરાવતી વિજ્ઞાનશાખાઓને ભૂવિદ્યાઓ કહે છે. ઉપર્યુક્ત ત્રણ વિભાગોની ઘન, પ્રવાહી અને વાયુ એ મુજબની ત્રણ સ્થિતિ હોવાથી ભૂવૈજ્ઞાનિકે તેમના આંતરસંબંધોમાંથી ઊભી થતી સમસ્યાઓના ઉકેલ માટે અન્વેષણો કરવાનાં રહે છે. ભૂવિદ્યાઓમાં મુખ્યત્વે ભૂસ્તરશાસ્ત્ર, ભૂરસાયણશાસ્ત્ર અને ભૂભૌતિકશાસ્ત્રનો સમાવેશ કરવામાં આવે છે અને આ ત્રણેય શાખાઓ પૃથ્વીના ઘન-વિભાગ સાથે વધુ સંબંધિત ગણાય છે.

ભૂસ્તરશાસ્ત્રની વિજ્ઞાનશાખા પૃથ્વીનાં દ્રવ્યોના પ્રકાર અને તેમની ઉત્પત્તિ-પ્રક્રિયાઓ સાથે મહદ્અંશે સંકળાયેલી છે. પૃથ્વીના ઉત્પત્તિકાળથી આજ સુધી કઈ કઈ ઘટનાઓ બની, તેમના આંતરસંબંધો કેવા રહ્યા, દ્રવ્યો પર શી અસરો પડી, તેમાંથી ઉદભવેલાં પેટાળનાં અને ભૂપૃષ્ઠનાં લક્ષણો આજે કયા સ્વરૂપે દેખાય છે વગેરે સમસ્યાઓ આ વિજ્ઞાનશાખાની ક્ષેત્રમર્યાદામાં આવે છે. આથી ભૂસ્તરશાસ્ત્રી ખનિજો, ખડકો, ધાતુખનિજ-નિક્ષેપો, ખનિજ-ઇંધનો અને જીવાવશેષોનો અભ્યાસ કરે છે; એટલું જ નહિ, આ દ્રવ્યપ્રકારો પર લાંબા ગાળાની પાર્થિવ, જલાવરણીય તથા વાતાવરણીય અસરો શી થાય છે તેનો પણ અંદાજ મેળવે છે. આજે પ્રવર્તમાન પ્રક્રિયાઓ અને તેમની અસરો પરથી ભૂસ્તરીય અતીતના ઇતિહાસની પણ ઝાંખી મેળવે છે અને ઘટેલી ઘટનાઓને મૂલવે છે.

ભૂરસાયણશાસ્ત્ર પૃથ્વીના દ્રવ્યબંધારણનો ખ્યાલ મેળવી આપે છે, પૃથ્વીની ઉત્પત્તિથી માંડીને આજ સુધીના કાળગાળા દરમિયાન દ્રવ્ય અન્યોન્ય કઈ રીતે વર્ત્યું હશે તે તેમાં થયેલી અસરો પરથી જાણી શકાય છે; જેમ કે, કિરણોત્સારી દ્રવ્યોનાં પ્રકાર, પ્રકૃતિ અને વલણના અભ્યાસ પરથી તે કેટલું  જૂનું છે, કેટલી ઊર્જા તેણે મુક્ત કરી, તેનો તાગ મેળવી શકાય છે. ખનિજો-ખડકોનાં રાસાયણિક બંધારણો પણ જાણી શકાય છે.

ભૂભૌતિકશાસ્ત્ર પૃથ્વીમાં રહેલાં દ્રવ્યોની ભૌતિક લાક્ષણિકતાઓ અને પૃથ્વીના સમગ્ર સંકુલના ગતિવિષયક (ભૂસંચલન) વલણ સાથે સંકળાયેલું વિજ્ઞાન છે. કુદરતી ઘટનાઓને સ્પર્શતી જુદી જુદી જટિલ સમસ્યાઓને પણ તે સાંકળી લે છે; જેમ કે, ભૂકંપો, જ્વાળામુખી પ્રક્રિયાઓ અને ગિરિનિર્માણક્રિયાઓનો અભ્યાસ પૃથ્વીના પેટાળનાં બંધારણ અને સંરચનાઓની સમજ આપે છે, પૃથ્વી સ્વયં એક ઉષ્માવાહક એંજિન હોવાની રજૂઆત કરે છે; ચુંબકીય ક્ષેત્રનો અભ્યાસ પૃથ્વી એક સ્વયંસંચાલિત અને સ્વયં જળવાતો રહેલો ડાયનેમો હોવાની પણ રજૂઆત કરે છે.

હવામાનશાસ્ત્ર વાતાવરણના ઘટકોનો ખ્યાલ આપે છે, જેમાં ભૌતિક, રાસાયણિક અને જૈવિક લક્ષણોનો સમાવેશ થઈ જાય છે. હવામાનશાસ્ત્રી માત્ર ઘટકો જાણીને સંતોષ માની લેતો નથી; તેનો તાગ મેળવી જરૂરી આગાહી પણ કરે છે. આ સાથે અવકાશશાસ્ત્રને પણ અમુક પ્રમાણમાં સાંકળી લઈ શકાય, અવકાશીય પરિસ્થિતિમાં શું શું કરવું જોઈએ તેની જાણકારી મળી રહે છે. ભૂમિ અને જલાવરણ પર પડતી વાતાવરણની અસરોનો અભ્યાસ પણ આ રીતે ભૂવિદ્યાનો જ ભાગ બની રહે છે.

સમુદ્રો અને મહાસાગરો, તેમનો ઇતિહાસ, તેમનાં સ્થાનભેદે બંધારણ, તેમનાં ભૌતિક લક્ષણો અને તેમાંની જીવનસૃષ્ટિનો અભ્યાસ પણ ભૂવિદ્યાનો જ ભાગ ગણાય. તેમાં રહેલી મધ્ય મહાસાગરીય ડુંગરધારો, ખાઈઓ, જળનિમ્ન પર્વતો અને ઉચ્ચસપાટપ્રદેશો, દ્વીપચાપો, જ્વાળામુખી પ્રક્રિયાઓ વગેરે ભૂસ્તરીય લક્ષણો જ છે. બીજા વિશ્વયુદ્ધ બાદ સમુદ્ર-મહાસાગરતલીય લક્ષણોની જાણકારી સારા પ્રમાણમાં મેળવી શકાઈ છે, જરૂરી સાધનો વિકસાવાયાં છે અને હજી આજે પણ સંશોધનો ચાલુ છે.

ટૂંકમાં, ‘ભૂવિદ્યાઓ’ જેવો શબ્દપ્રયોગ ભૂસ્તરશાસ્ત્ર, ભૂરસાયણશાસ્ત્ર, ભૂભૌતિકશાસ્ત્ર, હવામાનશાસ્ત્ર, મહાસાગરીય વિજ્ઞાન જ નહિ, ભૌગોલિક પરિસ્થિતિ, ભૂગતિવિજ્ઞાન, ખગોલીય વિજ્ઞાનને આવરી લેતું અને અન્યોન્યના સંબંધોની માહિતીને સાંકળી લેતું વૈજ્ઞાનિક આંતરસંકલન છે.

ગિરીશભાઈ પંડ્યા