ભૂરાજકારણ : વિશ્વના રાજકીય વિકાસને તથા ઘટનાઓને ભૌગોલિક અર્થમાં – ભૂમિના સંદર્ભમાં સમજાવવાનો પ્રયાસ. ભૂરાજકારણના સિદ્ધાંતો અનુસાર વિશ્વ મર્યાદિત પ્રમાણમાં ભૂમિ ધરાવે છે અને તમામ દેશો ભૂમિ મેળવવા સ્પર્ધા અને સંઘર્ષ કરતા હોય છે. આથી ભૂરાજકારણની ર્દષ્ટિએ વિદેશનીતિ સૌથી મહત્વની બાબત છે. ભૂરાજકારણમાં ભૂગોળવિદો, ઇતિહાસકારો ને રાજ્યશાસ્ત્રીઓ વિદેશનીતિ પરના ભૂગોળના પ્રભાવનો અભ્યાસ કરે છે. જોકે વર્તમાન સમયમાં આ શબ્દનો ભાગ્યે જ પ્રયોગ થાય છે, કારણ ભૂરાજકારણ દ્વારા કોઈ એક રાજકીય ક્રિયા-પ્રક્રિયાને પૂર્ણ રીતે સમજી કે સમજાવી શકાતી નથી.

પ્રાચીન સમયમાં રોમન શાસક જુલિયસ સીઝર જે તે પ્રદેશની પ્રાકૃતિક સ્થિતિનો ખ્યાલ કરીને અન્ય પ્રદેશો પર આક્રમણ કરી વિજય મેળવતો. આમ તેની પ્રદેશવિસ્તારની નીતિમાં ભૌગોલિક પરિસ્થિતિનો મહદ્અંશે વિચાર કરવામાં આવતો.

મધ્યકાલીન યુગમાં આરબ ભૂગોળવેત્તાઓએ અગાઉના ગ્રીક અને રોમન વિદ્વાનોના ભૂરાજકીય વિચારોને સ્વીકારેલા. અનેક સદીઓના ગાળા પછી સૌપ્રથમ વાર જર્મનોએ ભૂરાજકારણ અને રાજકીય ભૂગોળને એક અલગ વિષયશાખા તરીકે સ્થાપી, તેમને ગતિશીલ વિજ્ઞાન રૂપે વિકસાવ્યાં. ઇમૅન્યુઅલ કાન્ટ, કાર્લ રીટર હમ્બોલ્ટ, રેટઝેલ, કાર્લ હાઉશૉફર વગેરે વિદ્વાનોનો જર્મન ભૂરાજકારણના વિકાસમાં નોંધપાત્ર ફાળો છે. જર્મન ભૂરાજ્યશાસ્ત્રી કાર્લ હાઉશૉફરે અન્ય કેટલાક રાજકીય સિદ્ધાંતો સાથે ભૂરાજકારણના સિદ્ધાંતો સાંકળી લીધા અને તેનું વિજ્ઞાન વિકસાવ્યું. જોકે અન્ય તજ્જ્ઞોની ર્દષ્ટિએ હાઉશૉફરે વિકસાવેલું ભૂરાજકીય વિજ્ઞાન કૃત્રિમ વિજ્ઞાન છે. હાઉશૉફરની મુખ્ય દલીલ એ હતી કે સમુદ્રી દેશોએ નવા દેશોને ‘જીવવા માટે ભૂમિ’ આપવી જોઈએ. ઍડૉલ્ફ હિટલરે હાઉશૉફરના આ સિદ્ધાંતો વ્યવહારમાં ઉતારી જર્મનીને લાભદાયી બને તે રીતે પ્રયોજ્યા અને એમ કરીને મૂળ સિદ્ધાંતોની દિશા પલટવા પ્રયાસ કર્યો.

ફ્રાંસમાં ભૂરાજકારણ વિષયને વધુ મહત્વ મળ્યું નહોતું. જર્મન અને ફ્રેંચ ભૂગોળવિદો વચ્ચે આ બાબતે મોટા મતભેદો પ્રવર્તતા હતા. ફ્રેંચ વિદ્વાનોનો અભિપ્રાય હતો કે અન્ય રાજ્યોને કચડી નાંખીને પોતાના રાજ્યનો વિસ્તાર વધારી સત્તા સ્થાપવી એ જ ભૂરાજકારણનો મુખ્ય હેતુ છે. આ માન્યતા સાથે તેમણે જર્મન ભૂરાજકારણને રાજ્યની વિસ્તારવાદી નીતિના રૂપમાં ખુલ્લું પાડ્યું. અન્સેલ, ગૉટમૅન જેવા તજ્જ્ઞોએ આ અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા.

સ્વીડિશ વિદ્વાન રુડોલ્ફ કેલને સૌપ્રથમ ભૂરાજકારણ શબ્દનો પ્રયોગ કર્યો. 1900માં અંગ્રેજ ભૂગોળવિદ્ હાફર્ડ મેકિન્ડરે ભૂરાજકારણના સિદ્ધાંતોને અદ્યતન બનાવ્યા અને મુખ્ય ભૂમિવિસ્તારો ધરાવતાં રાષ્ટ્રો વચ્ચે ચાલતા વિશ્વરાજકારણ પર ભાર મૂક્યો. યુરોપ-એશિયા અને આફ્રિકાના ભૂમિવિસ્તારોને તેમણે દુનિયાભરના ટાપુઓ (World Islands) તરીકે ઓળખાવ્યા. જર્મની અને રશિયા સહિતના યુરોપ અને એશિયાના કેંદ્રીય વિસ્તારો વિશ્વના હાર્દરૂપ પ્રદેશો છે અને આ હાર્દરૂપ પ્રદેશો પર જે દેશ પ્રભુત્વ ધરાવે તે વિશ્વસત્તા બની શકે એમ તેમનું મંતવ્ય છે. અન્ય અમેરિકન વિદ્વાન નિકોલસ સ્પાઇકેન ‘કાંઠાની ભૂમિ’ની વિચારધારાનો ખ્યાલ રજૂ કરી પશ્ચિમ યુરોપ, મધ્યપૂર્વ અને દક્ષિણ તથા પૂર્વ એશિયાને ‘કાંઠાની ભૂમિ’ ગણાવી તેના પરના પ્રભુત્વને અગત્યનું ગણે છે. આમ આંતરરાષ્ટ્રીય રાજકારણમાં પ્રભાવક્ષેત્રો નક્કી કરવામાં, રાષ્ટ્રીય હિતોને સલામતી પૂરી પાડવામાં અને રાજકીય ભૂમિકા ભજવવામાં ભૂરાજકારણ નિર્ણાયક ભાગ ભજવે છે.

નીતિન કોઠારી

રક્ષા મ. વ્યાસ