ભૂદાન : ગાંધીવાદી માર્ગે, ખેતી હેઠળની જમીનની ન્યાયસંગત પુનર્વહેંચણી કરવા માટેનું વિનોબાજી-પ્રેરિત આંદોલન. આઝાદી પછીના ગાળામાં તેલંગણ(આંધ્રપ્રદેશ)ના સામ્યવાદીઓએ મોટા જમીનદારોની જમીન બળજબરીથી આંચકી ગરીબ ખેડૂતોમાં વહેંચવાની પ્રવૃત્તિ આદરી હતી. તે વેળા શિવરામપલ્લીના સર્વોદય સંમેલનમાંથી પદયાત્રા કરતાં પાછા ફરતાં વિનોબા ભાવે 15મી એપ્રિલ 1951(રામનવમી)ના દિવસે સામ્યવાદી નેતાઓને જેલમાં જઈને મળ્યા અને હિંસાનો માર્ગ છોડી લોકમતને શિક્ષિત કરવાનો માર્ગ અપનાવવા જણાવ્યું. એમની યાત્રા આગળ ચાલી. 18મી એપ્રિલ 1951ના રોજ પોચમપલ્લી ગામમાં ગયા. ત્યાંની સભામાં કેટલાક હરિજનોએ રોટલો રળવા 80 એકર (32.4 હેક્ટર) જમીનની માગણી કરી હતી. વિનોબાએ સાંજની સભામાં એ વાત મૂકી દાન માટે અપીલ કરી. તેના જવાબમાં રામચંદ્ર રેડ્ડી નામના જમીનદારે પોતાની જમીનમાંથી 100 એકર (40.5 હેક્ટર) જમીનનું દાન કર્યું. ત્યારથી ભૂદાન-યજ્ઞનો આરંભ થયો. તે પછીની 51 દિવસની પદયાત્રા દરમિયાન તેમને 200 ગામોમાંથી 12,000 એકર (48,00.00 હેક્ટર) જમીન દાનમાં મળી.

એવામાં પંડિત નહેરુ તરફથી આયોજન પંચ સાથે ચર્ચાવિચારણા કરવા દિલ્હી આવવાનું વિનોબાને આમંત્રણ મળ્યું. એટલે 12મી સપ્ટેમ્બરે પદયાત્રા કરતાં અને ભૂદાનની ટહેલ નાખતાં તેઓ દિલ્હી જવા નીકળ્યા. એમાં પણ રોજની સરાસરી 300 એકર (121.50 હેક્ટર) જમીન દાનમાં મળવા લાગી. 1951ની ગાંધીજયંતીને દિવસે વિનોબાએ 1957 સુધીમાં દેશની કુલ ખેડાણની જમીનનો છઠ્ઠો ભાગ અર્થાત્ 5 કરોડ એકર (2,02,50,000 હેક્ટર) જમીન દાનમાં મેળવવાનો નિર્ધાર જાહેર કર્યો. આયોજન પંચ સાથે ચર્ચાવિચારણા કરી વિનોબાએ ફરી પદયાત્રા આરંભી.

આમ વિનોબા ભૂદાન આંદોલન શરૂ કરી દેશનાં દૂર-દૂરનાં ગામોમાં લગભગ પાંચેક હજાર દિવસ ફર્યા અને 92.6 હજાર કિમી. (પચાસ હજાર માઈલ)ની યાત્રા કરી. એમણે નિર્ધારેલા 5 કરોડ એકર (2,02,50,000 હેક્ટર) જમીનપ્રાપ્તિના લક્ષ્યાંક સામે એમને લગભગ 50 લાખ એકર (20,25,000 હેક્ટર) જમીન એ દરમિયાન મળી અને હજારો ગ્રામદાનમાં મળ્યાં. 1975 સુધીના આંકડા પ્રમાણે એમાંથી 12,85,738 એકર (5,20,723.89 હેક્ટર) જમીનની જ ફક્ત વહેંચણી થઈ; પણ આ આંદોલન દ્વારા સ્વૈચ્છિક રીતે જેટલી જમીન ભૂમિહીનોમાં વહેંચાઈ એટલી જમીન સરકાર દ્વારા કે કોઈ પણ રાજકીય પક્ષ દ્વારા વહેંચી શકાઈ નથી. વળી ભૂદાન દ્વારા જમીન દાનમાં આપવાની જે હવા દેશમાં પેદા થઈ તેનો રાજકીય ઇચ્છાશક્તિને અભાવે લાભ ન લઈ શકાયો. વળી આ આંદોલન દ્વારા અનેક ત્યાગી, નિ:સ્વાર્થ કાર્યકર્તાઓ પેદા થયા. જયપ્રકાશ નારાયણ પણ તેમાં જોડાયા હતા. ભૂદાન-યજ્ઞ આંદોલનને વિનોબાએ આરોહણ કહ્યું છે. એ માટે એમણે સૂત્ર આપ્યું હતું : અંત:શુદ્ધિ, બહિર્-શુદ્ધિ, શ્રમ, શાંતિ, સમર્પણ. અને કહ્યું કે સૌની પાસે આપવા માટે કંઈ ને કંઈ છે. કોઈ જમીન આપે, કોઈ સંપત્તિ આપે, કોઈ બુદ્ધિદાન કરે, કોઈ શ્રમદાન કરે. વળી દાનની વ્યાખ્યા પણ શંકરાચાર્યની વ્યાખ્યા પ્રમાણે તેમણે કરી : દાનં સવિભાગં. આ દેશની યજ્ઞ, દાન અને તપની સંસ્કૃતિને અનુરૂપ વિનોબાએ ભૂદાન આંદોલનનાં વિવિધ પાસાં વિકસાવ્યાં અને પંચશક્તિ (જનશક્તિ, સજ્જનશક્તિ, વિદ્વદ્જનશક્તિ, મહાજનશક્તિ અને શાસનશક્તિ)ના સહયોગ દ્વારા શાંત અહિંસક ક્રાંતિ સર્જી દેશનો આર્થિક, સામાજિક અને નૈતિક ઉત્કર્ષ સાધવાનું ભગીરથ કાર્ય હાથ ધર્યું હતું અને આ રીતે તેઓ ગ્રામસ્વરાજ અને અહિંસક સમાજરચનાના ગાંધીજીના સ્વપ્નની સિદ્ધિમાં જીવનભર મંડ્યા રહ્યા. આમ ભૂદાને રાષ્ટ્ર-નવનિર્માણમાં બહુમૂલ્ય ફાળો આપ્યો છે.

રમણભાઈ મોદી