ભૂતિયું ફૂદું

January, 2001

ભૂતિયું ફૂદું : તલના પાકને ઉપદ્રવકારક ફૂદાની જાતનો એક કીટક. તે ઍચેરૉન્ટિયા સ્ટિક્સ (Acherontia styx West)ના વૈજ્ઞાનિક નામે ઓળખાય છે. તેનો સમાવેશ રોમપક્ષ (Lepidoptera) શ્રેણીના સ્ફિન્જિડી (Sphingidae) કુળમાં થાય છે. આ ફૂદું મોટું, બિહામણું અને કાળાશપડતા રંગનું હોવાથી તે ભૂતિયા ફૂદા તરીકે ઓળખાય છે. પુખ્ત કીટક કાળાશપડતા રાખોડી રંગનો અને ભૂરી છાતીવાળો હોય છે. તેનો ઉદરપ્રદેશ પીળા રંગનો અને કાળા પટ્ટાવાળો હોય છે. માદા કીટકમાં આવા પાંચ કાળા પટ્ટાઓ હોય છે, જ્યારે નર કીટકમાં છ હોય છે. તેની આગળની પાંખો કાળાશપડતા ભૂખરા રંગની અને પાછળની પાંખો પીળી તથા કાળી લીટીઓવાળી હોય છે. નર અને માદા કીટક અનુક્રમે 41 અને 46 મિમી. જેટલી લંબાઈના અને ખુલ્લી પાંખો સાથે 95 થી 110 મિમી. પહોળા હોય છે. આ જીવાતની માદા ફૂદી પાન પર ગોળ અને પીળાશપડતા લીલા રંગનાં એકલદોકલ ઈંડાં મૂકે છે. ઈંડા-અવસ્થા 2 થી 5 દિવસની હોય છે. તરતની નીકળેલી નાની ઇયળ આછા પીળા રંગની હોય છે. પુખ્ત ઇયળ રંગે લીલી, મજબૂત બાંધાની, 90 મિમી. જેટલી લાંબી, ખરબચડી ચામડીવાળી હોય છે. આ ઇયળના ઉદરપ્રદેશના છેવટના ખંડો પર પાછળના ભાગે એક પીળાશપડતો કાંટો (horn) હોય છે. ઇયળના શરીરની બાજુ પર 8 પીળા પટ્ટાઓ હોય છે. ઇયળ-અવસ્થા 2 થી 3 અઠવાડિયાંમાં પૂર્ણ થતાં ઇયળ જમીનમાં જ માટીના  કોચલામાં કોશેટો બનાવે છે. શિયાળાની ઋતુમાં તે કોશેટા-અવસ્થામાં જ રહે છે. વર્ષમાં તેની એક જ પેઢી જોવા મળે છે.

ઇયળ-અવસ્થા દરમિયાન આ કીટક તલનાં પાન પુષ્કળ પ્રમાણમાં ખાઈને છોડને ઝાંખરા જેવો બનાવી દે છે. વધુ ઉપદ્રવ હોય તો ફક્ત પાનની નસો જ બાકી રહે છે. પુખ્ત કીટક ઘણી વખત મધમાખીના મધપૂડામાં દાખલ થઈ પોતાની લાંબી સૂંઢ વડે તેમાંનું મધ ચૂસે છે.

આ જીવાતની ઇયળો પ્રમાણમાં કદમાં મોટી હોવાથી શક્ય હોય ત્યાં હાથથી વીણી લઈ તેનો નાશ કરાય છે. એગીઓમેટ્સ ઍચેરૉન્ટી અને એપેન્ટીલસ ઍચેરોન્ટી – અનુક્રમે ઈંડાં અને ઇયળના પરજીવીથી કુદરતી રીતે આ જીવાતનું નિયંત્રણ થતું હોય છે. વધુ ઉપદ્રવ વખતે મિથાઈલ પ્ટેરાથીઓન 2 % ભૂકી હેક્ટરે 20 કિગ્રા. પ્રમાણે છાંટવાથી સારું નિયંત્રણ થાય છે.

પરબતભાઈ ખી. બોરડ

ધીરુભાઈ મનજીભાઈ કોરાટ