ભૂલે બિસરે ચિત્ર

January, 2001

ભૂલે બિસરે ચિત્ર (1959) : પ્રસિદ્ધ હિંદી નવલકથાકાર ભગવતીચરણ વર્માની બૃહદ્ નવલકથા. તેમાં 1850–1930ના સમયપટને આવરી લેતી 4 પેઢીઓની બદલાતી જીવનર્દષ્ટિની કથા છે. મુનશી શિવલાલનો પુત્ર જ્વાલાપ્રસાદ અંગ્રેજ કલેક્ટરની કૃપાથી નાયબ મામલતદાર બને છે, તો જ્વાલાપ્રસાદનો પુત્ર ગંગાપ્રસાદ સીધો નાયબ કલેક્ટર બની જાય છે. તેનો પુત્ર જ્ઞાન બધાથી જુદો પડી સ્વાતંત્ર્યસંગ્રામમાં ઝંપલાવી પરદેશી શાસનનો સીધો વિરોધ કરે છે. બદલાતાં માનવ-મૂલ્યો અને જીવનર્દષ્ટિ લેખકની ચિંતાનો વિષય છે.

5 ખંડમાં વિભાજિત નવલકથાના પહેલા બે ખંડમાં સામંતવાદી મનોવૃત્તિ અને નવોદિત નોકરશાહીનું ચિત્ર, ત્રીજામાં દિલ્હી દરબારનું ચિત્ર અને ચોથામાં ગાંધીવાદી આંદોલન સાથે સંકળાયેલી રાજકીય સમસ્યાઓનું ચિત્ર આલેખાયું છે. પાંચમા ખંડમાં વિલાસી ગંગાપ્રસાદના મૃત્યુ દ્વારા સામંતીય મનોવૃત્તિનો અંત સૂચવાયો છે. અહીં જુદા જુદા વર્ગ અને જાતિનાં પ્રતિનિધિ પાત્રો જેવાં કે કામવાસના અને ધનલાલસામાં નૈતિકતાને નેવે મૂકતા ઠાકુરો, સ્વાર્થી અને અહંકારી બ્રાહ્મણો, શોષણખોર વાણિયા, ખંધા કાયસ્થો, સંપત્તિ અને સત્તા માટે ઝઘડતા શાહુકારો અને જમીનદારો, સ્વાર્થવશ નૈતિક પતન નોતરતી સ્ત્રીઓ, સ્વાતંત્ર્યસંગ્રામમાં ઝુકાવતાં યુવક અને યુવતીઓ વગેરે તત્કાલીન યુગનો સાક્ષાત્કાર કરાવે છે. નિયતિવાદી નવલકથાકાર ભગવતીચરણ વર્મા મૂળે કથારસના માણસ છે. ‘માનવી પરિસ્થિતિઓનો દાસ છે’ એ એમનો મુખ્ય સૂર આ કૃતિમાં પણ પ્રગટ થયો છે.

બિંદુ ભટ્ટ