ભૂરાસાયણિક નિરીક્ષણ

January, 2001

ભૂરાસાયણિક નિરીક્ષણ (Geochemical Prospecting) : પૃથ્વીના પોપડાના ખડકોમાં ભંડારાયેલાં આર્થિક મહત્વ ધરાવતાં ખનિજોની ખોજ માટે કરવામાં આવતાં રાસાયણિક પૃથક્કરણો દ્વારા ઉપલબ્ધ ખનનયોગ્ય માહિતી મેળવવા માટેની પદ્ધતિ. હાથ પર લેવામાં આવતાં ખોજસંશોધનોમાં ભૂસ્તરીય અને ભૂભૌતિક નિરીક્ષણોની સાથે સાથે ભૂરાસાયણિક પદ્ધતિઓ પણ અખત્યાર કરવામાં આવે છે.

સોળમા સૈકામાં ખનિજીય ઝરાઓ અને ભૂગર્ભીય જળસંપત્તિ તેમજ ઔષધોમાં રાસાયણિક તત્વધારક ખનિજદ્રવ્ય રહેલું હોવાનું જાણવા મળવાથી પેટાળની ખનિજસંપત્તિ કઈ રીતે મેળવી શકાય એ હેતુથી વિવિધ રાસાયણિક ક્રિયા-પ્રક્રિયાઓનો ઉપયોગ થતો ગયો. 1930ના દશકામાં આ અંગે રશિયા અને સ્કૅન્ડિનેવિયાએ રસ દાખવ્યો. બીજા વિશ્વયુદ્ધ બાદ યુ.એસ., કૅનેડા, ગ્રેટ બ્રિટન તેમજ અન્ય કેટલાક દેશોમાં જુદા જુદા પ્રકારની પદ્ધતિઓ વિકસાવવામાં આવી અને હજી આજે પણ વિવિધ તક્નીકો વિકસાવાઈ રહી છે. રાસાયણિક અભ્યાસ માટે ભૂપૃષ્ઠને શિલાવરણ, જમીનાવરણ, જલાવરણ, જીવાવરણ (વનસ્પતિ) અને વાયુઆવરણ જેવા વિભાગોમાં વહેંચી દઈ તે તે મુજબ ખડક-રાસાયણિક, જમીનરાસાયણિક, જલરાસાયણિક, જૈવ રાસાયણિક અને વાયુરાસાયણિક પદ્ધતિઓ અખત્યાર કરવામાં આવે છે. ભૂરાસાયણિક પદ્ધતિઓ પૈકી વિશેષે કરીને જમીન, જળ અને વનસ્પતિનાં પૃથક્કરણો દ્વારા અષ્ટ ખનિજસંપત્તિની ખોજ કરી શકાય છે. આ રીતે સોનું, ચાંદી, તાંબું, સીસું, જસત વગેરે જેવા ધાતુખનિજ-નિક્ષેપો તેમજ ખનિજતેલ-વાયુની ભાળ મેળવી શકાય છે. ખનિજ-નિક્ષેપોનાં સંકેન્દ્રણો અને હાઇડ્રૉકાર્બન-સંચયસ્થાનો જ્યાં હોય ત્યાંના ભૂપૃષ્ઠ પરનાં જળ, જમીન અને વનસ્પતિના નમૂનાઓ પરથી ચાવીરૂપ તત્વો જાણીને તે તે ખનિજોની પ્રાપ્તિસ્થિતિનો તાગ મેળવી શકાય છે; દા.ત., કેટલાંક તત્વોનો સંકેત મળે તો તે ચાવીરૂપ પથદર્શક બની રહે છે; જેમ કે આર્સેનિક સુવર્ણનિક્ષેપો માટે; કોબાલ્ટ નિકલ અથવા આર્સેનિક ચાંદીનિક્ષેપો માટે અને મોલિબ્ડિનમ તાંબાનિક્ષેપો માટે પથદર્શક સાબિત થાય છે.

સપાટીજળ પોપડાના ખડકોમાંથી નીચે ઊતરતું જાય તેમ તેમ ખનિજદ્રવ્યોના સંપર્કમાં આવતું જઈ દ્રાવણો બનાવે છે. તેમાં વિવિધ આયનો ભળે છે. સપાટી-જળપરિવાહ અને ભૂગર્ભીય જળ તેમાં ભળી ફરતાં રહે છે. નદીજન્ય નિક્ષેપોમાં અને જમીનોમાં પણ આયનો શોષાય છે. જમીનો પર ઊગતી વનસ્પતિ તેમની જરૂરિયાત મુજબ આયનોનું શોષણ કરે છે. આમ નદીજન્ય, પંકભૂમિજન્ય, સરોવરજન્ય, કાંપજન્ય નિક્ષેપોમાં, જમીનોમાં તેમજ જળમાં અને વનસ્પતિમાં તત્વોના અંશો જળવાયેલા રહે છે; તેમની હાજરી જળ, જમીન અને વનસ્પતિના નમૂનાઓના રાસાયણિક પૃથક્કરણ પરથી જાણી શકાય છે. આ સંકેતો તે તે સ્થાનમાં ખનિજનિક્ષેપો કે અન્ય સંપત્તિના અસ્તિત્વનો નિર્દેશ કરી જાય છે. ભૂરાસાયણિક સર્વેક્ષણ દરમિયાન ખનિજવિસ્તારના પ્રમાણ મુજબ નિયત અંતરેથી વ્યવસ્થિત રીતે જળ, જમીન અને વનસ્પતિના નમૂનાઓ એકત્રિત કરી તેમના પૃથક્કરણ દ્વારા આંશિક તત્વોની તેમાં રહેલી હાજરી જાણી શકાય છે.

દુનિયાના બધા જ દેશોમાં ટુન્ડ્ર પ્રદેશોથી માંડીને અયનવૃત્તો સુધીના પ્રદેશોમાં ખોજ-સંશોધનાર્થે ભૂરાસાયણિક સર્વેક્ષણ-પદ્ધતિ અપનાવવામાં આવે છે. આ પદ્ધતિ તદ્દન અલ્પમાત્રા ધરાવતા કે ઊતરતી કક્ષાના સોના, તાંબા, નિકલ, સીસા, જસત તેમજ અન્ય ધાતુઓના વિસ્તૃત નિક્ષેપોની ખોજ કરી આપવામાં પણ સફળ નીવડી છે. ભૂગર્ભજળમાં, જમીનઆવરણોમાં કે હિમનદીજન્ય નિક્ષેપોમાં રહેલા હાઇડ્રોકાર્બનનું પ્રમાણ પણ જાણી શકાય છે, એટલું જ નહિ, સમુદ્રતળ પરની કણજમાવટમાં રહેલા હાઇડ્રોકાર્બનનું પ્રમાણ જાણીને ત્યાંના તેલભંડારોની ખોજ કરવામાં પણ આ પદ્ધતિઓ અખત્યાર કરવામાં આવી છે. ભૂસ્તરીય અને ભૂભૌતિક નિરીક્ષણ ઉપરાંત ભૂરાસાયણિક નિરીક્ષણની મદદથી હિમક્ષેત્રો કે ખડક-આવરણથી ઢંકાયેલાં ખનિજ સંકેન્દ્રણોની ખોજ સરળ થઈ પડે છે. આજના આધુનિક યાંત્રિકીકરણના જમાનામાં આંકડાકીય, કમ્પ્યૂટર તેમજ દૂરસંવેદન તકનીકો તમામ પ્રકારના સર્વેક્ષણમાં ઝડપી પુરવાર થઈ છે, તદુઉપરાંત Pb204, Pb206, Pb207, Pb208 અને S32, S34 સમસ્થાનિકો પરથી પણ  આ ક્રિયામાં વેગ આવ્યો છે.

ગિરીશભાઈ પંડ્યા